Editorial

હોળી માત્ર પૌરાણિક ઉત્સવ નથી, એની સાથે આરોગ્ય વિજ્ઞાન સંકળાયેલું છે

By GS TEAM
3 Mar 20263 mins read
હોળી માત્ર પૌરાણિક ઉત્સવ નથી, એની સાથે આરોગ્ય વિજ્ઞાન સંકળાયેલું છે

- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

કદાચ પહેલીવાર, યસ, કદાચ જ પહેલી વાર હોળી અને ધૂળેટી વચ્ચે એક દિવસ આવી ગયો. હોળી પણ શુભ અને અશુભ વચ્ચેના સંઘર્ષનો અને શુભના વિજયનો તહેવાર છે. હિરણ્યકશિપુ એટલે કે જેને માત્ર સુવર્ણનું જ આકર્ષણ છે એવા અસુર રાજવીને પોતાનો પુત્ર સુવર્ણને રાખ સમજીને પ્રભુ ભજન કરે એ ગમતું નહોતું. 

સગ્ગા પિતાએ પુત્ર પ્રહ્લાદને પોતાની બહેન હોલિકાને સોંપ્યો કે આને પતાવી નાખ. અહીં બે વિકલ્પો સર્જાયા હશે. કુમળા ભત્રીજાને મારવાનું પાપ મારે શા માટે કરવું એવા વિચારે છેલ્લી ઘડીએ હોલિકાએ પ્રહ્લાદને ઊગારી લીધો હોય. આજની ટેક્નોલોજી અને વિજ્ઞાનની ભાષામાં વિચારીએ તો કદાચ હોલિકા પાસે આજના ફાયર બ્રિગેડના જવાનો પહેરે છે એવું એસ્બેસ્ટોસનું કપડું હશે, જે છેલ્લી ઘડીએ હૃદય પરિવર્તન થતાં હોલિકાએ પ્રહ્લાદને પહેરાવી દીધું હોય. એટલે પ્રહ્લાદ આગમાં જીવતો ભુંજાઇ જતો બચી ગયો. કથા વાંચતા પુરાણીઓ એને ચમત્કાર તરીકે વર્ણવતા હોય છે.

ખેર, આગળ વધીએ. કથક સામ્રાજ્ઞાી-કમ-અભિનેત્રી સિતારા દેવીએ ગદ્ગદ કંઠે એક મુલાકાતમાં કહેલું, 'હોળી યાદ આવે ત્યારે અમને તો અચૂક રાજ કપૂર યાદ આવે. આર. કે. કી હોલી અપને આપ મેં અજોડ થી. ઐસી હોલી રાજ સા'બ કે જાને કે બાદ હમને કભી નહીં મનાયી...' 

રાજ કપૂરની જેમ પોતાને ગ્રેટેસ્ટ શો મેન ગણાવનારા સુભાષ ઘાઇએ રાજ કપૂરની જેમ હોળી ઊજવવાનો પ્રયાસ કરેલો, પરંતુ અસ્સલ એ અસ્સલ. આર. કે. સ્ટુડિયોમાં રંગીન પાણી ભરેલો એક હોજ તૈયાર હોય. દત્તારામ ઢોલક સજાવીને બેઠો હોય. ખુદ રાજ કપૂર ડફ હાથવગું રાખે. ક્યારેક શમ્મી કપૂર તબલાં કે ઢોલક પર હાથ અજમાવી લે. આમંત્રિતો આવે એટલે ખુદ રાજ કપૂર એને પહેલાં હોજમાં ડૂબકી ખવડાવે. બીજી બાજુ ગીત-સંગીતની જમાવટ હોય. સિતારા દેવી મોજમાં આવીને ડાન્સ કરતાં હોય, ખાણીપીણી ચાલતી હોય, હિન્દી ફિલ્મ જગતના કલાકારો સ્વેચ્છાએ રંગાઇ જવા ઉત્સુક હોય, જેમને આમંત્રણ ન મળ્યું હોય એ ગમગીન ચહેરે ઘરમાં બેસીને ડ્રિન્ક લઇ રહ્યા હોય... જાને કહાં ગયે વો દિન...

આધુનિક આરોગ્ય વિજ્ઞાન તો રંગ ચિકિત્સાને પણ સ્વીકારતું થયું છે. દરેક રંગનો આગવો મહિમા છે. સફેદ રંગ શાંતિનો છે તો કાળો રંગ અશુભ ગણાય છે. કેસરી રંગ ભગવો એટલે કે વૈરાગ્યનો ગણાય છે તો આસમાની રંગ સર્જકતાનો દ્યોતક છે. 

આ દરેક રંગ આરોગ્ય પર અનુકૂળ અસર કરે છે. મોટાભાગના આદિવાસી વિસ્તારોમાં તમે જુઓ, માઇલોના માઇલો સુધી ડૉક્ટર કે દવાખાનાં હોતાં નથી. એ લોકો પોતાના ચહેરા પર વિવિધ રંગના લપેડા કરે છે. એ આદિવાસી પ્રજા આપણા શિક્ષિત લોકો કરતાં આરોગ્ય વિશે વધુ સમજદાર હોય છે. દરેક રંગનું મહત્ત્વ સમજે છે. રંગોના લપેડા દ્વારા એ લોકો બારે માસ સાજાસારા રહે છે. આપણે માત્ર ફેશનેબલ દેખાવા મેચિંગ કલરનાં કપડાં પહેરીએ છીએ. વડોદરાના એક સંશોઘક (હવે સ્વર્ગસ્થ) ગિરિધરભાઇ મિસ્ત્રીએ તો કલર થેરપી વિશે રંગ ચિકિત્સા નામે ખાસ પોકેટ બુક તૈયાર કરેલી જેની ત્રણ-ચાર આવૃત્તિ થઇ ગઇ.

આમ, હોળી માત્ર પૌરાણિક કથા આધારિત ઉત્સવ નથી. એની સાથે આરોગ્ય વિજ્ઞાન સંકળાયેલું છે. શિયાળામાં અમુક તમુક શિયાળુ પાક ખાઇને છાતીમાં કફ જામી ગયો હોય તો શેકેલી ધાણી અને દાળિયા ખાવાથી કફ સુકાઇ જાય. સેંકડો વરસથી આપણા વડીલો ધાણી દાળિયા ખાતાં આવ્યાં છે. આવા ઘરઘરાઉ ઉપચારો ભૂલીને આપણે કફસિરપની પાછળ દોડતા થઇ ગયા. ઘાણી દાળિયાનો ફરી મહિમા વધારવાની જરૂર છે. 

આ વખતે હોળી જોડે ચંદ્રગ્રહણ છે. જ્યોતિષીઓ ગાઇ વજાડીને કહી રહ્યા છે કે અમેરિકા-ઇઝરાયેલ-ઇરાનનો જંગ આ ગ્રહણને લીધે વકરશે. જાનમાલની ભારે ખુવારી થશે. આપણે સૌ વિશ્વશાંતિની શુભેચ્છા વ્યક્ત કરીને પ્રાર્થના કરીએ. સૌનું કલ્યાણ થાઓ.