Editorial

ચીનમાં રાજાશાહીના અંત માટે માઓ લોક ક્રાંતિમાં જોડાયા

By GS TEAM
15 Oct 20255 mins read
ચીનમાં રાજાશાહીના અંત માટે માઓ લોક ક્રાંતિમાં જોડાયા

- 14 વર્ષની વયે માઓના લગ્ન થઈ ગયા હોવાથી તેઓ ''એરેન્જ મેરેજ''ના સખત વિરોધી થઈ ગયા હતા 

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-3

- ચીનમાં રાજાશાહીના પ્રતીકરૂપ ચોટલી પણ માઓએ કાતર વડે કાપી નાંખી હતી

- રાજાને કઈ રીતે ઊથલાવવા તેની બધા વિદ્યાર્થીઓ ટોળે મળી ચર્ચા કરતા હતા

'સારાંશ' લેખમાળાના ગત લેખમાં જોયું કે ૧૪ વર્ષના માઓના તેમનાથી ૪ વર્ષ મોટી એટલે કે ૧૮ વર્ષની યુવતી સાથે લગ્ન કરાયા હતા. એ છોકરીની અટક (Luo) હતી, તેનું કોઈ ચોક્કસ નામ પડાયું નહીં હોવાથી તે 'Woman Luo'  તરીકે જ ઓળખાતી હતી.

જીવનમાં માત્ર એક જ વાર માઓએે તેમની આ પહેલી પત્નીનો ઉલ્લેખ કર્યો હતો, અને તે પણ ખોટી રીતે. માઓએ તેમની પોતાની અને પત્નીની ઉંમર વચ્ચેનો તફાવત ખાસ્સો વધારીને પત્રકારને કહ્યો હતો.

વર્ષ ૧૯૩૬ માં એડગર સ્નો નામના એક અમેરિકન પત્રકારને આપેલી મુલાકાત દરમિયાન માઓએ કહ્યું' તું કે, મારી ૧૪ વર્ષની ઉંમરે મારા માતાપિતાએ ૨૦ વર્ષની યુવતી સાથે મારા લગ્ન કરાવી દીધા હતા...પણ હું તેની સાથે ક્યારેય રહ્યો નથી...હું તેને મારી પત્ની ગણતો જ નથી, અને મેં તેના વિષે ક્યારેય ઝાઝો વિચાર નથી કર્યો...

હકીકતમાં માઓના લગ્ન ૧૪ વર્ષની ઉંમરે ૧૮ વર્ષની યુવતી સાથે થયા હતા, પણ અમેરિકાના પત્રકાર સમક્ષ તેમણે પતિ-પત્ની વચ્ચેની ઉંમરનો તફાવત ૪ વર્ષને બદલે ૬ વર્ષનો કરી દીધો આનાથી વધારે આશ્ચર્યની વાત તો એ છે કે જે વખતે અમેરિકન પત્રકારને માઓ મળ્યા તેના ઘણાં વર્ષો અગાઉ તેમની પત્નીનો દેહાંત થઈ ચૂક્યો હતો. પરંતુ માઓએ અમેરિકન પત્રકારને તેમની પત્નીના અવસાન અંગે કોઈ વાત જ નહોતી કરી. વાસ્તવમાં માઓના ૧૯૦૮ માં લગ્ન થયા હતા. પરંતુ લગ્નના એકાદ વર્ષમાં જ પત્નીનું મૃત્યુ થઈ ગયું હતું.

માઓનું નાની ઉંમરે લગ્ન થયું હોવાથી તેઓ ''એરેન્જ મેરેજ'' ના સખત વિરોધી થઈ ગયા હતા. આ પ્રકારની લગ્નપ્રથાની આકરી ટીકા કરતા એક લેખમાં માઓએ લખ્યું'તું કે, પશ્ચિમના પરિવારોમાં મા-બાપ તેમના સંતાનોની ઈચ્છા-આકાંક્ષાઓને મંજૂર રાખે છે. પરંતુ ચીનમાં વડીલો પોતાની મનમાની ચલાવે છે. સંતાનોનો અભિપ્રાય પુછયા વગર જ તેમના લગ્ન ગોઠવી દે છે.

માઓ લેખમાં આગળ લખે છે કે, ''આ તો એક પ્રકારનો '' ‘‘Indirect rape '' છે. ચાઈનીઝ મા-બાપો આખો વખત તેમના સંતાનો પર અત્યાચારો ગુજારતા રહે છે.''

પત્નીના અવસાન પછી માઓએ શાઓશાનનો ખીણ પ્રદેશ કે જે વિસ્તારમાં તેમનું વતનનું ગામ હતું, તે પ્રદેશ છોડી અન્યત્ર જવા માટે પિતા પાસે માંગણી મુકી. તેમના પિતાની ઈચ્છા તો નજીકના નગરમાં અનાજ-કરિયાણાની, અને ચોખાની એક દુકાનમાં માઓને નોકરી અપાવી વેપાર-ધંધો શીખવવાની હતી. પરંતુ માઓની ઈચ્છા તો તેમના વતનથી ૨૫ કિલોમીટર દૂર આવેલી એક આધુનિક સ્કૂલમાં ભણવા જવાની હતી.

માઓને એવી જાણકારી મળી હતી કે ચીનમાં  જૂના રાજા-રજવાડાઓ વખતની સ્કૂલો અને પરીક્ષા પધ્ધતિઓ હવે નાબૂદ થઈ ગઈ છે. તેના બદલે વિજ્ઞાાન, વૈશ્વિક ઈતિહાસ, ભૂગોળ અને વિદેશોની ભાષાઓ જેવા વિષયો આધુનિક સ્કૂલોમાં શીખવાડાય છે. તેમના જેવા કિસાન પરિવારના યુવાનો માટે ગ્રામ્ય જીવનમાંથી બહાર નીકળી પ્રગતિના દ્વાર ખોલે તેવી આ સ્કૂલો છે.

માઓને જ્યારે આ સ્કૂલો વિશે માહિતી મળી ત્યાં સુધીના સમયગાળા દરમિયાન ચીનમાં સેંકડો આધુનિક સ્કૂલો ખુલી ગઈ હતી.

એક સ્કૂલ ઈસ્ટર્ન હિલ વિસ્તારમાં હતી. આ સ્કૂલ માઓની માતાના પરિવાર અર્થાત તેમના મામાના ઘરની નજીકમાં જ હતી. આ સ્કૂલની તેમજ તેની હોસ્ટેલની ફી વધારે પડતી હતી, પરંતુ માઓના નાના અને મામા વગેરેએ માઓના પિતાને સમજાવતા તેઓ પાંચ મહિનાની ફી ભરવા માટે કમને તૈયાર થયા હતા.

પરંતું ઈસ્ટર્ન હિલની શાળામાં માઓ થોડા મહિના જ ભણ્યા, તે દરમિયાન તેમને જાણવા મળ્યું કે વેન્સ કાઉન્ટીના પાટનગર ચાન્ગશામાં એક નવી સ્કૂલ ખુલી રહી છે, એટલે એ સ્કૂલમાં એડમિશન લઈ તેઓ ત્યાં ભણવા ગયા.૧૭ વર્ષની ઉંમરે માઓએ કિસાન જીવનનો ત્યાગ કરી દીધો. વેન્સ કાઉન્ટીના પાટનગરમાં તેઓ ખૂબ ખુશ રહેતા હતા. 

વર્ષ ૧૯૧૧ ની વસંત ઋતુમાં માઓ પાટનગર ચાન્ગશાની સ્કૂલમાં આવ્યા હતા. માઓ ત્યાં આવ્યાના થોડા જ સમયમાં ૨૦૦૦ વર્ષ જૂના રાજાશાહી શાસનનો અંત આણવા રિપબ્લિકન રિવોલ્યૂશન શરૂ થયું હતું.

રાજાશાહી સમયની મન્ચુ કોર્ટે બંધારણીય રાજાશાહી સ્થાપવાનું વચન આપ્યું. પરંતુ રિપબ્લિકનોનો ઈરાદો તો મન્ચુ કે ચીન્ગ રાજવંશનો અંત જ આણવાનો હતો.

 માઓ પણ ચીન્ગ રાજાશાહી પર પૂર્ણવિરામ મુકવા માટે રિપબ્લિકનોની ક્રાંતિમાં જોડાઈ ગયા. તેમણે રિપબ્લિકનોના વિચારો, અભિવ્યક્ત કરતો તેમનો સૌ પ્રથમ રાજકીય લેખ લખ્યો અને આ લેખ તેમની સ્કૂલની દીવાલ પર ચોંટાડયો. એ સમયગાળામાં પોતાની વિચારસરણીના લેખ લખી તેના પ્રચાર-પ્રસાર માટે કોઈ દીવાલ પર ચોંટાડવાની પ્રથા અસ્તિત્વમાં હતી. એ જમાનામાં ઈન્ટરનેટની શોધ નહોતી થઈ એટલે સોશિયલ મીડિયા દ્વારા ક્ષણભરમાં સંદેશા, સર્વત્ર સહેલાઈથી પ્રસારિત થઈ શક્તા નહોતા. એટલે ગામના ચોરે કે શાળાની દીવાલો પર લખાણો ચોંટાડીને પ્રચાર કરાતો હતો.

 એ જમાનામાં મન્ચુ રીતરિવાજ અનુસાર રાજાશાહી શાસનના દેખીતા પ્રતીક તરીકે ચીનાઓ માથાના વાળના પાછળના ભાગે ચોટલીની જેમ વાળ બાંધતા હતા. પરંતુ ચુસ્ત રિપબ્લિકન બની ગયેલા માઓએ સ્કૂલના બીજા વિદ્યાર્થીઓની જેમ પોતાની ચોટલી (પીગટેલ) તો કાપી નાંખી એટલું જ નહીં પણ એક મિત્રની મદદથી બીજા બારેક વિદ્યાર્થીઓને પકડી પકડી કાતરથી વારાફરતી એ દરેકની ચોટલીઓ પણ કાપી નાંખી હતી.

વિદ્યાર્થીઓ બધા ટોળે મળી રાજાને કઈ રીતે ઊથલાવવો તેની ઉગ્ર ચર્ચા કર્યા કરતા હતા. ઓક્ટોબર મહિનામાં બાજુના હુબે પ્રાંતમાં રિપબ્લિકન રિવોલ્યૂશનના ભાગરૂપે સશસ્ત્ર બળવો ફાટી નીકળ્યો. છેલ્લા ૨૬૦ વર્ષથી ચીનમાં શાસન કરતા મન્ચુ રાજવંશનો અંત આવી ગયો અને તા. ૧ જાન્યુઆરી ૧૯૧૨ ના દિવસે ચીન રિપબ્લિક ઘોષિત થયું. 

ચીનના લશ્કરી વડા યુઆન શી-કાઈ દેશના પ્રમુખ બન્યા અને યુઆન શી-કાઈના વફાદાર શૂરવીર લશ્કરી અફસરોની જુદા જુદા પ્રાંતોનો વહીવટ કરવા માટે નિમણૂંક કરાઈ.

પણ ચારેક વર્ષ પછી ૧૯૧૬ માં યુઆનનું મૃત્યુ થતાં પેકિંગની (ચીનની રાજધાનીનું જૂનું નામ પેકિંગ હતું પરંતુ આપણા દેશમાં જેમ શહેરોના નામો બદલાયા છે, તેમ ચીનમાં પણ પેકિંગનું નામ બદલીને હવે બેજિંગ થઈ ગયું છે.) કેન્દ્ર સરકાર નબળી પડી જતા જુદા જુદા પ્રાંતોનો વહીવટ કરતા અફસરોના હાથમાં સત્તાની વહેંચણી થઈ ગઈ અને એ અફસરો પોતપોતાના પ્રાંતના જાણે સૂબા બની ગયા.

(ક્રમશઃ)