Editorial

શસ્ત્ર ભંડારમાં અણુ શસ્ત્રો વધારવાની આંધળી દોડ

By GS TEAM
6 Aug 20255 mins read
શસ્ત્ર ભંડારમાં અણુ શસ્ત્રો વધારવાની આંધળી દોડ

- વર્ષ 1967માં અમેરિકા પાસે અ..ધ..ધ  31,255 અણુ બોમ્બ હતા..

- સારાંશ-વિનોદ  ડી. ભટ્ટ

- ભાગ-8

- 1 થર્મોન્યુક્લિઅર બોમ્બ કોઈ પણ મહાનગરના 1,00,00,000 લોકોને મૃત્યુ દ્વારે ધકેલી દે...

- દુશ્મન દેશને ડરાવવા કે દાબમાં રાખવા માટે નવા નવા શસ્ત્રોની શોધ વધતી જાય છે

૧૦.૪ મેગા ટનની રાક્ષસી તાકાતનો બોમ્બ ભલભલાનું મગજ ચકરાવે ચઢાવી દે, તેટલી પ્રચંડ વિનાશક તાકાત ધરાવે છે. આ બોમ્બના ટેસ્ટ પરીક્ષણ, વિસ્ફોટથી તેની વિનાશકતાનો પરચો મળી ગયો, જેના પગલે આ પ્રકારના થર્મોન્યુક્લિઅર શસ્ત્રો બનાવવા માટેની ગાંડપણભરી દોડ શરૂ થઈ.

પહેલા સેંકડોની સંખ્યામાં આવા શસ્ત્રો-બોમ્બ બન્યા પછી તેની સંખ્યા વધીને હજારો ઉપર પહોંચી ગઈ છે. 

હવે અણુ બોમ્બની સંખ્યાની મૂળ વાત પર પાછા આવીએ.

અગાઉ લખાઈ ચૂક્યું છે કે ૧૯૫૨ માં અમેરિકા પાસે ૮૪૧ અણુશસ્ત્રો હતા પણ તે પછીના વર્ષે વધીને ૧૧૬૯ થઈ ગયા.

લોસ આલામોસના ઈતિહાસકાર ગ્લેન મેકડફ બહુ સચોટ રીતે કહે છે કે શસ્ત્રો બનાવવાની પ્રક્રિયા હવે સાયન્સના પ્રોજેક્ટ નથી રહ્યા, આ આખી પ્રક્રિયાએ હવે ઔદ્યોગિક સ્વરૂપ ધારણ કરી દીધું છે.

 ૧૯૫૪ સુધીમાં અણુશસ્ત્રોની સંખ્યા વધીને ૧૭૦૩ થઈ ગઈ. અમેરિકામાં હવે સ્થિતિ એવી સર્જાઈ કે અમેરિકી લશ્કર-ઔદ્યોગિક સંકુલ રોજના સરેરાશ ૧.૫ અણુશસ્ત્રોનું ઉત્પાદન કરતા થઈ ગયા હતા.

૧૯૫૫માં ૨૪૨૨, રોજના લગભગ ૨ બોમ્બ ઉપરાંત નવા પ્રકારના અત્યંત ઘાતક થર્મોન્યુક્લિઅર બોમ્બનું ઉત્પાદન પણ શરૂ કરી દેવાયું.

૧૯૫૬માં ૩૬૯૨ બોમ્બ. કોઈને જોઈ કે સાંભળીને તમ્મર આવી જાય એટલી વેગીલી ઝડપે હવે અણુબોમ્બની સંખ્યા વધતી જતી હતી. અણુબોમ્બ બનાવવાની ઝડપ વધીને રોજના ૩.૫ અણુબોમ્બ થઈ ગઈ હતી.

૧૯૫૭ સુધીમાં અમેરિકાના શસ્ત્રભંડારમાં બોમ્બની સંખ્યા ૫૫૪૩ થઈ ગઈ હતી. એનો અર્થ એ કે ૧૯૫૬ થી ૧૯૫૭ ના માત્ર ૧ વર્ષના ટૂંકાગાળામાં અમેરિકાએ તેના શસ્ત્રાગારમાં ૧૮૫૧ જેટલા બોમ્બનો ઉમેરો કરી દીધો, બીજી રીતે ગણત્રી માંડીએ તો અમેરિકામાં એ વર્ષે રોજના પાંચ કરતા વધારે અણુબોમ્બ બન્યા હશે...! આ સંખ્યામાં હજી વધારો થતો જ રહેવાનો હતો.

૧૯૫૮ માં ૭૩૪૫

૧૯૫૯ માં ૧૨,૨૯૮

૧૯૬૦ માં જ્યારે અમેરિકી લશ્કરના ટોચના અફસરોની નેબ્રાસ્કામાં પેલી ગુપ્ત બેઠક યોજાઈ એ  સમયે તેમના શસ્ત્ર ભંડારામાં ૧૮,૬૩૮ અણુ બોમ્બ હતા. ૧૯૬૭માં-૩૧,૨૫૫ અણુબોમ્બ. અણુશસ્ત્રોનો આટલો બધો સ્ટોક કરવાની શી જરૂર ? કે જ્યારે Ivy Mikelની સાઈઝનો કેવળ ૧ જ બોમ્બ ન્યૂયોર્ક કે મોસ્કો શહેર પર ફેંકાય તો ૧,૦૦,૦૦,૦૦૦ લોકોને પાંચ સેકન્ડમાં એકસાથે યમ દરબારમાં પહોંચાડી દેવાની તેની પ્રચંડ મારક ક્ષમતા હોય.

હજારોની સંખ્યામાં અણુશસ્ત્રોનું ઉત્પાદન કરી શસ્ત્રભંડાર ભરચક કરી દેવાની ઘેલછા અતિ વિકસિત દેશો શા માટે રાખતા હશે ? કે જ્યારે માત્ર એક જ થર્મોન્યુક્લિઅર (હાઈડ્રોજન) બોમ્બ ઝીંકવાથી ક્યારેય ન રોકાય તેવા મહા વિનાશક અને વ્યાપક વૈશ્વિક અણુયુધ્ધનો તેનાથી પલિતો ચંપાઈ જવાનો હોય.

હવે વિશ્વના દેશોમાં યુધ્ધની પરિભાષામાં એક નવો શબ્દ વપરાતો થયો છે. - Deterence.     

અંગ્રેજી શબ્દ Deterence  નો ગુજરાતીમાં અર્થ થાય છે - ભય બતાવીને રોકનાર વસ્તુ, અવરોધક વસ્તુ.

વિશ્વના કેટલાક સમૃધ્ધ દેશોએ વધુને વધુ અણુબોમ્બ કે તેનાથી ય વધારે વિનાશક હાઈડ્રોજન બોમ્બ બનાવવાનું ચાલુ રાખ્યું છે, આ દેશો એવું વિચારીને તેમના શસ્ત્ર ભંડારોમાં અણુ શસ્ત્રોના ખડકલા કર્યે રાખે છે કે જેથી આ અણુ શસ્ત્રોના ભયથી બીજા કોઈ દેશ તેમના પર અણુ શસ્ત્રથી, અણુ બોમ્બથી હુમલો કરવાની હિંમત નહીં કરે. 

વર્ષ ૧૯૫૦ ના દશકામાં અમેરિકી યુધ્ધ પ્લાનરો એ સિધ્ધાંત પર કામ કરતા હતા કે વિશ્વમાં અણુ યુધ્ધ થાય જ નહીં એવી સ્થિતિનું સર્જન કરવું પરંતુ બીજી તરફ યુધ્ધ પ્લાનરો એવી પણ તૈયારીઓ કરી રહ્યા હતા કે જો અણુયુધ્ધ ફાટી નીકળે તો કઈ રીતે તેનો સામનો કરવો. તેના માટે યુધ્ધ પ્લાનરોએ આ શબ્દ ચલણમાં મુક્યો-ડિટરન્સ.

છેલ્લા ઘણાં વર્ષોથી કોઈપણ દેશની અણુશસ્ત્ર નીતિ ઘડવામાં Deterence માર્ગદર્શક સિધ્ધાંત બની રહ્યો છે. આ સિધ્ધાંત કઈ રીતે કામ કરે છે તે જોઈએ ઃ અણુશસ્ત્રથી સજ્જ દેશ તેના શસ્ત્રભંડારમાં અણુશસ્ત્રો વધાર્યા કરે છે અને ગણતરીની મિનિટોમાં જ તેના અણુશસ્ત્રથી સજ્જ એવા દુશ્મન દેશ સામે વાપરી શકાય એ રીતે તાકીને એ શસ્ત્રો તૈયાર રાખે છે. જેમની પાસે અણુશસ્ત્રો છે એવા દરેક દેશ એવી બાંહેધરી આપે છે કે અણુશસ્ત્ર વાપરવાની અમને ફરજ નહીં પડે ત્યાં સુધી અમે અમારી પાસેના અણુશસ્ત્રોનો ઉપયોગ નહીં કરીએ. કેટલાક રાજપુરૂષો, રાજદ્વારીઓ કે રાજનીતિજ્ઞાો આ Deterence   સિધ્ધાંતને શાંતિપૂર્ણ તારણહાર માને છે, પણ ઘણાં શાણા રાજનીતિજ્ઞાો આને ભાષાનું છળ ગણે છે. આ એક સંદિગ્ધ કે અસ્પષ્ટ સિધ્ધાંત છે. તેમનો ધારદાર સવાલ એ છે કે કોઈ દેશ પાસે અણુશસ્ત્રો હોય તો તેનાથી લોકો અણુયુધ્ધથી કઈ રીતે બચી શકે ?

અણુનીતિમાં  Deterence   નો સિધ્ધાંત ચલણમાં આવ્યા પછીના દાયકાઓ દરમિયાન અમેરિકન સંરક્ષણ મંત્રાલયે હજારો અણુશસ્ત્રોનું ઉત્પાદન ચાલુ રખાવ્યું, એટલું જ નહીં, પરંતુ ન કરે નારાયણને કોઈ દેશ અમેરિકા પર અણુશસ્ત્રોથી હુમલો કરે તો આ અણુ હુમલાને અસરકારક રીતે ખાળવા માટેની જટિલ વ્યૂહરચનાઓ અને અવનવા શસ્ત્રોની તૈયારીઓ પણ અમેરિકન લશ્કરે કરી છે. અણુશસ્ત્રો પાછળ અબજો ડોલર અમેરિકાએ ખર્ચ્યા છે. અમેરિકા પાસે કેટલા અણુશસ્ત્રો છે ? તેની સાચી સંખ્યા ક્યારેય જાણી નહીં શકાય કારણ આ સંખ્યા  અમેરિકી સરકારનું ટોપ સિક્રેટ છે. પણ આ ''Deterence''   કોઈ વખત નિષ્ફળ જાય તો શું ? કહેવાનો મતલબ એ છે  કે કોઈ માથા ફરેલ સરમુખત્યારના હાથમાં અણુશસ્ત્ર આવી જાય તો પરિણામ શું આવે ?

છેલ્લા ત્રણેક વર્ષથી રશિયા-યુક્રેન વચ્ચે યુધ્ધ ચાલી રહ્યું છે. બંન્ને દેશના હજારો સૈનિકો/નિર્દોષ નાગરિકો યુધ્ધનો ભોગ બની ચુક્યા છે, પણ હજી આ યુધ્ધનો કોઈ અંત દેખાતો નથી. રશિયા પાસે અણુશસ્ત્રો છે, રશિયાના કટ્ટર સામ્યવાદી શાસક પુતિન વિરૂધ્ધ અમેરિકા અને નાટોના (NATO)   તમામ દેશો એક જૂથ થઈ ગયા છે. બીજીબાજુ ચીનના એક હથ્થુ (સામ્યવાદી) શાસક શી જિનપિંગ તેમજ ઉત્તર કોરિયાના આપખુદ શાસક કિમ જોન્ગ-ઉન રશિયાના શાસકની સાથે છે.

આ સંજોગોમાં રશિયા-યુક્રેન યુધ્ધનો જો વેળાસર કોઈ સમાધાનકારી ઉકેલ ન આવે તો ત્રીજા વિશ્વ યુધ્ધનામંડાણ થવાની ગમે તે ઘડીએ નોબત આવી પડવાના બિહામણા એંધાણ વર્તાઈ રહ્યા છે. અમેરિકા, રશિયા, ચીન અને ઉત્તર કોરિયા-આ ચારેય દેશો પાસે અણુશસ્ત્રોના ઢગલા છે. યુધ્ધની સ્થિતિ બેકાબૂ બને તો શું ? એ સવાલનો જવાબ વિચારતા કોઈને પણ ધુ્રજારી છૂટી જાય, તેવી વિષમ પરિસ્થિતિ પ્રવર્તમાનમાં વ્યાપ્ત છે.

(ક્રમશઃ)