Editorial

અમેરિકન હિન્દુ ફોબિયા .

By GS TEAM
18 Jun 20263 mins read
અમેરિકન હિન્દુ ફોબિયા                                           .

યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં હિન્દુઓ વિરુદ્ધ નફરતના ગુનાઓને નિશાનમાં લેતો એક વિશિષ્ટ ઠરાવ રજૂ કરવામાં આવ્યો છે. આ ઠરાવ મિશિગનના ડેમોક્રેટિક કોંગ્રેસમેન મિસ્ટર થાનેદાર દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. મિસ્ટર રો ખન્ના, રાજા કૃષ્ણમૂર્તિ અને સુહાસ સુબ્રમણ્યમ સહિત બત્રીસ કોંગ્રેસમેનોએ આ ઠરાવને ટેકો આપ્યો છે. અગાઉ, મિનેસોટાની સેનેટે પણ હિન્દુફોબિયા વિરુદ્ધ ઠરાવ રજૂ કર્યો હતો. હિન્દુ ફોબિયાનો અમેરિકામાં અર્થ છે કે હિન્દુઓને પૂર્વગ્રહથી જોવા, ધિક્કારવા અને એને અપમાનજનક સંયોગોમાંથી પસાર કરવા. ૪૦૦થી વધુ કાયદા નિર્માતા સાંસદો દ્વારા સમર્થિત આ પ્રસ્તાવ, ઉત્તર અમેરિકાના હિન્દુઓના જાણીતા ગઠબંધન કોહાના (COHANA) દ્વારા એક સફળ પ્રયાસ હતો. કોહાનાએ હિન્દુઓ સન્માનપૂર્વક અમેરિકામાં વસે એ માટે પદ્ધતિસરની નવી ઝુંબેશ ઉપાડી છે. કોહાના સંગઠનમાં કલા, સાહિત્ય, વિજ્ઞાન અને સંગીતની મહાન વિચારશીલ પ્રતિભાઓ જોડાયેલી છે.

આ ઠરાવનો મુખ્ય ઉદ્દેશ્ય યુનાઇટેડ સ્ટેટ્સમાં રહેતા હિન્દુ અમેરિકનો અને હિન્દુ ધર્મ, રીતરિવાજો અને સંસ્કૃતિ વિરુદ્ધ વ્યવસ્થિત રીતે ચાલી રહેલા ખતરનાક અભિયાનને રોકવાનો છે, અને હિન્દુ સમુદાય તરફ થતા ભેદભાવને ધ્યાનમાં રાખીને આવાં કૃત્યો કરનારાઓ સામે કાનૂની કાર્યવાહી સુનિશ્ચિત કરવાનો છે. હિન્દુ સમુદાય સામે વધતી જતી કિન્નાખોરી અને હિન્દુ પૂજા સ્થળોને નુકસાન પહોંચાડવાની ઘટનાઓને કારણે આ ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો. અમેરિકામાં આવો ઠરાવ પહેલી વાર રજૂ કરવામાં આવ્યો નથી. અગાઉ, એપ્રિલ ૨૦૨૩માં, જ્યોર્જિયા રાજ્યએ તેની વિધાનસભામાં હિન્દુઓ વિરુદ્ધ વધતી જતી તિરસ્કૃતતા, નફરત અને અત્યાચારને ઔપચારિક રીતે માન્યતા આપતો ઠરાવ પસાર કર્યો હતો.

વિશ્વભરના ઘણા દેશોમાં, હિન્દુ સમુદાયના અસંખ્ય સભ્યો શાંતિથી રહે છે અને તેમનાં જ્ઞાન, બુદ્ધિ અને સખત મહેનત દ્વારા, તેમના રાષ્ટ્રની પ્રગતિમાં મૂલ્યવાન યોગદાન સુનિશ્ચિત કરે છે. તેઓ દવા, શિક્ષણ, ટેકનોલોજી અને રાજકારણ જેવા ક્ષેત્રોમાં પણ અગ્રણી ભૂમિકા ભજવી રહ્યા છે. વિશ્વએ આપણી પ્રાચીન અને નવી હિન્દુ પરંપરાનું પણ સન્માન કરવું જોઈએ. છેલ્લાં ઘણાં વર્ષોથી, યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોપ સહિત અનેક પશ્ચિમી દેશોમાં રહેતા હિન્દુઓ વિરુદ્ધ ઝનૂની હુમલાઓ અને જીવલેણ હિંસામાં વધારો થયો છે. હિન્દુઓ સામે કાર્યસ્થળે ભેદભાવની ઘટનાઓ તો દાયકાઓથી નોંધાતી આવી છે. માહિતી ક્રાંતિના આ યુગમાં, વિવિધ પ્લેટફોર્મ પર હિન્દુ પરંપરાઓ અને માન્યતાઓ વિરુદ્ધ વ્યવસ્થિત પ્રચાર અભિયાન ફેલાવવામાં આવી રહ્યું છે. 

હિન્દુ ફોબિયા શબ્દનો સૌપ્રથમ ઉપયોગ સન ૧૮૬૬માં સર એડવર્ડ સુલિવાન દ્વારા કરવામાં આવ્યો હતો. તેમણે હિન્દુ ફોબિયાને હિન્દુઓ પ્રત્યે પૂર્વગ્રહ અને અપમાનજનક વલણનું એક સ્વરૂપ ગણાવ્યું હતું. પ્રખ્યાત લેખક મિસ્ટર મલ્હોત્રાએ તેમના પુસ્તક 'સ્નેક્સ ઇન ધ ગંગા'માં વૈશ્વિક સ્તરે એક ચોક્કસ વિચારધારા દ્વારા ભારતની ઉદાત્ત શાશ્વત સંસ્કૃતિ અને વારસા સામે આચરવામાં આવી રહેલા વૈચારિક કાવતરા તરફ પણ ધ્યાન દોર્યું હતું. તાજેતરના વર્ષોમાં, ઘણા પશ્ચિમી દેશોમાં હિન્દુ ધર્મના ઘણા અનુયાયીઓને નિશાન બનાવવામાં આવ્યા છે. પરિણામે, ઘણી સંસદોએ આ મુદ્દા પર ચિંતા વ્યક્ત કરી છે. ગયા વર્ષે, સ્કોટલેન્ડમાં 'હિન્દુફોબિયા' નામનો એક અહેવાલ સ્કોટિશ સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો. ગાંધીવાદી શાંતિ સમિતિ દ્વારા તૈયાર કરાયેલા આ અહેવાલમાં જણાવાયું હતું કે સન ૨૦૧૯થી સ્કોટલેન્ડમાં રહેતા હિન્દુઓ સામે હિંસા અને ભેદભાવના કેસોમાં ઝડપથી વધારો થયો છે. પરિણામે, અહીંના હિન્દુ સમુદાયના સભ્યો પરંપરાગત વસ્ત્રો પહેરવાનું અને જાહેરમાં તેમની ઓળખ જાહેર કરવાનં  ટાળે છે.

ઘણી યુનિવર્સિટીઓ હિન્દુ ધર્મ અને હિન્દુ સમુદાયના સભ્યોને બદનામ કરે છે. આ સંદર્ભમાં, યુકેમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીની વિદ્યાર્થીની રશ્મિ સામંતનો કરુણ અનુભવ કુખ્યાત અને મીડિયાને ચકડોળે ચડેલો છે. જે જે યુનિવર્સિટીઓ પરત્વે ભારતીય પ્રજા અહોભાવ રાખે છે તે યુનિવર્સિટીઓ ભારતીય પ્રજાને તિરસ્કારે છે. વિવાદાસ્પદ છતાં સત્યાન્વેષક પુસ્તક 'એ હિન્દુ ઇન ઓક્સફર્ડ'માં, લખવામાં આવ્યું છે કે યુનિવર્સિટીમાં હિન્દુફોબિયાએ તેમને વિદ્યાર્થી સંઘના પ્રમુખ પદ પરથી રાજીનામું આપવાની ફરજ પાડી હતી. તેઓ આ પદ સંભાળનાર પ્રથમ ભારતીય મહિલા હતાં.