Editorial

આર્થિક મોરચાનું યુદ્ધ .

By GS TEAM
5 Oct 20254 mins read
આર્થિક મોરચાનું યુદ્ધ                                        .

હવે ભલે વિશ્વયુદ્ધ ન થાય પણ વિશ્વના તમામ દેશોમાં સંભવિત યુદ્ધોની સભાનતા એટલી બધી વધી ગઈ છે કે વ્યાપાર અને વાણિજ્ય પડતા મૂકીને છાને પગલે એક નવી શસ્ત્ર દોડ ચાલુ થઈ ગઈ છે. જગતકાજી તરીકે ટ્રમ્પ, પુતિન અને જિનપિંગની જે ત્રિપુટી અત્યારે પ્રભાવક ભૂમિકામાં છે એ ત્રણેયના મનોપ્રદેશમાં યુદ્ધ સિવાય કંઈ નથી એટલે બેટલ્સ અને વોર બન્ને ચાલુ જ રહેવાના છે. હમાસ-ઈઝરાયલ વચ્ચેના તકલાદી સમાધાનો પણ કાન ફાડી નાંખે એવા નવા ને અવનવા હુમલાઓમાં રૂપાંતરિત થઈ રહ્યા છે એ વિધિની વિચિત્રતા અને એમાં ફસાયેલી નિર્દોષ પ્રજાના ઘોર દુર્ભાગ્ય છે. ભારત અત્યારે આર્થિક મોરચે એક અભૂતપૂર્વ યુદ્ધ લડી રહ્યું છે. કોઈ પણ દેશના અર્થતંત્રની એ નૈતિક જવાબદારી છે કે સરકારના આર્થિક સિદ્ધાન્તો મહાભારતકાલીન ચાર્વાકના સિદ્ધાન્તની લગોલગ ન આવી જાય. દેવું કરો અને ઘી પીવો એ ચાર્વાકસૂત્ર ખરેખર તો અમલ ન કરવા માટેની એક સીમારેખા છે. પરંતુ કેન્દ્રના નાણાં પ્રધાન નિર્મલા સીતારામને ગત સપ્તાહાન્તે રજૂ કરેલા આર્થિક વિચારોમાં તો સરવાળે ચાર્વાક તરફનો જ ઝૂકાવ દેખાય છે.

સરકારના મુખ્ય આર્થિક સલાહકાર કે. વી. સુબ્રમણ્યને સરકાર તરફી વારંવાર કરેલી વકીલાતમાં કહેલી વાતો બૌદ્ધિક રીતે તો ચિત્તાકર્ષક છે પરંતુ વાસ્તવિક ધરાતલ પર સરકારની આર્થિક ઈન્દ્રજાળ જોખમથી ભરેલી છે. એ વાત ખરેખર સાચી છે કે ટેરિફને કારણે સાવ તળિયે બેસી ગયેલા અર્થતંત્રએ વી આકારે નોઝ ડાઈવિંગ કર્યા પછી ફરી ઊંચે જવાની શરૂઆત કરી છે. ટેરિફને કારણે દુનિયાના સંખ્યાબંધ દેશોની હાલત આવી જ છે. પરંતુ એમાંથી સરકાર દેશને કઈ રીતે અને કયા રસ્તે બેઠો કરી રહી છે તે પ્રજા માટે જિજ્ઞાાસાનો વિષય છે. સીતારામને કહેલી વાતોનો સારાંશ એ છે કે દેશનું અર્થતંત્ર સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ ગયું છે. એક ઘોર અંધારી રાત પસાર થઈ ગઈ છે અને હવે નૂતન પ્રભાતનાં કિરણો પ્રગટ થયા છે. આમ તો નાણાંમંત્રીનું પદ જ આશાઓને અમર રાખવાની જવાબદારીનું છે. એટલે બજેટમાં આશાઓનો ધોધ પડવાનો નક્કી છે. એ જેટલો વાસ્તવિકતાની નજીક હશે એટલું દેશનું આર્થિક ભવિષ્ય તંદુરસ્ત નીવડશે.

સરકાર જેને વી શેઈપ રિકવરી કહે છે એ ત્યારે જ શક્ય બનશે જો સરકાર પહેલાની કેન્દ્રની નીતિગત આર્થિક ભૂલોની સુધારણા કરશે. જીએસટી તો એની શરૂઆત માત્ર છે. સરકારની ધારણા પ્રમાણે આગામી નાણાંકીય વરસ ૨૦૨૬ - ૨૭ માં જીડીપી આધારિત સર્વગ્રાહી વિકાસદર ૧૧ ટકા સુધી ઊંચે જશે. જો કે સરકારે સંભાવના જ દર્શાવી છે તો પણ એ આજકાલ તો હસીન સપને જ લાગે. નવાઈની વાત એ છે કે આ અનુમાનિત વિકાસદર માઈનસ ૭.૭ ટકાના પતન પામેલા દરના આધારઅંક પરથી ગણતરી કરાયેલો છે. જે રીતે અરૂણ જેટલીનું ગણિત, ગણિતના નિયમોની બહાર હતું એ જ રીતે નિર્મલા સીતારામનું ગણિત નિયતિ કૃત નિયમરહિતા છે. એ જલદી સમજાય એમ નથી. બેરોજગારીના વિવાદે ચડેલા આંકડાઓમાં પણ એવું જ હતું. અગિયાર ટકાનો (કપોલ)કલ્પિત વિકાસદર એક ઊંચી છલાંગ છે. ભાજપ પ્રેરિત તમામ અર્થશાસ્ત્રીઓ માટે એ શ્રદ્ધાનો વિષય છે અને એટલે એને હાલ તો કાળના નિર્ગમન વિના પડકારી શકાય એમ નથી.

સવાલ એ લક્ષ્યને હાંસલ કરવા માટેના સરકારના ઈરાદાઓ અને પ્રયુક્તિ-પ્રવૃત્તિનો છે. અત્યારે એટલું તો સ્પષ્ટ છે કે સરકાર દેશમાં આંતરમાળખાકીય નવનિર્માણ માટે કામે લાગશે. વિવિધ ઈન્ફ્રાસ્ટ્રકચરના કામો દ્વારા સરકાર જાહેર કાર્યોમાં અબજો રૂપિયા ઠાલવવાનું આયોજન ધરાવે છે એટલું નક્કી છે. એ માટે સરકાર મૂડી કઈ રીતે ઊભી કરશે એની સ્પષ્ટતા હજુ થઈ નથી. એટલે એ યોજનાઓ મુખ્યત્વે દેવું કરીને ઘી પીવાના ધોરણે જ ચાલશે. આયાત-નિકાસનું ચિત્ર બહુ પ્રોત્સાહક છે. ટેરિફને કારણે કુલ માલનું પ્રમાણ ઘટયું છે તો પણ આ વખતે કરન્ટ એકાઉન્ટ સરપ્લસ (ચાલુ ખાતે ચડેલો નફો) બે ટકાની અભિવૃદ્ધિ બતાવે છે જે પણ છેલ્લા સત્તર વરસમાં નોંધાયેલો વિક્રમ છે. વિદેશી હૂંડિયામણનો ભંડાર પણ સૌથી ઊંચા સ્તર સુધી પહોંચી ગયો છે. એમાં ચીને છેલ્લા છ મહિનાથી એકાએક વધારેલી આયાતોનું પણ મહત્ યોગદાન છે. ચીન આગામી પાંચ વરસ માટે જીવન જરૂરી ચીજોનો નવો અનામત ભંડાર ઊભો કરે છે. ચીનની અત્પ્રવૃત્તિ પણ રહસ્યમય અને યુદ્ધ પૂર્વે થતી હોય એવી જ લાક્ષણિકતા ધરાવતી તૈયારી છે. સરકાર દ્વારા થતી વિવિધ વસૂલાતો પણ ઊંચે ગઈ છે.ગ્લોબલ રેટિંગ એજન્સીઓ અનેક પ્રકારના તારણો વહેતા કરતી રહે છે અને એમાં કેટલાક મનઘડંત પણ હોય છે.