Editorial

ચીનના સર્વાધિકારવાદી શાસક માઓની વણકથી વાતો

By GS TEAM
24 Sep 20255 mins read
ચીનના સર્વાધિકારવાદી શાસક માઓની વણકથી વાતો

- આખી દુનિયા પર પોતાનું આધિપત્ય સ્થાપવાની ગુપ્ત મહેચ્છા ધરાવતા

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-1

- માઓના વતનના ગામમાં બબ્બે વર્ષ સુધી બહારની કોઈ ખબર પહોંચતી નહોતી

- માઓના પિતા યી-ચાન્ગનું 15 વર્ષની વયે 18 વર્ષની યુવતી સાથે લગ્ન થયું હતું

વિશ્વના મોટાભાગના ઈતિહાસકારો માઓ-ત્સે-તુન્ગને સંપૂર્ણપણે એકહથ્થુ સરમુખત્યાર તરીકે મુલવે છે. ગુજરાતીમાં જેને સર્વાધિકારવાદ કહે છે, તેને અંગ્રેજીમાં  Totalitarianism કહેવાય છે.

આ સર્વાધિકારવાદમાં એવા પ્રકારની સરકાર હોય છે, જેમાં શાસક સંપૂર્ણ સરમુખત્યાર હોય છે. આવી સરકાર માટે સરમુખત્યારશાહી, તાનાશાહી, નિરંકુશતા, એકહથ્થુ શાસન જેવા શબ્દ પ્રયોગ પણ વપરાય છે. પોલિટિકલ સાયન્સ વિષયમાં સર્વાધિકારવાદ એ સરમુખત્યાર-શાહીનું આત્યંતિક સ્વરૂપ છે.

પૂર્ણપણે સરમુખત્યાર શાસકની મહત્વાકાંક્ષા આખા વિશ્વ પર પોતાનું પ્રભુત્વ સ્થાપવાની હોય છે. ચીનના માઓ આ પ્રકારના શાસક હતા. 

Totalitarianism એક એવા પ્રકારની સરકાર હોય છે, જેમાં એક હથ્થુ શાસક નાગરિકોના કેવળ જાહેર જીવનના જ નહીં, કિંતું, તેમના અંગત જીવનના પણ લગભગ દરેક પાસાઓ પર નિયંત્રણ જમાવી દેવાની તીવ્ર લાલસા ધરાવતા હોય છે.

ચીનમાં માઓના એકહથ્થુ શાસનના કેટલાક પાસાઓ તેમની બેહદ મહત્વાકાંક્ષાનો પડઘો પાડતા હતા...

(૧) સરમુખત્યારશાહી સત્તા-ચીનના સામ્યવાદી પક્ષના ચેરમેન તરીકે સંપૂર્ણ સત્તા તેમણે પોતે હસ્તગત કરી લીધી હતી. ઘણી વખત પક્ષના સિનિયર સાથીદારોના વ્યાજબી સૂચનો પણ માઓ ફગાવી દેતા હતા. 

(૨) ટોટાલિસ્ટ આઈડિયોલોજી-સર્વાધિકારવાદી વિચારધારા દર્શાવે છે કે સરકાર અથવા શાસક પક્ષને તમામ અધિકારો છે અને તે દેશના લોકોના જીવનના દરેક ક્ષેત્ર પર નિયંત્રણ ધરાવે છે. માઓની વિચારધારા, જે હવે માઓવાદ તરીકે ઓળખાય છે, તેમાં આખા સમાજનું ઘડતર સંપૂર્ણરીતે બદલી નાંખી, એક નવા જ પ્રકારના પૂર્ણપણે આજ્ઞાાંકિત નાગરિકોનું સર્જન કરવાનો અભિગમ રખાયો હતો.

(૩) પોલિટિકલ ટેરર (રાજકીય અત્યાચાર)- માઓના શાસનમાં રાજકીય ઝુંબેશો દ્વારા નાગરિકો પર ખાસ કરીને વિરોધીઓ પર અવારનવાર ભયંકર જુલમ ગુજારાતો હતો. ચીનમાં કલ્ચરલ રિવોલ્યૂશનના નામે લાખ્ખો લોકોની સતામણી કરાઈ હતી.

(૪) ઈકોનોમિક કન્ટ્રોલ-માઓની સરકારે દેશના અર્થતંત્રના કૃષિક્ષેત્ર સહિતના તમામ પાસાઓ પર પુરેપુરો કબ્જો જમાવી દીધો હતો. ૧૯૫૮ થી ૧૯૬૨ના વર્ષો દરમિયાન માઓએ ચીનને કૃષિ સમાજમાંથી ઔદ્યોગિક સમાજમાં પરિવર્તિત કરવા માટે એક મોટું અભિયાન ચલાવ્યું હતું. 

કૃષિક્ષેત્રનું સામૂહિકીકરણ (Collectivization)  કરી Great Leap Forward નો માઓનો ઉદ્દેશ હતો. પરંતુ ખેતીને સામૂહિક રીતે ચલાવવાની માઓની યોજનાથી કૃષિ ક્ષેત્રે ભારે અરાજકતા ફેલાવાથી ચીનમાં સદીનો મહાભયંકર દુષ્કાળ પડયો હતો, જેમાં ૩ કરોડ ચીનાઓના મોત નિપજ્યા હતા.

 (૫) Cult of Personality (વ્યક્તિપૂજા અથવા  વ્યક્તિત્વનો સંપ્રદાય) -માઓના શાસન દરમિયાન તેમને ઈશ્વરના દરજ્જે લાવી મુકવા માટે જંગી પ્રચાર ઝુંબેશો ચલાવાઈ હતી. માઓ જ એક માત્ર પ્રચંડ તેમજ મહાન નેતા છે, તેવું પ્રસ્થાપિત કરવા સામ્યવાદી પક્ષે ‘Little Red Book  નામની નાનકડી પુસ્તિકાની લાખ્ખો પ્રતો પ્રકાશિત કરી નાગરિકોને તેનું વાંચન કરવાની ફરજ પડાતી હતી.

ચીનના આવા ક્રૂર આપખુદ શાસક માઓના જીવનની ઘણી બધી ઓછી જાણીતી વાતો આલેખતું માઓ વિશેનું આ પુસ્તક વાંચવા જેવું છે. 

વિશ્વની કુલ વસ્તીના લગભગ ચોથા ભાગના લોકો પર દાયકાઓ સુધી સંપૂર્ણ આધિપત્ય જમાવી રાખનાર ચીનના પ્રચંડ રાજનેતા માઓ-ત્સે-તુન્ગ વિશે અત્યાર સુધી બહુ જાણીતી નહીં, એવી અત્યંત ચોંકાવનારી વાતો ‘‘MAO-The Unknown Story'' નામના પુસ્તકમાં આલેખાઈ છે.

ચીનની ખ્યાતિપ્રાપ્ત લેખિકા જન્ત્ર ચાન્ગ અને તેમના પતિ જોન હાર્લિડે લિખિત આ પુસ્તકને TIME  મેગેઝિને- ‘‘An atom bomb of a book'' ગણાવ્યું છે. 

માઓ વિશેની કેટલીક વાતો વાંચનારનું કાળજું કંપાવી દે તેવી છે. વર્ષ ૧૯૪૯ માં ચીન પર એકાધિકાર જમાવી દીધા પછી માઓની ગુપ્ત મહેચ્છા આખી દુનિયા પર પોતાનું આધિપત્ય હાંસલ કરવાની આંધળી ઘેલછામાં માઓએ કેટલાક એવા પગલાં લીધા, જેના કારણે ચીનમાં પડેલા સૌથી કારમા દુકાળમાં ૩ કરોડ ચીનાઓ ભરખાઈ ગયા હતા. માઓના શાસન દરમિયાનના વર્ષોમાં બધું મળીને એકંદરે ૭ કરોડ ચીની નાગરિકો મોતના મુખમાં ધકેલાઈ ગયા હતા...!

વિશ્વની લગભગ ચોથા ભાગની વસ્તી પર દાયકાઓ સુધી એકહથ્થુ શાસન જમાવી રાખનાર માઓનો જન્મ ૨૬ ડિસેમ્બર ૧૮૯૩ ના રોજ ચીનના હુનાન પ્રાંતના શાઓશાન ખીણ પ્રદેશના એક કિસાન પરિવારમાં થયો હતો. તેમના પૂર્વજો છેલ્લા ૫૦૦ વર્ષથી આ વિસ્તારમાં જ રહેતા હતા.

ઈસુના જન્મ પછીના ૬૧૮ થી ૯૦૬ વર્ષે ટેન્ગ રાજવંશના સમયગાળા દરમિયાન બંધાયેલા બૌધ્ધ મંદિરો હજી પણ એ વિસ્તારમાં અસ્તિત્વ ધરાવે છે. આ ખીણ પ્રદેશના ગાઢ જંગલોમાં વિવિધ ૩૦૦ પ્રજાતિના વૃક્ષો છે અને જંગલોમાં વાઘ, દીપડા, અને રીંછ જેવા વન્ય પ્રાણીઓ પર્વતીય વિસ્તારોમાં છે. આ  પર્વતીય વિસ્તારમાં નથી રોડ કે હોડીથી અવરજવર કરી શકાય તેવી કોઈ નદી પણ નથી. 

ટૂંકમાં આ વિસ્તારના ગામો દુનિયાથી સાવ જ વિખૂટા પડી ગયા હતા. વિશ્વમાં જે કાંઈ ચાલી રહ્યું હોય, તેની ગતિવિધિથી આ વિસ્તાર જાણે સાવ જ અલિપ્ત હતો. એની એક આશ્ચર્યજનક હકીકત એ છે કે વર્ષ ૧૯૦૮ માં ચીનના સમ્રાટનું નિધન થયું તેના ખબર આ વિસ્તારમાં પહોંચ્યા જ નહોતા. સમ્રાટના દેહવિલય પછીના બે વર્ષે એટલે કે ૧૯૧૦ માં માઓ શાઓશાન ખીણ પ્રદેશનું પોતાના વતનનું ગામ છોડીને અન્ય વિકસિત પ્રદેશમાં ગયા ત્યારે જ તેમને ખબર પડી હતી કે ચીનના સમ્રાટનું અવસાન થઈ ચૂક્યું છે.

શાઓશાન ખીણ પ્રદેશ ૫ કિ.મી. લાંબો અને ૩.૫ કિ.મી. પહોળાઈ ધરાવતો વિસ્તાર હતો. આ પર્વતીય પ્રદેશમાં ૬૦૦ પરિવારો ચોખા, ચા અને બામ્બુની ખેતી કરી જીવન ગુજરાન ચલાવતા હતા.

માઓના પિતા યી-ચાન્ગનો જન્મ ૧૮૭૦ માં થયો હતો. અને ૧૦ વર્ષની ઉંમરે તેમના ગામથી દશ કિલોમીટર દૂરના ગામની ૧૩ વર્ષની છોકરી સાથે તેમનો વિવાહ થયો હતો. આ છોકરી તેના પિતાની સાતમી છોકરી હતી. 

આ એ જમાનાની વાત છે, જ્યારે બે ગામ વચ્ચે ૧૦ કિ.મી.નું અંતર પણ ખૂબ લાંબું અંતર ગણાતું હતું. અને મજાની વાત તો એ હતી કે આ બે ગામના લોકોની બોલી અલગ અલગ હતી, જે પરસ્પર સમજાય તેવી નહોતી. માઓના પિતા યી-ચાન્ગનું લગ્ન ૧૫ વર્ષની વયે થયું હતું. તેમની પત્નીની ઉંમર તે વખતે ૧૮ વર્ષની હતી.

(ક્રમશઃ)