Editorial

યુનોની અખાતી જળસમાધિ

By GS TEAM
19 Jun 20263 mins read
યુનોની અખાતી જળસમાધિ

અખાતી યુદ્ધ દરમિયાન જ યુનોએ જાણે કે એના જળમાં સમાધિ લઈ લીધી છે. પાકિસ્તાન જેવા ક્ષુલ્લક આતંકવાદી દેશે ઈરાન અને અમેરિકા વચ્ચે જે અણસમજયુક્ત આઘાપાછી કરી તે કામ ગંભીરતાથી યુનોએ કરવાનું હતું. નાટો તો લડવા માટેનું જ સંગઠન છે એટલે નાટોને હથેળીમાં રમાડીને અમેરિકા કદી પણ યુક્રેનને કે ઈરાનને શાન્તિ રસ્તે ન લઈ જઈ શકે. દુનિયાના કોઈ પણ દેશો વચ્ચે ઊભી થયેલી તંગદિલી કે યુદ્ધ નિવારવા કે અટકાવવાનું કામ સંયુકત રાષ્ટ્રસંઘનું હોય છે. આ પૂરા થયા અખાતી યુદ્ધે ભારતની વિદેશનીતિની સાર્વત્રિક ટીકા થઈ છે. એક હકીકત કોઈ નકારી શકે તેમ નથી કે આજની દુનિયા બીજા વિશ્વયુદ્ધ પછીની તરતની દુનિયા કરતા બિલકુલ અલગ છે.

બીજા વિશ્વયુદ્ધ પછી યુદ્ધોત્તર યુદ્ધ તરીકે અમેરિકા અને રશિયા વચ્ચે શીતયુદ્ધ એટલે કે કોલ્ડવૉરનો આરંભ થયો હતો. દુનિયા આ બન્ને દેશો વચ્ચે એટલે કે વગર યુદ્ધના લોબિંગમાં વહેંચાઈ ગઈ હતી, પરંતુ એમાંથી જ એક ત્રીજા સશક્ત પરિબળ તરીકે બિનજોડાણવાદી દેશોનો સમૂહ અસ્તિત્વમાં આવ્યો હતો જેઓ ન તો રશિયા તરફી હતા અને ન તો અમેરિકા તરફી. બિનજોડાણવાદી એક સકારાત્મક ચળવળ હતી, પરંતુ એ કાળના પ્રવાહમાં ક્યારે શમી ગઈ એના વિશે કોઈ જાણતું નથી. પણ એનો સુવર્ણાક્ષર મંડિત ઈતિહાસ છે. હવે રશિયા અને અમેરિકાનો એ જુનો ઠંડો વિગ્રહ તો ક્યારનો ખતમ થઈ ગયો છે. પરંતુ અત્યારે સિવિલ વોર ઘણા દેશોના અમુક પ્રદેશોની ઓળખ બની ચૂક્યું છે. ચીન જેવા દેશમાં ત્રણથી ચાર સિવિલ વાર ચાલે છે. જેમાં ચીનના મુસ્લિમ નાગરિકોની લડત મુખ્ય છે. તેઓ તેમના અધિકારો માટે લડે છે. ક્રાન્તિકારીઓના મોટા હત્યાકાણ્ડોથી જિનપિંગના હાથ ખરડાયેલા છે.

આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર પંચને ચીનમાં પ્રવેશ નથી. પરમાણુ શક્તિ ધરાવતા શરૂઆતના પાંચ દેશો સિવાય ઘણા દેશો હવે એવી જ તાકાત મેળવી ચૂક્યા છે. એટલું જ નહીં પણ અનેક દેશો આર્થિક રીતે સમૃદ્ધ થઈને વિશ્વના મંચ ઉપર પોતાની ઝળહળતી હયાતી પુરવાર કરી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ દુનિયાની સૌથી મોટી પંચાયત સમાન છે. આવા બદલાયેલા માહોલમાં તેની ભૂમિકા નિશ્ચિત થાય તે જરૂરી છે અને તેમાં પ્રમુખ રાષ્ટ્રો વચ્ચેના સંબંધોમાં સત્તાની સમતુલા જળવાય તે જરૂરી છે. પણ આ યુનોના નવનિર્માણ માટે જે દેશો દબાણ કરી રહ્યા છે તે શું અત્યારે અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે ખરા? જે દેશો યુએનનું નવનિર્માણ ઈચ્છે છે તે દેશો ન્યાયપૂર્ણ દુનિયાનો પાયો રચી શકશે? બીજા વિશ્વયુદ્ધ પછીના ગાળામાં દુનિયા બે પક્ષોમાં વિભાજિત થઈ ગઈ, પરંતુ એ સમયે એવા દેશો અને નેતા પણ હયાત હતા જે બંને મહાસત્તાઓના ખોટા નિર્ણયોની જાહેરમાં ટીકા કરી શકતા અને તેમના આ કૃત્યને લીધે તેમને થનારું નુકસાન પણ હસતા હસતા સ્વીકારતા.

અત્યારે જગત આખું અખાતી યુદ્ધના પડછાયામાં ઊભું છે. હવે આ યુદ્ધોત્તર વિશ્વ બદલાઈ ગયું છે, કારણ કે નવા વિશ્વ પર ઓઈલનો અભિષેક થયો છે. ઓઈલ સભાનતા હવે કોઇ કદી વીસરી નહિ શકે. બિન જોડાણવાદની તરફેણ કરનારા એ નેતાઓ એ સમયે માનતા હતા કે સત્યનો સાથ આપવાથી અને ખોટાનો વિરોધ કરવાથી જો તેના દેશને થોડું નુકસાન પહોંચે છે તો ભવિષ્યમાં એ નુક્સાનની ભરપાઈ થઈ જશે, પરંતુ દેશની સામુહિક સમજદારી જો સુષુપ્ત થઈ જશે તો તેને કારણે થનારા નુકસાનની ભરપાઈ ખૂબ કોશિશ કરવા છતાં પણ નહીં થઈ શકે. આવા દેશો અને તેના આવા બડકમદાર નેતાઓ ક્યાં ગયા? મીડિયાએ આજે એવું ઓડિયન્સ ઉભું કર્યું છે જે નાનામાં નાના સમુદાયને પડી રહેલી તકલીફોને પણ નજરઅંદાજ નથી કરતું. ઉપરાંત એક સામુદાયિક લોકનાદનું એ પ્રભાવક માધ્યમ છે. કોકરોચ જનતા પાર્ટી એનો છેલ્લો ઝબકારો છે.

જગત આખું ઉઘાડું પડી ગયું છે અને કંઈ, કોઈ કે કાંઈ છૂપું રહેતું નથી! આવા સંજોગોમાં વધુ માનવતાસભર સંયુક્ત રાષ્ટ્ર સંઘ બનાવવાની ચર્ચા થાય તે આવકારદાયક છે. કોઈ મહાસત્તા પણ સંયુક્ત રાષ્ટ્ર સંઘનું નવનિર્માણ કરવામાં રસ લે એવું અત્યારે તો લાગતું નથી એટલે ભારતે રજૂ કરેલું યુનોની નવરચનાનું વિઝન ભલે અરણ્યગાન લાગે, પરંતુ આવનારા દાયકાઓમાં જગત આ ભારતવિચારનું મૂલ્ય સમજશે અને સ્વીકારશે. યુનો પાંચ દેશો ચીન, ફ્રાન્સ, રશિયા, અમેરિકા અને બ્રિટનના હાથનું રમકડું છે.