લાઈટના થાંભલા અને વૃક્ષો તણખલાની જેમ ઉડયા..

- હાઈડ્રોજન બોમ્બના પ્રચંડ વિસ્ફોટના પગલે અતિશય વેગથી ફૂંકાયેલા વંટોળના સપાટામાં
- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ
- ભાગ-2
- 18 પૈંડાવાળી જંગી ટ્રકો, ડબલ-ડેકર ટૂર બસો ટેનિસ બોલની જેમ હવામાં ફંગોળાઈ
- વિસ્ફોટની પ્રચંડ ગરમીથી રોડ પરનો ડામ્મર પીગળીને ધગધગતો લાવા બની ગયો
અમેરિકા પરના સૌ પ્રથમ અણુબોમ્બ એટેકમાં કેવળ આ નેશનલ ડિફેન્સ યુનિ.જ સંપૂર્ણપણે નાશ પામી એટલું જ નહીં કિંતુ આઈઝનહોવર સ્કૂલ ફોર નેશનલ સિક્યુરિટી, ધ નેશનલ વોર કોલેજ, ધ ઈન્ટર -અમેરિકન ડિફેન્સ કોલેજ પણ બે સેકન્ડમાં નામઃશેષ થઈ ગઈ.
દુષ્ટ અને અનિષ્ટ તત્વોની મેલી મુરાદથી વિશ્વને બચાવવા માટે માણસે વીસમી સદીમાં અણુશસ્ત્રનું સર્જન કર્યૂં અને હવે વિધિની વિડંબના એવી થઈ કે અતિ ઘાતક એ અણુશસ્ત્રથી જ વિશ્વ વિનાશની નોબત ખડી થઈ છે. બધું જ બળીને ખાખ કરી નાંખે એવા મહા વિનાશક શસ્ત્રોના ભંડાર પૃથ્વી પર ભરાયેલા પડયા છે.
અણુ વિસ્ફોટના પગલે ફેલાતી પ્રચંડ ગરમીના લીધે બેહદ ભારે પ્રેશરનું મોજું સર્જાય છે, જે તેના કેન્દ્રમાંથી સુનામીની વેગે બહાર આસપાસના વિસ્તારોમાં ફેલાય છે. ખૂબ જ કોમ્પ્રેસ્ડ થયેલી હવાની જાણે એક જંગી દીવાલ અવાજ કરતાં વધારે ઝડપથી આગળ વધતી જાય છે, અને તેના પ્રચંડ સપાટામાં લાખ્ખો લોકો હવામાં ફંગોળાઈને મોતના મુખમાં ધકેલાઈ ગયા., ઘણાંના ફેફસા અને કાનના પડદા ફાટી ગયા.
''એટોમિક આર્કાઈવ'' માંની એક નોંધ ઃ 'હવાના દબાણમાં થયેલા પ્રચંડ ફેરફારથી મોટી મોટી બિલ્ડિંગો ક્ષણાર્ધમાં તૂટી પડી. અતિશય વેગથી ફૂંકાયેલા પવનના સપાટામાં ફોન અને લાઈટના થાંભલા તેમજ વૃક્ષો તણખલાની જેમ ઉડીને જમીનદોસ્ત થઈ ગયા'.
અણુ વિસ્ફોટનો અગનગોળો જેમ મોટો થતો ગયો તેમ વધુને વધુ વિનાશ વેરતો ગયો, જાણે વિશાળકાય બુલડોઝર માર્ગમાં જે કાંઈ આવે તેનો કચ્ચરઘાણ કાઢતું આગળ ન વધતું હોય...? મહા વિસ્ફોટના મોજા પાછળની હવાનો વેગ વધી ગયો, કલાકે સેંકડો માઈલની ઝડપે વંટોળ ફૂંકાવા માંડયો,
આ વંટોળ એટલી તીવ્ર ગતિએ ફૂંકાયો કે જેની અત્યાર સુધીના એકપણ કુદરતી વાવાઝોડાના વેગ સાથે તુલના થઈ શકે તેમ નથી.
વર્ષ ૨૦૧૨ ની સાલમાં સેન્ડિ નામનું જે વાવાઝોડું (હરિકેન) ફૂંકાયું'તું, તેમાં ૭૦ અબજ ડોલરનું નુકસાન થવાની સાથે ૧૪૭ માણસોનો ભોગ લેવાયો હતો. આ વાવાઝોડાની ઝડપ કલાકે વધુમાં વધુ ૮૦ માઈલની હતી.
ઓસ્ટ્રેલિયાના એક અંતરિયાળ 'વેધર સ્ટેશને' (હવામાન મથક) આજ સુધીમાં પૃથ્વી પરના સૌથી વધુમાં વધુ પવનની ગતિ કલાકે ૨૫૩ માઈલની નોંધી છે.
કોમ્પ્યૂટર અને સિમેન્ટ બ્લોક જેવી કદમાં નાની-નાની ચીજ-વસ્તુઓથી માંડીને ૧૮ પૈંડાવાળી જંગી ટ્રકો અને ડબલ-ડેકર ટૂર બસો નાનકડા ટેનિસ બોલની જેમ હવામાં ફંગોળાઈ ગઈ હતી.
૬૦ સેકન્ડસ વીતી ચૂકી હતી.
અણુ વિસ્ફોટનો અગનગોળો બિલાડીના ટોપ (મશરૂમ) જેવો દેખાતો હતો. ભૂખરા સફેદ રંગનો આ ટોપ ગ્રાઉન્ડ ઝીરોથી પાંચ માઈલ અને પછી દશ માઈલ જેટલી ઊંચાઈએ પહોંચ્યો હતો. આ ટોપ ઊંચાઈએ તો ગયો, પણ સાથે સાથે પહોળાઈમાં પણ તે વિસ્તરતો ગયો-૧૦, ૨૦ અને પછી ૩૦ માઈલ જેટલો વિશાળ બની તમામ સજીવો અને મોટી ઈમારતો સહિતની બધી ચીજ-વસ્તુઓ તેના સપાટામાં લઈ લીધી. ચોતરફ કિરણોત્સર્ગી કણો પ્રસરી ગયા.
અણુ વિસ્ફોટ થયાની માંડ બે જ મિનિટના સાવ ટૂંકા સમયગાળામાં ૧૦ લાખ કરતા વધારે માણસો મોતના મુખમાં ધકેલાઈ ગયા, તે દરમિયાન સર્વત્ર પ્રચંડ આગ ફાટી નીકળી, આ આગ કલ્પના બહારની હતી. ગેસની લાઈનો ધડાકા સાથે ફાટતા ચોતરફ આગના ભડકે ભડકા ફેલાયા. જવલનશીલ પ્રવાહી/પદાર્થો ભરેલી ટેન્કરો ધડાકા સાથે ફાટીને અગનગોળામાં ફેરવાઈ ગઈ.
આખીને આખી કેમિકલ ફેક્ટરીઓ પણ ભારે વિસ્ફોટ સાથે આગની પ્રચંડ જવાળાઓમાં ખાખ થઈ ગઈ. આના લીધે ઠેર ઠેર લોકો પણ જીવતા સળગી ગયા.
ગભરાઈને બિલ્ડિંગોના બેઝમેન્ટમાં આશ્રય લેનારા લોકોને ઉપરાછાપરી ઊલટીઓ થવા માંડી, પછી બેભાન થઈ ચીરનિદ્રામાં પોઢી ગયા.
વિસ્ફોટની ક્ષણે તેના તરફ જોનારા લોકો આંધળા થઈ ગયા-કેટલાક કિસ્સામાં તો વિસ્ફોટના સ્થળથી બાર-તેર માઈલ દૂરથી પણ વિસ્ફોટ બાજુ આંખ ઠેરવીને જોનારા લોકોએ આંખની રોશની ગુમાવી દીધી.
જે સ્થળે, હાઈડ્રોજન બોમ્બ ફેંકાયો તે ગ્રાઉન્ડ ઝીરોથી ચોતરફ ૭.૫ માઈલના વિસ્તારમાં એટલે કે અમેરિકન સંરક્ષણ મંત્રાલય પેન્ટાગોનની વિશાળ ઈમારતના ૧૫ માઈલના ઘેરાવામાં સેંકડો કાર અને બસો એકબીજા સાથે અથડાઈ પડી, વિસ્ફોટની બેહદ ગરમીથી રોડ પરનો ડામર પીગળી ગયો અને લોકો જાણે ધગધગતા લાવાની વચ્ચે સપડાઈને ખાખ થઈ ગયા. આ એક અત્યંત જોખમી એવી પરિસ્થિતિ હતી કે જેનાથી બચવાનું કોઈના માટે શક્ય જ નહોતું. આખું વોશિંગ્ટન ડી.સી. વિકરાળ આગની પ્રચંડ જવાળાઓમાં લપેટાઈ ગયું.
ગ્રાઉન્ડ ઝીરોથી લગભગ બારેક માઈલ દૂર બચી ગયેલા કેટલાક લોકો મહા આઘાતમાં સરી પડયા હતા. આ શું થઈ ગયું...? એની કોઈ પ્રકારની સમજ કોઈને પડતી નહોતી. ભયંકર રીતે ડરી ગયેલા લોકો, બચવાની ફિરાકમાં મુઠ્ઠીઓ વાળીને ભાગી રહ્યા હતા.
આકાશમાં ઉડતા કાગડા, કબૂતર અને ચકલીઓ આગની જવાળાઓમાં બળીને ટપોટપ નીચે પડી રહ્યા હતા, આકાશમાંથી જાણે પક્ષીઓનો વરસાદ વરસી રહ્યો હતો.
આખા પાટનગરમાં ક્યાંય ઈલેક્ટ્રિસિટી નહોતી. ફોન સેવા પણ ઠપ્પ થઈ ગઈ હતી. પોલીસ કંટ્રોલરૂમના ફોને ય બંધ થઈ ગયા હતા. હાઈડ્રોજન બોમ્બના ઈલેક્ટ્રોમેગ્નેટિક કંપનથી રેડિઓ, ઈન્ટરનેટ અને ટીવીના સિગ્નલો પણ બંધ થઈ ગયા.
ભયંકર વિસ્ફોટ પછી બેફામ વંટોળ અને તેની પાછળ પ્રચંડ અગનજવાળાઓથી કોઈક રીતે, કે સદ્ભાગ્યે બચી ગયેલા લોકોને અચાનક અણુયુધ્ધના અતિ કડવા સત્યનું અનુભવે બ્રહ્મજ્ઞાાન થઈ ગયું કે હવે અસ્તિત્વ માટેનો સંઘર્ષ તેમણે પોતે જાતે જ લડવાનો છે. અહીં તેમને બચાવવા માટે કોઈ મદદ તાત્કાલિક મળી શકવાની નથી.''
ભવિષ્યમાં ક્યાંક અણુબોમ્બ ઝીંકાય તો કેવી મહા ભયંકર અને દારૂણ સ્થિતિ સર્જાશે, તેનું આ સચોટ શબ્દચિત્ર કેવળ કલ્પના માત્રથી નથી રચાયું. મહા વિનાશનું આ શબ્દચિત્ર રચવા પાછળની રજેરજ વાસ્તવલક્ષી વિગતો ''ન્યૂક્લિઅર વોર-અ સિનારિઓ'' ની લેખિકા એનિ જેકોબ્સને સંશોધનાત્મક પત્રકાર તરીકેના પોતાના વર્ષોના અનુભવના આધારે શોધી કાઢી છે...
(ક્રમશઃ)








