Editorial

પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરવાનું પોલિટિશિયનોને ફાવી ગયું લાગે છે

By GS TEAM
8 Sep 20253 mins read
પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરવાનું પોલિટિશિયનોને ફાવી ગયું લાગે છે

- ટુ ધ પોઇન્ટ - અજિત પોપટ

- કોઇ અનુભવી ડોક્ટરને ત્યાં આઠ-દસ વરસ કમ્પાઉન્ડર તરીકે કામ કર્યા બાદ કેટલાક ડાહ્યા યુવાનો પોતે રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનરનું સટફિકેટ લગાડીને ડોક્ટર બની બેસે છે

લગભગ દર બીજા દિવસે એવા સમાચાર પ્રગટ થતા રહ્યા છે કે ફલાણા ગામમાં બની બેઠેલા ડોક્ટરે ઇંજેક્શન આપતાં બાળકનું મોત... ડોક્ટરને બદલે ભુવા પાસે સારવાર માટે લઇ જતાં બીમાર વ્યક્તિનું મોત! ૨૦૨૫ના માર્ચમાં પ્રગટ થયેલા સમાચાર મુજબ એકલા સૂરતમાં સંખ્યાબંધ બોગસ ડોક્ટર્સ ઝડપાયા હતા. મોટે ભાગે ગામડાંઓમાં દસમું બારમું ભણેલા 'ડોક્ટર્સ' પ્રેક્ટિસ કરવા માંડે છે અને એમને હાથે બકરું કાઢતાં ઊંટ પેસી જાય એવા બનાવો બનતા રહે છે.

સ્ટેટિસ્ટીક્સ ટાઇમ્સ ડોટકોમના આંકડા મુજબ, હાલ ગુજરાત રાજ્યમાં આશરે સાત કરોડ પાંત્રીસ લાખની વસતિ છે. એમાં એલોપથી, હોમિયોપથી, આયુર્વેદ અને યુનાની સારવાર પદ્ધતિની ડિગ્રી ધરાવતા ચિકિત્સકો કેટલા? ગુજરાત મેડિકલ કાઉન્સિલના ૨૦૨૪ના આંકડા મુજબ ગુજરાત રાજ્યમાં એલોપથીની ડિગ્રી ધરાવતા ૭૯,૧૬૯ ડોક્ટર છે. આયુર્વેદના ઉપાસકોનો આંકડો ઉપલબ્ધ નથી. એને બદલે એવો જવાબ મળે છે કે ગુજરાત રાજ્યમાં આયુર્વેદની ડિગ્રી માટેની કોલેજોમાં ૨૩૦૦ બેઠકો છે. કાઉન્સિલ આફ હોમિયોપથીક સિસ્ટમ ઓફ મેડિસીનના આંકડા મુજબ ૧૨ હજાર ડોક્ટરો હોમિયોપથીની ડિગ્રી ધરાવે છે.

રાજ્ય સરકારે ક્લિનિકલ એેસ્ટાબ્લિશમેન્ટ એક્ટ બનાવ્યો છે અને એ અમલમાં હોવાના દાવા કરાય છે. હકીકતમાં હજારો, વાંચો ફરીથી હજારો કહેવાતી (એટલે કે અનરજિસ્ટર્ડ) હાસ્પિટલો, નસગ હોમ્સ અને પ્રસૂતિ ગૃહો ધમધમે છે. સરકારના પેટનું પાણી હાલતું નથી. ખ્યાતિ કાંડ જેવા બનાવો અવારનવાર બનતા રહે છે. થોડો સમય હો-હા થાય છે. પછી બધું ભૂલાઇ જાય છે. શાસક પક્ષને વિકાસની મોટી મોટી વાતો કરવામાંથી નવરાશ મળતી નથી.

એક મુદ્દો બીજો પણ વિચારવા જેવો છે. ચીન કે જાપાનમાં ઊઘાડપગા ડોક્ટરો ગામેગામ ફરીને જરૂરતમંદ લોકોની સેવા કરે છે. આપણે ત્યાં સરકારી મદદથી કે બીજી સંસ્થાઓની આથક સહાયથી ડોક્ટર બનતા યુવાનો ગામડાંમાં જવા તૈયાર નથી. કાયદેસરનું બોન્ડ લખી આપ્યા પછી પણ યુવા પેઢીને ગામડાંમાં પ્રેક્ટિસ કરવામાં રસ નથી. સરકારી મદદનો અસલી અર્થ મારા-તમારા જેવા નાગરિકોના પૈસે આ યુવાનો ભણે છે. સરકાર કયો વેપલો કરવા ગયેલી કે આથક મદદ કરે? શહેરોમાં તગડી કમાણી કરવાની તક હાથવગી હોય છે. એમાંય કોરોના કાળ પછી એક એવી છાપ લોકમાનસમાં પડી ગઇ છે કે ડોક્ટરોને દર્દી સાજો થાય એના કરતાં કેટલી ફી મળે છે એમાં વધુ રસ હોય છે. કેટલીકવાર તો દર્દી મરણ પામે ત્યારે હોસ્પિટલો ત્રાંગું કરે છે કે પહેલાં બિલ ચૂકવો પછી ડેડબોડી મળશે. માનવતા ગઇ ધૂળ ચાટવા!

આવા સંજોગોમાં કોઇ અનુભવી ડોક્ટરને ત્યાં આઠ-દસ વરસ કમ્પાઉન્ડર તરીકે કામ કર્યા બાદ કેટલાક ડાહ્યા યુવાનો પોતે રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનરનું સટફિકેટ લગાડીને ડોક્ટર બની બેસે છે. દાક્તરી ડિગ્રીઓ વેચાતી મળે છે એવું પણ કહેવાય છે. આમ છતાં રાજ્ય સરકારને પોતે ઘડેલા ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ કાયદાનું કડક પાલન કરાવવાનો ટાઇમ નથી. ચૂંટણી ટાણે મતદારો સમક્ષ મુજરા કરતા આ નેતાજીઓને મતદારોના સ્વાસ્થ્યની લગીરે ચિંતા નથી. 

કેટલીક વાર એવું જોવા મળે છે કે પ્રસિદ્ધ નસગ હોમમાં ડોક્ટર કે નર્સ હાજર ન હોય ત્યારે વોર્ડબોય કે સફાઇ કર્મચારી કેટલીક ફરજ બજાવે છે. આવાં નસગ હોમ કે પ્રસૂતિ ગૃહ સામે ક્યારેય શિક્ષાત્મક પગલાં લેવાયાં હોવાનું સાંભળ્યું નથી. આવું ક્યાં સુધી ચાલશે? સવાલનો જવાબ આ રહ્યો - જ્યાં સુધી આપણે સૌ નાગરિકો જાગૃત નહીં થઇએ ત્યાં સુધી. 'સિંઘમ' કે 'ગબ્બર ઇઝ બેક' જેવી ફિલ્મો જોઇએ ત્યારે થિયેટરના અંધકારમાં આપણામાં જુસ્સો પ્રગટ થઇ જાય. પણ જેવા ફિલ્મ જોઇને બહાર નીકળીએ કે પાછા હતા તેવા ને તેવા. લોકો પોતે જાગ્રત ન હોય ત્યારે આવું ચાલ્યા કરે. બોલનારા બોલે, યે તો આગુ સે ચલી આતી હૈ....