Editorial

પૃથ્વી અને સ્વર્ગના અસ્તિત્વ સુધી મોટા યુદ્ધો ચાલતા જ રહેશે..

By GS TEAM
5 Nov 20255 mins read
પૃથ્વી અને સ્વર્ગના અસ્તિત્વ સુધી મોટા યુદ્ધો ચાલતા જ રહેશે..

- ચીનના એક સમયના સર્વેસર્વા માઓ-ત્સે-તુન્ગની વિચારસરણીની એક ઝલક...

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-5

- માઓ કહેતા કે, જો જૂનું બ્રહ્માંડ નાશ પામશે તો જ નવા બ્રહ્માંડની રચના થશે

- 3 દાયકાના દોરી સંચાર પછી ચીનમાં સામ્યવાદી શાસન સ્થાપવામાં રશિયાને સફળતા મળી

ભવિષ્ય માટે કે ભાવિ પેઢી માટે કશુંક સારૃં કે ઉપયોગી મુકી જવામાં માઓને સ્હેજેય દિલચસ્પી નહોતી.

માઓની વિચારધારાના કેન્દ્રમાં નકરો સ્વાર્થ (Absolute   Selfishness)  અને બિન જવાબદારી (Irresponsibility)કે બેજવાબદારી  હતા.

માઓના ચારિત્ર્યમાં કેન્દ્રસ્થાને રહેલું બીજું પાસું તો અત્યંત ચોંકાવનારૃં છે. માઓ-ત્સે-તુન્ગને મોટા ક્રાંતિકારી ફેરફારો કે ઊથલપાથલોમાં અને વિનાશમાં મઝા પડતી હતી. 

માઓએ લખ્યું છે કે, 'જ્યાં સુધી પૃથ્વી અને સ્વર્ગનું અસ્તિત્વ છે ત્યાં સુધી મોટા યુધ્ધો ચાલતા જ રહેવાના છે, તે ખતમ નહીં થાય. સમાનતા, સંવાદિતા, સુલેહ શાંતિ કે સામંજસ્યપૂર્ણ વિશ્વનો આદર્શ, એક ભૂલભરેલી ધારણા કે ખોટી વિચારસરણી છે.'

જ્યારે તેમને પ્રશ્ન પુછાતો કે આપણે (ચીનમાં) કઈ રીતે પરિવર્તન, બદલાવ લાવી શકીશું ? જવાબમાં માઓ વિનાશ પર ખૂબ ભાર મુકતા હતા. દેશનો વિનાશ કરવો જોઈએ અને પછી તેની ફરી રચના કરવી જોઈએ.

માઓનોે આ વિચાર માત્ર ચીન પુરતો સીમિત નહોતો, પણ પુરા વિશ્વ...અને પુરા બ્રહ્માંડ સુધી એ વિચાર વિસ્તારવા ઈચ્છતા હતા.

તેઓ કહેતા, વિનાશનો મારો આ વિચાર કેવળ કોઈ એક રાષ્ટ્ર માટેનો નથી, પુરા બ્રહ્માંડ અને સમગ્ર માનવજાત સુધીનો છે. મારા જેવા લોકો તો બ્રહ્માંડના વિનાશની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે, કારણ કે જૂનું બ્રહ્માંડ નાશ પામશે તો જ નવા બ્રહ્માંડની રચના થશે. શું આ વાત સારી નથી...?

૨૪ વર્ષની ભર યુવાન વયે માઓના વિચારો આવા હતા અને નોંધપાત્ર હકીકત એ છે કે પછી તેમના સમગ્ર જીવન દરમિયાન આ જ વિચારો તેમના તમામ કાર્યોમાં કેન્દ્રસ્થાને રહ્યા હતા.

જૂન ૧૯૧૮ માં ટિચર ટ્રેઈનિંગ કોલેજમાંથી સ્નાતક થયા પછી માઓને નોકરી મળવાના પણ ફાંફા પડી ગયા'તા. એ જમાનામાં પણ વિદ્યાર્થીઓ કોલેજ પુરી કર્યા પછી વધુ અભ્યાસ માટે વિદેશ જવાની મહેચ્છા રાખતા હતા. જેમના વાલીઓ પૈસાપાત્ર નહોતા, તેવા વિદ્યાર્થીઓ ફ્રાન્સ જતા, કારણ તે સમયમાં ફ્રાન્સમાં 'Work & Study'સ્કીમ અમલમાં હતી. પરંતુ માઓ ન તો ફ્રાન્સ જઈ શકયા કે ન તો સામ્યવાદી દેશ રશિયા જઈ શક્યા. જો કે વધુ અભ્યાસ માટે રશિયા જવાની માઓની ઘણી ઈચ્છા હતી. 

વિદેશમાં અભ્યાસની ઈચ્છા ફળીભૂત ન થતા માઓએ નશીબ અજમાવવા માટે ચીનની (તે વખતની) રાજધાની પેકિંગ જવાનું વિચાર્યૂં. વર્ષ ૧૯૧૮ માં પેકિંગની ગણના વિશ્વના સૌથી સુંદર શહેરો પૈકીના એકમાં થતી હતી. પેકિંગમાં ભવ્ય રાજમહેલો હતા અને શાહી બાગ-બગીચાઓથી શહેર સોહામણું લાગતું હતું.

આમતેમથી ઉછીના પૈસા ભેગા કરી માઓ પેકિંગ પહોંચ્યા હતા. ત્રણ નાના રૂમોમાં બીજા સાત મિત્રો સાથે માઓ સાંકડે માંકડે રહેતા હતા. પેકિંગમાં માઓને જુનિઅર લાયબ્રેરિઅન તરીકેની નોકરી મળી હતી. તેમને મહિને માત્ર ૮ યુઆન (ચીનનું ચલણ) પગાર મળતો હતો. 

પેકિંગમાં માઓને ઝાઝુ ન ફાવ્યું. છ મહિનામાં તો તેઓ કંટાળી ગયા. પણ વતન પાછા જવાના પૈસા પણ તેમની પાસે નહોતા. ફરી મિત્રો પાસેથી ઉછીના લઈ માઓ એપ્રિલ ૧૯૧૯ માં ચાન્ગશા પાછા ફર્યા, જ્યાંથી તેમના ઘણાં મિત્રો ફ્રાન્સ ભણવા ગયા હતા.

પેકિંગ જેવા મહાનગરની ઝાકઝમાળ અને ત્યાંના રાજકીય અને સામાજિક જીવનનો આછેરો પરિચય મેળવ્યા પછી માઓએ મન મનાવીને  હવે ચાન્ગશા જેવા નાના નગરની પ્રાથમિક શાળામાં પાર્ટ-ટાઈમ હિસ્ટ્રી શિક્ષકની નાની નોકરી સ્વીકારવી પડી હતી.

જૂન ૧૯૨૦ માં શાંઘાઈ પાછા ફરતી વેળા માઓની એક પ્રોફેસર સાથે મુલાકાત થઈ, જેના પગલે માઓના જીવનમાં મોટું પરિવર્તન આવી ગયું.

તે સમયમાં ચીનના સૌથી નામાંકિત અને પ્રતિભાશાળી માર્કસવાદી પ્રો.ચેનઉ-શીઉ ચીનમાં ચાઈનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટી (C.C.P.) બનાવવાની તૈયારીમાં પડયા હતા. માઓએ એક લાંબો લેખ લખી  પ્રો. ચેનને ''વિચારોના વિશ્વમાં એક ચમકતા સિતારા'' તરીકે બિરદાવ્યા હતા. ૪૦ વર્ગના આ પ્રોફેસર ચાઈનીઝ માર્કસવાદીઓના સર્વમાન્ય નેતા હતા. પણ અહીં એક મહત્વની વાત એ છે કે ચીનમાં સામ્યવાદી પક્ષની સ્થાપના કરવાનો મૂળ  આઈડિયા નહોતો આ પ્રોફેસરનો કે નહોતો અન્ય કોઈ ચીની નેતાનો. આ આઈડિયા મૂળે મોસ્કોનો (રશિયાનો) હતો.

વર્ષ ૧૯૧૯ માં રશિયાની નવી સરકારે વિશ્વભરના દેશોમાં ક્રાંતિકારી આંદોલનો ઉશ્કેરવા અને મોસ્કોની તરફેણમાં દુનિયાના સઘળા દેશો તેમની નીતિ ઘડે એ માટેનું વાતાવરણ ખડું કરવા 'કોમ્યુનિસ્ટ ઈન્ટરનેશનલ'- Comintern ની (કોમિન્ટર્ન) સ્થાપના કરી હતી જે  આંતરરાષ્ટ્રીય સામ્યવાદી મંડળ તરીકે ઓળખાતા હતા.

ચીનમાં સામ્યવાદના ફેલાવા માટે રશિયાએ ઓગસ્ટમાં એક ખાસ યોજના અમલમાં મુકી. ભાંગફોડ, ઊથલપાથલ કરી ચીનમાં સામ્યવાદનો પાયો નાંખવા રશિયાએ ત્યાં પૈસા અને શસ્ત્રો મોકલવા માંડયા. ત્રણ દાયકા સુધી રશિયાએ ચીનમાં દોરીસંચાર ચાલુ રાખ્યો, અંતે માઓના નેત્તૃત્વમાં વર્ષ ૧૯૪૯ માં ચીનમાં સામ્યવાદી શાસન સ્થાપવામાં રશિયાને સફળતા મળી.

એપ્રિલ ૧૯૨૦માં રશિયાએ ગ્રીગોરી વોઈટિન્સ્કીને પ્રતિનિધિ તરીકે ચીન મોકલ્યા. બીજા જ મહિને શાંઘાઈમાં સામ્યવાદી કેન્દ્રની સ્થાપના થઈ ગઈ. અને ચાઈનીઝ સામ્યવાદી પક્ષની મોટાપાયે રચના કરવાની તૈયારીઓ થવા માંડી.

રશિયન પ્રતિનિધિ ગ્રીગોરી વોઈટિન્સ્કીએ ચાઈનીઝ પ્રોફેસર ચેનને ચાઈનીઝ સામ્યવાદી પક્ષની રચના કરવા માટે આગળ કર્યા. જૂનમાં ગ્રીગોરીએ રશિયા એક સંદેશો મોકલ્યો, 'પ્રોફેસર ચેનને ચીની સામ્યવાદી પક્ષના સેક્રેટરી (વાસ્તવમાં વડા) બનાવવાના છે અને હું ચીનના જુદા જુદા શહેરોના ક્રાંતિકારીઓના સતત સંપર્કમાં છું.'

આ જ સમયગાળામાં માઓ પ્રો. ચેનને મળવા તેમના ઘેર ગયા. માઓને કાંઈ પ્રો. ચેને મળવા નહોતા બોલાવ્યા કે ચીનમાં સામ્યવાદી પક્ષની રચનાનું કામ ચાલી રહ્યું હોવાની માઓને જાણ સુધ્ધા નહોતી. 

સી.સી.પી.(ચાઈનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટી) ના ૮ સ્થાપક સભ્યો ચુસ્ત માર્ક્સવાદી હતા. માઓ શાંઘાઈ શહેરમાંથી રવાના થઈ ગયા તે પછી ઓગસ્ટ ૧૯૨૦ માં ચીનમાં સામ્યવાદી પક્ષની રચના કરાઈ હતી.

હકીકતમાં સામ્યવાદી પક્ષના સ્થાપક સભ્યોમાં માઓ હતા જ નહીં, પણ પાછળથી પક્ષના સાહિત્યમાં સ્થાપક સભ્યોમાં માઓનું નામ ઘુસાડી દેવાયું હતું. માઓ તો પક્ષના આંતરિક નહીં, પણ બાહ્ય વર્તુળમાં હતા. પક્ષનું સાહિત્ય વેચવા માટે ચાન્ગશામાં પુસ્તકની એક દુકાન ખોલવાનું કામ પ્રો.ચેને, માઓને સોંપ્યું હતું. 

(ક્રમશઃ)