ગુડસ ટ્રેનના ઢોર ડબ્બામાં યહૂદીઓને ધકેલી દેવાયા..

- વોર્સોમાં યહૂદીઓની નાની વસાહતોમાંથી બધા રહીશોને ખસેડાયા..
- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ
- ભાગ-12
પિયાનોવાદક સ્પિલમેન બાકી રહી ગયો, તેના મા-બાપ, ભાઈ-બહેનો ગુડ્સ ટ્રેનમાં ધકેલાયા
સેંકડો યહૂદીઓ, જે ગુડ્સ ટ્રેનમાં ધકેલાયા તેમના મોત નિશ્ચિત, બાકીના બચી ગયા
સાંજના પાંચ વાગવાની તૈયારી હતી. કલાકે કલાકે કમ્પાઉન્ડમાં યહૂદીઓની સંખ્યા વધતી જતી હતી. નજીકની ગલીઓમાંથી વચ્ચે વચ્ચે ગોળીબારના અવાજો સંભળાતા હતા.
એટલામાં દોરીથી બાંધેલું લાકડાનું બોકસ ગળે લટકાવી એક છોકરો ટોળા વચ્ચે મીઠાઈ લો, મીઠાઈ લોની બૂમ પાડતો મીઠાઈ વેચવા નીકળ્યો. હું તેને જોઈ આશ્ચર્યમાં પડી ગયો કે આ છોકરો મીઠાઈ વેચીને મળેલા પૈસાનું શું કરવાનો છે ?
પણ એટલામાં મારા પિતાએ તે છોકરાને પોતાની પાસે બોલાવ્યો. ગજવામાંથી જે થોડું ઘણું પરચુરણ હતું. તેમાંથી પિતાએ થોડી મીઠાઈ ખરીદી. તેના છ ભાગ કરી પરિવારના છ સભ્યો-માતા-પિતા, અમે બે ભાઈ અને બે બહેનોને આપી. અમારા પરિવારના બધા સભ્યોએ એક સાથે ખાધેલી આ છેલ્લી વાનગી ગણો તો વાનગી કે છેલ્લુ ભોજન હતું.
સાંજના લગભગ છ વાગતા તો કમ્પાઉન્ડમાં તદ્દન હતાશા અને નિરાશાનું વાતાવરણ છવાઈ ગયું.
સંખ્યાબંધ જર્મન કારો કમ્પાઉન્ડ નજીક ધસી આવી. અને કમ્પાઉન્ડમાં સંખ્યાબંધ પોલીસ જવાનો હાથમાં દંડા, રાઈફલ લઈ ઘુમવા માંડયા.
પોલીસ જવાનો હજારો યહૂદીઓથી છલકાતા ટ્રાન્ઝિટ સેન્ટરમાં ફરીને યુવાન તેમજ તાકાતવાન યહૂદીઓને અલગ કરવા માંડયા. આ નશીબદાર યહૂદીઓ પાસે જર્મનો મજૂરી કામ કરાવશે.
સેન્ટરમાં ધક્કામુક્કી મચી ગઈ. બધા લોકો પોતાને મજબૂત દેખાડવા આગળ આવીને ઊભા થઈ જતા હતા. ચોમેર ભારે શોરબકોરથી કોણ શું કહે છે, તે કશું સંભળાતું નહોતું.
ટ્રાન્ઝિટ સેન્ટરમાં બૂમાબૂમ અને ખૂબ અરાજકતા ફેલાઈ જતા, પોલીસોએ હવામાં ફાયરિંગ કર્યૂં.
હજી અમારા ગુ્રપમાં જ જોડાયેલા રહેલા ડેન્ટિસ્ટની જર્મનો તરફની ધિક્કારની લાગણી હજી યથાવત જ હતી. વધારામાં જાણે મારા પિતાનો જ વાંક હોય એ રીતે તેમના તરફ આંખો કાઢતા ડોકટર મહાશય બોલ્યા, જર્મનો આપણને બધાને મારી નાંખવાના છે, 'એમ મેં થોડા વખત પહેલા કહ્યું'તું, એ યાદ છે ને ? હવે તો તમે માનશો ને કે મારી વાત સાચી હતી? જે લોકો મજૂરી કરવા સક્ષમ છે, તેઓ અહીં રહેશે અને પેલી તરફનાને આ શયતાનો યમદ્વારે ધકેલી દેશે.
ટોળાના ઘોંઘાટ વચ્ચે મોટેથી બોલતા ડેન્ટિસ્ટનો અવાજ ફાટી ગયો. હતાશ ચહેરે મારા પિતા નીચું જોઈ તેની વાત સાંભળતા રહ્યા.
દરમિયાનમાં હટ્ટાકટ્ટા સેંકડો યહૂદીઓને અલગ તારવી જર્મન અફસરો જતા રહ્યા, પણ સેન્ટરમાં અરાજકતા ઓછી થવાનું નામ નહોતી લેતી. એટલામાં રેલવે એન્જિનની તીણી વ્હિસલ સંભળાતા સેન્ટરમાં વળી પાછી વધારે દોડાદોડ મચી ગઈ.
થોડી મિનિટોમાં જ ડઝન કરતા વધારે ડબ્બાની માલગાડી ધીમી ગતિએ આવી પહોંચી. સેન્ટરની ચોતરફ જર્મન અને યહૂદી પોલીસોનો બંદોબસ્ત વધારે કડક થઈ ગયો. ફરી એકવાર અમને બધાને ગભરાવી મુકવા પોલીસોએ હવામાં ગોળીબારના રાઉન્ડ છોડવા માંડયા. હજારો યહૂદીઓથી ઊભરાતા કમ્પાઉન્ડમાંની સ્ત્રીઓ અને બાળકોના જોરશોરથી રડવાના અવાજ ચોતરફ ફેલાતા વાતાવરણમાં ભારે ઉદાસીનતા છવાઈ ગઈ.
અમે ઢોરોને લઈ જવા ઉપયોગમાં લેવાતી માલગાડીમાં બેસવાની તૈયારીમાં પડયા. હવે રાહ શું કામ જોવાની ? જેટલા જલ્દી ગુડસના ડબ્બામાં ચઢી જઈએ એટલી શાંતિ.
માલગાડીના ડબ્બામાં અંદર જવાના દ્વાર પાસે પોલીસો ભરી બંદૂકે ઊભા રહ્યા હતા. અમે માલગાડી નજીક પહોંચીએ તે પહેલા તો એક નંબરનો ડબ્બો ચિક્કાર ભરાઈ ગયો હતો. બધા ખીચોખીચ એક બીજાની અડોઅડ ઊભા થઈ ગયા હતા અને ડબ્બામાં હવે વધુ એક પણ યહૂદીને ઊભા રહેવાની જગ્યા બાકી બચી નહોતી છતાં જર્મન પોલીસો બંદૂકનો કુંદો મારી મારી હજી બીજા વધુ લોકોને ડબ્બામાં ધકેલતા હતા.
પોલીસો વધુ લોકોને બળજબરીથી અંદર ઘુસાડતી હતી તો બીજી તરફ અંદર ઊભેલા યહૂદીઓ શોરબકોર કરી અમે ગુંગળાઈ ગયા છે, હવે તસુભાર પણ જગ્યા નથી, એવી બૂમરાણ મચાવતા હતા.
ડબ્બામાં પાશવી જર્મનોએ કલોરિન ગેસ છોડયો હોવાથી અંદર ઊભેલા લોકોને શ્વાસ લેવામાં પણ ભારે તકલીફ પડતી હતી.
અમે આ બધી ધક્કામુક્કીમાં ત્રીજા ડબ્બા સુધી પહોંચ્યા એટલામાં મારા નામની ક્યાંકથી બૂમ સંભળાઈ: સ્પિલમેન અહીં આવ, આ બાજુ સ્પિલમેન... કોઈકે મારો કોલર ઝાલી મને ખેંચ્યો અને હું પોલીસ કોર્ડનની બહાર ખેંચાઈ ગયો.
મેં જોરથી ઘાંટો પાડયો, કોણ મને કોલરથી ખેંચી રહ્યું છે ? હું મારા પરિવારના સભ્યોથી અલગ થવા નથી માંગતો. મારે મારા કુટુંમ્બ સાથે જ રહેવું છે.
પોલીસોના ટોળેટોળા માલગાડીના ઢોર ડબ્બા પાસે ઊભા હતા. ડબ્બામાં ઘેટા-બકરા કે ગાય-ભેંસના બદલે ઘેટા-બકરાની જેમ યહૂદીઓ ઠાંસીઠાંસીને ભરાયા હતા.
પોલીસોના ટોળા વચ્ચે થોડી જગ્યા થતા મેં જોયું તો મારી મા, બે બહેનો રેગીના અને હેલિના તથા નાનો ભાઈ હેનરિક માંડ માંડ ડબ્બામાં ચઢવાની કોશિશ કરતા હતા. જ્યારે મારા પપ્પા, આજુબાજુ નજર નાખતા મને શોધી રહ્યા હોય તેમ લાગ્યું.
મેં જોરથી બૂમ પાડી: પાપા. તેમણે મારી તરફ જોયું, અને ડબ્બાના દ્વાર પાસેથી પાછા ખસી મારી તરફ આવવા બે ડગલા ભર્યા, પણ પછી પોલીસોના ટોળા જોઈ, આગળ વધતા અટકી ગયા.
દુઃખ અને હતાશાના ભાવ તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાતા હતા. તેઓ લાચારીથી મારી તરફ જોઈ રહ્યા, જાણે હું જીવનની દિશા તરફ હતો અને એ લોકો જાણે સ્મશાન તરફથી મને નિરખતા ન હોય...! પછી એકાએક તેમણે મોઢું ફેરવી લીધું અને માલગાડીના ડબ્બામાં ચઢી ગયા...
અચાનક મારામાં ભારે શક્તિનો સંચાર થયો. પોલીસને ધક્કો મારી મેં માલગાડીના ડબ્બા નજીક જવાની કોશિશ કરી ઘાંટો પાડયો, પાપા, હેનરિક, હેલિના...
મારા માથે ભૂત સવાર થઈ ગયું હોય તેટલા જુસ્સાથી મેં ઘાંટો પાડયો'તો...-ગભરામણમાં એવા વિચારથી કે હવે હું કાયમ માટે મારા મા-બાપ અને ભાઈ-બહેનોથી વિખૂટો પડી જવાનો છું...
આ બધી ઘાંટાઘાંટીથી એક પોલીસવાળાએ ભારે ગુસ્સામાં મારી તરફ કરડાકીથી જોઈ મને ખખડાવી નાંખતા કહ્યું, મૂરખ તું આ શું કરી રહ્યો છે ? ચલ, ભાગ અહીંથી, અને જીવ બચાવી લે, તારો...
(ક્રમશઃ)








