Editorial

ખુરશીમાં બેઠેલા વૃધ્ધને ખુરશી સાથે ત્રીજા માળેથી નીચે ફંગોળ્યા

By GS TEAM
25 Feb 20265 mins read
ખુરશીમાં બેઠેલા વૃધ્ધને ખુરશી સાથે ત્રીજા માળેથી નીચે ફંગોળ્યા

- યહૂદી વસાહતમાં જર્મન પોલીસોની બેહદ જંગાલિયત

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-10

- મરણચીસ સાથે એ વૃધ્ધ નીચે પટકાતા જ રસ્તા પર ચોમેર લોહીના રેલા રેલાયા...

- યહૂદીઓની નાની-નાની વસાહતોમાં રહેનારા બધાને અચાનક અજાણ્યા સ્થળે લઈ જવાયા

એક દિવસ મારી માતા બહારથી દોડતી ઘેર આવી અને ગભરાટભર્યા સ્વરે કહ્યું, પોલીસો હેનરિકને (એટલે કે મારા નાના  ભાઈને ) પકડી ગઈ છે...

હું પિયાનોવાદક તરીકે જાણીતો હતો એટલે મને આશા હતી કે હું મારા ભાઈને છોડાવી શકીશ. હું મારા ભાઈને છોડાવવા માટે ઘરની બહાર નીકળ્યો. રસ્તામાં કેટલીક જગ્યાએ પોલીસોએ જેમને આગળ જતો  અટકાવ્યો....મારી ઓળખાણ આપી માંડ માંડ હું લેબર બ્યૂરોના બિલ્ડિંગમાં પહોંચ્યો. ત્યાં તો  પોલીસોના ટોળેટોળા હતા અને પોલીસો અને પકડી લાવી એ સંખ્યાબંધ યહૂદીઓ પણ હતા.

અન્ય યહૂદી વસાહતોમાંથી વધુ લોકોને પકડી પકડીને હજી વધારે પોલીસ જવાનો એ બિલ્ડિંગમાં આવી રહ્યા'તા.

અહીં પણ હું જેમ તેમ કરીને લેબર બ્યૂરોના ડેપ્યુટિ ડાયરેકટર સુધી પહોંચ્યો. મારી ઓળખાણ આપી મેં, મારો ભાઈ હેનરિક કોઈ ગેરકાયદે કૃત્યોમાં નહીં સંડોવાયાની ખાતરી આપી. એ અફસરે મારી વાત શાંતિથી સાંભળી અને મારી રજૂઆતમાં વિશ્વાસ બેસતા તેમણે મને કહ્યું, સારૃં જાવ, તમારો ભાઈ સાંજ સુધીમાં ઘેર પાછો આવી જશે...!

જૂન મહિનાની એક સાંજે તો જે બન્યું તે અત્યંત કમકમાટીભર્યૂં દ્રશ્ય હતું.

જૂનની ઢળતી સાંજે અમે બધા ડાઈનિંગ ટેબલ પર જમવાની તૈયારી કરતા હતા. બારીઓના પડદા ખોલી નાંખ્યા હતા. જેથી સાંજની ઠંડી હવાથી થોડો હાશકારો થાય. મારી મા અમારી બધાની થાળીઓ પીરસી રહી હતી તેવામાં અમારી બિલ્ડિંગની સામેની બિલ્ડિંગ પાસે તેજ ગતિએ આવેલી પોલીસની ગાડીઓ જોરદાર બ્રેક સાથે ઊભી રહી અને એક પોલીસે હવામાં ચેતવણી સૂચક ગોળીબાર કર્યો.

 અમે બધાએ ઝપાટાબંધ ડાઈનિંગ ટેબલ પરથી ઊભા થઈને બારી બહાર ડોકિયું કર્યૂં. અમારી બરાબર સામેના બિલ્ડિંગના ફલેટમાં એક બિઝનેસમેનના ઘરમાં પોલીસ ઘુસતી દેખાઈ. અમે એ પરિવારને જોયે ઓળખાતા હતા. 

બધા જર્મન પોલીસોના હાથમાં રિવોલ્વરો હતી. તેમને જોઈ બિઝનેસમેન પરિવારના બધા સભ્યો ભારે ગભરાટમાં જાણે થીજી ગયા.

એ પરિવારના સભ્યો પણ ડાઈનિંગ ટેબલ પર જમવાની તૈયારીમાં બેઠા હતા. જર્મન પોલીસ અફસરે વારાફરતી બધા સામે જોયું અને પછી જોરથી ઘાંટો પાડયો ઃ ચાલો, બધા ઊભા થઈ જાવ.

પરિવારના એક સિવાયના બધા સભ્યો શક્ય એટલી ઝડપથી ઊભા થઈ ગયા. કુટુંબના વડા જેવા એક વૃધ્ધ સભ્યના પગે તકલીફ હોવાથી તેઓ ઊભા થવાની કોશિશ કરતા હતા પણ ઊભા ન થઈ શક્યા.

 જર્મન અફસરે, એ વૃધ્ધના પગની તકલીફની પરવા કર્યા વગર ફરી ઘાંટો પાડયો, ચાલ, ઊઠ ઊભો થા, એક વખત કહ્યું એ સાંભળ્યું નથી ? 

એ વૃધ્ધે ડાઈનિંગ ટેબલની ખુરશીના બે હાથા પર બે હાથ  મજબૂતાઈથી ભારપૂર્વક મુકીને ઊભા થવાનો ફરી પ્રયાસ કર્યો, પણ એક તો મૂળે પગની તકલીફ અને બીજું ઉંમર પણ વધારે, એટલે પોલીસ અફસરના સત્તાવાહી ઓર્ડર છતાં એ વૃધ્ધ ઊભા ન થઈ શક્યા.

જર્મન પોલીસોનો ગુસ્સો  સાતમા આસમાને પહોંચી ગયો. અફસરનો ઈશારો સમજી ચૂકેલા ચાર પોલીસ જવાનોએ ખુરશી સાથે જ એ વૃધ્ધને ઊંચક્યા અને તેમને બાલ્કનીમાં લઈ જઈ ત્રીજા માળેથી ખુરશી સાથે સીધા નીચે રસ્તા પર ફેંકી દીધા...!

મારી મા ડરના માર્યા આંખો બંધ કરી ચીસ પાડી ઊઠી. મારા પપ્પા આ દ્રશ્ય જોઈ બારી પાસેથી સીધા પોતાના રૂમમાં અંદર જતા રહ્યા. મારી બહેન રેગિના માના ખભે હાથ મુકી તેને પણ અંદર લઈ ગઈ. 

હું અને મારો ભાઈ હેનરિક, બે જણા હજી બારીમાંથી આ કમકમાટીભર્યૂં દ્રશ્ય જોઈ રહ્યા'તા.

હું અને મારો ભાઇ આ દ્રશ્ય જોઇ ભારે આઘાતમાં સરી પડયા. અમે બન્ને જણ બારી પાસે જ; જડવત્ થઇને ઊભા રહી ગયા; અમે એ કાળજુ કંપાવતું દ્રશ્ય જોતા જ રહી ગયા..

પોલીસોએ ખુરશી સાથે વૃધ્ધને બાલ્કનીમાંથી ફંગોળ્યા, તેની બે સેકન્ડ તો વૃધ્ધ ખુરશીના બે હાથાને વળગી રહ્યા; પણ ત્રીજી જ સેકન્ડે તેમના હાથની પક્કડ છૂટી જતાં એ વૃધ્ધ ખુરશીથી અલગ થઇ નીચે પથ્થરની ફૂટપાથ પર મોટી ચીસ સાથે પટકાતા, રસ્તા પર ચોમેર લોહીના રેલા રેલાયા..

આ દરમિયાન જર્મન પોલીસ જવાનો બિલ્ડિંગના બીજા ફલેટોમાંથી સંખ્યાબંધ યહૂદી પુરૂષોને પકડી રસ્તા વચ્ચે લઇ આવી હતી.

સ્ટ્રીટ વચ્ચે પાર્ક કરેલી પોલીસોની સંખ્યાબંધ વાનો અને જીપોની હેડ લાઇટસ ચાલુ હોવાથી તેના પ્રકાશ શેરડાથી સ્ટ્રીટમાં લાંબે સુધી ઝગમગાટ ફેલાઇ ગયો હતો. પોલીસ વાહનોના એન્જિનો ચાલુ રખાયા હતા.

રસ્તા વચ્ચે ઊભા રખાયેલા યહૂદી પુરૂષોને પોલીસ વાહનો સામે ઝડપભેર દોડવા હુકમ કરાયો અને જેવા એ પુરૂષો પોલીસ વાહનો સામે દોડયા કે તુરત જીપ અને વાનમાં ફિટ કરેલી મશીન ગન્સમાંથી વછૂટેલા તોપગોળા પ્રચંડ વેગે તેમની છાતીમાં ઘુસી ગયા.

વેગીલી ગતિએ છાતીમાં તોપગોળા ભટકાતા યહૂદીઓ મરણ ચીસ સાથે ઊછળીને રસ્તા વચ્ચે પટકાતા હતા. આખી સ્ટ્રીટ પર લોહીની જાણે નદીઓ વહેતી થઇ ગઇ.

નિર્દોષ યહૂદીઓ પર બેફામ તોપગોળા છોડયા બાદ જર્મન છૂપી પોલીસના જવાનો પોતાના વાહનોમાં બેસી ગયા અને રસ્તા વચ્ચે પડેલા મૃતદેહોને પોલીસ વાનોના તોતિંગ વ્હિલ્સ નીચે કચડતા સડસડાટ ઝડપે વિદાય થઇ ગયા..!

રસ્તા પરના મૃતદેહો જાણે 'બમ્પ' હોય તેમ  બેતમા અને બેફિકરાઇથી પોલીસો તેના પરથી વાહનો દોડાવતા જતા રહ્યા..

બિલ્ડિંગોની ગેલેરી અને બારીઓમાંથી કાળજા કંપાવતા આ દ્રશ્યો; યહૂદી પરિવારના સ્ત્રી-પુરૂષો સ્તબ્ધતાથી અવાચક બની જોઇ રહ્યા..

એ રાતે યહૂદી વસાહતમાં લગભગ સો જેટલા પુરૂષોને પોલીસે યમદ્વારે પહોંચાડી દીધા. પણ વસાહતમાં અગાઉ આવા બનાવ બની ચૂક્યા હોવાથી બીજે દિવસે રાબેતા મુજબ વસાહતમાંની દુકાનો અને કાફે ખુલી ગયા..

થોડા દિવસો પછી વસાહતોમાં એક ગભરાટભરી વાત વહેતી થઇ કે નાની-નાની વસાહતોના યહૂદીઓને ત્યાંથી ખસેડી અન્યત્ર વસાવવા માટેની તૈયારીઓ જર્મનો કરી રહ્યા છે.

ચોતરફ આ વાત ફેલાતા નાની વસાહતોમાં રહેતા યહૂદી પરિવારોમાં ગભરાટની લાગણી ફેલાઇ ગઇ..

જર્મન પોલીસોએ લોટરી સિસ્ટમ ચાલુ કરી. એક પછી એક બિલ્ડિંગોને પોલીસો ઘેરી વળતા અને જોરથી સિસોટી વગાડી બિલ્ડિંગના બધા રહીશોને બહાર રસ્તા પર આવી જવાનો હુકમ છોડતા 'તા.

(ક્રમશઃ)