Editorial

સાધ્વી પ્રજ્ઞા ઠાકુર કદાચ અતિશયોક્તિ કરતાં હશે, મુસ્લિમ પોલીસ અધિકારીના મંતવ્યનું શું ?

By GS TEAM
5 Aug 20253 mins read
સાધ્વી પ્રજ્ઞા ઠાકુર કદાચ અતિશયોક્તિ કરતાં હશે, મુસ્લિમ પોલીસ અધિકારીના મંતવ્યનું શું ?

- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

હિન્દુ કે ભગવા આતંકવાદના બૂમબરાડા પોકળ નીવડયા. આખુંય ષડયંત્ર બુઠ્ઠું સાબિત થયું. માલેગાંવ બોમ્બ વિસ્ફોટની વાત છે. ૨૦૦૬ના માલેગાંવ બોમ્બ વિસ્ફોટના તમામ કહેવાતા આરોપીઓને કોર્ટે પૂરતા પુરાવાના અભાવે છોડી મૂક્યા. 

મહારાષ્ટ્રમાં નાશિક નામે એક પવિત્ર તીર્થસ્થાન છે. નાશિક જિલ્લામાં માલેગાંવ નામનો વિસ્તાર છે. ૨૦૦૬ના સપ્ટેંબરની આઠમીએ શુક્રવારે શબ-એ-બરાત જેવો પવિત્ર દિવસ હતો. મુસ્લિમ બહુમતી વિસ્તારમાં એક દુર્ઘટના ઘટી. બપોરની નમાજ પછી મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં કેટલેક સ્થળે બોમ્બ વિસ્ફોટ થયા. ૪૫ વ્યક્તિએ જાન ગુમાવ્યા અને બીજા સવાસો  જણને નાની મોટી ઇજા થઇ. શરૂઆતમાં સિમી (સ્ટુડન્ટ્સ ઇસ્લામિક મુવમેન્ટ્સ ઓફ ઇન્ડિયા)એ આ વિસ્ફોટ કરાવ્યા હોવાની શંકા વ્યક્ત થઇ. પાછળથી અભિનવ ભારત નામની સંસ્થાના કાર્યકરો- ખાસ કરીને બ્રાહ્મણ હોય એવા થોડાકની ધરપકડ કરાઇ. ધરપકડ કરાઇ એવા લોકોમાં ભારતીય લશ્કરના કેટલાક અધિકારીઓ પણ હતા. આ તો વિશ્વના શ્રેષ્ઠ લશ્કરોમાં જેનું નામ ગૌરવભેર લેવાય છે એવા ભારતીય લશ્કરને બદનામ કરવાની ચાલ હતી. મહારાષ્ટ્રમાં એ વખતે કોંગ્રેસની (અભિનેતા રિતેશ દેશમુખના પપ્પા) વિલાસરાવ દેશમુખની સરકાર હતી. કેન્દ્રમાં ડોક્ટર 'મૌન'મોહન સિંઘની સરકાર હતી. કદાચ 'મૌન'મોહન સિંઘ આ બોમ્બ વિસ્ફોટ કોણે કરાવ્યા એ સત્ય જાણતા હતા, પરંતુ એમના મોઢે ખંભાતી તાળું લટકતું હતું. જેમની ધરપકડ કરાઇ એવા લોકોમાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનો પણ સમાવેશ થયો હતો. 

મુંબઇ હાઇકોર્ટના પટાવાળાથી કારકિર્દી શરૂ કરીને પાછળથી રાત્રિશાળા-કોલેજમાં અભ્યાસ કરીને પોલીસ ઇન્સ્પેક્ટર અને ત્યારબાદ કોંગ્રેસના નેતા તરીકે ઊભરેલા સુશીલકુમાર શિંદે અને અન્ય કેટલાક કોંગ્રેસીઓએ ભગવા આતંકવાદ તરીકે આ ઘટનાને વખોડી કાઢી. ભગવા આતંકવાદ એટલે બહુમતી હિન્દુ પ્રજા દ્વારા આ બોમ્બ વિસ્ફોટ કરાયો એવું અર્થઘટન હતું. તરત ભગવા આતંકવાદ વિશેનો પ્રચાર જોરશોરથી શરૂ કરાયો. મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન રહી ચૂકેલા દિગ્વિજય સિંહે પણ ભગવા આતંકવાદ વિશે ખાસ્સો પ્રચાર કર્યો. મીડિયાના કેટલાક હિસ્સાએ આ પ્રચારમાં ઘી હોમ્યું. સુશીલ કુમાર શિંદે મહારાષ્ટ્રના  અને કેન્દ્રના મહત્ત્વના હોદ્દાઓ ભોગવી ચૂક્યા છે અને વફાદાર કોંગ્રેસી નેતા છે.

નેશનલ ઇન્વેસ્ટિગેટીવ એજન્સી અને એન્ટિટેરરિસ્ટ સ્ક્વોડે પોતાની રીતે તપાસ કરી. ખાસ અદાલતમાં કેસ શરૂ થયો. ખાટલે મોટી ખોડ કે આ આખુંય ષડયંત્ર કોઇ ભેદી વ્યક્તિ કે સંસ્થાએ શરૂ કરેલું. એટલે તપાસ એજન્સીને જેમની ધરપકડ કરાઇ હતી એમની વિરુદ્ધ એક પણ પુરાવો ન મળ્યો. સચોટ કે નક્કર પુરાવા વિના અપરાધ શી રીતે પુરવાર થાય? આપણી અદાલતોમાં ચાલતા કેસ સદાય બળદગાડાની ઝડપે ચાલતા હોય છે. ક્યારેક વકીલો તારીખ માગે, ક્યારેક તપાસ એજન્સીઓ વધુ સમય માગે. એમ કરતાં કરતાં સત્તર વરસ વીતી ગયાં. મહારાષ્ટ્ર અને કેન્દ્ર, બંનેમાં આજે બિનકોંગ્રેસી સરકાર છે. તપાસ એજન્સીઓ સમજી ગઇ હશે કે હવે વધુ ખેંચવામાં સાર નથી. કેસનો ગોટો વળી ગયો. પુરાવાના અભાવે તમામ કહેવાતા આરોપીઓને અદાલતે છોડી મૂક્યા.

ખરી વિસ્ફોટક વિગતો હવે બહાર આવે છે. પ્રજ્ઞા ઠાકુરે એવો દાવો કર્યો કે મને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ આ ઘટનામાં સંડોવાયેલા છે એવું લખાણ આપો એવું હું માનતી નહોતી એટલે મને મારપીટ કરાતી હતી. આ વિધાન સમજો કે ખોટું કે અતિશયોક્તિપૂર્ણ  છે. પરંતુ આ ઘટનાની તપાસમાં મહત્ત્વની કામગીરી  બજાવનારા મુસ્લિમ પોલીસ અધિકારી મહેબૂબ મુજાવરે કરેલા દાવાનું શું? આ પોલીસ અધિકારીએ એવો દાવો કર્યો છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર એસ એસ)ના વડા મોહન ભાગવતને પકડી લો. મુસ્લિમ વિસ્તારમાં વિસ્ફોટ થયા હોવા છતાં અને મુસ્લિમોએ જાન ગુમાવ્યા હોવા છતાં મહેબૂબ મુજાવર પોતાની ફરજને વળગી રહ્યા. મોહન ભાગવતને પકડવાના આદેશને માન્યો નહીં. પ્રમોશન કે બીજા લાભ ગુમાવવા પડશે એવોય વિચાર આ પોલીસ અધિકારીએ કર્યો નહીં. આ માણસને આપણે સલામ કરવી જોઇએ. એ આપણી સલામના અધિકારી છે. 

આ સમગ્ર કાવતરું કોણે કર્યું એ કહેવાની જરૂર નથી. હવે તો કોમન મેન બધું જાણે છે, સંજોગોને પારખે છે અને સત્ય-અસત્ય સમજે છે.