આજના તરૂણો અને યુવાનોનાં આંખો, કાન, પેટ બધું નબળું પડી રહ્યું છે

- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
વિક્રમ સંવતના નવા વર્ષનો આરંભ થઇ ચૂક્યો છે. વેપારીઓએ નવા ચોપડામાં એન્ટ્રી કરવા માંડી છે. એવા સમયે ચિત્ત ક્યારેક ગ્લાનિ અનુભવે છે. કારણ? ગઇ દિવાળીથી આ દિવાળી સુધીના સમયગાળામાં અખબારોમાં પ્રગટ થયેલા કેટલાક સમાચારોની ઊડતી ઝલક જુઓઃ (૧)નવજાત શિશુની આંખોમાં મોતિયો, (૨)પાંચથી બાર વર્ષના બાળકોની દ્રષ્ટિ અવરોધાતી જોવા મળી, (૩)પંદરથી પચીસ વર્ષના તરુણો-યુવાનોને સાંભળવામાં થોડી તકલીફ અનુભવાય છે, (૪)નિયમિત જીમમાં જતાં હોવા છતાં યુવાનોમાં હાર્ટની સમસ્યા વધી રહી છે...
આ તો માત્ર ચાર-પાંચ સમસ્યાની ઊડતી ઝલક છે. આવું કેમ બન્યું? કૂમળાં પુષ્પ જેવાં બાળકો આટલી નાની ઉંમરે એક યા બીજી વ્યાધિનો શિકાર શી રીતે બની ગયા? જે બાળકો વ્યાધિગ્રસ્ત છે એમનાં માતાપિતા ઉપરાંત આપણા સૌનો આ સહિયારો સવાલ છે. એક સામાજિક જવાબદારી છે. આવું થવાનાં કારણો આપણે સૌ જાણીએ છીએ છતાં એક યા બીજા કારણે આંખ આડા કાન કરીએ છીએ. એક દાખલો આપું.
તમે બજારમાં શાક લેવા જાઓ ત્યારે શાકની લારીની આજુબાજુ નજર કરજો. શાકવાળાનું ચાર-પાંચ વર્ષનું બાળક મોબાઇલ ફોન પર કોઇ કાર્યક્રમ માણતું દેખાશે. ગોઠણથી પગ ઊંચા કરીને મોબાઇલ એવી રીતે ગોઠવ્યો હશે કે એની આંખો અને મોબાઇલના સ્ક્રીન વચ્ચે માંડ આઠેક ઇંચનું અંતર હશે. લગભગ દરેક પરિવારમાં આવું દ્રશ્ય જોવા મળશે. બાળકને તોફાન કરતું રોકવા માતાપિતા કે ઇવન દાદા-દાદી બાળકને મોબાઇલ પકડાવી દઇને નિરાંત અનુભવે છે. એ ભૂલી જાય છે કે ગુટકા-તમાકુ કે બીડી-સિગારેટની જેમ બાળકને મોબાઇલનું વ્યસન થઇ જાય છે. પછી તમે એને રોકવા-ટોકવાનો પ્રયાસ કરો ત્યારે બાળક જિદે ભરાય છે, હો-હા કરે છે, મોટે મોટેથી રડે છે. સ્કૂલનું હોમવર્ક કરવાની ઇચ્છા એને થતી નથી.
આ તો બાળકોની વાત થઇ. ટીનેજર્સની સ્થિતિ કેવી છે? ટુ વ્હીલર પર જતા ટીનેજરને જુઓ. કાનમાં હેડફોન ભરાવેલા હોય. મનગમતા કલાકારનાં ગીતો સાંભળતો હોય. પડખેથી પસાર થતા વાહનનું હોર્ન સંભળાય નહીં એ રીતે ગીતોનો વોલ્યુમ હોય. એક તરફ વાતાવરણનું પોલ્યુશન, બીજી તરફ વકગ અવર્સનો ધસારાબંધ ટ્રાફિક અને ત્રીજી બાજુ આ ભાઇ સંગીતની મસ્તીમાં ખોવાયેલા હોય.
આમ બાળકોમાં આંખોની સમસ્યા વધી રહી છે. પાંચ-છ વર્ષના બાળકને ચશ્માં પહેરવાની ફરજ પડી હોય. માથું દુઃખવાની લગભગ કાયમી ફરિયાદ હોય. સમજુ ડોક્ટર હોય તો બાળકને અને એનાં માતાપિતાને સમજાવે કે સ્ક્રીન ટાઇમ ઓછો કરાવો. આવી સલાહ મળે એ પહેલાં મોડું થઇ ચૂક્યું હોય એટલે બાળક ડોક્ટર સામે હા પાડે પણ ઘેર ગયા પછી હતા ત્યાંના ત્યાં.
ટીનેજર્સ અને યુવાનોમાં ઝડપથી ખ્યાલ ન આવે એ રીતે ધીમે ધીમે બધિરતા વધતી જાય છે. એક અનુભવી ઇએનટી સર્જ્યને સરસ સૂત્ર બનાવેલું. ન કહેવાય, ન સહેવાય એવી તકલીફ એટલે બધિરતા. ઊંચા અવાજે રજૂ થતા આધુનિક સંગીત (શોરબકોર એમ વાંચો)થી ખૂબ ધીમે ધીમે કાનની ઓડિટરી નર્વને ગંભીર નુકસાન થાય છે. અતિશયોક્તિ લાગશે, પણ આંખના અને કાનના ડોક્ટરો કહે છે કે આગામી પંદર-સત્તર વર્ષમાં દ્રષ્ટિની ઝાંખપના કેસ વધી જશે તેમ બધિરતાના કેસ પણ વધી જશે.
ઇન્ટરનેટ, મોબાઇલ, ઓનલાઇન લેવડદેવડ વગેરે ઘણે અંશે આજની અનિવાર્ય જરૂરિયાત ગણાતાં થઇ ગયાં છે. પરંતુ એક સમયે સામાન્ય વિજ્ઞાાન માટે કહેવાતું એ જ આજે લેટેસ્ટ ટેકનોલોજીને લાગુ પાડી શકાય. વિજ્ઞાાન માટે કહેતા, સાયન્સ ઇઝ અ ગુડ સર્વન્ટ, બટ બેડ માસ્ટર ટૂ.... વિજ્ઞાાન સારો સેવક છે પણ સાથોસાથ નઠારો શેઠ યા માલિક પણ છે. એ જ વાત આજની ટેકનોલોજીને લાગુ પડે છે. એક આખી પેઢી નબળી દ્રષ્ટિવાળી કે બધિર હોય એ કેવી કરુણતા! આ સામાજિક સમસ્યા દિવસે દિવસે વધતી જવાની છે.
આટલું ઓછું હોય તેમ પૌષ્ટિક આહારને બદલે આજે ફાસ્ટ ફૂડ અને વિદેશી વાનગીઓ તરફ મોટા ભાગના ટીનેજર્સ આકર્ષાયેલા છે. પરિણામે અપચો, અજીર્ણ, કબજિયાત જેવી બીમારીથી આ પેઢી સતત પરેશાન રહે છે. એમના ભાવિનો વિચાર હવે આખા સમાજે કરવાનો છે. એ સિવાય નિષ્ણાત ડોક્ટરો કહે છે એમ ભાવિ ધૂંધળું સર્જાશે. એ માટે આપણે સૌ જવાબદાર હોઇશું.








