રામ મંદિરમાં લૂંટફાટ .

રામ મંદિર અયોધ્યામાં લૂંટફાટ ચાલી રહી છે જેનો ઘટસ્ફોટ થયા પછી હજુ પણ અટકી નથી. કારણ કે સિટ ( સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)ની રચના થયા પછી પણ કોઈની ધરપકડ થઈ નથી., ધરપકડ ન થાય એની વ્યવસ્થા કરવામાં આવી છે ને એટલે એફઆઈઆર જ નોંધવામાં આવી નથી. FIR વગર સિટની રચના એ બતાવે છે કે કલ્પના કરવામાં આવે છે એના કરતા બહુ જ મોટા માથાઓએ અહીં વહેતી આવતી લક્ષ્મીગંગા ભેદી ભોંયરુ બનાવીને પોતાના ઘરમાં અહર્નિશ ઠાલવી છે. આ ઘટનાથી ભાજપનું નાક કપાઇ ગયું છે. મંદિરમાં અત્યાર સુધીમાં કેટલા આભૂષણો, નાણાં, સોના-ચાંદી આવ્યા એની કોઈને ખબર નથી. પહેલેથી જ લૂંટફાટની યોજના બનાવેલી હોવાથી આવકની નોંધ જ નથી. કરોડો રૂપિયા ક્યાં ગયા? અદ્યાપિ દસ કરોડ રૂપિયા તો સિક્યોરિટી પર ખર્ચ કરવામાં આવ્યા છતાંય ચોરી થઈ ગઇ. બેન્કના જે અધિકારીઓ આ મંદિરનો હિસાબ રાખે છે તેઓ ખિસ્સા વગરના યુનિફોર્મમાં આવે છે. તો પછી કરોડો રૂપિયા કઈ રીતે ખાલસા થયા?
ભગવાન રામ તરફની આસ્થા ધરાવતા દેશના કરોડો લોકોને આ ઘટનાથી બહુ મોટો આઘાત લાગ્યો છે. કેટલાક વીડિયો વાયરલ થયા છે પણ એ અપૂરતા છે. આનો જ્યારે ફાઈનલ ફિગર સામે આવશે ત્યારે એક રેકોર્ડ તાજ્જુબી દેખાશે. આખા દેશમાં ઉધઈની જેમ ફેલાયેલા ભ્રષ્ટાચારની જેમ જ અહીં રીતસર ધાડ પડી છે. રામમંદિરનો હવાલો સંભાળતા સનદી અધિકારી નૃપેન્દ્ર મિશ્રાએ સ્પષ્ટ કહ્યું છે કે મંદિરમાં ચોરી નથી થઈ, ધાડ પડી છે. યે ડાકા હૈ, ચોરી નહિ હૈ. હકીકતમાં તબક્કાવાર બહુ મોટી રકમ સગેવગે થઈ ગઈ છે અને એમાં એવાઊલોકોનો પણ ભાગ હોય જેમણે રામમંદિરમાં દર્શન પણ ન કર્યા હોય. લૂંટારાઓએ આ મંદિરને રિઝર્વ બેન્કના નાસિક ખાતેનું પ્રિન્ટિંગ પ્રેસ જ માની લીધું છે. બેહિસાબ અઢળક આવક નિયમિત રીતે પગ કરતી હોવાના પૂરતા પુરાવા છે.
છતાં છેલ્લા આઠ મહિનાના સીસીટીવી ફૂટેજ ડિલિટ કરી નાંખવામાં આવ્યા છે. અત્યારે તપાસ અધિકારીઓએ છ શંકાસ્પદોને અન્ડરલાઈન કરી પૂછપરછ કરી છે. જેમનો પગાર આ મંદિરમાં વીસેક હજાર રૂપિયા જેવો હતો તેઓ આજે પચાસ કરોડની સંપત્તિના માલિક છે પણ એ ઉત્તર પ્રદેશ સરકારને દેખાતુ નથી. ટ્રસ્ટીઓ તો ઠીક, એના ડ્રાઇવરો ને એનાય સગા-સગલીઓ કરોડોમાં આળોટી રહ્યા ત્યાં સુધી કોઈનીય આંખ ઊઘડી નહિ. રામ મંદિરના દાનમાંથી કરોડો રૂપિયાની કથિત ચોરીની તપાસ છેક ગયા સોમવારે શરૂ થઈ પણ હજુ એનો છેડો આવ્યો નથી. SITની તપાસમાં દાનનો દુરુપયોગ અને પુરાવાનો નાશ કરવાના આરોપીઓનો પણ સમાવેશ થાય છે. મંદિર ટ્રસ્ટના અધિકારીઓના પ્રિયજનો સામે પણ આરોપો લગાવવામાં આવી રહ્યા છે, જેમની નાણાંકીય સંપત્તિ અચાનક અનેકગણી વધી ગઈ છે.
આ બધું SITની તપાસના ઘેરાવામાં આવશે. જવાબદાર અધિકારીઓને ઊંડાણપૂર્વક પૂછપરછનો સામનો કરવો પડશે. દરમિયાન, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને વિશ્વ હિન્દુ પરિષદ (VHP) એ સમગ્ર મામલે મૌન જાળવી રાખ્યું છે. આશરે ૪૪ કર્મચારીઓ દાનની ગણતરીમાં રોકાયેલા છે. આમાંથી ૪૦ બેંક અને તેની એજન્સીના છે, જ્યારે ૪-૫ મંદિર ટ્રસ્ટ દ્વારા દાનની દેખરેખ માટે તૈનાત કરવામાં આવે છે. અલીબાબા અને ચાલીસ ચોર જેવી આ વાત છે. ટીમ ૮ સીસીટીવી કેમેરા અને ૨ સુરક્ષા ગાર્ડની દેખરેખ હેઠળ બે શિફ્ટમાં મશિનોનો ઉપયોગ કરીને દાનની ગણતરી કરે છે.
ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયના ભૂતપૂર્વ પ્રિય ડ્રાઇવર રામ શંકર યાદવ પર સૌથી ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. રાયે તેમને મંદિરના સંચાલન અંગે ખાસ છૂટ આપી હતી. તેમણે બહારથી આવતા કરોડપતિ ભક્તો સાથે સીધો સંપર્ક જાળવી રાખ્યો હતો. એટલું જ નહીં, તેમણે તેમના નજીકના સહયોગીઓને નોકરીઓ અપાવી અને તેમને ગણતરી ટીમમાં સ્થાન અપાવ્યું.
તેમની આર્થિક સ્થિતિ કરોડોમાં પહોંચી ગઈ. SIT ધીમી ગતિએ તપાસ કરે છે જેથી સોનાચાંદી અને રોકડ રકમ આઘીપાછી કરવાનો આરોપીઓને પૂરતો સમય મળી રહ્યો છે. ખબર પડે એના બીજા જ દિવસે જે તરાપ મારવાની હોય એ બુલડોઝર કંપનીને આવડતી નથી. ટ્રસ્ટના જવાબદારો પણ શંકાના દાયરામાં છે.મંદિર ટ્રસ્ટના અધિકારીઓ પણ તપાસ ટીમની તપાસ હેઠળ છે. મંદિર ટ્રસ્ટમાં કુલ ૧૫ સભ્યો છે, પરંતુ તેઓ ત્યાં રહેતા નથી અને તેમની કોઈ સંડોવણી નથી. નાણાકીય વ્યવસ્થાપન સત્તા ફક્ત મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી ડો. અનિલ મિશ્રા પાસે છે, જેમના સંયુક્ત હસ્તાક્ષરોનો ઉપયોગ ચુકવણી કરવા માટે થાય છે. ચંપત રાય એક RSS પ્રચારક અને VHP અધિકારી છે.









