ભારતીય સંસ્કૃતિની કોઇ પણ વાત ગુરુ વિના અધૂરી છે

- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
ગુરુવારે અષાઢી પૂનમ છે. આપણે આ પવિત્ર પર્વને ગુરુ પૂણમા તરીકે ઊજવીએ છીએ. ભારતીય સંસ્કૃતિમાં ગુરુનો મહિમા બહુ મોટો છે. બળવાખોર ગણાયેલા ભક્ત કવિ કબીરે તો એટલી હદે કઇ દીધું કે, 'ગુરુ ગોવિંદ દોનોં ખડે, કિસ કો લાગું પાય, બલિહારી ગુરુ આપ કી કે ગોવિંદ દિયો દિખાય...' તો ગુજરાતી ભાષાના બળવાખોર ભક્ત કવિ અખાને નામે એવું કથન ચઢી ગયું છે કે, 'ગુરુ તારો થા તું જ!' જીવનના કોઇ પણ ક્ષેત્રની વાત કરો, ગુરુ-શિષ્યનો સંબંધ સામે આવશે. ક્રિકેટનું સૌને ઘેલું છે. ક્રિકેટના ભગવાન ગણાયેલા સચિન તેંડુલકરની બેટિંગ યાદ કરો એટલે એના ગુરુ રમાકાંત આચરેકર યાદ આવે. કુસ્તીબાજ દારા સિંઘને યાદ કરો એટલે એના ગુરુ સતપાલ પહેલવાન યાદ આવે.
હજારો વરસથી આપણે ત્યાં ગુરુ પૂજ્ય રહ્યા છે. ગ્રહ નક્ષત્રની વાત કરીએ તો ગુરુ સૌથી મોટો ગ્રહ છે. દેવોના ગુરુ તરીકે બૃહસ્પતિનું નામ અપાય છે. બૃહસ્પતિ એટલે ગુરુ. દાનવોના ગુરુ શુક્રાચાર્ય. ગુરુ પછી શુક્ર આવે છે. ભગવાન શ્રી રામના ગુરુ વિશ્વામિત્ર, ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામના ગુરુ સાંદિપની. આખ્યાનકાર પ્રેમાનંદે આ બંને ભાઇઓની ગ્રહણશક્તિને બિરદાવતાં 'સુદામા ચરિત્ર'માં લખ્યું છે- 'ચોસઠ દા'ડે ચૌદે વિદ્યા શીખ્યા બેઉ ભાઇ, ગુરુસુત ગુરુદખણામાં આપી, વિઠ્ઠલે લીધી વિદાય...'
કેટલાક ગુરુની પ્રકૃતિ અલગ જોવા મળી છે. 'તું મારી પાસે જૂઠ્ઠું બોલ્યો. તેં મને છેતરીને વિદ્યા પ્રાપ્ત કરી છે. ખરે ટાણે તારા રથનું પૈડું ધરતી ગ્રસી જશે...' એવો શાપ પરશુરામે દાનેશ્વરી કર્ણને આપેલો. વેદવ્યાસે મહાભારતમાં લખ્યું છે કે એ શાપના કારણે જ અર્જુન સામે કર્ણ હાર્યો. બાકી કર્ણને જીતી શકાય એવું નહોતું. એ જ રીતે દુર્યોધન અને ભીમ બંને ગદાયુદ્ધમાં બલરામના શિષ્ય. ભગવાન કૃષ્ણની સહાય ન હોત તો ભીમ કદાચ દુર્યોધનને જીતી ન શક્યો હોત. ભગવાનની સલાહ મુજબ ભીમે પ્રહાર કર્યો ત્યારે ભીમે અધર્મ આચર્યો છે એમ કહીને એના ગુરુ બલરામ ક્રોધિત થયા હતા.
આજે જોકે ફક્ત ભારતીય સંગીત અને રમત ગમતના કેટલાક પ્રકારો (ક્રિકેટ, કુસ્તી વગેરે)માં ગુરુનું નામ આદરપૂર્વક લેવાય છે. સિતારનવાઝ પંડિત રવિશંકરના ગુરુ ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાન, બાંસુરીસમ્રાટ પંડિત હરિપ્રસાદ ચૌરસિયાના ગુરુ (ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાનનાં પુત્રી) શ્રીમતી અન્નપૂર્ણાદેવી, પંડિત ભીમસેન જોશીના ગુરુ પંડિત રામભાઉ કુંદગોળકર (સવાઇ ગંધર્વ).... એમાંય ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાન તેમજ સવાઇ ગંધર્વ સોટી વાગે ચમચમ વિદ્યા આવે રુમઝુમમાં માનનારા ગુરુ. ઉસ્તાદ અલી અકબર ખાનના કહેવા મુજબ એમના પિતા ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાન ગુસ્સે થાય ત્યારે લાકડી ફટકારી દેતા.
શિષ્યોમાં પૂજ્ય મા તરીકે જાણીતાં અન્નપૂર્ણાદેવી એકવાર પંડિત હરિપ્રસાદ ચૌરસિયા પર ગુસ્સે થયાં ત્યારે તેમની પાસે લાકડી નહોતી. મા હરિપ્રસાદને સાથ આપવા તાનપુરો છેડી રહ્યા'તાં. એમણે તાનપુરો હરિપ્રસાદના માથે ફટકાર્યો. તાનપુરાના ટુકડા થઇ ગયા. હરિપ્રસાદે નમ્રતાથી એ ટુકડા મા સામે ધર્યો અને ક્ષમાયાચના કરી. પંડિત ભીમસેન જોશીનો અનુભવ જુદો હતો. એ મિયાં કી તોડી નામનો રાગ શીખી રહ્યા હતા. સામે બેસીને સવાઇ ગંધર્વ તબલા પર તાલ આપી રહ્યા હતા. ભીમસેનથી જરાક અમથી સરતચૂક થઇ. સવાઇ ગંધર્વે તબલામાં સૂર મેળવવાની હથોડી ભીમસેનને ઠોકી દીધી. સહેજ માટે ભીમસેનની આંખ બચી ગઇ પણ ત્યાં જખમનો કાયમી ડાઘ રહી ગયો.
અહીં એક ખાસ વાત નોંધવી છે. માત્ર ભારતીય સંસ્કૃતિ નહીં, દરેક ધર્મમાં ગુરુનો મહિમા સ્વીકારાયો છે. શીખોમાં તો દસ ગુરુ થઇ ગયા. દરેક ગુરુએ મુઘલો સામે જબરદસ્ત લડાઇ આપેલી. ગુરુ ગ્રંથસાહેબમાં દરેક સંતનાં પદો અને એ પદ કયા રાગમાં ગાવું એની પણ વિગત આપેલી છે. શીખો ગુરુ ગ્રંથસાહેબને આદરથી પ્રણામ કરે છે. ઇસાઇ ધર્મમાં ભગવાન ઇશુએ પોતાના શિષ્યો સાથે અંતિમ વાળુ કરેલું એવી સૂચક કથા છે. સૂફી ઇસ્લામમાં ઉસ્તાદ અને શાગિર્દનો સ્પષ્ટ ઉલ્લેખ છે. અષાઢી પૂનમે દરેકે પોતાના ગુરુને ભાવપૂર્વક યાદ કરીને વંદન કરવા ઘટે છે.









