'અણુયુધ્ધની સંભાવના ભયંકર રીતે ખૂબ વધી ગઈ છે'

- વર્ષ 2022માં અમેરિકાના તત્કાલીન પ્રમુખ બાઈડેને ચેતવણી ઉચ્ચારી હતી કે,
- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ
- ભાગ-11
- રશિયા ICBM છોડે તો માત્ર 26 મિનિટ 40 સેકન્ડમાં અમેરિકાના શહેર પર ત્રાટકે
- આજે દુનિયાના 9 દેશો પાસે સેંકડો અણુ શસ્ત્રોના ભંડાર ભર્યા પડયા છે
આથી અમેરિકાએ જે નવો 'OPLAN' ઘડયો છે તેમાં આંતરિક બીજા ઘણાં પ્લાન સમાવિષ્ટ કરાયા છે. કહેવાનો મતલબ OPLAN હવે કેવળ એક જ પ્લાન થી પણ 'A Family of Plans' છે, અને તે જુદા જુદા ચાર પ્રતિસ્પર્ધી કે શત્રુ દેશો - રશિયા, ચીન, ઉત્તર કોરિયા અને ઇરાન વિરૂધ્ધના પ્લાન છે.
અમેરિકાના શસ્ત્ર ભંડારમાં ૧૯૬૦માં જેટલા અણુશસ્ત્રો હતા તેની સરખામણીમાં આજે ઓછા શસ્ત્રો છે.
વર્ષ ૧૯૮૫માં અમેરિકાના તત્કાલીન પ્રમુખ રોનાલ્ડ રેગન અને સોવિયેત યુનિયનના જનરલ સેક્રેટરી મીખાઇલ ગોર્બાચેવે એક સંયુક્ત નિવેદન જારી કરી વિશ્વને ચેતવણી આપી હતી કે, અણુયુધ્ધમાં કોઇની જીત થઇ નથી શકતી, માટે અણુયુધ્ધ ક્યારેય પણ લડાવું ન જોઇએ.
પણ દાયકાઓ પછી વર્ષ ૨૦૨૨માં અમેરિકન પ્રમુખ જો બાઇડેને ખુદ અમેરિકનોને ચેતવ્યા હતા કે, 'અણુયુધ્ધની સંભાવના ભયંકર રીતે ખૂબ વધી ગઇ છે.'
હવે આજે આપણે અણુયુધ્ધની સંભાવનાને સાવ જ કિનારે આવીને ઊભા હોય તેવી બેહદ વિષમ પરિસ્થિતિ સર્જાઈ છે.
રશિયા-યુક્રેન વચ્ચે તા. ૨૪ ફેબુ્રઆરી ૨૦૨૨ થી યુધ્ધ ચાલી રહ્યું છે. અત્યારે યુક્રેનનો લગભગ ૨૦ ટકા પ્રદેશ રશિયાના કબ્જા હેઠળ છે. ત્રણેક વર્ષથી ચાલતા આ યુધ્ધનો અંત હજી દેખાતો નથી. આટલું ઓછું હોય તેમ ઈઝરાયલ-ઈરાન વચ્ચે ફાટી નીકળેલા યુધ્ધમાં અમેરિકાએ પણ ઝંપલાવ્યું હતું.
આ સ્ફોટક સ્થિતિ વચ્ચે કોણ, ક્યારે અચાનક એકાદ અણુશસ્ત્રનો ઉપયોગ કરી બેસે તે વિશે નિશ્ચિતપણે કોઈ કશું કહી તેમ નથી.
ઈન્ટર કોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલ (ICBM) એ લાંબા અંતર સુધી જઈ ટાર્ગેટ પર અણુશસ્ત્રોનો વાર કરી શક્વા સક્ષમ મિસાઈલ છે. દાખલા તરીકે અમેરિકા કે રશિયા આ મિસાઈલ છોડે તો હજારો કિલોમીટરનું અંતર કાપી તે યુરોપ અથવા એશિયા કે આફ્રિકા ખંડના ગમે તે પૂર્વ નિર્ધારિત દેશ પર ત્રાટકી શકે છે. વિશ્વના કોઈપણ ખૂણે પહોંચી લાખ્ખો લોકોને મોતના મુખમાં ધકેલી દેવાની રાક્ષસી તાકાત આ બેલિસ્ટિક મિસાઈલમાં છે.
આ વાત છે વર્ષ ૧૯૬૦ ની, જ્યારે (ICBM) બનાવવાની શરૂઆતનો તબક્કો હતો. એ સમયના પેન્ટાગોનના (અમેરિકાના સંરક્ષણ ખાતાના) મુખ્ય વૈજ્ઞાનિક હર્બ યોર્કને એક સવાલ સ્ફૂર્યો કે લાખો લોકોને એક સામટા યમદ્વારે પહોંચાડી દેવાની વિનાશક ક્ષમતા ધરાવતી અને હજારો કિલોમીટર દૂર દુશ્મન દેશના મહત્વના કોઈ શહેર સુધી અણુશસ્ત્રો લઈ જવાની રાક્ષસી તાકાત ધરાવતી આ મિસાઈલ ધારો કે સોવિયેત રશિયા અમેરિકાના કોઈ શહેર પર છોડે તો ત્યાંથી અમેરિકા સુધી આવતા તેને ચોક્કસપણે કેટલો સમય લાગે ?
આ સવાલનો જવાબ મેળવવા હર્બ યોર્કે, અમેરિકાના સંરક્ષણ ક્ષેત્રના ટોચના વૈજ્ઞાનિકોની મદદ લીધી અને તેમને બેલિસ્ટિક મિસાઈલને રશિયાથી અમેરિકા સુધી આવતા કેટલો સમય લાગે તેની ચોક્કસ ગણત્રી કરવાની સંવેદનશીલ મહત્વની કામગીરી સોંપી.
પરિણામ ઃ સંરક્ષણ ક્ષેત્રના નિષ્ણાતોએ ચોકસાઈપૂર્વક વૈજ્ઞાનિક સિધ્ધાંતો અને મિસાઈલની ઝડપ વિગેરે ગણત્રીમાં લઈને એવો નિષ્કર્ષ તારવ્યો કે સોવિયેત યુનિયનથી અણુશસ્ત્રો સાથેની બેલિસ્ટિક મિસાઈલ છોડાય તો, અમેરિકાના પૂર્વ નિર્ધારિત શહેર પર માત્ર ૨૬ મિનિટ અને ૪૦ સેકન્ડમાં ભયંકર વિસ્ફોટ સાથે ત્રાટકી સમગ્ર શહેરનો વિનાશ કરી શકશે. કેવળ ૧૬૦૦ સેકન્ડસમાં બધું તહસનહસ...
અમેરિકાના સાનડિએગો શહેરની ગેઈસલ લાયબ્રેરીમાંથી હર્બ યોર્કના કેટલાક પર્સનલ પેપર્સની વચ્ચે વૈજ્ઞાનિકોએ કરેલી ૨૬ મિનિટ ૪૦ સેકન્ડસ ગણત્રીવાળા આ ગુપ્ત-ખાનગી પેપર્સ પણ મળી આવ્યા છે.
આ અગત્યના ગુપ્ત પેપર્સ આ રીતે મુકવા પાછળ બે કારણ જવાબદાર હોઈ શકે ઃ એક તો હર્બ યોર્કની બેદરકારીથી કદાચ આ પેપર્સ ત્યાં પડયા હશે અથવા તો હર્બ યોર્કે જાણીબુઝીને આ ગુપ્ત પેપર્સ ત્યાં મુકી રાખ્યા હશે. તેમનો આશય એ હશે કે તેઓ આખા વિશ્વને બતાવવા માંગતા હશે કે તમે બધા આ ગુપ્ત કાગળોમાં લખેલી હકીકતો વાંચો અને જુઓ કે વોર પ્લાનર્સ અને વિનાશક શસ્ત્રો બનાવનારાઓ આ બધું દાયકાઓથી જાણતા હોવા છતાં તમારાથી આ ચોંકાવનારી વિગતો છુપાવી રાખી છે. અણુયુધ્ધની આ રાક્ષસી વિનાશક તાકાત એવી છે કે અણુયુધ્ધથી લડાનાર મહાયુધ્ધમાં કોઈની જીત થાય એવો કોઈ રસ્તો જ નથી...!
અણુયુધ્ધ અચાનક જ શરૂ થઈને ખૂબ ટૂંકા સમયમાં, કહોને ગણત્રીની મિનિટોમાં તેનો મહા વિનાશક અંત આવી જવાનો છે.
બીજા વિશ્વયુધ્ધ વખતે તો એકમાત્ર અમેરિકા પાસે જ અણુશસ્ત્રો હતા, એટલે બે એટમબોમ્બ જાપાનના બે શહેરો પર ફેંક્યા એટલે જાપાન તુરત અમેરિકાને શરણે ગયું અને બીજા વિશ્વયુધ્ધનો અંત આવી ગયો.
પણ તે પછી દુનિયા ખૂબ ઝડપે બદલાઈ ગઈ છે અને હજી બેવડી ઝડપે તેમાં બદલાવ આવી રહ્યો છે. આજે દુનિયાના લગભગ ૯ દેશો પાસે અણુશસ્ત્રો છે.
કહેવાનો મતલબ કે બીજા વિશ્વ યુધ્ધમાં અમેરિકા પાસે અણુશસ્ત્રની ઈજારાશાહી હતી, તે હવે નથી રહી. એટલે ત્રીજા વિશ્વયુધ્ધમાં ન કરે નારાયણને કોઈ એક દેશ અણુશસ્ત્રનો ઉપયોગ કરે તો બીજો દેશ હાથ જોડીને બેસી નહીં રહે.
કોઈ આપખુદ સરમુખત્યાર કે એકાદ ધર્મઝનૂની શાસક પાસે અણુબોમ્બની ફોર્મ્યુલા આવી જાય તો એ શું કરી બેસે, તે વિશે કાંઈ જ કહી શકાય કે વિચારી સુધ્ધા શકાય તેમ નથી.
હર્બ યોર્કે લખ્યું છે કે, 'અણુશસ્ત્ર સજ્જ' ICBM થી દુનિયાના સર્વનાશની ગંભીર સંભાવના ઊભી થઈ છે. ભવિષ્ય નિશ્ચિતપણે અંધકારમય બની ગયું છે.
અણુશસ્ત્રથી સજ્જ ICBM ને સોવિયેત યુનિયનથી અમેરિકા પહોંચતા ૨૬ મિનિટ અને ૪૦ સેકન્ડસ લાગે તેવી અમેરિકન વૈજ્ઞાનિકોએ ગણત્રી મુકી તે સમયે દુનિયામાં અમેરિકા પછી અણુશસ્ત્ર ધરાવતો બીજો દેશ માત્ર સોવિયેત યુનિયન જ હતો.
પણ આજે અમેરિકા, રશિયા, ફ્રાન્સ, ચીન, યુ.કે., પાકિસ્તાન, ભારત, ઈઝરાયલ અને નોર્થ કોરિયા મળીને ૯ દેશો પાસે અણુશસ્ત્રો છે.
MITના એક પ્રોફેસર એમેરિટસ થિઓડોર 'ટેડ' પોસ્ટોલે ગણિતશાસ્ત્રની લાંબી-પહોળી ગણતરી કરીને એવું તારણ કાઢયું છે, કે નોર્થ કોરિયાની ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં લેતા નોર્થ કોરિયા દ્વીપકલ્પથી અમેરિકાના ઈસ્ટ કોસ્ટ પર ત્રાટકતા ICBM ને ૩૩ મિનિટનો સમય લાગે.
(ક્રમશઃ)








