Editorial

જહોન રૂબેલે અતિ ગુપ્ત બેઠકની વાત જાહેર કરી દીધી..

By GS TEAM
2 Jul 20255 mins read
જહોન રૂબેલે અતિ ગુપ્ત બેઠકની વાત જાહેર કરી દીધી..

- અમેરિકાના ડિફેન્સ રિસર્ચના તત્કાલીન અફસરના મનમાં પશ્ચાતાપનું ઝરણું વહ્યું અને

- સારાંશ- વિનોદ  ડી. ભટ્ટ

- ભાગ-3

- ત્રીજું વિશ્વયુદ્ધ અણુ શસ્ત્રોથી લડાશે અને તેમાં લગભગ 60 કરોડ લોકોનો ભોગ લેવાશે

- વર્ષ 1960માં અમેરિકાના એક ભૂગર્ભ બંકરમાં મળેલી ગુપ્ત બેઠકની ખૂબ ચોંકાવનારી વિગતો

અત્રે એક ઉલ્લેખ કરવો જરૂરી છે કે બીજા વિશ્વયુધ્ધમાં વર્ષ ૧૯૪૫ ની તા. ૬ અને તા. ૯ ઓગસ્ટે અમેરિકાએ જાપાનના બે શહેરો અનુક્રમે હિરોશીમા અને નાગાસાકી પર અણુ બોમ્બ ઝીંક્યા હતા. યાદ રહે કે માનવ જાતની યુધ્ધ તવારીખમાં આ સૌ પ્રથમ વખત અણુ બોમ્બનો ઉપયોગ કરાયો હતો. વિશ્વની સમગ્ર માનવજાતને અણુબોમ્બની ભયંકર વિનાશકતાનો આનાથી કંપાવનારો અનુભવ થઈ ગયો. હજારો લોકો ક્ષણભરમાં જ મોતના મુખમાં ધકેલાઈ ગયા હતા.

 આ પુસ્તકની લેખિકાએ અમેરિકી પ્રમુખના સલાહકારો, કેબિનેટ પ્રધાનો, અણુશસ્ત્રો બનાવનાર વૈજ્ઞાાનિકો, ઈજનેરો, સૈન્યના અફસરો, ગુપ્તચર એજન્સીઓના અફસરો અને અમેરિકી સરકારના કેટલાક ઉચ્ચ સનદી અધિકારીઓના ઈન્ટરવ્યૂ લઈને ઘણી બધી ગુપ્ત વિગતો એકત્રિત કર્યા બાદ અત્યંત વસમા ભવિષ્યના આ ધુ્રજાવી દેતા શબ્દ ચિત્રની રચના કરી છે.

 મોટાભાગના વાચકોને જાણ હશે જ કે સરકારી વહીવટી તંત્રમાં બે પ્રકારની, બે કેટેગરિની ફાઈલો, કાગળો, કે દસ્તાવેજો હોય છે.

(૧)વર્ગીકૃત કે ગુપ્ત ફાઈલો (Classified) રાષ્ટ્રિય સુરક્ષાને લગતી કે નાણાકીય બાબતો વિશેની અતિ સંવેદનશીલ માહિતીની ફાઈલો ક્લાસિફાઈડ કેટેગરિમાં મુકાય છે. (૨) અવર્ગીકૃત (Declassified) - અમુક વર્ષો કે દશકાઓ સુધી ગુપ્ત (કલાસિફાઈડ) રખાયેલી ફાઈલો પછી અવર્ગીકૃત કરાય છે એટલે કે તેને જાહેર કરી દેવાય છે.

'General Nuclear War' અંગેની ફાઈલો અત્યંત કલાસિફાઈડ સિક્રેટસમાં આવતી હોવાથી લેખિકાએ મહત્તમ જેટલી વિગતો કાયદેસર રીતે ઉપલબ્ધ હતી તેના પરથી આ શબ્દચિત્ર સર્જ્યુ છે. બાકીની ખૂટતી વિગતો લેખિકાએ Declassified થયેલી ફાઈલોમાંથી મેળવી છે.  

બીજા વિશ્વયુધ્ધમાં વર્ષ ૧૯૪૫ ના ઓગસ્ટ મહિનામાં અમેરિકન હવાઈ દળના પાયલોટોએ જાપાન પર બે અણુબોમ્બ ફેંકી ભયાનક વિનાશક વેર્યો તે પછી અમેરિકન સરકારે ભવિષ્યમાં ક્યારેક અણુયુધ્ધ થાય તો શું ? એ વેળા કેવી તૈયારી રાખવી ? જાન-માલનું નુકસાન કઈ રીતે અટકાવવું, ભાવિના એ અણુયુધ્ધમાં કેટલા લોકોનો ભોગ લેવાઈ જશે ? એ બધી વિગતોનો તલસ્પર્શી અભ્યાસ શરૂ કરી દીધો હતો.

છેલ્લા છ-સાત દાયકા દરમિયાનના આ ઘનિષ્ઠ અભ્યાસના અંતે એક એવો નિષ્કર્ષ નીકળ્યો છે કે, ત્રીજુ વિશ્વ યુધ્ધ અણુશસ્ત્રોથી લડાશે અને જો આવું થાય તો તેમાં અ...ધ...ધ...કરોડો લોકોનો ભોગ લેવાઈ જશે.

સંભવિતપણે ભવિષ્યમાં ક્યારેક અણુયુધ્ધ ફાટી નીકળે તો કેવી વિનાશક સ્થિતિ સર્જાશે તે જાણવા માટે આપણે સમયચક્રમાં આજથી ૬૫ વર્ષ પાછા જવું પડશે.

આ ઘટના છે ડિસેમ્બર ૧૯૬૦ ની, અમેરિકાના નેબ્રાસ્કા સ્ટેટના ઓફટ એરફોર્સ મથકના વ્યૂહાત્મક એર કમાન્ડના હેડકવાર્ટરમાં ડિસેમ્બર ૧૯૬૦ માં એક અત્યંત ગુપ્ત બેઠક યોજાઈ હતી. દૂરના કે નજીકના ભવિષ્યમાં ''General Nuclear Wav''  માટેનો એક અત્યંત ગુપ્ત પ્લાન આ બેઠકમાં ઘડાયો હતો.

અમેરિકાના ટોચના લશ્કરી અફસરોની બેઠકમાં અણુયુધ્ધ કઈ રીતે લડવું અને તેમાં કેટલા માણસો મોતના મુખમાં ધકેલાઈ જવાની સંભાવના છે, તે વિશે વિશદ્ ચર્ચા થઈ હતી. 

આ બેઠક યોજાઈ એ સમયગાળામાં વિશ્વની કુલ વસ્તી ૩ અબજની હતી અને અણુયુધ્ધના તૈયાર કરાયેલા પ્લાન મુજબ અણુયુધ્ધ થાય તો લશ્કરી અફસરોના અંદાજ મુજબ દુનિયાની વસ્તીનો પાંચમો ભાગ એટલે કે ૬૦ કરોડ લોકો યુધ્ધમાં સ્વાહા થઈ જશે.ે તેવી ગણતરી મુકાઈ હતી.

અમેરિકાના તત્કાલીન સંરક્ષણ સચિવ થોમસ ગેટસ, નાયબ સંરક્ષણ સચિવ જેમ્સ એચ. ડલાસ, અમેરિકાના ડિફેન્સ રિસર્ચ એન્ડ એન્જિનિયરિંગના ડેપ્યુટી ડાયરેકટર જહોન એચ.રૂબેલ, લશ્કરની ત્રણેય પાંખોના વડા, આર્મી ચીફ જનરલ જયોર્જ ડેકર, નેવી ચીફ એડમિરલ એ. એ. બર્ક, એરફોર્સ કમાન્ડર જનરલ થોમસ ડી. વ્હાઈટ, ઉપરાંત લશ્કરના અન્ય કેટલાક ઉચ્ચ અધિકારીઓ આ અતિ ગુપ્ત બેઠકમાં હાજર રહ્યા હતા.

નેબ્રાસ્કામાં એરકમાન્ડ હેડકવાર્ટરના એક મોટા ભૂગર્ભ હોલમાં આ બેઠક યોજાઈ હતી. ભવિષ્યમાં ક્યારેક અણુયુધ્ધ થાય તો અમેરિકન લશ્કરના ટોચના જનરલો અને એડમિરલો અહીંથી જ અણુયુધ્ધનું સંચાલન કરવાના છે. આ ખૂબ જ ગુપ્ત એવું એરકમાન્ડ કંટ્રોલનું ભૂગર્ભ સેન્ટર ૨૧મી સદીના અણુયુધ્ધનું સંચાલન કરવા માટે અત્યાધુનિક રીતે સજ્જ કરી દેવાયું છે. 

આ બેઠક અત્યંત ગુપ્ત હતી, તો પછી સવાલ એ ઊઠે કે એ બેઠકની બધી માહિતી બહાર કઇ રીતે આવી ગઇ...?

વાત જાણે એમ છે કે એ બેઠકમાં અમેરિકન સંરક્ષણ ખાતાના જહોન એચ. રૂબેલ નામના અફસર પણ ઉપસ્થિત રહ્યા હતા. સંરક્ષણ ખાતામાં જોડાયા તે અગાઉ તેઓ બિઝનેસ એક્ઝિક્યુટિવ હતા. એંસીના દશકાના અંત ભાગમાં તેમના અવસાનના થોડા વર્ષો અગાઉ વર્ષ ૨૦૦૮માં જહોન રૂબેલે તેમના ટૂંકા જીવન સંસ્મરણોમાં ગુપ્ત બેઠકમાં થયેલી મહત્વની ચર્ચાની બધી વિગતોના વટાણા વેરી દીધા છે.

આ ફાની દુનિયા છોડી જવાના થોડા વર્ષો અગાઉ જહોનના મનમાં કદાચ ભારે પશ્ચાતાપનું ઝરણું વહ્યું હશે. સમગ્ર માનવજાત માટે અત્યંત અંધકારમય બની રહે તેવા મહા વિનાશક પ્લાન ઘડવા માટેની ગુપ્ત બેઠકમાં ભાગ લેવા બદલ ખૂબ પસ્તાવાની લાગણી તેમના મનમાં છલકાઇ ગઇ હશે. ભવિષ્યના કોઇક સમયે; કોઇક મહાયુધ્ધમાં અણુ બોમ્બ ઝીંકવાના મહા વિધ્વષંક પ્લાનની એ સિક્રેટ મીટિંગમાં થયેલી વિશ્વભર માટે ખતરનાક અને અતિ ગંભીર એવી ચર્ચાની વિગતો દશકાઓ સુધી પોતે કોઇને ના કહી તે જાહેર કરી દઇ મનનો અસહ્ય બોજો હળવો કરી દેવાના આશયથી જહોને પોતાના જીવન સંસ્મરણોમાં લખ્યું છે ઃ એ ગુપ્ત મીટિંગ ''મોટા પાયે વિનાશ'' સર્જવાનો પ્લાન ઘડવા માટેની મીટિંગ હતી...!

એ દિવસે નેબ્રાસ્કા સ્ટેટના એક વિશાળ ભૂગર્ભ બંકરમાં જહોન રૂબેલ, અણુયુધ્ધના પ્લાનરો સાથે બીજી હરોળની ખુરશીમાં બેઠા હતા. લશ્કરના ફોર-સ્ટાર જનરલો પહેલી હરોળમાં બેઠા હતા અને પાછલી હરોળમાં બધા વન-સ્ટાર જનરલો બેઠા હતા. એ સમયગાળામાં જહોન રૂબેલ અમેરિકાના ડિફેન્સ રિસર્ચ એન્ડ એન્જિનિયરિંગ વિભાગના ડેપ્યુટી ડાયરેકટર પદે હતા.

સ્ટ્રેટેજિક એર કમાન્ડના કમાન્ડર જનરલ થોમસ એસ. પાવરે ઇશારો કરતા લશ્કરના એક અફસર પોતાની ખુરશી પરથી ઊભા થઇને સ્ટેજ પર આવ્યા. તેમની પાછળ પાછળ બે મદદનીશો પણ સ્ટેજ પર ચઢ્યા. એકના હાથમાં લાકડાની નાનકડી ઘોડી કે સીડી હતી અને બીજાના હાથમાં પોઇન્ટિંગ સ્ટિક (નકશા વગેરે પર કોઇ ચોક્કસ સ્થાન દર્શાવવા માટેની લાંબી પાતળી લાકડી-દર્શક લાકડી) હતી.

કમાન્ડર જનરલ થોમસ પાવરે સૌ પ્રથમ વક્તવ્ય આપતા કહ્યું કે સોવિયેત યુનિયન પર અણુશસ્ત્રથી વ્યાપક હુમલો કરીશું, ત્યારે કેવી સ્થિતિ સર્જાશે તેની ઘનિષ્ઠ વિગતો અહીં આપવામાં આવનાર છે.

(ક્રમશઃ)