Editorial

12 વર્ષમાં અમેરિકાએ 67 અણુ પરીક્ષણો કર્યા

By GS TEAM
16 Jul 20254 mins read
12 વર્ષમાં અમેરિકાએ 67 અણુ પરીક્ષણો કર્યા

- બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન ઓગસ્ટ ૧૯૪૫માં જાપાન પર બે અણુ બોમ્બ ફેંક્યા પછીના

- સારાંશ-વિનોદ  ડી. ભટ્ટ

- ભાગ-5

- વર્ષ 1945 પછીના માત્ર ચાર જ વર્ષ દરમિયાન અમેરિકાએ 170 અણુ બોમ્બ બનાવી દીધા

- અમેરિકી નૌકાદળે બિકિની એટોલ પર ૩ અણુ ધડાકાનું જીવંત નિદર્શન કર્યૂં હતું

 બે અણુબોમ્બ ફેંકાયા પછી પણ જાપાને, અમેરિકાની શરણાગતિ જો ના સ્વીકારી હોત તો તેની પાસેના વધુ બે અણુબોમ્બનો ઉપયોગ કરવાનો અમેરિકાનો પ્લાન તૈયાર જ  હતો.

યાદ રહે કે બીજા વિશ્વયુધ્ધ દરમિયાન શક્ય તેટલી ઝડપથી અણુબોમ્બ બનાવવા માટે અમેરિકાએ ૧૯૪૩ માં લોસ આલામોસ ખાતે અણુબોમ્બ સંશોધન માટે એક ખાસ લેબોરેટરીની સ્થાપના કરી હતી. આ લેબ.ના અણુશસ્ત્ર એન્જિનિયર ડો. ગ્લેન મેકડફના કહેવા મુજબ શરૂઆતમાં જે અણુબોમ્બ બનાવ્યા એ તો સ્કૂલનો કોઈ વિદ્યાર્થી તેના સાયન્સ પ્રોજેક્ટ માટે બનાવે તેવા સાદા અણુબોમ્બ હતા.

 બીજા વિશ્વ યુધ્ધ પછી, અમેરિકાના શસ્ત્ર ભંડારમા એક જ અણુબોમ્બ હતો. પરંતુ મહાયુધ્ધમાં જાપાન શરણે આવી જતા, લોસ આલામોસ નગર ખાતેની અણુબોમ્બ બનાવવા માટેની લેબોરેટરી લગભગ નિષ્ક્રિય થઈ ગઈ. અણુબોમ્બની શોધ થઈ તે દરમિયાનના સમયગાળામાં લેબ. ધમધમતી હતી અને લોસ આલામોસ નગરની માળખાકીય સવલતો ય બરાબર હતી.

 પરંતુ ત્રણેક અણુબોમ્બ બની ગયા અને તેમાંથી બે અણુબોમ્બ જાપાન પર ફેંકાયા પછી ૧૯૪૫ ના સપ્ટેમ્બર માસથી લોસ આલામોસ લેબ.નો ધમધમાટ ઘણો ઓછો થઈ ગયો'તો.

લોસ આલામોસનો અડધો અડધ સ્ટાફ જતો રહ્યો હતો. આ અણુ લેબ.નું ભાવિ અંધકારમય થઈ ગયું'તું.

પરંતુ આ દરમિયાન અમેરિકન નૌકાદળે 'એટમિક વેપન્સ' ક્ષેત્રે પ્રવેશ કર્યો. આધુનિક યુગના સંભવિત અણુયુધ્ધમાં પોતાની મહત્તા ઓછી ન થઈ જાય તે માટે નૌકાદળે ત્રણ અણુ ધડાકાનું જીવંત નિદર્શન-Live, Demonstration - કરવાનું એક જંગી જાહેર આયોજન હાથ ધર્યું.

અમેરિકન નૌકાદળના અફસરોને લાગ્યું કે બીજા વિશ્વયુધ્ધમાં અમેરિકન હવાઈ દળ, જાપાન પર બે એટમબોમ્બ ઝીંકીને મેદાન મારી ગયું, કારણ હિરોસીમા અને નાગાસાકી પર અણુબોમ્બે વેરેલા મહા વિનાશ પછી તુરત જાપાન અમેરિકાના પગે પડી ગયું અને બીજા વિશ્વયુધ્ધનો અંત આવી ગયો.

જો કે એ સમયગાળામાં દરિયાઈ ક્ષેત્રે અમેરિકન નૌકાદળની લડાયક ક્ષમતા દુનિયાભરમાં અત્યંત શક્તિશાળી ગણાતી હતી, જેથી આ સ્થાન મજબૂતાઈથી ટકાવી રાખવા માટે નૌકાદળે ''Operation Crossroads''- ઓપરેશન ક્રોસ રોડસનું આયોજન કર્યૂં.

નૌકાદળની અસીમ તાકાતનું જાહેર નિદર્શન કરવાના ભાગરૂપે અફસરોએ અણુ વિસ્ફોટ જોવા માટે અંદાજે ૪૨,૦૦૦ ની જંગી જનમેદની એકત્રિત કરી હતી. ભવિષ્યમાં દરિયાઈ ક્ષેત્રે અણુયુધ્ધ લડાય તો કેવી મહા વિનાશક તાકાતથી અમેરિકી નૌકાદળ એ ભાવિ મહાયુધ્ધ લડશે તેનો પરચો દેખાડવા માટે નૌકાદળે તેના ૮૮ યુધ્ધ જહાજો બધા લોકો જોઈ શકે તે રીતે દરિયામાં કાંઠા નજીક ઊભા કરી દીધા હતા.

બીજા વિશ્વયુધ્ધ પછી જાપાન પાસેથી અમેરિકાએ માર્શલ આઈલેન્ડસ પર સંપૂર્ણ લશ્કરી આધિપત્ય મેળવી લીધું હતું અને પરમાણુ શસ્ત્ર પરીક્ષણ સ્થળ તરીકે તેનો ઉપયોગ શરૂ કર્યો હતો. (જો કે એ પછી ૨૧મી ઓકટોબર ૧૯૮૬ ના દિવસે માર્શલ આઈલેન્ડસે સ્વતંત્રતા મેળવી અને રિપબ્લિક ઓફ માર્શલ આઈસલેન્ડસ તરીકે સ્વતંત્ર દેશ થઈ ગયો છે).

બ્રિટિશ નૌકાદળના કેપ્ટન જોન વિલિયમ માર્શલે ૧૭૦૦ ના દાયકામાં આ વિસ્તારને પોતાનું નામ આપ્યું હતું, ત્યારથી તે માર્શલ આઈલેન્ડસ તરીકે ઓળખાય છે. માર્શલ આઈલેન્ડસ હવાઈ ટાપુઓ અને ફિલિપાઈન્સ વચ્ચે મધ્ય પ્રશાંત મહાસાગરમાં આવેલા છે.

માર્શલ આઈલેન્ડસના બિકિની એટોલ (ર્છાનન) પર અમેરિકાએ વર્ષ ૧૯૪૬  થી  ૧૯૫૮ દરમિયાનના ૧૨ વર્ષમાં ૬૭ અણુ પરીક્ષણો કર્યા છે. (એટોલ એટલે રીંગ કે વીંટી આકારનો ટાપુ અથવા કોરલથી બનેલા ટાપુઓની  સાંકળ) 

ટૂંકમાં ૧૯૪૬ માં લોસ આલામોસની ન્યૂક્લિઅર બોમ્બ લેબોરેટરી બંધ થવાના આરે પહોંચી હતી. પરંતુ અમેરિકન નૌકાદળે કિનારા પર બેઠેલા હજારો લોકોની ઉપસ્થિતિમાં પ્રશાંત મહાસાગરમાં અણુ વિસ્ફોટનું નિદર્શન કર્યૂં તે પછી અણુ બોમ્બ પ્રોગ્રામમાં નવો પ્રાણ ફૂંકાયો હતો. 

નૌકાદળના ઓપરેશન ક્રોસરોડસ પછી વર્ષ ૧૯૪૬ ના મધ્ય સમયગાળા સુધીમાં અમેરિકાના શસ્ત્ર ભંડારમાં અણુબોમ્બની સંખ્યા વધીને નવની (૯) થઈ ગઈ હતી. અણુ ધડાકાના નિદર્શન બાદ અમેરિકન લશ્કરની ત્રણેય પાંખના સંયુક્ત વડાએ હવે આગળના લશ્કરી વ્યૂહ તરીકે યુધ્ધમાં અણુબોમ્બનો એક શસ્ત્ર તરીકે ઉપયોગ કરવાની નવી લશ્કરી નીતિની સમીક્ષા કરવા અમેરિકી સરકારને વિનંતી કરી હતી.

એક તરફ યુધ્ધમાં મહા વિનાશક શસ્ત્ર તરીકે એટમ બોમ્બના ઉપયોગની લશ્કરી વડાએ ભલામણ કરી હતી, બીજીબાજુ એ જ સમયગાળામાં લશ્કરના જનરલો, એડમિરલો અને અણુ વૈજ્ઞાનિકોના એક જૂથે ''સામૂહિક મહાવિનાશના શસ્ત્રો'' શીર્ષક હેઠળ ચેતવણી ઉચ્ચારી હતી કે એટમ બોમ્બ તો માણસજાત અને માનવ સંસ્કૃતિ સામેની એક મહા ધમકીરૂપ છે. સામૂહિક મહા વિનાશના આ અણુ શસ્ત્રો પૃથ્વી પરના વિશાળ વિસ્તારોમાં મોટાપાયે માનવ વસ્તીનું નિકંદન કાઢી નાંખે તેવા છે. વળી અણુ બોમ્બ એ વિસ્તારોનું આર્થિક માળખું એ હદે બરબાદ કરી દેશે કે દશકાઓ સુધી ત્યાં ફરી કોઈ નવનિર્માણ શક્ય નહીં બને.

જ્યારે બીજી તરફ અમેરિકી લશ્કરે તેના શસ્ત્રભંડાર માટે વધુને વધુ સંખ્યામાં અણુ બોમ્બ બનાવવાની હિમાયત કરી હતી.

સામી બાજુ લશ્કરના કેટલાક જનરલો અને અણુ વૈજ્ઞાનિકોના જૂથે તૈયાર કરેલા અહેવાલમાં ગંભીરપણે ચેતવણી ઉચ્ચારાઈ હતી કે અમેરિકાની સમાંતર રશિયા પણ ટૂંકમાં તેનો અણુ શસ્ત્ર ભંડાર ઊભો કરશે. જેના પગલે અચાનક જ રશિયા દ્વારા અણુશસ્ત્ર હુમલાનું અમેરિકા સામે મહા જોખમ ઊભું થશે. રશિયાના આ પ્રકારના સંભવિત હુમલાને  ''Bolt out of the Blue Attack ''  નામ અપાયું હતું.

પણ પરિસ્થિતિ એવી સર્ર્જાઈ હતી કે અણુશસ્ત્રોનો ખડકલો વધાર્યા સિવાય અમેરિકા પાસે હવે બીજો કોઈ વિકલ્પ જ નહોતો.

-વર્ષ ૧૯૪૭ સુધીમાં અમેરિકાના શસ્ત્ર ભંડારમાં એટમબોમ્બની સંખ્યા ૧૩ થઈ ગઈ.

-૧૯૪૮માં ૫૦ એટમબોમ્બ

-૧૯૪૯ માં અમેરિકા પાસેના અણુ બોમ્બની સંખ્યા વધીને ૧૭૦ ની થઈ હતી. 

(ક્રમશઃ)