Editorial

વોટ ચોરીનું રીડિયામણ સાચું, પણ વોટ ચોરી શરૂ ક્યાંથી થઇ, યાદ કરો...

By GS TEAM
7 Oct 20253 mins read
વોટ ચોરીનું રીડિયામણ સાચું, પણ વોટ ચોરી શરૂ ક્યાંથી થઇ, યાદ કરો...

- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

દિવાળી પછી ગમે ત્યારે બિહારમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. ત્યાર પછી આવતા વરસે એક કરતાં વધુ વિધાનસભાની ચૂંટણી યોજાશે. એમાં વિજયી થવા વિપક્ષો પોતાની પૂરેપૂરી તાકાત કામે લગાડી રહ્યા છે, પરંતુ પોતે જીતશે એવો આત્મવિશ્વાસ તેમનામાં નથી. 

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી આ વાત બરાબર સમજી ગયા છે એટલે તેમણે પોતાની વોટબેંક તગડી કરવાના જોરદાર પ્રયાસો આદરી દીધા છે. દૂર્ગાપૂજાના પંડાલો પર થઇ રહેલા હુમલા વોટ બેંક તગડી કરવાના પ્રયાસોનો એક હિસ્સો હતા. 

વિપક્ષો, ખરું પૂછો તો શંભુમેળો રઘવાયો થયો છે. ૨૦૧૪ અને ૨૦૧૯ વખતે આ બધા પક્ષોને એમ હતું કે ઠીક છે, આ એનડીએ કંઇ લાંબું ખેંચશે નહીં. પરંતુ આ તો જાણે ફેવિકોલ લઇને આવેલા. ૨૦૨૪ની ચૂંટણીમાં પણ જામી ગયા. છેલ્લી સંસદીય ચૂંટણીમાં પણ વિપક્ષો એનડીએને પરાજિત કરી શક્યા નહીં. હવે વિધાનસભાઓની ચૂંટણી પૂર્વસંધ્યાએ નવો દાવ અજમાવ્યો છે. એનડીએ વોટ ચોર છે, ચૂંટણી પંચને સાથે રાખીને લાખો મતોની ચોરી કરી છે એવા બેફામ આક્ષેપો કરવા માંડયા.

ચૂંટણી પંચે પડકાર ફેંક્યો કે કાં તો આક્ષેપ સાબિત કરો અને કોર્ટમાં જાઓ અથવા માફી માગો. કોર્ટમાં કેવી રીતે જવું? કોર્ટમાં તો સાંયોગિક કે સચોટ પુરાવા આપવા પડે. આક્ષેપ કરનારા કહે છે કે અમારી પાસે તો ઢગલાબંધ પુરાવા છે. તો પછી કોર્ટમાં કાં નથી જતા? 

અહીં મુંબઇ મહાનગર પાલિકાના ડેપ્યુટી કમિશનર ગોવિંગ રાઘવ ખૈરનાર યાદ આવે છે. એ ફેફસાંની પૂરી તાકાતથી ગર્જતા હતા કે મારી પાસે શરદ પવાર વિરુદ્ધ ટ્રક ભરીને પુરાવા છે. જ્યારે પુરાવા રજૂ કરવાની વાત આવી ત્યારે ખૈરનાર પાણીમાં બેસી ગયા. અત્યારે પણ એ રમતનું પુનરાવર્તન થઇ રહ્યું છે. પુરાવા છે પુરાવા છે એમ સમૂહગાન થઇ રહ્યું છે, પરંતુ પુરાવા રજૂ કરવાની તૈયારી કે શક્તિ નથી. 'પુરાવા છેની રામધૂન ગાયા કરે છે.

બાય ધ વે, વોટ ચોરીની શરૂઆત ક્યાંથી થઇ હતી એ રાહુલ ગાંધીને યાદ કરાવી દઇએ તો કેવું રહેશે? બહુ દૂર જવાની જરૂર નથી. ૧૯૭૦ના દાયકાની વાત  છે. દેશમાં ઇંદિરા ગાંધી વડા પ્રધાન હતા. અલાહાબાદ હાઇકોર્ટના ચુકાદા વિરુદ્ધ તેમણે સ્થાપેલી કટોકટી પછીની ૧૯૭૭ની ચૂંટણીમાં ઇંદિરાજી હારી ગયાં. કાવાદાવાની શતરંજ રમીને જનતા સરકારને પછાડયા બાદ તેમણે નવી ચૂંટણી યોજી. એ સમયે કલકત્તાથી પ્રગટ થતા એક અંગ્રેજી દૈનિકમાં અરુણ શૌરી નામે પત્રકાર-તંત્રી હતા. આ અરુણ શૌરીના પત્રકાર બહેન નામે નલિની સિંઘે એક સ્ટીંગ ઓપરેશન કરેલું. ઉત્તર પ્રદેશ એ સમયે એક વિરાટ રાજ્ય હતું. ઉત્તરાખંડ કે ઝારખંડ જેવા ટુકડા થયા નહોતા. ઉત્તર પ્રદેશમાં કેટલેક સ્થળે કોંગ્રેસી ઉમેદવારના માથાભારે પરિબળો આખી ને આખી મતપેટી ઊઠાવી જઇને બોગસ મતથી ભરી દેતા હતા એની વિડિયો ફિલ્મ નલિની સિંઘે ઊતારેલી. 

આ એ દિવસોની વાત છે જ્યારે આજની જેમ ડઝનબંધ ન્યૂઝ ચેનલો નહોતી. ઇન્ટરનેટ કે સોશિયલ મિડિયા નહોતું. ફક્ત દૂરદર્શન નામે સરકારી ટેલિવિઝન હતું. એના પર ભૂલથી કોઇ અધિકારીએ આ વિડિયો ફિલ્મ પ્રદશત કરી નાખી. કોંગ્રેસી મોવડીઓ (એટલે ઇંદિરા ગાંધી એમ વાંચો) ક્રોધથી રાતાપીળા થઇ ગયાં હતાં. બળપૂર્વક આ આખીય વાત દબાવી દેવામાં આવી. 

આ ફિલ્મ દેખાડવાની પરવાનગી આપનારા દૂરદર્શનના અધિકારીને રાતોરાત સેવામુક્ત કરી દેવામાં આવેલા. એમને મળવા જોઇતા પ્રોવિડન્ટ ફંડ વગેરે લાભ પણ અટકાવી દેવામાં આવેલા. આજની યુવા પેઢીને આ બધી વાતોની જાણ ન હોય એ સમજી શકાય એવી વાત છે.

લાલ ટોપીવાળા અખિલેશ યાદવને તો યાદ હોવું જ જોઇએ. એમના પિતા મુલાયમ સિંઘ યાદવે કેટલાક પત્રકાર મિત્રોની મદદ માગેલી. જરા ઇસ બાત મેં હમરા સાથ દો એવી વીનવણી પત્રકારોને કરેલી. ઇંદિરા ગાંધીના ભયે એ પત્રકારો આઘા ખસી ગયેલા. વોટ ચોરીની શરૂઆત આ રીતે થયેલી. ઇંદિરાજીના લાડકા પૌત્રને આ બધું ક્યાંથી યાદ હોય ? એટલે એ તો હાલના શાસક પક્ષ સામેની પોતાની વોટ ચોરીની રામધૂન બિહારની ચૂંટણી સુધી ગાતા રહેવાના.