બે દેશ વચ્ચેના અણુશસ્ત્ર યુધ્ધમાં પડોશી દેશોનો મરો થશે

- ભવિષ્યના વિનાશક ન્યૂક્લિઅર વૉરમાં રેડિએશનની થનારી ઘાતક અસરોની ગુપ્ત મીટિંગમાં ચર્ચા
- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ
- ભાગ-9
- ન્યૂક્લિઅર વૉરમાં કિરણોત્સર્ગની વિનાશક અસર પડોશના દેશો સુધી વિસ્તરશે
- મહા વિનાશક ઘાતક ન્યૂક્લિઅર વૉરના પ્લાનને બધા ટોચના અફસરોએ બિરદાવ્યો
એક ચોંકાવનારી હકીકત એવી છે કે બીજું વિશ્વ યુધ્ધ પુરૃં થયાના માત્ર ૧૫ જ દિવસમાં કે જ્યારે વિશ્વ યુધ્ધના મરણતોલ ઘા હજી રૂઝાયા પણ નહોતા અને જાપાન પર ફેંકાયેલા બે એટમબોમ્બની મહા વિનાશકતાના કારમા આઘાતમાંથી વિશ્વ હજી બહાર નહોતું આવ્યું, એવા સમયે અમેરિકન લશ્કરે સરકાર સમક્ષ માંગણી મુકી હતી કે સોવિયેત-યુનિયન અને અન્ય ગદ્ધાર લક્ષ્યાંકોના નાશ માટે અમને ૪૬૬ અણુબોમ્બની જરૂર પડશે !
ડિસેમ્બર, ૧૯૬૦ પહેલાના સમયમાં સ્થિતિ એવી હતી કે, અમેરિકન લશ્કર, નૌકાદળ અને હવાઈ દળના વડા પાસે અણુશસ્ત્રોનો પોતાનો અલગ- અલગ શસ્ત્ર ભંડાર હતો. તેમની પાસે દુશ્મન દેશોના કયા શહેરોને લક્ષ્યાંક બનાવવા તેની યાદી પણ અલગ-અલગ હતી. આમ અમેરિકી લશ્કરની ત્રણેય પાંખ સંભવિત અણુયુધ્ધના કટોકટીભર્યા કાળમાં જો અલગ અલગ રીતે પોતાની વ્યૂહરચના ઘડે તો મહા અનર્થ ન સર્જાય, તે માટે સંરક્ષણ સચિવે લશ્કરની ત્રણેય પાંખના વડાઓને એક સંયુક્ત પ્લાન ઘડવા માટે આદેશ જારી કર્યા હતા અને આ રીતે જે ''સીંગલ પ્લાન'' ઘડાયો તેને નામ અપાયું ''Single Integrated Operational Plan (SIOP)'' .
૧૯૬૦ માં અમેરિકાના સ્ટ્રેટેજિક એર કમાન્ડ ખાતામાં ૨,૮૦,૦૦૦ કર્મચારીઓ ફરજ બજાવતા હતા. જે પૈકીના ચુનંદા ૧૩૦૦ કર્મચારીઓને ઉપરોક્ત સીંગલ પ્લાન ઘડવાની કામગીરી સોંપાઈ. આ સીંગલ સિક્રેટ પ્લાનની વિગતો ચર્ચવા માટે જ વર્ષ ૧૯૬૦ માં નેબ્રાસ્કામાં ગુપ્ત મીટિંગ યોજાઈ હતી.
જો આ સિક્રેટ પ્લાન અમલમાં મુકાય તો એ સંભવિત વિનાશક યુધ્ધમાં કમ સે કમ ૬૦ કરોડ લોકો મૃત્યુના મુખમાં ધકેલાઈ જાય.
કોઇપણ આગોતરા અણસાર કે કોઇ દેખીતા કારણ વગર જ કઇ રીતે અમેરિકન લશ્કરી દળ મોસ્કો પર આક્રમણ કરી દે, તેનું સચોટ આયોજન ''General Nhclear War Plan'' માં દર્શાવાયું છે. સંરક્ષણ ક્ષેત્રના ટોચના વૈજ્ઞાાનિકોએ સઘળી ગણત્રી માંડીને આ પ્લાનમાં દર્શાવ્યું છે કે સોવિયેત યુનિયન પરના આ સુચિત અણુબોમ્બ એટેક દરમિયાન શરૂઆતના પહેલા એક જ કલાકમાં ૨૭.૫૦ કરોડ જેટલી મોટી સંખ્યામાં લોકો મોતને ભેટશે અને તે બાદ વધારાના ૩૨.૫૦ કરોડ લોકો લગભગ છ મહિનાના સમયગાળામાં અણુબોમ્બના કિરણોત્સર્ગની ઘાતક અસરથી ધીમે ધીમે મોતના મુખમાં ધકેલાઇ જશે.
અણુશસ્ત્રોના આ વિનાશક સંભવિત હુમલાની અત્યંત ચોંકાવનારી કરૂણ હકીકત તો એ છે કે સોવિયેત યુનિયન સાથેની દુશ્મનીમાં અમેરિકાના આ આક્રમણમાં એકંદરે કુલ ૬૦ કરોડ લોકો માર્યા જવાની ગણત્રી અમેરિકન ડિફેન્સ સાયન્ટિસ્ટોએ મુકી છે, તે પૈકીના ૩૦ કરોડ લોકો જ સોવિયેત યુનિયનના હશે, બાકીના અંદાજે ૩૦ કરોડ લોકો તો સોવિયેત યુનિયનના પડોશી દેશોના હશે, જેમને અમેરિકા સાથે કોઇ દુશ્મની નથી, પણ ગુજરાતીમાં એક બહુ જાણીતી જૂની કહેવત છે કે બે પાડાની લડાઇમાં ઝાડનો ખો નીકળી જાય. અર્થાત બે મહાસત્તાઓ વચ્ચેની લડાઇમાં વચ્ચેના નાના-નાના પડોશી દેશોનો મરો થઇ જાય એવો ઘાટ ભવિષ્યના અણુયુધ્ધમાં થવાનો છે. વિના કારણે કે વિના વાંકે પડોશના દેશો સુધી અણુબોમ્બની રેડિઓએક્ટિવિટિની અત્યંત નૂકસાનકારક અસર વર્તાયા વગર નથી રહેવાની. આમાં ચીનના કરોડો લોકો પણ હોમાઇ જવાના છે.
હવે આ હકીકતને જરા જુદી રીતે વિચારીએ...
વર્ષ ૧૯૬૦માં વિશ્વની કુલ વસ્તી ૩ અબજ હતી. આનો અર્થ એ થયો કે પેન્ટાગોને એટલે કે અમેરિકાના સંરક્ષણ મંત્રાલયે સોવિયેત યુનિયન પર કોઇપણ પ્રકારના દેખીતા કારણ વગર અચાનક જ એટમબોમ્બ ઝીંકી પૃથ્વી પરની કુલ વસ્તીના (૩ અબજના) પાંચમા ભાગને (૬૦ કરોડને) મારી નાંખવાનો પ્લાન ઘડવા માટે ૧૩૦૦ કર્મચારીઓને પગાર ચુકવ્યો હતો...!
પછી એ પણ વિચારો કે અમેરિકાના અણુશસ્ત્ર આક્રમણ પછી સોવિયેત યુનિયન કાંઇ બે હાથ જોડીને બેસી થોડું રહેવાનું છે...?
પહેલો ઘા રાણાનો - એ ઉક્તિ મુજબ અમેરિકા કદાચ પહેલો એટમબોમ્બ સોવિયેત યુનિયન પર ફેંકે પછી એના એટલા જ જોરદાર વળતા પ્રહારરૂપે સોવિયેત યુનિયન અમેરિકા પર ધડાધડ એટમબોમ્બ્સ ઝીંકશે તેમાં ઓછામાં ઓછા ૧૦ કરોડ અમેરિકનો નિશ્ચિતપણે હોમાઇ જવાના છે અને અમેરિકા પર ઝીંકાનાર સંખ્યાબંધ એટમબોમ્બ્સના ઘાતક કિરણોત્સર્ગની વિનાશક અસરથી નોર્થ અમેરિકા અને સાઉથ અમેરિકાના દેશોના બીજા ૧૦ કરોડ લોકો એ પછીના છ મહિનાના સમયગાળામાં રીબાઇ-રીબાઇને યમના દ્વારે ધકેલાઇ જવાના છે.
આટલાથી વિનાશ નથી અટકવાનો. અમેરિકા અને સોવિયેત યુનિયન એકબીજા પર સંખ્યાબંધ અણુબોમ્બ્સ ઝીંકશે તેનાથી પૃથ્વીના સમગ્ર વાતાવરણ પર ઘાતક અસર પડશે; જેના પગલે કૃષિ ઉત્પાદન ઠપ થઇ જવાથી બીજા અગણિત લોકો ભૂખમરામાં સપડાઇને દમ તોડશે તે તો વધારામાં...!
વર્ષ ૧૯૬૦ની એ ગુપ્ત મીટિંગની વાત આગળ વધારતા રૂબેલે વર્ષ ૨૦૦૮માં લખેલા તેમના સંસ્મરણોમાં વધુ એક ચોંકાવનારા પ્લાનની વિગતો ખુલ્લી પાડી છે ઃ ગુપ્ત મીટિંગમાં અન્ય એક વકતાએ ચીન પર હુમલો કરવાના પ્લાન વિશે વાત કરી પણ ચીન સાથેના એ સંભવિત યુધ્ધમાં કેટલા મરાશે તે અંગે કશો ફોડ પાડવાના બદલે યુધ્ધની આડ અસરથી કેટલા ચીનાઓ મરશે તેની ગણત્રી માંડીને કહ્યું કે અણુશસ્ત્રથી લડાનાર એ ભાવિ યુધ્ધના પગલે જે કિરણોત્સર્ગ (રેડિએશન) ફેલાશે તેના કારણે ચીનની તે સમયગાળાની અડધો અડધ વસ્તી એટલે કે લગભગ ૩૦ કરોડ લોકો મોતને ભેટી જશે.
આ વકતાના વક્તવ્ય બાદ થોડા સમયમાં મીટિંગ મુલતવી કરાઇ હતી.
બીજા દિવસે સવારે બીજી એક મીટિંગમાં જહોન રૂબેલે હાજરી આપી હતી. આ મીટિંગ આગલા દિવસની મીટિંગ કરતાં સરખામણીમાં નાની હતી. તેમાં રૂબેલ ઉપરાંત સંરક્ષણ સચિવ, લશ્કરની ત્રણેય પાંખના સંયુક્ત વડા, અને ત્રણેય પાંખોના સચિવો તેમજ નૌકાદળના કમાન્ડન્ટ ઉપસ્થિત રહ્યા હતા.
લશ્કરની ત્રણ પાંખોના સંયુક્ત વડાઓના અધ્યક્ષ લેમેન લેમનિઝરે મીટિંગમાં ઉપસ્થિત લશ્કરના ટોચના અફસરોની કાર્યવાહીને બિરદાવતા કહ્યું, તમે બધાએ ખૂબ સારા પ્લાન ઘડયા છે, જે બદલ તમે સૌ અભિનંદનના અધિકારી છો. જહોન રૂબેલે તેમના સંસ્મરણોમાં લખ્યું છે કે લશ્કરી વડા જ્યોર્જ ડેકરે પણ ટોચના અફસરોના કાર્યને બિરદાવી સૌને અભિનંદન પાઠવ્યા હતા.
(ક્રમશઃ)








