Editorial

અણુશસ્ત્રો માટેની દોડમાં ક્યારેય કોઈની જીત નથી થવાની

By GS TEAM
17 Sep 20255 mins read
અણુશસ્ત્રો માટેની દોડમાં ક્યારેય કોઈની જીત નથી થવાની

- વર્ષ 1946માં પ્લુટોનિયમ બોમ્બના 'Atomic test' વખતે વૈજ્ઞાનિક લુઈ સ્લોટિનનું મોત થયું હતું..

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-14

- વિનાશક અણુયુદ્ધ પછીના સમયગાળામાં ઉત્તર ગોળાર્ધમાં ફરી બરફ યુગ શરૂ થશે

- અણુયુદ્ધ પછી માનવ જાતનું અસ્તિત્વ ટકી રહેશે કે નહીં ? સમય જ તેનો જવાબ આપશે

મિસાઈલ એકસપર્ટ ટેડ પોસ્ટોલનો કહેવાનો મતલબ એટલો જ છે કે અણુશસ્ત્રથી સજ્જ સબમરિન સામે કોઈ જ ડિફેન્સ કારગત નથી નીવડતો. 

સબમરિનો જે તે જ ગતિએ અણુશસ્ત્રો છોડે છે, તેના કારણે સબમરિનને મહાવિનાશનું સાધન પણ કહેવાય છે.

 અણુશસ્ત્રોથી હજારોના મોતની ઘટના તો જાણીતી વૈજ્ઞાનિક વાત છે, પણ અણુબોમ્બ ફાટયા પછી સમગ્ર વિસ્તારમાં ફેલાતા રેડિએશન-કિરણોત્સર્ગની વૈજ્ઞાનિક કહાની તો એનાથી ય ખતરનાક છે. 

મે ૧૯૪૬ માં લોસ આલામોસના ગાઢ જંગલ વચ્ચેની ગુપ્ત લેબોરેટરીમાં (પ્રયોગશાળા) એક ખતરનાક જોખમી પ્રયોગ હાથ ધરાયો હતો.

લેબોરેટરીના વિશાળ ટેબલ આસપાસ કેટલાક વૈજ્ઞાનિકો ઊભા હતા. હિરોસીમા અને નાગાસાકી પર અણુબોમ્બ ફેંકાયા પછી પહેલી વખત'' Atomic test '' વૈજ્ઞાનિકો કરી રહ્યા હતા એ વખતે અમેરિકા પાસે ચાર અણુ બોમ્બ હતા.

પ્લુટોનિયમ બોમ્બના આંતરિક કેન્દ્રીય ભાગમાં પ્રયોગ કરવા માટે વૈજ્ઞાનિક લુઈ સ્લોટિન તેને હાથમાં લઈને ઊભા હતા. પ્રયોગશાળામાં બીજા સાત વૈજ્ઞાનિકો એ વખતે હાજર હતા.

આ ખતરનાક પ્રયોગ દરમિયાન સ્લોટિને તેમના હાથમાંનો પ્લુટોનિયમનો ગોળો નીચે ભોંય પર ફેંક્યો. ક્ષણભરમાં જ જબરદસ્ત ભૂરા રંગનો પ્રકાશ ફેલાયો. તે પછી ભયંકર ગરમી ફેલાઈ. બાકીના વૈજ્ઞાનિકો આઘાપાછા થઈ ગયા. કોઈકે તાત્કાલીક એમ્બ્યુલન્સ બોલાવી. એમ્બ્યુલન્સમાં જ સ્ટોલિનને ઊલટી થઈ ગઈ. પછી પાતળા પાણી જેવા ઝાડા શરૂ થયા. ફરી ઊલટી થવા માંડી.

હોસ્પિટલમાં તેની સારવાર શરૂ કરાઈ પણ અસહ્ય પીડા જરાય ઓછી ન થઈ. તેનું આખું શરીર ભુરૂ-ભુરૃં થઈ ગયું. તેના લોહીમાં ઓક્સિજનની કમી વર્તાવા માંડી. 

તેના હાથ-પગમાંથી જીવંતતાનો અંશ જવા માંડયો. શરીરના વિવિધ અંગોમાં જતો રકતનો પ્રવાહ અટકી ગયો.

છેલ્લે શરીરના બધા જ અંગોનું કામ કરવાનું બંધ થઈ ગયું. ૩૫ વર્ષનો તેજસ્વી વૈજ્ઞાનિક મરણને શરણ થઈ ગયો.

કિરણોત્સર્ગના ખતરનાક ઝેરે સ્લોટિનનો ભોગ લઈ લીધો. ૧૯૭૫ માં ''ફોરેન પોલિસિ'' નામના એક મેગેઝિનમાં સંરક્ષણ ખાતાના એક અફસર પોલ સી. વાર્નકેનો એક લેખ પ્રસિધ્ધ થયો હતો, જેમાં તેમણે અણુશસ્ત્રોની આકરી ટીકા કરતા લખ્યું' તું કે અણુશસ્ત્રો ગાંડપણની હદ સુધીના અતિ જોખમી શસ્ત્રો છે. 

અણુશસ્ત્રો માટેની દોડમાં ક્યારેય કોઈની જીત થવાની નથી. અણુશસ્ત્ર દોડ એ તો સમય, શક્તિ અને સામગ્રીનો વેડફાટ જ છે. અહીં દરેક દેશ એકમેકની વાંદરા નકલ કરે છે.

આ દોડ એવી છે કે જેમાં કોઈ એક દેશ કે ગુ્રપની જીત થવાનો કોઈ અવકાશ જ નથી. ત્રીજુ વિશ્વયુધ્ધ થશે, તો એ અણુશસ્ત્રથી જ લડાશે, અને પછી શરૂ થશે ''Nuclear Little Ice Age.'' કહેવાનું તાત્પર્ય કે બરફ યુગ શરૂ થશે. પૃથ્વીનું તાપમાન સબઝીરો થઈ જશે અને ઉત્તર ધુ્રવ વિસ્તારમાં ૪૦ લાખ ચોરસ માઈલ વિસ્તારમાં બરફની ચાદર ફેલાઈ જશે. 

અણુયુધ્ધથી બચી ગયેલા લોકો કડકડતી ઠંડીમાં ધુ્રજી મરશે. કિરણોત્સર્ગની ઘાતક અસરથી લોકોને સખત ઝાડા ઊલટી થવા માંડશે. ઘણાં લોકોને અંધાપો આવી જશે. લાખ્ખો લોકો નપુંસક કે અર્ધ-નપુંસક બની જશે.

ઉત્તર ગોળાર્ધમાં ગાય, ભેંસ અને બળદ જેવા ખેતી ઉપયોગી પ્રાણીઓ ઠંડી અને ભૂખમરાથી મોતને ભેટશે.

પાણી અને અનાજ પણ કિરણોત્સર્ગની ઘાતક અસરથી ઝેરી બની જશે. 

''Nuclear Winter'' અણુયુધ્ધ પછી વિસ્તરેલા શિયાળાની કડકડતી ઠંડી અને અંધારપટના લીધે ખેતરોમાં કોઈ અનાજ નહીં ઊગે. 

રશિયા અને અમેરિકા વચ્ચે જો અણુયુધ્ધ ફાટી નીકળે તો વૈજ્ઞાનિકોની ગણતરી મુજબ પાંચ અબજ કરતાં વધુ લોકોના મોત નિપજશે.

માત્ર સમય જ બતાવશે કે માનવજાતનું અસ્તિત્વ ટકી રહેશે કે નહીં.આ પુસ્તક લખવાના બીજ એનિ જેકોબ્સનના મનમાં ક્યાંથી રોપાયા તેની એક નાનકડી ઘટના લેખિકાએ પુસ્તકમાં ટાંકી છે....

'વર્ષ ૨૦૧૪માં મેં પોલ એસ.કોઝમચક (૧૯૪૮-૨૦૧૭)નો ઇન્ટરવ્યૂ લીધો હતો. વોશિંગ્ટનની ડિફેન્સ એડવાન્સ્ડ રિસર્ચ પ્રોજેકટસ એજન્સી (DARPA) માં સૌથી વધુ વર્ષો સુધી ફરજ બજાવવાનો પોલ કોઝમચકનો રેકોર્ડ છે. અણુશસ્ત્રોના વ્યૂહાત્મક ઉપયોગ ક્ષેત્રે પોલની માસ્ટરી હતી.

પુસ્તકની લેખિકા એનિ જેકોબ્સનને ઇન્ટરવ્યૂ દરમિયાન પોલ કોઝમચકે સવાલ કર્યો કે, તમે કલ્પના કરી શકો છો કે ક્યુબાની મિસાઇલ ક્રાઇસિસ દરમિયાન કેટલી ન્યૂક્લિઅર મિસાઇલ છોડવામાં આવી હતી...?

લેખિકાને આ સવાલ પુછીને પછી તેમના પ્રત્યુત્તરની રાહ જોયા વગર જ પોલ કોઝમચકે પોતે જ જવાબ આપતા કહ્યું,'' ક્યુબાની મિસાઇલ ક્રાઇસિસ વખતે એકેય ન્યૂક્લિઅર મિસાઇલ નહોતી છોડાઇ એવું નહોતું બન્યું. અમેરિકાએ બે ન્યૂક્લિઅર મિસાઇલ છોડી'તી (ઓકટોબર ૨૦ અને ઓકટોબર ૨૬, ૧૯૬૨) અને સોવિયેત યુનિયન દ્વારા વળતી બે ન્યૂક્લિઅર મિસાઇલ છોડવામાં આવી હતી. (ઓકટોબર ૨૨ અને ઓકટોબર ૨૮, ૧૯૬૨). પરંતુ સદ્નશીબે બન્ને ન્યૂક્લિઅર મિસાઇલોનો અવકાશમાં જ વિસ્ફોટ થયો હતો.

વાંચકોની જાણ માટે, ઓકટોબર ૧૯૬૨નો સમયગાળો  એવો હતો કે જ્યારે વિશ્વની બે મહાસત્તાઓ, અમેરિકા અને સોવિયેત યુનિયન વચ્ચે Cold War- શીત યુધ્ધ ચાલ્યા કરતું હતું અને એ વર્ષના ઓકટોબર મહિનામાં બે મહાસત્તાઓ અણુયુધ્ધ શરૂ કરવાની લગોલગ પહોંચી ચુકી હતી. ભવિષ્યમાં આ પ્રકારની વિનાશક ઘડી નજીક ન આવી જાય તે માટે અમેરિકાના વ્હાઇટ હાઉસ અને સોવિયેત  યુનિયનના ક્રેમલિન વચ્ચે સૌ પહેલી વાર સીધી ટેલિફોન લાઇન સ્થપાઇ હતી, જે 'હોટલાઇન' Hotline'' તરીકે જાણીતી થઇ હતી.

ઓકટોબર ૧૯૬૨માં અમેરિકાના U-2 સ્પાય પ્લેને ક્યુબામાં ગુપ્તરીતે ફોટોગ્રાફસ લીધા હતા જેમાં આ ટાપુ પર રશિયા દ્વારા ન્યૂક્લિઅર મિસાઇલ્સનું થાણું નંખાઇ રહ્યું હોવાના સ્પષ્ટ પુરાવા અમેરિકાને મળ્યા હતા, અને આના પગલે બન્ને મહાસત્તાઓ વચ્ચે અણુયુધ્ધ ફાટી નીકળવાના ભણકારા વાગ્યા હતા. ૧૩ દિવસ સુધી ક્યુબન મિસાઇલ ક્રાઇસિસ ચાલી હતી. પરંતુ માનવજાતના સદ્નશીબે અણુયુધ્ધ શરૂ થતું અટકી જતા પૃથ્વી પર મહાવિનાશ થતો અટકી ગયો હતો.

ઓગસ્ટ ૧૯૪૫માં જાપાનના બે શહેરો પર જે અણુબોમ્બ ફેંકાયા. તે પ્રકારના અણુશસ્ત્રોની ક્ષમતા કેટલાક શહેરોનો સંપૂર્ણ વિનાશ કરે તેટલી જ હતી પરંતુ એ પછીના દશકા દરમિયાન અણુશસ્ત્ર ક્ષેત્રે થયેલા અદ્યતન સંશોધનો દરમિયાન થર્મોન્યૂ-ક્લિઅર (હાઇડ્રોજન) બોમ્બ શોધાયો જેની વિનાશક તાકાત એકાદ-બે શહેરો નહીં પણ આખે આખા દેશોનો નાશ કરી શકે તેટલી છે.

(સંપૂર્ણ)