Editorial

નાનપણમાં માઓ, પિતા સામે બેફામ બોલતા હતા

By GS TEAM
1 Oct 20255 mins read
નાનપણમાં માઓ, પિતા સામે બેફામ બોલતા હતા

- શાળામાં માથાભારે વિદ્યાર્થી હોવાથી, ત્રણ સ્કૂલમાંથી માઓની હકાલપટ્ટી કરાઈ હતી..

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-2

- એક વખત મહેમાનો સામે પિતાએ ખખડાવતા માઓ આપઘાત કરવા તળાવે પહોંચી ગયા હતા

- ઉધ્ધત દીકરાને રાગે પાડવા પિતાએ 14 વર્ષની ઉંમરે માઓના 18 વર્ષની યુવતી સાથે લગ્ન કરાવી દીધા

 લગ્નપછી થોડા જ વખતમાં યી-ચાન્ગ લશ્કરમાં જોડાયા. પરિવારના માથે દેવું હોવાથી વહેલી તકે દેવાનો ભાર ઉતારવા માટે યી-ચાન્ગે સૈનિક બનવું અનિવાર્ય હતું, એ જમાનામાં ખેડૂતો થોડા વધારે પૈસા કમાવા માટે સૈન્યમાં ભરતી થઈ જતા હતા. 

ગામના મોટાભાગના લોકો નિરક્ષર હતા પણ યી-ચાન્ગ લખી-વાંચી શકતા હતા. તેઓ પૈસાનો હિસાબ પણ સારી રીતે રાખતા હતા. થોડા વર્ષો લશ્કરમાં નોકરી કર્યા બાદ તેઓ વતનના ગામ પાછા ફર્યા. ખેતીની સોથાસાથ તેમણે ચોખા-ઘઉંનું પ્રોસેસિંગ કરી નજીકના નગરમાં જઈ વેચવાનું શરૂ કર્યૂં, ઉપરાંત તેમણે ડુક્કરના ઉછેર માટે ફાર્મ લીધું. તેઓ સારા એવા પૈસા કમાયા. પરિવારનું દેવું ભરપાઈ કર્યા બાદ તેમણે ગામમાં વધારે જમીન ખરીદી. તેમની ગણના હવે ગામના ધનાઢયોમાં થવા માંડી.

માઓના પિતા યી-ચાન્ગ પૈસાપાત્ર થયા પણ તેમ છતાં આજીવન તેમણે કર્મઠવૃત્તિ ત્યાગી નહોતી. અને તેમનો કરકસરિયો સ્વભાવ પણ આખી જિન્દગી એવો જ રહ્યો હતો. 

માઓ તેમના પિતાનું ત્રીજું સંતાન હતા. માતા બૌધ્ધ ધર્મી હોવાથી માઓ પર બૌધ્ધ ધર્મના સંસ્કાર પડયા હતા. માઓને તેમની માતા પ્રત્યે અપાર લાગણી-પ્રેમ હતા. ચીનના સુપ્રીમ લીડર બન્યા પછી પણ માઓ અવારનવાર તેમની માતા વિશે વાત કર્યા કરતા હતા. 

માઓ અવારનવાર અત્યંત આદરપૂર્વક તેમની માતાની યાદના સંસ્મરણો તેમના સ્ટાફ સમક્ષ વાગોળતા રહેતા હતા. બાળપણથી જ માઓ તેમની માતાના પગલે બૌધ્ધ ધર્મમાં માનતા થઈ ગયા હતા...''મારી માતા, મારા માટે અતિ પૂજનીય, આદરણીય હતા. મારી માતા જ્યાં પણ જાય, તેમની પાછળ પાછળ હું જતો હતો...મંદિરમાં, ઉત્સવોના મેળામાં, મંદિરમાં એ ધૂપ સળી પ્રગટાવે તો હું ધૂપસળી પ્રગટાવતો હતો. ભગવાન બુધ્ધને આદરપૂર્વક નમન કરતો હતો. મારી માતા બુધ્ધમાં માનતી હોવાથી હું પણ બુધ્ધમાં માનતો થઈ ગયો હતો.''   કિશોરાવસ્થા પછી માઓએ જો કે, બુધ્ધમાં માનવાનું છોડી દીધું'તું. 

બાળપણથી જ માઓની યાદશક્તિ ખૂબ સતેજ હતી. ૧૯૦૨ માં આઠ વર્ષની વયથી માઓને શિક્ષણ પ્રાપ્તિ માટે ગુરૂના ઘેર મોકલવાનું શરૂ કરાયું હતું. માઓને પ્રારંભમાં ચીની ભાષાનું શિક્ષણ અપાયું અને પછી તેમણે ઈતિહાસ વિષયમાં અભ્યાસ આગળ વધાર્યો.

ચીનમાં કન્ફયુશિયન શિક્ષણમાં કવિતા લખવાના સર્જનાત્મક કાર્યને શિક્ષણનો આવશ્યક ભાગ ગણવામાં આવતો હતો. માઓને કવિતા લખવાનો અને સાથોસાથ વાંચનનો બહુ જ શોખ હતો. મોડીરાત સુધી દીવાના અજવાળે તેઓ વાંચ્યા કરતા હતા.

 શાળામાં માઓ સંખ્યાબંધ વખત તેમના શિક્ષકો સાથે આથડી પડતા હતા. દશ વર્ષની ઉંમરે તેઓ પહેલી સ્કૂલમાંથી ભાગી ગયા હતા, તેમના કહેવા મુજબ શાળાના શિક્ષક બહુ કડક હોવાથી તેઓ શાળા છોડીને જતા રહ્યા હતા. એ પછી અલગ અલગ ત્રણ સ્કૂલોમાં તેમને દાખલ કરાયા પણ દરેક શાળામાંથી કાંતો તેમની હકાલપટ્ટી કરાઈ કે પછી વાલીને બોલાવી બાળકને સ્કૂલમાંથી ઉઠાડી લેવા માટે ફરજ પડાઈ હતી. શિક્ષકોની આજ્ઞાાનું પાલન નહીં કરવા બદલ અને માથાભારે વર્તાવના કારણે માઓને દરેક સ્કૂલમાં કોઈને કોઈ માથાકૂટ થયા વગર રહેતી નહોતી.

માઓની માતા તો તેમના નાનકડા દીકરાની આ બધી હરકતો ચલાવ્યે રાખતી હતી પણ પિતા તેમને વારંવાર ઠપકારતા રહેતા હતા. 

માઓ આખો દિવસ આળસુની જેમ બેસી રહેતા હોવાથી પિતા તેમને ક્યારેક મારતા પણ હતા. ૧૯૬૮ માં માઓ ચીનના સુપ્રીમ લીડર બની ગયા પછી એક વખત મોટાપાયે તેમના વિરોધીઓનો ખાત્મો બોલાવતા હતા તે દરમિયાન એક વખત સાથીદારોને તેમણે કહ્યું કે ''આજે મારા પિતા હયાત હોત તો તેમના પર પણ મેં આવો જ અત્યાચાર ગુજાર્યો હોત. મારા પિતા દુર્જન હતા. આજે તેઓ જીવીત હોત તો તેમના બે હાથ પીઠ પાછળ બાંધીને હું તેમને પણ શિક્ષા કરત.''

પણ એવુંય નહોતું કે નાનપણમાં માઓ તેમના પિતાનો ઠપકો ચૂપચાપ સાંભળી લેતા હતા. પિતાના જુલમ સામે ઘણીવાર તેઓ બંડ પોકારતા હતા.

પિતા તેમને ઘરમાં કે ખેતરમાં કામ કરવાનો આદેશ આપે ત્યારે કિશોર વયના માઓ પિતાને મોંઢામોંઢ ચોપડાવી દેતા હતા કે તમે મારા કરતા મોટા છે, મોટાએ નાના કરતા વધારે કામ કરવું જોઈએ. ચીની સામાજિક સંસ્કૃતિમાં છોકરો બાપ સામે આ રીતે બોલી શકતો નથી. છોકરાની આવી વર્તણૂંક ઉધ્ધતાઈ ગણાય છે.

બાળપણનો બીજો એક કિસ્સો યાદ કરતા એક વખત માઓએ કહ્યું'તું કે, મહેમાનોની હાજરીમાં મારા પિતાએ મને ખૂબ ઠપકો આપ્યો અને ઉપરથી કહ્યું કે તું તો આળસુનો પીર છે, તું કોઈ કામનો નથી. ઘેર આવેલા મહેમાનોની હાજરીમાં પિતાના આ કટુ વચનો સાંભળી મારો પિત્તો છટક્યો. હું પણ પિતાની સામે બેફામ બોલ્યો અને પગ પછાડતો ઘર બહાર નીકળી ગયો.

મારો ગુસ્સો જોઈ પિતા થોડા ગભરાઈ ગયા અને મારી પાછળ દોડતા આવ્યા. મને ગમે તેવા શબ્દો બોલતા પાછા ઘેર આવવા માટે  આદેશ આપી રહ્યા હતા.

પણ હું તો આગળ દોડતો છેક ગામના તળાવ કિનારે પહોંચી ગયો. ત્યાં જઈ મેં પિતાને વળતી ધમકી આપી કે તમે મારી નજીક આવશો તો હું આ તળાવમાં કુદીને આપઘાત કરીશ. મારી ધમકીની ધારી અસર થઈ. મને ઘેર પાછા આવવાનું કહેતા કહેતા પિતા ઘર તરફ ચાલવા માંડયા.

એક વખત માઓએ તેમના પિતા સાથેની આ ઘટના કહીને તેમાં પોતાનું અર્થઘટન ઉમેરતા, હસતા હસતા કહ્યું, ''મારા પિતા જેવા વૃધ્ધ માણસો તેમના દીકરાઓને ગુમાવવા નથી માગતા હોતા. આ તેમની કમજોરી હોય છે. હું તેમની આ કમજોરી પારખી ગયો' તો અને  તેમની આ કમજોરી ગણો તો કમજોરી અને મજબૂરી કહો તો મજબૂરી, પણ તેના લીધે જ પિતા સામે મારી જીત થતી હતી.''

કિશોર વયના દીકરા માઓ પર ધાક જમાવવા માટે તેમના પિતા પાસે કેવળ પૈસા જ એકમાત્ર શસ્ત્ર હતું. બાળપણમાં માઓ બહુ માથાભારે અને શિક્ષકની આજ્ઞાાનું પણ સરેઆમ ઉલ્લંઘન કરતા હતા. ત્રણેક શિક્ષકોએ તો માઓને ભણાવવાની ઘસીને ના પાડી દીધી'તી. જ્યારે ચોથા શિક્ષકે પણ માઓની હકાલપટ્ટી કરી, ત્યાર પછી પિતાએ માઓને ભણાવવા પાછળનો ખર્ચ કરવાનું બંધ કરી દઈ ૧૩ વર્ષના માઓને આખો દિવસ ખેતરમાં મજૂરી કામ કરવા ધકેલી દીધો.

પણ થોડા વખતમાં જ માઓને ફરીથી શાળામાં જવાની તક મળી ગઈ.

વાત જાણે એવી હતી કે દીકરા માઓના બેજવાબદારીભર્યા ઉધ્ધત વર્તાવથી કંટાળેલા પિતાએ વિચાર્યૂં કે આ છોકરાને જો લગ્નની ગાંઠે બાંધી દઉં તો કદાચ એને જવાબદારીનું ભાન થશે અને તેના ઉધ્ધત વર્તનમાં સુધારો થવાની સંભાવના વધશે.

૧૯૦૮માં ૧૪ વર્ષની ઉંમરના માઓ માટે છોકરી શોધી કઢાઈ. છોકરીની ઉંમર માઓ કરતા ૪ વર્ષ વધારે એટલે કે તે ૧૮ વર્ષની હતી.

(ક્રમશઃ)