Editorial

વિદેશી રોકાણકારોની મુંઝવણ .

By GS TEAM
17 Jun 20263 mins read
વિદેશી રોકાણકારોની મુંઝવણ               .

કોઈ પણ સરકાર હોય અને સત્તાધીશોનો વાંક હોય કે ન હોય, ભારતમાં જનજીવન સીધી રેખામાં ચાલતું નથી. ઔદ્યોગિક વિકાસ પણ ઝિગઝેગ પઝલ જેમ ચાલે. એમાં પ્રકૃતિ દત્ત સંકટો, અકસ્માતો, મોંઘવારી, બેરોજગારી અને નેતાઓના ભ્રષ્ટાચાર તો ખરા જ. આને કારણે વિદેશી રોકાણકારો દ્વિધામાં મૂકાઈ જાય છે. આકાશવાણીના હર્ષઘેલા સંપાદકોએ એના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર લખ્યું કે આટલા કરોડો રૂપિયાનું રોકાણ વિદેશી સંસ્થાઓએ ભારતમાંથી પાછું ખેંચ્યું. એના પર ભારે ધમાલ મચી ને પછી એ પોસ્ટ દૂર કરવામાં આવી. કદાચ એ વાત રેડિયો પર ઉચ્ચારી હોત તો આટલી ધમાલ ન થાત. પરંતુ ભૂલથી આકાશવાણીએ સરકારી વાજિંત્ર મટીને સત્ય કહી દીધું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની અનેકાનેક યાત્રા દરમિયાન વિવિધ ગ્લોબલ બિઝનેસ ફોરમને સંબોધિત કરતી વેળાએ ત્યાં ઉપસ્થિત ઉદ્યોગપતિઓને ભારતમાં રોકાણ કરવા માટે નિમંત્રણ આપવાનો દૌર અદ્યાપિ ચાલુ જ રાખ્યો છે.

તેમની  આ પ્રવૃત્તિ નવી નથી. તેઓ ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારથી વિદેશી ઉદ્યોગપતિઓ અને વિવિધ મલ્ટી નેશનલ કંપનીઓને કંકોતરી વહેંચતા રહ્યા છે. પરંતુ તેના પરિણામોના લેખાજોખા કરીને જે આત્મબોધ તેમણે અદ્યાપિ પ્રાપ્ત કરી લેવો જોઈએ એનાથી તેઓ વંચિત રહ્યા છે. વડાપ્રધાને તેમના ભાષણમાં ભારતના ઔદ્યોગિક અને કોર્પોરેટ જગતમાં વિદેશી કંપનીઓ માટે રોકાણનો અને પ્રગતિનો જે અવકાશ છે એ દર્શાવીને વિદેશી વ્યાપાર-ઉદ્યોગના નામાંકિત લોકોને વારંવાર આહવાન આપ્યું છે. ભારત સરકારે એ રોકાણકારોને ધ્યાનમાં રાખીને જ કોર્પોરેટ કરવેરામાં દસ ટકા જેટલો ઘટાડો કર્યો છે અને એ રીતે કરવેરાના માળખામાં ભારત આકર્ષક સ્તરે પહોંચ્યું છે.

જો કે આનાથી ફેર પડશે એ વડાપ્રધાનની માન્યતા છે. ભારતમાં આજે પણ કોઈએ એક નવી ફેકટરી શરૂ કરવી હોય તો કેટલી લાંબી સફરમાંથી પસાર થવું પડે છે, એનાથી વડાપ્રધાન કદાચ હજુ અજ્ઞાાત છે. ગુજરાતના જ કેટલાક જિલ્લાઓ એવા છે કે જ્યાં અફાટ ઔદ્યોગિક સંભાવનાઓ હોવા છતાં કોઈ ત્યાં ઉદ્યોગ સ્થાપવાનું દુઃસાહસ કરતા નથી. કારણ કે રાજનેતાઓથી શરૂ કરીને અસામાજિક તત્ત્વોની લાંબી કતાર તીડના ટોળાની જેમ ઉદ્યોગ પર ઉતરી પડે છે અને પોતાનો લાગ અને ભાગ જોવા લાગે છે. વિદેશી રોકાણકારોને આંખે પાટા નથી અને ભારતની વર્તમાન સરકારની નવા ઉદ્યોગો અંગેની નીતિથી વાકેફ થતાં તેઓને બહુ સમય લાગતો નથી. એનડીએ સરકારની ઇ.સ. ૨૦૧૪થી આજ દરમિયાનની ઇનિંગ વચ્ચે પણ મિસ્ટર મોદીએ તેમના વિશ્વ દર્શન પ્રવાસો દરમિયાન અનેકવાર વિવિધ વિદેશી વ્યાપારિક સમુદાયોને ભારતમાં આવવા અને ઉદ્યોગો સ્થાપવા આહવાન આપ્યું છે. જેનું કોઈ વિશેષ પરિણામ આવ્યું નથી.

ઉપરાંત પાછલા વરસોના એ સમયગાળા દરમિયાન જ જીએસટી સહિતના કુઠારાઘાતથી દેશની ઉત્પાદન પ્રક્રિયા ઠેબે ચડી ગયેલી છે જેની આખા જગતને ખબર છે. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં અગાઉ ભારત ટોપ ટ્વેન્ટીમાં હતું અને આગામી ઓક્ટોબરે વિશ્વ બેન્ક દ્વારા સત્તાવાર રીતે એના રેન્કિંગ જાહેર થવાના છે. જેમાં ટોપ ટેન પણ જાહેર થશે. પરંતુ ટોપ ટ્વેન્ટીના સમુદાયમાં તો પાકિસ્તાન પણ છે અને મ્યાનમાર પણ છે. એટલે વિશ્વ બેન્કે આ રેન્કિંગ નક્કી કરવાના ધોરણોમાં જરૂર કરતા વધારે ઉદારતા દાખવી હોવાની અર્થશાસ્ત્રીઓને આશંકા છે. જો કે એને કારણે આ પ્રકારના રેન્કિંગની વિશ્વસનીયતા પણ ઘટે છે.

વડાપ્રધાન મોદી કદાચ એ સાવ સામાન્ય સત્ય ચૂકી ગયા છે કે નિમંત્રણ આપવાથી રોકાણકારો આવે એ રસ્તા લેવાને બદલે પોતાના ઘર આંગણાના ઉદ્યોગોને સાનુકૂળ હવામાન પૂરું પાડવાથી અહીંનો પ્રગતિશીલ ગ્રાફ જોઈને જ રોકાણકારો આપોઆપ ઉડી આવશે. વડાપ્રધાનની યાત્રાનો પ્રભાવ દુનિયાભરમાં જોવા મળે છે પરંતુ એ જેટલો મોદીના ફાયદામાં છે એટલો ભારતના ફાયદામાં છે કે નહીં એ સર્વેક્ષણ જરૂરી છે. આ પ્રભાવ એક તો વિદેશ વસતા ભારતીયો પર વિશેષ છે. પરંતુ ત્યાંના ઉદ્યોગપતિઓ અને મલ્ટીનેશનલ કંપનીઓ પર એની શું અસર છે તે નક્કી નથી.