Editorial

ચીનના હાકેમ યન્ગ માર્શલને દેશના વડા બનવાનો અભરખો જાગ્યો

By GS TEAM
12 Nov 20254 mins read
ચીનના હાકેમ યન્ગ માર્શલને દેશના વડા બનવાનો અભરખો જાગ્યો

- ચીની સરકારના વડા ચિઆંગ કાઈ-શેકના વિશ્વાસુ સૂબા યન્ગ માર્શલ વિશ્વાસઘાતી નીકળ્યા..

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-6

- સોવિયેત યુનિયનના સરમુખત્યાર સ્ટાલિનને પણ યન્ગ માર્શલ પર ભરોસો નહોતો

- રોમેન્ટિક સ્વભાવના યન્ગ માર્શલે ગુપ્ત રીતે રશિયન પ્રતિનિધિઓ સાથે વાટાઘાટો શરૂ કરી

પ્રો.ચેન સામ્યવાદી પક્ષના ‘New Youth' નામના માસિક મુખપત્ર કાઢવાની તૈયારીમાં પડયા હતા. આ મેગેઝીનના જુલાઈ મહિનાના અંકમાં રશિયન સરકાર અને લેનિન વિશેના લેખો પ્રસિધ્ધ કરાયા હતા.

માઓને સામ્યવાદી પક્ષના આ મેગેઝીન 'New Youth' તેમજ અન્ય સામ્યવાદી સાહિત્યનું વિતરણ કરવાની જવાબદારી સોંપાઈ હતી. સાથે સાથે અન્ય પુસ્તકો તેમજ જર્નલો વેચવાનું કામ પણ તેઓ કરતા હતા. માઓ પુસ્તકો વાંચવાના શોખીન હોવાથી તેમને પક્ષના આ કામમાં મઝા આવતી હતી. 

૨૭ વર્ષની ઉંમરમાં તો માઓ પુરેપુરા સામ્યવાદી બની ગયા.

સામ્યવાદી પક્ષમાં માઓ જેમ જેમ આગળ વધતા ગયા, તેમ નેશનલિસ્ટ પાર્ટી ઓફ ચાઈનાના નેતા ચિયાંગ-કાંઈ-શેક અને તેમની વચ્ચેના મતભેદો વધતા ગયા હતા. ચીનમાં આ નેશનલિસ્ટ પાર્ટી કુઓ-મિન્ટાંગ તરીકે ઓળખાય છે. અંગ્રેજીમાં તેને KMT કહેવાય છે. તળપદી કે અશિષ્ટ ભાષામાં (KMT) ચીનમાં લોકો Kiss My Teeth પણ કહેતા હતા....!

ચિયાંગ કાઈ-શેક પાછળથી નેશનલિસ્ટ પાર્ટીના સર્વેસર્વા એટલે કે ચેરમેન બની ગયા અને રિપબ્લિક ઓફ ચાઈના (ROC) ના પ્રમુખપદે વર્ષો સુધી રહ્યા હતા.

પણ નેશનલિસ્ટ પાર્ટીના તેમના પ્રારંભિક વર્ષોમાં તેમની અને સામ્યવાદી પક્ષના નેતા માઓ વચ્ચે તીવ્ર મતભેદો ઊભા થયા હતા.

ડિસેમ્બર ૧૯૩૬ માં ચિયાંગ-કાઈ-શેકનું અપહરણ કરાયું હતું, જેમાં પરોક્ષ રીતે માઓનો હાથ હોવાનું કહેવાય છે. દેખીતી રીતે તો ચિયાંગ-કાઈ-શેકના નજીકના ગણાતા બે જનરલો-ઝાન્ગ શુલિંગ અને યાન્ગ-દ્વારા ચિેયાંગનો ઘેરાવ કરી અપહરણ કરાયું હતું.

અપહરણ પાછળ કારણરૂપ રાજકીય હોંસાતોંશીની વાત સમજવા જેવી છે...

ઓકટોબર ૧૯૩૫ માં લોન્ગ માર્ચના (Long March) અંતે માઓ નોર્થવેસ્ટમાં આવ્યા એ સમયગાળામાં રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા ઉપરાંત તેમનો આશય રશિયન તાબા હેઠળના પ્રદેશની સરહદ ખુલ્લી કરવાનો હતો. કારણ એ સીમા ખુલ્લી થાય તો જ રશિયાથી શસ્ત્રો તેમજ અન્ય સામગ્રીનો પુરવઠો માઓને સલામત રીતે મળતો રહે. અને આ પુરવઠો રશિયાથી વિનાવિઘ્ને આવતો રહે તો જ ચીનમાં સામ્યવાદી પક્ષનો વ્યાપ વધારવામાં સુગમતા પડે. 

પરંતુ સામે પક્ષે નેશનલિસ્ટ પાર્ટીના ચિયાંગ-કાઈ-શેકનો ઈરાદો સામ્યવાદીઓને તેમના વિસ્તાર પુરતા સીમિત રાખવાનો હતો, જેથી ચીનમાં સામ્યવાદીઓનું વર્ચસ્વ વધી ના જાય.

આમ એક તરફ માઓ ઇીગજ એટલે કે સામ્યવાદીઓનો વિસ્તાર વધારવા માંગતા હતા, તો સામી બાજુ ચિયાંગ-કાઈ-શેક નેશનલિસ્ટ પાર્ટીનો વ્યાપ વધારવાના પ્લાન ઘડતા હતા.

માઓના ચાલાકીપૂર્વકના પ્લાનથી અજાણ ચિયાંગ-કાઈ-શેક ઊંઘતા ઝડપાયા હતા.

ચીનમાં રશિયાના તાબા હેઠળના બે પ્રદેશો એવા હતા, જ્યાંથી ચીનના સામ્યવાદી પક્ષના કાર્યકરોને રશિયાથી, પૈસા અને શસ્ત્ર સરંજામનો પુરવઠો મોકલી શકાય તેમ હતોઃ- (૧) શીનાજિઆન્ગ (૨) આઉટર મોન્ગોલિઆ

ચીનના સામ્યવાદીઓને રશિયા તરફથી કોઈ મદદ ન મળી શકે એ માટે ચિઆંગ કાઈ-શેકે પોતાના વિશ્વાસુ સેનાપતિ, યુધ્ધખોર લડવૈયા ચાન્ગ શુએ-લિઆન્ગને જવાબદારી સોંપી હતી. રશિયન તાબા હેઠળના બે ચીની પ્રદેશોની સીમાને અડીને આવેલા ચીનના શાન્કશી પ્રાંતનો તેને સૂબો બનાવ્યો હતો. શાન્કશી પ્રાંતના પાટનગર શિઆન શહેરમાં સૂબાનું વડું મથક હતું. આ સૂબાને બધા યન્ગ માર્શલ કહેતા હતા.

આ યન્ગ માર્શલે રશિયન તાબા હેઠળના બે ચાઈનીઝ પ્રદેશોની સીમા પર ૩૦૦,૦૦૦ સૈનિકોના લશ્કરને ખડકી રાખ્યું હતું, જેથી રશિયનો તેમના કબ્જા હેઠળના પ્રદેશોમાંથી શસ્ત્રો કે અન્ય સામગ્રીનો પુરવઠો ચીનના બીજા પ્રદેશોમાં ઘુસાડીને ચીની સામ્યવાદીઓને કોઈપણ પ્રકારની સહાય પુરી પાડી ના શકે. આમ કરીને યન્ગ માર્શલનો પ્લાન ચીનમાં સામ્યવાદીઓના ફેલાવાને રોકવાનો હતો.

કહેવાનો મતલબ કે માઓ ચીનમાં સામ્યવાદના પ્રચાર-પ્રસારના કામમાં આગળ વધવા ઈચ્છતા હતા, તો સામે પક્ષે ચિઆંગ કાઈ-શેકનો યન્ગ માર્શલ માઓના પ્લાનમાં મોટો અવરોધ બનીને ઊભો રહ્યો હતો.

ચીનની સરકારના વડા ચિઆંગ કાઈ-શેકે આ યન્ગ માર્શલને બીજી ઘણી અગત્યની જવાબદારીઓ પણ સોંપી હતી. ચિઆંગ કાઈ-શેક અને તેમના પત્ની સાથે યન્ગ માર્શલને ઘણાં આત્મીય-અંગત સંબંધ હતા.

ચીનના ક્રાંતિકારી નેતા અને રિપબ્લિક ઓફ ચાઈનાના જનરલ ચિઆંગ કાઈ-શેકથી ઉંમરમાં યન્ગ માર્શલ લગભગ ૧૩ વર્ષ નાના હતા, અને ઘણી વાર તેઓ કહેતા કે ચિઆંગ તો મારા માટે'મારા ડેડી' સમાન છે.

પણ આ બધો કેવળ બાહ્ય દેખાડો જ હતો, અંદરખાને તો ચિઆંગ કાઈ-શેકને ઊથલાવી પોતે જ ચીનના સર્વેસર્વા બની બેસવાનો યન્ગ માર્શલ મનસૂબો સેવતા હતા. ફ્રાન્સ અને ઈંગ્લેન્ડ મળીને જેટલો વિસ્તાર થાય તેના કરતાંય મોટા ચીનના પ્રદેશો પર સૂબાગીરી કરી રહેલા યન્ગ માર્શલને ચિઆંગ કાઈ-શેકના હાથ નીચે કામ કરવામાં હવે નાનમ લાગતી હતી, નારાજગી મહેસૂસ થતી હતી.

હવે આખા ચીન પર શાસન કરવાની તેમના મનમાં મહેચ્છા જાગી હતી.

આ મનસૂબો સાકાર કરવા માટે તેમણે અગાઉ રશિયાનો સંપર્ક પણ સાધ્યો હતો. વર્ષ ૧૯૩૩ માં તેઓ યુરોપની મુલાકાતે ગયા તે વેળા સોવિયેત યુનિયન પણ જઈ આવવાનો યન્ગ માર્શલે પ્રયાસ કર્યો હતો. પરંતુ રશિયાને હજી આ યન્ગ માર્શલ પર પુરેપુરો ભરોસો બેસતો નહોતો. ચીનના મામલે રશિયા બહુ સાવધાનીથી આગળ વધવા માંગતુ હોવાથી સોવિયેત યુનિયનની મુલાકાતે આવવાની યન્ગ માર્શલની માંગણી નકારી કઢાઈ હતી. બીજું કે યન્ગ માર્શલ ઈટાલીના સરમુખત્યાર મુસોલિની અને તેમના પરિવાર સાથે મૈત્રીપૂર્ણ સંબંધ રાખતા હતા એટલું જ નહીં કિંતું તેઓ ફાસીવાદની પ્રશંસા પણ કરતા રહેતા હતા. ઉલ્લેખનીય છે કે ઈટાલીના મુસોલિની રશિયન સામ્યવાદના કટ્ટર વિરોધી હતા.

 આથી ૧૯૩૫ ના ઓગસ્ટ મહિનામાં મોસ્કોથી ચાઈનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટી (C.C.P.) એ બહાર પાડેલા એેક નિવેદનમાં યન્ગ માર્શલને ગદ્દાર અને નકામા માણસ તરીકે ગણાવ્યા હતા.

પણ પછી આ યન્ગ માર્શલ એવી ચાલ ચાલ્યા કે મોસ્કો તેમના વખાણ કરતું થઈ ગયું. 

(ક્રમશઃ)