Editorial

આ છે આગ-વું ગુજરાત .

By GS TEAM
14 Jun 20263 mins read
આ છે આગ-વું ગુજરાત                                   .

રાજ્ય સરકારે કેટલીક હોસ્પિટલો હમણાંથી પર કડક પગલા લેવાની શરૂઆત કરી છે અને અનુદાન પેટે અપાતા ફંડને આપ્યા વિના જ પેનલ્ટી તરીકે જમા લેવાનું પરાક્રમ દાખવ્યું છે. આપણા દેશમાં હોસ્પિટલ મોનિટરિંગ સિસ્ટમ નથી. ખાનગી હોસ્પિટલો કે કોર્પોરેટ હોસ્પિટલોમાં સરકારનું આરોગ્ય ખાતું પગ મૂકતા પણ ગભરાય છે. છેલ્લા એક વરસમાં રાજસ્થાન અને ગુજરાતમાં સૌથી વધુ હોસ્પીટલો સળગી છે અને હજુ પણ ફાયર સેફ્ટી વિનાની સંખ્યાબંધ હોસ્પીટલો એવી છે જ્યાં ગમે ત્યારે આગ લાગી શકે છે. ગુજરાતમાં સમયાંતરે છેલ્લા એક વર્ષમાં આઠ-દસ હોસ્પીટલોમાં આગ લાગી છે જે તમામમાં વિવિધ દરદીઓ સારવાર લઈ રહ્યા હતા. બિનસત્તાવાર રીતે પચાસથી વધુ લોકોએ એ પ્રકારની આગમાં જિંદગી ગુમાવી છે. ગુજરાત સરકાર હજુ સુધી તમામ આરોગ્ય કેન્દ્રો માટેના આગોતરી સલામતી માટેના નિયમો ઘડી શકી નથી. રાજ્યની કોઈ પણ પાલિકા કે મહાપાલિકાની આજુબાજુની જ દસ ઇમારતમાં તપાસ કરો તો દસમાંથી સાતમાં ફાયર સેફ્ટીનો ધડો નથી. તો બાકીના વિસ્તારોની તો શું વાત કરવી !

આ ઉનાળે કેટલીક ટ્રાવેલ્સ બસો પણ સળગી જેમાં બારીઓ ખુલતી ન હોવાથી ઘણાક લોકો જીવતા ભુંજાયા. દિલ્હી-મુંબઈની હોસ્પીટલો અને હોટેલોમાં પણ આ ગ્રીષ્મે અનેકની જિંદગી આંચકી લીધી છે. ગઈકાલે દ્વારિકા-ઓખા હાઈવે પર શિવરાજપુર બિચ નજીક યાત્રિકો ભરેલી મિની બસ અચાનક ભડકે બળી. ડ્રાઈવરે બુદ્ધિ ચલાવીને બધાને માંડ માંડ બચાવ્યા. જ્યારે પણ આગ લાગે છે ત્યારે સરકાર અને સ્થાનિક વ્યવસ્થાતંત્ર કૂવો ખોદવા લાગે છે અને એ જ સ્થિતિ હોય છે જે ઈસવીસન પૂર્વે હતી. દેશના અનેક પ્રદેશોના અનેક કુખ્યાત અગ્નિકાણ્ડનો આ બોધપાઠ છે અને છતાં વ્યવસ્થાતંત્રમાં કે અગ્નિશમન પ્રણાલિકામાં કોઈ ફેર પડયો નથી. વિજ્ઞાાન અને ટેકનોલોજી હવે કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી આગ બુઝાવી શકે છે પરંતુ આપણા દેશમાં તો હતા ત્યાંને ત્યાં - એવો અનુભવ સહુને છે. દેશના મોટા ભાગના ફિલ્મ થિયેટરોમાં આજે પણ આગ લાગે તો બહાર નીકળવાનું મુશ્કેલ છે, કારણ કે થિયેટરમાં બેઠક વ્યવસ્થામાં એ મટિરિયલ વપરાય છે જે ઝડપથી આગને પકડે. મુંબઈના ઉપહાર નામક ફિલ્મ થિયેટરમાં બોર્ડર ફિલ્મ ચાલતી હતી ત્યારે લાગેલી આગમાં અંદાજે ૬૦ દર્શકો ભભૂકતી જ્વાળાઓમાં જીવતા ભુંજાઈ ગયા હતા.

બોર્ડર ફિલ્મ જોતાં જોતાં જ તેઓ અત્યન્ત કરૂણ રીતે જિંદગીની બોર્ડર ઓળંગીને મોતના ખોળે પોઢી ગયા હતા, થિયેટર માલિકો વગદાર હતા, એ ઈ.સ. ૧૯૯૭નો સમય હતો. સીબીઆઈની ચાર્જશીટ હોવા છતાં થિયેટર માલિકો વીસ વરસ પછી જેલમાં ગયા. કોઈ પણ ઈમારતના છેલ્લા ઉપરના માળે અગાસીમાં ડોમ બાંધીને કે તંબુ-છાપરા ઊભા કરીને જે વધારાની ઉપભોક્ત જગ્યા બનાવવામાં આવે છે તે રૂફ ટોપ છે. રૂફ ટોપ ફાયર સૌથી ખતરનાક આગ હોય છે. એ બહુ ઝડપથી ફેલાય છે. સુરતના ડિઝાઈન સ્ટુડિયોના પાટિયા લગાવીને ચિત્રકલાના હોબીક્લાસ ચલાવતી ટોળકીએ પણ રૂફ ટોપ પર જ ક્લાસિઝ ચાલુ કર્યા હતા. આપણે ત્યાં પાછલા વરસોમાં સરકારે થોડા રૂફટોપ ડોમ તોડાવ્યા પણ પછી આજે તો એની એ જ સ્થિતિ છે.

ઈ.સ. ૧૯૭૦ના દાયકામાં દુનિયામાં રૂફ ટોપ રેસ્ટોરન્ટનો ક્રેઝ હતો, પરંતુ ફ્રાન્સ અને અમેરિકામાં રૂફ ટોપ ફાયરના અનેક કિસ્સાઓ બહાર આવતા ત્યાંની સરકારોએ ધાબા પર ડોમ વગેરે બાંધીને નવી રચના કરવા પર પ્રતિબંધ મૂકી દીધો. આપણે ત્યાં છેલ્લે ઈ.સ. ૨૦૧૭માં મુંબઈમાં રૂફ ટોપ રેસ્ટોરન્ટમાં ભીષણ આગ લાગી હતી અને કોઈને છટકવાની તક મળી ન હતી. એમાં પબ કલ્ચરના ૧૫ શોખીનોએ જિંદગી ગુમાવી હતી અને ૨૧ જેટલા લોકો ઘવાયા હતા. આ ઉપરાંત જેમની નિર્દોષ અને નિર્મળ આંખ હજુ યૌવનથી અજાણ હતી અને હજુ તો જેઓ જિંદગીના આકાશમાં ઊંચે ઉડવા પાંખો ફફડાવવાની તૈયારીમાં હતા ત્યાં જ જેમના આત્માએ અનંત ભણી અંતિમ પ્રયાણ કરવું પડયું એ તમામ વિદ્યાર્થીઓ ભીતર કારમી ચીસો સાથે અને બહાર કૂદાકૂદમાં જિંદગીથી હાથ ધોઈ બેઠા એ સુરતની ઘટના સમગ્ર દેશે નજરોનજર સમૂહ માધ્યમોમાં જોઈને કમકમાટી અનુભવી હતી.

વાલીઓ હજુ પણ એમ માને છે કે એમ કંઈ આગ થોડી લાગી જવાની છે? એ વાલીઓની બેહોશ મનઃસ્થિતિ છે, જે એમને ભારે પડી શકે છે. રાજ્યની સંખ્યાબંધ સ્કૂલો, કોલેજો, હોસ્પિટલો અને અન્ય ઊંચી ઇમારતોમાં એક જ સીડી હોય છે. આગ લાગે ત્યારે લિફ્ટનો ઉપયોગ તો જોખમી હોય છે. છતાં આવી બિલ્ડિંગોમાં બે સીડી હોવાની હિમાયત સરકાર રાખતી નથી.