Editorial

ટોચના અફસરે કહ્યું, 'આ સારો વૉર પ્લાન ન કહેવાય'

By GS TEAM
20 Aug 20255 mins read
ટોચના અફસરે કહ્યું, 'આ સારો વૉર પ્લાન ન કહેવાય'

- વર્ષ 1960ની એ ગુપ્ત મીટિંગમાં ચર્ચાયેલા વિનાશક ન્યૂક્લિઅર વૉર પ્લાનના વિરોધમાં

- સારાંશ-વિનોદ  ડી. ભટ્ટ

- ભાગ-10

- બધાએ વૉર પ્લાનના વખાણ કર્યા, ટોચના એક માત્ર અફસર ડેવિડે તેનો સખ્ત વિરોધ કર્યો

- નાઝી જર્મનીએ પણ યહૂદીઓના નાશ માટે Final Solution નામે પ્લાન ઘડયો હતો

રૂબેલે વર્ષ ૧૯૬૦ની એ ગુપ્ત મીટિંગની ચોંકાવનારી વાતોને યાદ કરી સંસ્મરણોમાં ખાસ એ હકીકતનો ઉલ્લેખ કર્યો છે કે બધાએ સંભવિત અણુયુધ્ધની મહા ભયાનક વિનાશકતાના પ્લાન ઘડનારા લશ્કરના સૌ ઉચ્ચ અધિકારીઓના ભરપેટ વખાણ કર્યા પરંતુ કોઇ પ્રકારના અણસાર કે કોઇ કારણ વિના જ અમેરિકા દ્વારા થનારા એ અણુશસ્ત્ર આક્રમણથી જે ૬૦ કરોડ નિર્દોષ લોકોના મોત થવાના છે, તેનો એકેય સિનિયર સનદી અધિકારી કે લશ્કરના કોઇ કમાન્ડન્ટ અથવા લશ્કરની એકેય પાંખના કોઇ વડાએ ન તો વિરોધ કર્યો કે ન તો આવા નિર્દયી અમાનવીય ''વોર પ્લાન'' સામે કોઇએ સ્હેજ સરખોય વાંધો ઉઠાવ્યો...

જોકે ખુદ જહોન રૂબેલે, પોતે પણ આ વિનાશક યુધ્ધ પ્લાન વિરૂધ્ધ એક હરફ સુધ્ધા તે વખતે ઉચ્ચાર્યો નહોતો.

પણ છેવટે એક વીરલો નીકળ્યો, જેણે કરોડો લોકોને તેમના કોઇ વાંક ગુના વગર મૃત્યુના મુખમાં ધકેલી દે, તેવા આ વિનાશક યુધ્ધ પ્લાન સામે અવાજ ઉઠાવ્યો, જેમનું નામ છે, અમેરિકન મરિન કોરના કમાન્ડન્ટ જનરલ ડેવિડ એમ. સૂપ. બીજા વિશ્વયુધ્ધ દરમિયાનની  શૌર્યસભર ફરજ બદલ તેમને 'મેડલ ઓફ ઓનર' એનાયત કરાયો હતો.

અણુયુધ્ધ વિશેના પ્લાન અંગે વિરોધનો એકમાત્ર સૂર ઉઠાવનાર આ જાંબાઝ અફસરે શાંત અને સ્વસ્થ સ્વરે કહ્યું, આ પ્લાન વિશે હું માત્ર એટલું જ કહીશ કે જે યુધ્ધ સાથે ચીનને કોઇ જ નિસ્બત નથી, તેમાં ચીનના ૩૦ કરોડ લોકોનો ભોગ લેવાઇ જાય, એવો આ વોર પ્લાન સારો પ્લાન ન કહેવાય. આ નથી અમેરિકન રીત કે નથી અમેરિકન સિસ્ટમ.

ડેવિડ એમ. સૂપ દ્વારા શાંત અને મક્કમ સ્વરે વ્યક્ત થયેલા આ વિરોધી સૂર સાંભળી મીટિંગ ખંડમાં ચુપકીદી છવાઇ ગઇ.  રૂબેલના શબ્દોમાં કહીએ તો, મીટિંગ ખંડમાં કોઇ સહેજેય હાલ્યું કે ચાલ્યું નહીં.

કરૂણ વાત તો એ હતી કે ડેવિડ સૂપના આ વિરોધી સૂરમાં એકેય અફસરે પોતાનો સૂર પુરાવ્યો નહોતો.

કરોડો લોકોને માત્ર થોડી મિનિટોમાં ભરખી જવાની મહા વિનાશક ક્ષમતા ધરાવતા આ વોર પ્લાન વિશે પછી કોઇ કશું જ ન બોલ્યું.

વર્ષ ૧૯૬૦ની એ ગુપ્ત મીટિંગમાં ભયંકર વિનાશક અણુશસ્ત્ર યુધ્ધના પ્લાન વિશે ચર્ચા થઇ ત્યારે તો, ગમે તે કારણે જહોન રૂબેલ, પોતે વિરોધનો સૂર વ્યક્ત કરી શક્યા નહોતા પરંતુ ઉંમર વધતા કદાચ રૂબેલનો આત્મ ડંખ્યો હશે. જીવનના અંતિમ પડાવ દરમિયાન, જ્યારે જહોન રૂબેલ પોતે લગભગ ૮૦ વર્ષની વય વળોટી ચૂક્યા હતા, એ સમયગાળામાં રૂબેલે તેમના સંસ્મરણોમાં  મહા વિનાશક 'વોર પ્લાન' વિરૂધ્ધ પોતાના વિચારો વિશ્વ સમક્ષ વ્યક્ત કરી દીધા હતા.

રૂબેલે પોતાના સંસ્મરણોમાં લખ્યું છે કે, 'વર્ષ ૧૯૬૦માં અમેરિકાના નેબ્રાસ્કાના ઓફટ એર બેઝ ખાતે યોજાયેલી ગુપ્ત મીટિંગમાં થયેલી વોર પ્લાનની ચર્ચા અને વાન્સે ખાતેની મીટિંગમાં થયેલી ચર્ચા વચ્ચે ઘણું સામ્ય છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ ૧૯૪૨માં જર્મનીના પાટનગર બર્લિંનના વાન્સે નામના રમણીય પરા વિસ્તારમાં એક મહત્વની મીટિંગ યોજાઇ હતી. આ અતિ અગત્યની બેઠકમાં જર્મનીના ટોચના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. યુરોપના ગમે તે દેશમાં જ્યાં પણ યહૂદીઓ હાથ લાગે, તો તેમને પકડીને મારી નાંખવા માટે એ બેઠકમાં સર્વસંમતિ સધાઇ હતી. ટેકનોલોજિકલી ખૂબ જ સચોટ અને અસરકારક હોય તેવી અને એક સામટા સેંકડો કેે હજારો યહૂદીઓને મોતને ઘાટ ઊતારી દે તેવી પધ્ધતિઓ યહૂદી પ્રજાને ખતમ કરી નાંખવા ઉપયોગમાં લેવાની છે.  મોટા પાયે ફાયરિંગ કરીને કે પછી ઘાસના પૂળા ભરેલા મોટા ઓરડામાં યહૂદીઓને ઠાંસોઠાંસ પુરી દઇ આગ ચાંપી બધાને એકસાથે ભસ્મિભૂત કરી દેવાની જૂની પધ્ધતિને બદલે યહૂદીઓને ખતમ કરી નાંખવા માટે નવી-નવી પધ્ધતિ શોધવા માટે એ બેઠકમાં ઘનિષ્ઠ ચર્ચા થઇ હતી.

આ બેઠકનો ટોપિક હતો ઃ ''The Final Soution.'' (આખરી ઉકેલ) આ બેઠકમાં યુરોપમાં વસતા લાખ્ખો યહૂદીઓ ઉપરાંત નાઝીઓ જેમને સબ-હ્યુમન (Sub Human) ગણતા હતા એવા બીજા લાખ્ખો લોકોને યમદ્વારે પહોંચાડી દેવાની મહા વિનાશક યોજના ઘડાઇ હતી.

જહોન રૂબેલે ૧૯૪૨માં જર્મનીમાં યોજાયેલી એ બેઠક અને વર્ષ ૧૯૬૦માં અમેરિકાના નેબ્રાસ્કામાં યોજાયેલી ગુપ્ત બેઠકની (જેમાં ખુદ એ પોતે હાજર હતા) યાદ તાજી કરી લખ્યું છે કે આ બન્ને બેઠકોમાં સામ્ય એ છે કે તેમાં લાખ્ખો-કરોડો નિર્દોષ માણસોને મારી નાંખવાના પ્લાન વિચારાયા હતા.

વર્ષ ૧૯૬૦માં અમેરિકામાં યોજાયેલી એ ગુપ્ત બેઠકમાં 'General Nuclear war' નો જે પ્લાન ઘડાયો હતો, તેમાં રશિયનો, ચીનાઓ, પોલેન્ડ, ઝેકોસ્લોવાકિયા, ઓસ્ટ્રિયા, યુગોસ્લોવેકિયા, રોમાનિયા, સ્વીડન, જાપાન વિગેરે દેશોના મળીને એકંદરે ૬૦ કરોડ લોકો સામૂહિકરીતે મરણને શરણ થવાના હતા. એ સંભવિત અણુયુધ્ધમાં અમેરિકા મૂળે તો સોવિયેત યુનિયન પર થર્મોન્યૂક્લિઅર બોમ્બ ફેંકી સામ્યવાદી રશિયનોને તબાહ કરવા ઇચ્છે છે પણ અણુશસ્ત્રોની તાસીર એવી છે કે તેનાથી દુશ્મન દેશના લાખ્ખો લોકો તો તહસ નહસ થઈ જ જાય છે. તે ઉપરાંત તેની પડોશના દેશોના લાખ્ખો લોકો પણ અણુશસ્ત્રોની કિરણોત્સર્ગ અસરથી રિબાઇ મોતને ભેટે છે.

નાઝી જર્મનીનો ''The Final Solution' પ્લાન તો બીજા વિશ્વયુધ્ધ અગાઉ સરમુખત્યાર હિટલરે અમલમાં મુકી દીધો. કોન્સન્ટ્રેશન કેમ્પોના ગેસ ચેમ્બરોમાં ગુંગળાવીને કરોડો યહૂદીઓને હિટલરે મોતને ઘાટ ઊતારી દીધા હતા. પણ અમેરિકાનો જનરલ ન્યૂક્લિઅર વોર પ્લાન જેને અમેરિકાએ Single Integrated Operational Plan (SIOP) નામ આપ્યું છે, તે હજી અમલમાં મુકાયો નથી. આ પ્લાન હજી ''Classified'' ડોક્યુમેન્ટસમાં પડયો છે. આજની તારીખે આ પ્લાન કાગળ પર અસ્તિત્વમાં છે.

પણ હવે આ SIOP પ્લાનનું નામ બદલીને Operational Plan અથવા તો ''OPLAN'' કરી દેવાયું છે.

અસલમાં જે SIOP હતો તે સોવિયેત યુનિયન સામે હતો. પરંતુ વર્ષ ૧૯૬૦માં ઘડાયેલા આ ભયંકર પ્લાન પછીના લગભગ ૩૧ વર્ષે તા.૨૬ ડિસેમ્બર ૧૯૯૧ના રોજ સોવિયેત યુનિયનના તત્કાલીન પ્રમુખ મીખાઇલ ગોર્બાચોવે સોવિયેત યુનિયનનું વિસર્જન કરી દેતા તેમાંથી ૧૫ અલગ અલગ સ્વતંત્ર દેશોનું નિર્માણ થઇ ગયું છે, અને અમેરિકા-સોવિયેત યુનિયન વચ્ચેના શીત યુધ્ધનો (cold war) અંત આવી ગયો છે.

(ક્રમશઃ)