Editorial

રાજકીય પક્ષો અને નેતાઓની હૂંસાતૂંસીએ બિહારના મતદારને હાંસિયામાં ધકેલ્યો છે

By GS TEAM
10 Nov 20253 mins read
રાજકીય પક્ષો અને નેતાઓની હૂંસાતૂંસીએ બિહારના મતદારને હાંસિયામાં ધકેલ્યો છે

- ટુ ધ પોઇન્ટ - અજિત પોપટ

૧૯૧૫માં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી સ્વદેશ પાછા ફર્યા. સ્વાતંત્ર્ય સંગ્રામ શરૂ કરતાં પહેલાં તેમણે એક વરિષ્ઠ નેતાની સલાહથી દેશ આખાનો પ્રવાસ આદર્યો. ટ્રેનના ત્રીજા વર્ગના કમ્પાર્ટમેન્ટમાં પ્રવાસ કરતા હતા. એ સમયે હજુ પૂરો પોષાક પહેરતા હતા. એક અનુભવ પછી એમણે પોતડી પહેરવાનો નિર્ણય કર્યો એમ કહીએ તો એ અતિશયોક્તિ સત્યની જ ગણાય. બિહારના ચંપારણ જિલ્લામાં બાપુ ફરતા હતા. લોકો બાપુને યથાશક્તિ ફંડફાળો આપી રહ્યા હતા. એક વૃક્ષ પાછળથી કોઇ કૃશ મહિલાનો હાથ દેખાયો. એ મહિલા બાપુને પોતાની સાડી દાનમાં આપવા માગતી હતી. બાપુએ ધન્યવાદ વ્યક્ત કરતાં એ મહિલાને વૃક્ષ પાછળથી બહાર આવવાની વિનંતિ કરી. એ મહિલાએ બહાર આવવાની અશક્તિ વ્યક્ત કરતાં કહ્યું કે મારી પાસે આ એક જ સાડી હતી. એ મેં પહેરી હતી. પહેરેલી સાડી મેં તમને આપી દીધી. હવે ઝાડની પાછળથી બહાર આવી શકું એમ નથી. ગાંધીજી સ્તબ્ધ થઇ ગયા. આ મહિલા બાપુને પોતાનું સર્વસ્વ આપી રહી હતી. સુદામાએ કૃ્ષ્ણને પાડોશી પાસેથી ઉધાર લાવેલી તાંદુલની પોટલી આપેલી. એ સિવાય એની પાસે કશું નહોતું. આ મહિલા પાસે પોતે પહેરેલી સાડી સિવાય બીજું કશું નહોતું.

આ ઘટના યાદ આવવાનું કારણ શું? હાલ ચાલી રહેલી બિહાર વિધાનસભાની ચૂંટણી. કયો પક્ષ જીતે છે અને કોણ મુખ્ય પ્રધાન બને છે એ હકીકત ગૌણ છે. બિહારની ગરીબ અને દરિદ્ર પ્રજાને કોણ કેટલે અંશે રોટી, કપડા,ં મકાન આપે છે એ મહત્ત્વનું છે. એક સમયે લાલુ યાદવે એવી ડંફાસ મારી હતી કે હું હેમા માલિનીના ગાલ જેવી સડકો બનાવી આપીશ. એવી સડકો તો બની નહીં, ઊલટું ગાયભેંસોનો ચારો પણ લાલુ ચરી ગયા. આજે વિધિની વક્રતા જુઓ. હાલની ચૂંટણીના પ્રચારમાં ખુદ લાલુના પુત્રો તેજસ્વી અને તેજપ્રતાપ પોતાની પ્રચાર સભાઓમાં પિતાનું નામ પણ લેતા નહોતા કે પિતાને હાજર પણ રાખતા નહોતા. કોંગ્રેસના ટોચના નેતા અને માતા-પુત્રની જેમ લાલુનો પરિવાર પણ હાલ જામીન પર છે.

બીજા નેતાઓ કેવા છે? ચિરાગ પાસવાન પિતા રામવિલાસ પાસવાનના નામે ચૂંટણીની વૈતરણી તરી જવા થનગની રહ્યા છે. પપ્પુ યાદવ, કોંગ્રેસી નેતાઓ અને અન્યો મહાગઠબંધન કરીને જીતવાના પ્રયાસોમાં છે.  રંગ (પાટલી કે પક્ષ એમ વાંચો) બદલવામાં કાચિંડાનેય શરમાવે એવા ભરાડી નેતા નીતિશકુમાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કરિશ્માથી જીતવાનાં શમણાં સેવે છે. અહીં જાતિ-જ્ઞાાતિવાદ ચરમસીમાએ છે. અસદુદ્દીન ઓવૈસીએ રાજ્યના સરહદી વિસ્તારો પસંદ કર્યા છે. પાકિસ્તાન કે બાંગ્લાદેશથી ઘુસી આવતા લોકો સરહદી વિસ્તારોમાં વધુ હોય એ ગણતરી ઓવૈસીની હોય એ સમજી શકાય છે. તાજેતરમાં ઉત્તર પ્રદેશની સેન્ટ્રલ જેલમાંથી બહાર આવેલા ઉત્તર પ્રદેશના માફિયા આઝમ ખાને બિહારના પ્રવાસે નીકળતાં પહેલાં યોગી આદિત્યનાથને પડકારતો હોય એમ મીડિયાને કહેલું, ઉત્તર પ્રદેશનો સૌથી મોટો માફિયા ડોન હું છું. મારી પાસે કોઇ હથિયાર નથી. હું હથિયાર વિના બિહાર જવાનો છું. મારે પણ જંગલ રાજને મુક્ત કરાવવું છે. 

આ બધાંમાં બિહારનો મતદાર ક્યાં છે? ગમે તે પક્ષ કે નેતા જીતે મતદારો અર્થાત્ આમ આદમીને શો લાભ મળશે એ અત્યારે કહેવું મુશ્કેલ છે. ચૂંટણી ટાણે હિમાલય પર્વત જેવા મોટ્ટામોટ્ટાં વચનોની લહાણી કરતા પક્ષો અને નેતાઓ ચૂંટણી પછી અલ્લાઉદ્દીનના જાદુઇ ચિરાગના જીનની જેમ અલોપ થઇ જાય છે. દેશનો દરેક નાગરિક આ વાત હવે બરાબર સમજે છે. મતદારો મૂર્ખ કે ભૂલકણા છે એવું માનતા નેતાઓ અને પક્ષો ખાંડ ખાય છે. આજે ઇન્ટરનેટના યુગમાં મતદારો બધું બરાબર સમજે છે. દુનિયાભરની ઘટનાઓ-ખબરોથી વાકેફ રહે છે. બિહારની ચૂંટણી માટે આટલું બસ. જોતજોતાંમાં પરિણામો આવી જવાનાં. મહાગઠબંધનને વિજય નહીં મળે તો ઇલેક્ટ્રોનિક મશીનમાં ગોલમાલ થઇ છે અને વોટચોરી થઇ છે એવો ગોકીરો તેઓ મચાવી દેશે.