વિદ્યાક્ષેત્રને સરકારી ગ્રહણ .

શાળાઓ ખુલી ગઈ છે. વિદ્યાર્થીઓ વરસાદની અમર આશા અને ગરમીની વચ્ચે અલ-નિનોના પાઠ ભણી રહ્યા છે. વાલીઓની પોતાની માન્યતાઓ, સ્કૂલની વાન-રીક્ષાના ફેરાઓ, શાળા અને કોચિંગ ક્લાસની વધતી ફી, સરકારની બેવકૂફીનો ધ્વજ ફરકાવતી રવિવારે લેવામાં આવી રહેલી બીજી વખતની નીટ પરીક્ષા અને ચાલાક શાળા સંચાલકોની આગવી શિક્ષણશૈલી વચ્ચે વિદ્યાર્થીઓ સંતુલન સ્થાપવાનો પ્રયાસ કરી રહ્યા છે. રાજ્યના વિકાસની વ્યાખ્યા અને તેની વાસ્તવિકતા વચ્ચેનો સેતુ શિક્ષણ કહેવાય એવું આદર્શવાદ કહે છે. ગુજરાત અને શિક્ષણને આદર્શો સાથે કંઈ લાગતું વળગતું નથી એ અલગ બાબત છે. જ્યારે આપણે ગુજરાતના વિકાસ મોડેલની ચર્ચા કરીએ, ત્યારે નજર સમક્ષ બુલેટ ટ્રેન, ગ્લોબલ સમિટ્સ, ગગનચુંબી ઇમારતો, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સ અને વિદેશી રોકાણોના આંકડાઓ તરવરવા લાગે છે. પરંતુ, વાસ્તવિક અને ટકાઉ વિકાસનો માપદંડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઊંચાઈ પરથી નહીં, પરંતુ છેવાડાના માનવીના સંતાનના હાથમાં રહેલી સ્કૂલબેગના વજન પરથી નક્કી થાય છે.
આજે ગુજરાત સમક્ષ ૬.૪૧ લાખ ડ્રોપઆઉટ બાળકોનો જે આંકડો આપણી સામે આવ્યો છે તેને આપણે રાબેતા મુજબ નજરઅંદાજ કરી જવાના છીએ, પરંતુ તે માત્ર શિક્ષણ વિભાગની વહીવટી ખામી નથી, પરંતુ પ્રજાના સામાજિક અંતરાત્મા અને સરકારની નીતિનિર્માણની દિશા પર મુકાયેલો એક અત્યંત ગંભીર પ્રશ્નાર્થ છે. જો કોઈ બાળક વર્ગખંડના બદલે ખેતર, કારખાનાં, ચાની કિટલી કે ઘરની ચાર દીવાલો વચ્ચે શ્રમ કરતું જોવા મળે છે તો તેમાં પહેલો વાંક સરકારનો છે અને પછી સામાજિક માળખાનો છે. રાજ્યની શૈક્ષણિક વિકાસયાત્રા છેલ્લાં ઘણાં વર્ષોથી રોંગ સાઈડ પર ચાલે છે. છેલ્લા બે દાયકાથી ગુજરાતમાં 'પ્રવેશોત્સવ' અને 'કન્યા કેળવણી રથયાત્રા' જેવાં આયોજનો દ્વારા પ્રાથમિક શિક્ષણમાં ૧૦૦% નામાંકન હાંસલ કર્યાના દાવાઓ થતા રહ્યા છે. આ દાવાઓની આડમાં એવો ભ્રમ ઊભો કરવામાં આવ્યો હતો કે રાજ્યમાં ડ્રોપઆઉટ રેશિયો નગણ્ય સ્તરે પહોંચી ગયો છે.
પરંતુ, અચાનક ૬.૪૧ લાખ બાળકોનું શાળાની બહાર હોવું, એ કાગળ પરની ટકાવારીના આરામદાયક પડદાને ચીરીને બહાર આવેલી એક કઠોર વાસ્તવિકતા છે. સરકારે હવે શિક્ષકોની ફોજ ઉતારીને આ બાળકોને શોધવાની કવાયત હાથ ધરી છે. આ પ્રયાસ આવકારદાયક છે, પરંતુ તેની સાથે એક અણગમતો અને કડવો સવાલ ઉઠાવવો અનિવાર્ય છેઃ આટલી મોટી સંખ્યામાં બાળકો સિસ્ટમની નજર ચૂકવીને શાળાની બહાર ગયા જ કેવી રીતે? જો આજે તેમને શોધવા માટે વિશેષ અભિયાનો ચલાવવા પડે છે, તો જ્યારે તેઓ ધીમે ધીમે શાળામાંથી ગાયબ થઈ રહ્યાં હતાં ત્યારે આપણું ટ્રેકિંગ મિકેનિઝમ ક્યાં ઊંઘતું હતું? એક બાળક જ્યારે શાળા છોડે છે, ત્યારે માત્ર રજિસ્ટરમાંથી એક નામ નથી કપાતું; એક પરિવારની આર્થિક સદ્ધરતાની આશા મરી પરવારે છે, એક સમાજ તેની બૌદ્ધિક મૂડી ગુમાવે છે અને એક રાજ્ય તેની આવતીકાલને થોડા વધુ ગાઢ અંધકારમાં ધકેલે છે.
સામાન્ય રીતે ડ્રોપઆઉટ માટે ગરીબીને સૌથી મોટું કારણ માનીને વ્યવસ્થા પોતાના હાથ ખંખેરી નાખે છે. ગરીબી ચોક્કસપણે એક નક્કર પરિબળ છે, પરંતુ તે એકમાત્ર કારણ નથી. બાળકોના શાળા છોડવા પાછળ બેપરવાહીની એક આખી શ્રૃંખલા જવાબદાર છે. ધોરણ ૫, ૮ અને ૧૦ પછી બાળકો સૌથી વધુ શાળા છોડે છે. પ્રાથમિક શાળા પૂરી કર્યા પછી માધ્યમિક શિક્ષણ માટે બાળકને (ખાસ કરીને દીકરીઓને) દૂરના ગામે મોકલવા પડે છે. ગરીબ અને સામાન્ય પરિવારો માટે આ માત્ર શૈક્ષણિક સંક્રમણ નથી, પરંતુ આર્થિક બોજ અને સુરક્ષાનો ગંભીર પ્રશ્ન બની જાય છે. શિક્ષકનું મૂળ અને પવિત્ર કર્મ વિદ્યાદાન છે. પરંતુ આજે શિક્ષક વસ્તીગણતરી, ચૂંટણી કામગીરી, વિવિધ સર્વેક્ષણો અને એપ પર ડેટા એન્ટ્રી કરતા કારકુન બની ગયા છે. પરિણામે, બાળક અને શિક્ષક વચ્ચેનો જીવંત નાળ-સંબંધ તૂટી ગયો છે.
ગુજરાતમાં અન્ય રાજ્યો અને આંતરિક જિલ્લાઓમાંથી રોજીરોટી માટે આવતા શ્રમિકોની સંખ્યા લાખોમાં છે. આ પરિવારોના બાળકો માટે 'પોર્ટેબલ' શૈક્ષણિક વ્યવસ્થાનો સદંતર અભાવ છે. ગરીબ માતાપિતાને 'અભણ' કે 'અજ્ઞાન' કહીને તેમની પર દોષનો ટોપલો ઢોળવો એ વ્યવસ્થાની સંવેદનહીનતા છે. આર્થિક મજબૂરીમાં પીસાતો પરિવાર જ્યારે બાળકને મજૂરીએ મોકલે છે, ત્યારે તે સ્વેચ્છાએ નહીં પણ પરિસ્થિતિની લાચારીથી લેવાયેલો નિર્ણય હોય છે. મેગા પ્રોજેક્ટ્સની સમીક્ષા જો મુખ્યમંત્રી સ્તરે ડેશબોર્ડ પર દર મહિને થઈ શકતી હોય, તો લાપતા થઈ ગયેલા ૬.૪૧ લાખ બાળકોના ભવિષ્યની ડેશબોર્ડ સમીક્ષા કોણ કરશે?








