'પ્રાઉડ પ્રોફેટ' જેવા સાંકેતિક નામવાળી સિમ્યુલેટેડ વોર ગેમ

- ભવિષ્યમાં કદાચ અણુયુધ્ધ ફાટી નીકળે તો શું થાય ? તે જાણવા 1983 માં તત્કાલીન અમેરિકી પ્રમુખે તૈયાર કરાવી
- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ
- ભાગ-13
- નેશનલ વોર કોલેજમાં ટોચના બુધ્ધિજીવીઓ અને અફસરોને વોર ગેમ માટે આમંત્રિત કરાયા
- પ્રાઉડ પ્રોફેટ વોર ગેમના પરિણામો 30 વર્ષ સુધી ગુપ્ત ખાનગી રખાયા હતા
આ મિસાઈલ શોર્ટ-રેન્જ હોવાથી અમેરિકાની પરંપરાગત મિસાઈલ ડિફેન્સ સિસ્ટમના રડારમાં તે પારખી શકાતી નથી. વળી આ મિસાઈલ જે સબમરિનમાંથી છોડાય ત્યાંથી તેના ટાર્ગેટ વચ્ચેનું અંતર ૪૦૦ માઈલ કરતાં ઓછું હોવાથી મિસાઈલ છૂટે તે પછી માંડ પાંચ મિનિટમાં જ ટાર્ગેટ પર ત્રાટકે છે, કારણ આ મિસાઈલની ઝડપ કલાકે ૪૬૦૦ માઈલની છે. એટલે રડારમાં કદાચ એ દેખાઈ જાય, અને મિસાઈલ રોકવાની સિસ્ટમ એક્ટિવેટ થાય તે પહેલાં તો એ ટાર્ગેટ પર ઝીંકાઈ જાય છે.
આ વાત છે વર્ષ ૧૯૮૩ ની, જ્યારે પોતાના શસ્ત્ર ભંડારમાં અણુ શસ્ત્રો વધારતા જવાની વિકસિત દેશોની ઘેલછા ચરમસીમા પર હતી. એ સમયગાળામાં અણુશસ્ત્રોની સંખ્યા ટોચ પર હતી-રશિયા પાસે ૩૫,૮૦૪ અને અમેરિકા પાસે ૨૩,૩૦૫...! આવા સંજોગો વચ્ચે અમેરિકાના તત્કાલીન પ્રેસિડન્ટ રોનાલ્ડ રેગનને જરા હટકે જેવો પ્લાન સ્ફૂર્યો. તેમણે વિચાર્યૂં કે વિશ્વમાં આટલા બધા અણુશસ્ત્રો છે, ભવિષ્યમાં ક્યારેક કદાચ અણુ યુધ્ધ ફાટી નીકળે તો પરિણામ શું આવે ? અણુયુધ્ધમાં કેટલા માણસો મરી જવાની સંભાવના છે ? અણુયુધ્ધની આડ અસરો શું થાય ? જેવા સવાલોના ગણત્રીપૂર્વકના હકીકતલક્ષી જવાબો મેળવવા માટે રોનાલ્ડ રેગને 'પ્રાઉડ પ્રોફેટ' (Proud Prophet) જેવું સાંકેતિક નામ ધરાવતી 'સિમ્યુલેટેડ વોર ગેમ' તૈયાર કરવાનો હુકમ કર્યો. કોલ્ડવોર સમયગાળાના એક તેજસ્વી બુધ્ધિ પ્રતિભા ધરાવતા અને હાર્વર્ડ તેમજ બર્કલિ જેવી વિશ્વ વિખ્યાત યુનિવર્સિટીઓમાંથી અર્થશાસ્ત્રની પદવીઓ પ્રાપ્ત કરનાર થોમસ શેલિંગને, અમેરિકી પ્રમુખે આ 'વોર ગેમ' ડિઝાઈન કરવાની સંવેદનશીલ કામગીરી સોંપી.
અમેરિકાના ન્યુક્લિઅર કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સિસ્ટમના ઉચ્ચ અફસરોને અણુયુધ્ધ શરૂ થાય તે પછી તુરત આગળ શું કરવું ? તેનું સિમ્યૂલેટેડ નિદર્શન કરાયું હતું. વર્ષ ૧૯૮૩ માં બે અઠવાડિયા સુધી રોજ વોશિંગ્ટન ડી.સી.ની નેશનલ વોર કોલેજમાં ૨૦૦ જેટલા ટોચના અફસરો અને અગ્રણી બુધ્ધિજીવીઓને આ 'વોર ગેમ' રમવા આમંત્રિત કરાયા હતા.
કોઈ આગોતરા અણસાર, કોઈ વિવાદ કે ઘર્ષણ વગર અચાનક જ અમેરિકા અણુયુધ્ધ શરૂ કરી દેતું હોવાનો સિન ઊભો કરાતો. અણુયુધ્ધની આ અત્યંત ખાનગી ગેમ રમવા માટે આમંત્રિત કરાયેલાઓમાં યેલ યુનિ.ના પોલિટિકલ સાયન્સના પ્રો. પોલ બ્રેકનને પણ આમંત્રણ અપાયું હતું.
આ વોર ગેમ રમ્યાના વર્ષો પછી પ્રો. કોલ બ્રેકને જણાવ્યું હતું કે અણુયુધ્ધ ગમે તે કારણે કે ગમે તે દેશ દ્વારા શરૂ કરાય, પણ આ પ્રકારના યુધ્ધમાં કોઈ જ દેશની જીતવાની કોઈ સંભાવના નથી. અને અણુયુધ્ધ શરૂ થયા પછી તેની તીવ્રતામાં કોઈ પ્રકારે ઘટાડો થવાની પણ કોઈ જ શક્યતા નથી રહેતી.
'પ્રાઉડ પ્રોફેટ' નામની આ વોર ગેમ મુજબ, અણુયુધ્ધ શરૂ થવાનું કારણ ગમે તે હોય, પણ તેનો અંત મહાવિનાશ જ હોય છે. તેમાં અમેરિકા, રશિયા અને યુરોપનો સંપૂર્ણપણે વિનાશ થઈને રહેશે. અણુયુધ્ધની કિરણોત્સર્ગી વિનાશક અસરથી સમગ્ર ઉત્તર ગોળાર્ધનો વિસ્તાર માનવીને રહેવા યોગ્ય નહીં રહે. અણુયુધ્ધની શરૂઆતમાં જ ઓછામાં ઓછા અડધો અબજ લોકો હોમાઈ જશે. બાકીના લાખ્ખો લોકો એ પછી કિરણોત્સર્ગની ઘાતક અસરથી અને ભૂખમરાથી મોતના મુખમાં ધકેલાઈ જશે.
પ્રો. બ્રેકનના કહેવા મુજબ (આ સિમ્યૂલેટેડ) અણુયુધ્ધનું પરિણામ મહા વિનાશક હતું. છેલ્લા ૫૦૦ વર્ષ દરમિયાન જે યુધ્ધો થયા તે તો આ અણુયુધ્ધની સરખામણીમાં તદ્દન તુચ્છ જેવા હતા.
આ 'પ્રાઉડ પ્રોફેટ' વોર ગેમના પરિણામો લગભગ ૩૦ વર્ષ સુધી ખાનગી-ગુપ્ત રમાયા. વર્ષ ૨૦૧૨ માં આ 'વોર ગેમ' પ્લાન Declassified કરાયો, જાહેર કરાયો ત્યારે તેના ચોંકાવનારા પરિણામોની લોકોને જાણ થઈ...
જે દેશો પાસે અણુશસ્ત્રો નથી, તે પૈકીના કેટલાક દેશો અણુશસ્ત્રો બનાવવા માટેના સંશોધનની માથાકૂટમાં પડયા વગર, અણુશસ્ત્રો બનાવવાની ટેકનિકની ચોરી કરાવીને ફોર્મ્યુલા મેળવી લે છે. આવી ચોરી કરાવવાથી એ દેશને બે ફાયદા થાય છે. નં. (૧) સંશોધન પાછળનો સમય તો બચે જ છે, ઉપરાંત (૨) સંશોધન પાછળના કરોડો ડોલરના ખર્ચાની પણ બચત થાય છે.
બીજા વિશ્વયુધ્ધ દરમિયાન અમેરિકાએ અણુબોમ્બ બનાવવાના પ્રોજેક્ટની શરૂઆત કરી હતી, જેને નામ અપાયું હતું. ઃ મેનહટ્ટન પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટમાં મૂળ જર્મનીના તેજસ્વી ભૌતિકશાસ્ત્રી ડો. કલાઉસ ફૂશ્ચ પણ સંશોધન કામગીરી સંભાળતા હતા. સામ્યવાદી વિચારધારાવાળા આ ડો. કલાઉસે અમેરિકાએ નાગાસાકી પરનો અણુબોમ્બ ફેંક્યો હતો, તેની આખી ફોર્મ્યુલા ચોરીને રશિયા, મોસ્કો પહોંચાડી દીધી હતી. અમેરિકાએ વર્ષોની મહેનત-સંશોધન પછી અણુબોમ્બની શોધ કરી. પરંતુ રશિયાને ચોરેલી ફોર્મ્યુલા મળી જતાં અમેરિકા પછી થોડા જ મહિનાઓમાં રશિયાના સરમુખત્યાર સ્ટાલિને એટમબોમ્બ બનાવી દીધાની ઘોષણા કરી હતી.
અણુશસ્ત્રથી સજ્જ અને અણુ શક્તિથી ચાલતી સબમરિન એક અત્યંત ખતરનાક દુઃસ્વપ્ન જેવું ઘાતક શસ્ત્ર છે. માનવ અસ્તિત્વ સામે અણુ સબમરિન પ્રચંડ વિનાશક શસ્ત્ર છે. અમેરિકાના શસ્ત્ર ભંડારમાં જે ૧૪ સબમરિનો છે, એ દરેક સબમરિન ફક્ત દોઢ જ મિનિટ જેટલા ટૂંકા સમયગાળામાં ૮૦ જેટલા અણુશસ્ત્રોનો વાર કરી શકે એટલી પાવરફુલ છે.
નૌકાદળના વડાના ભુતપૂર્વ સલાહકાર ટેડ પોસ્ટોલ મિસાઈલ ટેકનોલોજીના નિષ્ણાત છે. અને અમેરિકાની વિશ્વવિખ્યાત M.I.T.ના પ્રોફેસર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે.
ટેડ પોસ્ટલે ચેતવણી ઉચ્ચારી હતી કે, અમેરિકન દરિયાકાંઠાથી ૧૦૦૦ કિલોમીટર (૬૨૧ માઈલ) દૂરથી રશિયન સબમરિનમાંથી વોશિંગ્ટન પર જો મિસાઈલ છોડાય તો એ મિસાઈલ સાત મિનિટ કરતાં ઓછા સમયમાં વોશિંગ્ટન પર ત્રાટકી શકે છે. ''અમેરિકી પ્રમુખને છટકવા માટેનો સમય જ ન મળી શકે અને તેમના અનુગામી પ્રમુખે ન્યૂક્લિઅર કમાન્ડ હાથમાં લેવો પડે.'' એવી કપરી પરિસ્થિતિ થોડી મિનિટોમાં જ સર્જાઈ જાય.
વર્ષ ૧૯૮૨ માં પોસ્ટલે કરેલી ગણતરી મુજબ રશિયન સબમરિન તેની બધી લે લગભગ પાંચ-પાંચ સેકન્ડના સમયગાળામાં છોડી શકે છે. અને ૮૦ સેકન્ડમાં તો એ બધી જ મિસાઈલો તેના લક્ષ્ય પર છોડી શકે છે. દરેક મિસાઈલના અગ્રભાગમાં સંખ્યાબંધ અણુશસ્ત્રો હોય છે. અમેરિકાની સબમરિન ટોર્પિડો છોડીને રશિયન સબમરિન ડૂબાડી દે, તે પહેલાં તો રશિયન સબમરિન તેની તમામ મિસાઈલો છોડી ચૂકી હોય છે. ''ઘોડા ભાગી છૂટયા પછી તબેલાને તાળા મારવા જેવો ઘાટ'' થાય છે.
(ક્રમશઃ)








