Editorial

માઓના વિચારોમાં કેન્દ્ર સ્થાને નકરો સ્વાર્થ હતો..

By GS TEAM
22 Oct 20255 mins read
માઓના વિચારોમાં કેન્દ્ર સ્થાને નકરો સ્વાર્થ હતો..

- તે સમયગાળાના ચાઈનીઝ કલ્ચરના માઓ-ત્સે-તુન્ગ અત્યંત વિરોધી હતા

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-4

- ભાવિ પેઢી તરફ પોતાની કોઈ જવાબદારી હોવાની વાત માઓ સદંતર નકારતા હતા

- કોલેજમાં પહેલી જ વાર માઓ-ત્સે-તુન્ગને સામ્યવાદી વિચારધારા વિશે જાણવા મળ્યું

દરેક સૂબા પોતાના પ્રાંતનો વિસ્તાર અને સમૃદ્ધિ વધારવાના પેંતરા રચતા હોવાથી બધા પ્રાંતો વચ્ચે ક્યારેક અચાનક યુદ્ધો ફાટી નીકળતા, જેના કારણે સમાજ જીવનની શાંતિ ડહોળાઈ જતી હતી. પણ બાકીના સમયમાં બધા સૂબાઓ પોત પોતાના પ્રાંતમાં શાંતિ જળવાઈ રહે તેવી કોશિશો પણ કરતા રહેતા હતા. 

પ્રજાસત્તાક બનેલા ચીનના વિવિધ પ્રાંતોના અલગ અલગ સૂબાઓ પોતાની રીતે શાસન કરતા હોવાથી પુરા દેશમાં સુગઠિત એક સૂત્રીય કે એકરાગી શાસન નહોતું. પણ તેમ છતાં આવા શાસનમાં યુવાનો માટે તમામ ક્ષેત્રોમાં કારકિર્દીના દ્વાર ખુલી ગયા હતા. 

યુવાન વયના માઓ સામે બધા જ પ્રકારની પસંદગી  માટેની તક સર્જાઈ હતી. - વ્યાપાર, ઉદ્યોગ, કાનૂની ક્ષેત્ર, વહીવટી તંત્ર, શિક્ષણ પત્રકારિત્વ અને લશ્કરી ક્ષેત્રમાં કારકિર્દી.

માઓએ સૌ પહેલા તો રિપબ્લિક આર્મીમાં નોકરી માટે પોતાનું નામ નોંધાવ્યું. પરંતુ તેમને આ નોકરીમાં ઝાઝો રસ ન પડયો. રોજ સવાર-સાંજ કલાકો સુધી કવાયત કરતા રહેવાનું અને તે પછીય આરામ નહીં. શરીર સૌષ્ઠવ માટે પરસેવો પાડતી કસરતો પછી લશ્કરના રસોડા માટે પાણી લઈ આવવા જેવા નાના-મોટા કામોથી કંટાળી ગયેલા માઓએ થોડા મહિનામાં જ એ નોકરી છોડી દીધી. 

તેમણે નોકરી માટેની અન્ય વિજ્ઞાાપનો વાંચવા માંડી. એક હાઈસ્કૂલની નોકરી માટે તેમણે અરજી કરી. નોકરી મળી ગઈ પણ તેમાંય કંટાળેલા માઓ છ મહિનામાં જ નોકરી છોડી બીજીકોઈજગ્યાએ નોકરી શોધવાનું શરૂ કર્યું.

તેમણે નગરના પુસ્તકાલયમાં જઈ જુદા જુદા પુસ્તકો વાંચવા માંડયા. તેઓ આખો દિવસ પુસ્તકાલયમાં બેસી પુસ્તકો વાંચવામાં સમય વ્યતીત કરતા હતા. ચીની ભાષામાં અનુવાદિત થયેલા પશ્ચિમી લેખકોના લેખો અને પુસ્તકો વાંચવામાં તેમને ખૂબ રસ પડતો. વર્ષો પછી તેમણે આ સમયગાળાની વાત યાદ કરતા લખ્યું કે, કોઈ ભેંસ જેમ બગીચામાં કે ગોચરમાં જે કાંઈ ઊગ્યું હોય તે આડેધડ ચારો ચરી જાય તે રીતે હું પુસ્તકાલયમાં જે કોઈ પુસ્તક કે લખાણ હાથમાં આવે તે વાંચતો રહેતો હતો. આ વાંચનથી મારું મગજ પંરપરાગત રૂઢિઓ, વિચારો અને જૂનવાણી રીતરિવાજોના બંધનમાંથી મુક્ત થઈ ગયું. 

એ પછી પિતાના આદેશના પગલે ૧૯ વર્ષની ઉંમરે ૧૯૧૩ની સાલમાં માઓએ ટિચર્સ ટ્રેઈનિંગ કોલેજમાં પ્રવેશ મેળવ્યો. આ કોલેજની ઇમારત યુરોપિયન સ્ટાઇલની હતી, અને તેના પ્રવેશદ્વારની તેમજ ઇમારતની અન્ય ભવ્ય કમાનો રોમન આર્કિટેકટ પ્રમાણેની હતી. કોલેજ બિલ્ડિંગના પોર્ચના થાંભલા પણ સરખામણીમાં મોટા કદના હોવાથી કોલેજ બિલ્ડિંગ અત્યંત આલિશાન દેખાતી હતી. ચીની ભાષામાં વિદ્યાર્થીઓ તેને ''યાન્ગુ-લૂ'' કહેતા હતા, જેનો અંગ્રેજીમાં અનુવાદ થાય છે : 'ફોરેન બિલ્ડિંગ' (Foreign Building)

આ કોલેજમાં વિદ્યાર્થીઓને નવા-નવા આઇડિયા અપાતા હતા અને જૂના પૂર્વગ્રહો કે પરંપરાગત વિચારોથી મુક્ત થઇ સ્વતંત્ર વિચાર સરણી વિકસાવવા માટે પ્રોત્સાહન આપવા સ્ટડી ગુ્રપ્સનું આયોજન પણ કરાતું હતું. વિદ્યાર્થીઓને સમાજવાદ, સામ્યવાદ અને માર્કસવાદ વિશે શિક્ષણ અપાતું હતું.

અગાઉ અખબાર દ્વારા માઓને સમાજવાદનો થોડો પરિચય થયો હતો. અહીં કોલેજમાં તેમને પહેલી જ વાર 'સામ્યવાદ' શબ્દનો અને સામ્યવાદી વિચારધારા વિશે જાણવા મળ્યું.

કોલેજકાળના સમયગાળા દરમિયાન માઓના વિચારોનું ઘડતર થયું હતું. ટેન્ગ અને સન્ગ રાજાશાહી પછીના તમામ ગદ્ય અને પદ્યને એક સામટા બાળી નાંખવા જોઇએનો અભિપ્રાય માઓએ વ્યક્ત કર્યો હતો.

તે સમયગાળાના ચાઇનીઝ કલ્ચરના પણ માઓ અત્યંત વિરોધી હતા. એક ચાંદની રાતે નદી કિનારા પાસેના બૌધ્ધ મઠમાં કોલેજના મિત્રો સાથે રોકાયેલા માઓએ, 'ચાઇનીઝ કલ્ચરનો નાશ કરવો જોઇએ' તે પ્રકારનું પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યૂં હતું.

આ પ્રકારના માહોલ વચ્ચે માઓના નીતિમત્તા (Morals) વિશેના વિચારોએ આકાર લીધો. નીતિમત્તા વિશે માઓના અભિગમમાં બીજા બધાની ઉપર કેન્દ્રસ્થાને 'હું', ૈં કે ્રી જીીનક નો વિચાર જ હતો.

માઓ લખે છે કે, સદાચારી કે નીતિમાન હોવું એટલે તમારા દરેક કાર્ય પાછળનો આશય બીજાને લાભકર્તા હોવો જોઇએ; આ પ્રકારની વિચારસરણી સાથે હું સંમત નથી. બીજાના સંદર્ભમાં નીતિમત્તાની વ્યાખ્યા ન થવી જોઇએ. મારા જેવા લોકો તો પોતાના ખુદના હૃદયને પુરેપુરો સંતોષ આપવામાં માને છે.

ઉલ્લેખનીય છે કે ભવિષ્યમાં ચીન પર માઓના શાસનમાં તેમના આ પ્રકારના વિચારો જ કેન્દ્રસ્થાને રહ્યા હતા. માઓએ જવાબદારી અને ફરજ વિશેના તમામ નિયંત્રણો કે બંધનો ફગાવી દીધા હતા. તેઓના મતે, મારા જેવા લોકોને મન તો ખુદ તરફની ફરજ જ મહત્વની ફરજ છે. બીજા લોકો તરફ અમારી કોઇ ફરજ નથી.

'હું જે વાસ્તવિકતા જાણું છું, માત્ર એ માટે જ હું જવાબદાર છું. બીજા કશા માટે મારી કોઇ જ જવાબદારી નથી. હું ભૂતકાળ વિશે જાણતો નથી. હું ભવિષ્ય વિશે નથી જાણતો. મારી પોતાની વાસ્તવિકતા સાથે ભૂતકાળ અને ભવિષ્યને કોઇ નિસ્બત નથી.'

ભાવિ પેઢી તરફ પોતાની કોઇ જવાબદારી હોવાની વાત માઓએ સદંતર નકારી કાઢી હતી.

માઓ આગળ વધતા કહે છે, ઇતિહાસ માટે મારી કોઇ જવાબદારી હોવાનું પણ હું  નથી માનતો. હું કેવળ મારી જાતનો વિકાસ કરવાનું જ વિચારૃં છું. મારે મારી પોતાની મહેચ્છા છે અને હું એ માટે જ કામ કરી રહ્યો છું. હું કોઇ માટે કે કશાય માટે  જવાબદાર નથી.

માઓ પોતાને વ્યક્તિગત લાભ ન થતો હોય એવી કોઇ વાતમાં માનતા નહોતા.

માઓ કેટલી હદ સુધી સ્વકેન્દ્રી એટલે કે સ્વાર્થી હતા તે જાણવું રસપ્રદ થઈ પડે તેવું છે, કારણ આ પ્રકારની વિચારસરણીના કારણે જ માઓ દાયકાઓ સુધી બીજા કોઈનીય લાગણીઓ, ભાવનાઓની કોઈ પ્રકારની દરકાર કર્યા વગર આપખુદશાહીથી સત્તા પર ચીટકી રહ્યા હતા.

તેઓ સાથીદારોને કહેતા, મૃત્યુ પછી લોકો મને સારી રીતે યાદ કરતા રહે, તેવા કોઈ કામો કરવામાં મને રસ નથી કે તેવા કામો કરવામાં  મને મઝા પણ પડતી નથી કારણ એ બધી મર્યા પછીના ભવિષ્યની વાતો છે, જેમાં મને સ્હેજ પણ રસ નથી. 

મને તો આજની વાસ્તવિકતામાં જ રસ પડે છે. ભાવિ પેઢી માટે કશું સારૃં મુકી જવાના આશયથી સિધ્ધિઓ પ્રાપ્ત કરવામાં હું નથી માનતો''

(ક્રમશઃ)