Editorial

મંદીને અમેરિકી નિમંત્રણ .

By GS TEAM
22 Jun 20254 mins read
મંદીને અમેરિકી નિમંત્રણ                                                     .

ડોનાલ્ડ ટ્રમ્પ એક તરફ પોતાના શસ્ત્રભંડારમાંથી બંકર બ્લાસ્ટર બોમ્બર વિમાનો આકાશમાં તરતા મૂકે છે અને બીજી તરફ એના મિત્ર ઈરાનને કહે છે કે હજુ પંદર દિવસ હું ઈઝરાયલ સાથેના તમારા યુદ્ધમાં હસ્તક્ષેપ નહિ કરું. પરંતુ એમ કહેવાના બીજા જ દિવસે ટ્રમ્પ ઈરાન પર લડાયક સ્ટીલ્થ વિમાનોથી હુમલો કરીને ઈરાનના ત્રણ પરમાણુ મથકોને પોતે ધ્વસ્ત કર્યા હોવાનો દાવો કરે છે. જો કે સેટેલાઈટ તસવીરોનો નજીકનો ઇતિહાસ બતાવે છે કે વિરાટ ટ્રક પછી ટ્રકની હેરાફેરીથી ઈરાને અણુશસ્ત્ર નિર્માણનો ઘણો અસબાબ અગાઉથી જ બીજે ખસેડી લીધેલો છે. આ દુનિયામાં આજકાલ ઘરડા નેતાઓ યુદ્ધે ચડેલા છે ને એમની ઘરડી બુદ્ધિ ક્યારે કેવો વળાંક લેશે એ કોઈ કહી શકતું નથી. આયાતુલ્લાહ ખૌમેની (૮૬ વરસ), ડોનાલ્ડ ટ્રમ્પ (૭૯ વરસ), શી જિનપિંગ (૭૨ વરસ), નેતન્યાહુ (૭૫ વરસ) વગેરે સિત્તેરની ઉપરના ખેલાડીઓ છે. આ બધા વચ્ચે યુક્રેનનો વડાપ્રધાન ઝેલેન્સકી તો મહાભારતના અભિમન્યુ જેવો બાળક લાગે છે.

હવે બે દેશો વચ્ચેના યુદ્ધથી તો વિશ્વયુદ્ધની નોબત સંભળાતી નથી પણ એમાં જ્યારે થર્ડ પાર્ટી એટલે કે ત્રીજો પક્ષકાર દેશ ઉમેરાય છે ત્યારે વિશ્વયુદ્ધ તરફનું એ પહેલું ચરણ બની જાય છે. ડોનાલ્ડ ટ્રમ્પની જે ઉરાંગ ઉટાંગ છાપ છે એની એ મતિ જ અમેરિકાને આ યુદ્ધમાં તાણી લાવે છે. એનાથી ઈરાનને બહુ ફેર પડતો નથી. પરંતુ ભારત જેવા ઈતર કાંઠે ઊભેલા તટ-સ્થ દેશોને બહુ છાંટા ઉડે છે. નેવુંના દાયકામાં ભારતે મુક્ત બજારનીતિ અપનાવી પછી ભારતના અર્થતંત્રને અભૂતપૂર્વ વેગ મળ્યો. વૈશ્વિક માર્કેટમાં ભારતે પ્રવેશ મેળવ્યો. આંતરરાષ્ટ્રીય કંપનીઓ ભારત આવી અને ભારતની કંપનીઓએ પણ સરહદને ઓળંગીને પરદેશમાં પોતાના પાયા સ્થાપ્યા. આખો દેશ નિમ્ન મધ્યમવર્ગમાંથી મધ્યમ વર્ગીય સ્તર પર પહોંચ્યો. હવે તેની આર્થિક યાત્રા વિકસિત દેશ બનવા તરફની છે. આવા સંયોગોમાં આ બધા યુદ્ધ એક મોટો અંતરાય છે.

વર્તમાન સંજોગો એવા છે કે દુનિયાને ફક્ત ભારતમાં વેપાર નથી કરવો પરંતુ રોકાણ પણ કરવું છે. કોઈ પણ દેશનું અર્થતંત્ર ત્યારે મજબૂત અને વિશ્વસનીય ગણાય જ્યારે તેમાં રોકાણ કરવા માટે પડાપડી થઈ રહી હોય. છેલ્લા પાંચેક વર્ષથી વિદેશી રોકાણ વધી રહ્યું છે. છેલ્લા થોડા મહિનાની વાત કરીએ તો વૈશ્વિક અર્થવ્યવસ્થાની અનિશ્ચિતતાના ટૂંકા સમયગાળા પછી વૈશ્વિક રોકાણકારો ફરી એકવાર ભારતીય સ્ટોક માર્કેટ પર તેમનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.

અમુક એવા ચોક્કસ પરિબળો છે જે ભારતના સ્ટોક માર્કેટ તરફ અરધી દુનિયાને આકર્ષે છે. સ્થાનિક રીતે ભલે વિરોધ કે અસહમતી હોય પણ આંકડા તો એ જ સાબિત કરે છે કે ત્રીજી મુદત માટે વડા પ્રધાન નરન્દ્ર મોદીની પુનઃ તાજપોશીએ ભારતની આર્થિક નીતિઓમાં સ્થિરતા લાવી છે. અગાઉ ચૂંટણી પરિણામો અંગેની અનિશ્ચિતતાને કારણે વિદેશી ભંડોળનો અસ્થાયી આઉટફ્લો થયો હતો. જો કે, મોદીની જીતે રોકાણકારોને આશ્વાસન આપ્યું હતું કે ભારત તેની વાણિજ્ય તરફી નીતિઓ ચાલુ રાખશે, અને 'ભારતના વિકાસની કહાની' ને આગળ વધારતા આર્થિક સુધારાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ રાજકીય નિશ્ચિંતતા વિદેશી રોકાણકારો માટે મહત્ત્વપૂર્ણ છે, ખાસ કરીને ઊભરતાં બજારોમાં, જ્યાં રાજકીય અસ્થિરતા નોંધપાત્ર જોખમ ઊભું કરી શકે છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલાઈઝેશન અને મેન્યુફેક્ચરિંગને મજબૂત કરવાના મિસ્ટર મોદીના વહીવટીતંત્રના પ્રયાસોએ ભારતને રોકાણ માટે અત્યંત આકર્ષક દેશ તરીકે સ્થાન આપ્યું છે.

IMF જેવી આંતરરાષ્ટ્રીય એજન્સીઓનો અંદાજ છે કે ઈ. સ. ૨૦૨૮ સુધીમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે, જે દેશના શેરબજારના લાંબા ગાળાના આકર્ષણમાં વધારો કરશે. પરિણામે, MSCI ઇમર્જિંગ માર્કેટ્સ ઇન્ડેક્સ જેવા વૈશ્વિક સૂચકાંકોમાં ભારતનું વજન વધ્યું છે, જે ઘણીવાર ચીનને પાછળ છોડી દે છે. આ પરિવર્તને સંસ્થાકીય રોકાણકારોને આકર્ષ્યા છે, જેણે વિદેશી મૂડી પ્રવાહને વધુ પ્રોત્સાહન આપ્યું છે. અન્ય ઊભરતાં બજારોની સરખામણીમાં ભારતીય ઇક્વિટી પ્રમાણમાં મોંઘી હોઈ શકે છે, પરંતુ તેનું એક સારું કારણ છે. ભારતના નિફ્ટી ૫૦ ઇન્ડેક્સનો પ્રાઇસ-ટુ-અર્નિંગ રેશિયો લગભગ ૨૧ ગણો છે, જે તેની ૧૦ વર્ષની સરેરાશ કરતાં ૧૮ ગણો વધારે છે. આ ઊંચા મૂલ્યાંકન છતાં, મજબૂત કોર્પોરેટ કમાણી અને હકારાત્મક આર્થિક સ્થિતિ રોકાણકારોના વિશ્વાસને સમર્થન આપવાનું ચાલુ રાખે છે. રોકાણકારો ભારતીય શેરો માટે પ્રીમિયમ ચૂકવવા તૈયાર છે કારણ કે દેશની વૃદ્ધિની સંભાવના મોટા ભાગના ઊભરતાં બજારો કરતાં વધુ મજબૂત માનવામાં આવે છે. આ તાકાતનું કારણ ભારતનું મજબૂત કોર્પોરેટ પ્રદર્શન અને મુખ્ય ક્ષેત્રો માટેના આશાવાદી એસ્ટીમેટ છે.