કારમા ભવિષ્યનું એક મહાવિનાશક શબ્દ ચિત્ર

- વોશિંગ્ટન ડી.સી. પર, ન કરે નારાયણને, કદાચ હાઇડ્રોજન બોમ્બ ઝીંકાય તો કેવી પરિસ્થિતિ સર્જાય...
- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ
- ભાગ-1
- લાખ્ખો લોકો ક્ષણભરમાં સળગીને પુરેપુરા ભસ્મિભૂત થઇ ગયા...
- આલિશાન ઇમારતો, ઓફિસો અને મકાનો ભવ્ય હોટલો તત્ક્ષણ કકડભૂસ થઇ ગઇ
ભવિષ્યમાં ક્યારેક, કોઈ દેશ અમેરિકાના પાટનગર વોશિંગ્ટનમાં પોટોમેક નદીની પેલે પાર આવેલા સંરક્ષણ મંત્રાલયના વડામથક પેન્ટાગોન પર ન કરે નારાયણને અણુશસ્ત્રથી આક્રમણ કરે તો તે વેળા કેવી ભયંકર વિનાશક સ્થિતિ સર્જાય તેનું રૃંવાડા ખડા કરી દેતું અને કાળજું કંપાવતું શબ્દચિત્ર અમેરિકન લેખિકાએ સર્જ્યું છે.
એનિ જેકોબ્સન નામની વિખ્યાત અમેરિકન લેખિકાએ તેમના પુસ્તક ‘‘NUCLEAR WAR-A SCENARIO'' ની પ્રસ્તાવનામાં ''Hell on Earth'' શીર્ષક હેઠળ આ ભાવિ મહાવિનાશનું ભયાવહ કલ્પનાચિત્ર આલેખ્યું છે....
પૃથ્વી પર નરક
વોશિંગ્ટન ડી.સી.
સંભવિતપણે નજીકના ભવિષ્યનો કોઈક સમય.
૧-મેગાટન થર્મોન્યૂક્લિઅર શસ્ત્ર, સાદી ભાષામાં કહીએ તો હાઈડ્રોજન બોમ્બના વિસ્ફોટના પ્રારંભે જ એટલો ભયંકર પ્રકાશ અને ગરમી પ્રસરી ગઈ કે લોકોની બુધ્ધિ બહેર મારી ગઈ. કોઈનેય કશી ગતાગમ ના પડી કે આ શું થઈ રહ્યું છે. સૂરજના કેન્દ્ર ભાગમાં જેટલી ગરમી છે, તેના કરતા ચારથી પાંચ ગણી પ્રચંડ ગરમી એટલે કે લગભગ ૧૮ કરોડ ફેરનહિટ જેટલું ભયંકર તાપમાન ચોતરફ છવાઈ ગયું. સમગ્ર વિસ્તારના તમામ સજીવો ઘડી-બેઘડીમાં ભસ્મિભૂત થઈ ગયા.
વિસ્ફોટના પ્રારંભે જે અગનગોળો રચાયો તે થોડીક જ ક્ષણોમાં એક માઈલ વ્યાસ જેટલો (૫૭૦૦ ફૂટ) વિશાળ બની ગયો.
તેના પ્રચંડ પ્રકાશ અને અગનઝાળ પછી થયેલા ભયંકર ધડાકાથી સિમેન્ટ-કોંક્રિટની મજબૂત બિલ્ડિંગો કકડભૂસ થઈ ગઈ, લોખંડ/એલ્યુમિનિયમની ચીજ-વસ્તુઓ બેહદ ઊંચા તાપમાને પીગળી ગઈ. અને કેટલાક વાહનો તો વરાળ થઈ ગયા, અને માણસો તો ક્ષણાર્ધમાં બળીને રાખ થઈ ગયા.
અમેરિકાના સંરક્ષણ ખાતાની પંચકોણીય, પાંચ બાજુવાળી પાંચ માળની ઈમારત, જે પેન્ટાગોન તરીકે વિશ્વભરમાં ઓળખાય છે, તે બિલ્ડિંગનું કુલ બાંધકામ ૬૫ લાખ ચોરસ ફૂટ છે હાઈડ્રોજન બોમ્બના અતિ પ્રચંડ ધડાકાના આવેગથી આ વિશાળ ઈમારત તૂટી પડી અને તેમાં કામ કરતા ૨૭૦૦૦ કર્મચારીઓ તત્ક્ષણ બળીને ભડથું થઈ ગયા.
માઈલો સુધી પથરાયેલી અગનઝાળ સાથેના આ કદાવર અગનગોળામાં એકેય માણસ /કોઈ પ્રાણી/કે વૃક્ષ, વાહનો કે તોતિંગ ઈમારતો કશું ય બાકી ના બચ્યું....
ગ્રાઉન્ડ ઝીરો વાસ્તવમાં ઝીરો જ બની ગયું.
અગનગોળામાંથી પ્રકાશના વેગથી ફેલાતી ભયંકર ગરમી ચોતરફ માઈલો સુધી તમામ ચીજવસ્તુઓ પોતાની ઝપટમાં લેતી ગઈ. કાગળો, પુસ્તકો, લાકડાની દીવાલો, કપડા, વાસણો અને અન્ય તમામ વસ્તુઓ ભડકે બળવા માંડી. અમેરિકાના સંરક્ષણ ખાતાના હૃદયસમા પેન્ટાગોન બિલ્ડિંગ ઉપરાંત આસપાસના ૧૦૦ ચોરસ માઈલ વિસ્તારની સંખ્યાબંધ ઈમારતો, અને નાના-મોટા મકાનો આગની જવાળાઓમાં લપેટાઈ ગયા.
જે લાખ્ખો લોકો ભસ્મિભૂત થઈ ગયા, એ તો કદાચ પરમ શાંતિ પામી ગયા પણ પ્રચંડ વિસ્ફોટની ગરમીમાં અતિશય પ્રમાણમાં દાઝેલા, ઈજાગ્રસ્ત લોકો આસપાસનું નરક જેવું દ્રશ્ય જોઈને ભયંકર રીતે હબકી ગયા.
પોટોમેક નદીની ઉત્તર પૂર્વ દિશામાં એકાદ માઈલની દૂરી પર આવેલા લિન્કન અને જેફરસન મેમોરિયલ્સની સંગેમરમરની દીવાલો અને સ્તંભો તૂટીને ટુકડેટુકડા થઈ ગયા. આ ઐતિહાસિક સ્મારકોને આજુબાજુના વિસ્તારો સાથે જોડતા સ્ટીલ અને પથ્થરોના પુલો, હાઈ-વે પણ તહસનહસ થઈ ગયા.
ઈન્ટરસ્ટેટ-૩૯૫ નંબરના હાઈ-વેની પેલી તરફ દક્ષિણે આવેલા પેન્ટાગોન સિટીમાં મોંઘી બ્રાન્ડના કપડા અને ઘરની અન્ય ચીજ-વસ્તુઓનો 'ફેશન સેન્ટર' નામનો કાચની દીવોલોવાળો વિશાળ શો-રૂમ તેમજ તેની આજુબાજુની રેસ્ટોરન્ટો અને ઓફિસો, નજીકની એક મોટી ફાઈવ-સ્ટાર હોટલ-આ બધું જ હાઈડ્રોજન બોમ્બના અગનગોળાના સપાટામાં નામશેષ થઈ ગયું. શો-રૂમો અને રેસ્ટોરન્ટોના ભવ્ય ઝુમ્મરો, મોંઘામાના ગાલીચા, તથા ફર્નિચર ઉપરાંત સિટીના મોટાભાગના રહીશો બળીને ભસ્મિભૂત થઈ ગયા. માર્ચ માસનો એ છેલ્લો દિવસ હતો. સ્થાનિક સમય હતો બપોરે ત્રણને ૩૬ મિનિટ.
વિસ્ફોટ થયો તેની હજી ફક્ત ત્રણ સેકન્ડસ વીતી હતી, તે દરમિયાનમાં જ આટલો મોટો વિનાશ વેરાઈ ચૂક્યો હતો. પશ્ચિમે અઢી માઈલ દૂર આવેલા નેશનલ પાર્કમાં બેઝબોલ ગેમ રમાતી હતી. રમત નિહાળવા બેઠેલા ૩૫૦૦૦ દર્શકો પૈકીના મોટા ભાગના દર્શકોના કપડા આગની જવાળાઓના સપાટામાં સળગવા માંડયા. સળગવાથી જે લોકો ક્ષણભરમાં મોતની આગોશમાં ન સપડાયા, એ લોકો થર્ડ-ડિગ્રી બર્ન્સના લીધે પારાવાર પીડાથી કણસવા માંડયા. કેટલાકના શરીર પરથી ચામડીનું બાહ્ય પડ બળીને ખરી પડતા, જીવતા હાડપિંજર જેવી દશામાં મુકાઈ ગયા.....
થર્ડ ડિગ્રી જેટલું ગંભીર દાઝી જનારની નિષ્ણાત તબીબ પાસે તાત્કાલિક સારવાર કરાવવી પડે અને મોતના મુખમાં જતો અટકાવવા ઘણીવાર હાથ કે પગનું અંગછેદન પણ કરાવવું પડે છે. બેઝબોલ ગેમ જોઈ રહેલા હજારો રમતપ્રેમીઓ થર્ડ ડિગ્રી દાઝી ગયા હતા, જેમની સારવાર માટે હોસ્પિટલમાં હજારો બેડની જરૂર પડે, પરંતુ સમગ્ર વોશિંગ્ટન મેટ્રોપોલિટન એરિયાની મેડસ્ટાર વોશિંગ્ટન હોસ્પિટલમાં દાઝેલાની સારવાર માટે ફકત ૧૦ બેડ જ હતા...!
વળી પેન્ટાગોનથી આ હોસ્પિટલ ઉત્તરપૂર્વમાં પાંચ માઈલ દૂર હતી અને ઉત્તરપૂર્વમાં ૪૫ માઈલ દૂર બાલ્ટિમોર સિટીના જ્હોન્સ હોપકિન્સ બર્ન સેન્ટરમાં લગભગ ૨૦ જેટલા 'બર્નબેડ' હતા...!
પેન્ટાગોન પર ૧-મેગાટન થર્મોન્યૂક્લિઅર બોમ્બ એટેકની ગણત્રીની સેકન્ડોમાં થર્મલ રેડિએશનની પ્રચંડ ગરમીથી અંદાજે ૧૦ લાખ લોકો દાઝી ગયા હતા, જે પૈકીના ૯૦ ટકા તો મરણને શરણ થવાની હદે દાઝ્યા હતા. હાઈડ્રોજન બોમ્બના થર્મલ રેડિએશનની કેટલા લોકો પર કેવી અસર થાય તેનો દાયકાઓ સુધી અભ્યાસ કરનાર વૈજ્ઞાાનિકો અને ડિફેન્સ એનાલિસ્ટોના અભ્યાસના આંકડા પરથી આ તારણ કાઢ્યું છે. ......
નેશનલ ડિફેન્સ યુનિવર્સિટીના વર્ગખંડોમાં અભ્યાસ કરતા ૪૦૦૦ વિદ્યાર્થીઓ પૈકીના મોટાભાગના મોતના મુખમાં ધકેલાઈ ગયા. વિધિની વક્રતા જુઓ કે વિશ્વભરમાં અમેરિકન નેશનલ સિક્યુરિટીનું પ્રભુત્વ સ્થપાય તે માટે અમેરિકી લશ્કરના અફસરો આ યુનિવર્સિટીમાં લશ્કરી વ્યૂહરચનાના પાઠ ભણવા આવ્યા હતા.
(ક્રમશઃ)








