Editorial

અવતરણ - પ્રીતિ શાહ .

By GS TEAM
6 Nov 20252 mins read
અવતરણ - પ્રીતિ શાહ                       .

આપણું અંતરિક્ષ ક્ષેત્ર દેશનું ગૌરવ સતત વધારી રહ્યું છે. ભારતના અત્યાર સુધીમાં સૌથી ભારે સંચાર ઉપગ્રહના સૂક્ષ્મ પરીક્ષણ માટે ઈસરોને હાર્દિક અભિનંદન! આપણા વૈજ્ઞાનિકોની મહેનતે અંતરિક્ષ ક્ષેત્રને ઉત્કૃષ્ટતાનું પ્રતીક બનાવી દીધું છે.

- નરેન્દ્ર મોદી (વડાપ્રધાન)


મોદી-નીતીશ સરકારે યુવાનોની આકાંક્ષાઓને ગૂંગળાવી નાખી છે અને બિહારને ખાડામાં ધકેલી દીધું છે. બિહારના યુવાનોની દુર્દશા માટે ડબલ એન્જિન સરકાર જવાબદાર છે. આ યુવાનો જાણે છે કે છેલ્લાં વીસ વર્ષમાં સરકારે રાજ્યને લાવારિસ છોડી દીધું છે અને દરેક ક્ષેત્રમાં પાછળ રહ્યું છે.

- રાહુલ ગાંધી (કોંગ્રેસના નેતા)


વિકાસનું બીજું નામ એનડીએ છે. મહાગઠબંધન માત્ર જંગલરાજ આપી શકે અને એનડીએ વિકાસ. વિપક્ષને જેટલી યાત્રા કાઢવી હોય તેટલી કાઢે, અમે ઘૂસણખોરોને કાઢીશું. મહાગઠબંધનમાં અંદરોઅંદર ખેંચતાણ ચાલે છે, જ્યારે અમારાં પાંચ દળ પાંડવોની જેમ ચૂંટણી લડી રહ્યાં છે.

- અમિત શાહ (કેન્દ્રીય મંત્રી)


આ ચૂંટણી બિહારને બદલવાની ચૂંટણી છે. એનડીએને વીસ વર્ષ તક મળી તેમ છતાં નીતિ આયોગના રીપોર્ટ અનુસાર બિહાર સૌથી ગરીબ રાજ્ય છે. હવે લોકો પરિવર્તન ઈચ્છે છે. અહીંના લોકોને બિહારમાં જ કામ મળે તેમ થવું જોઈએ. અમે ઘણાં વર્ષોથી ઈચ્છીએ છીએ કે બિહાર નંબર વન રાજ્ય બને.

- તેજસ્વી યાદવ (રાજદના નેતા)


યુદ્ધની પદ્ધતિમાં સતત પરિવર્તન આવી રહ્યું છે. યુદ્ધ હવે આમનેસામને લડાતું નથી અને ભાગદોડ થતી નથી. શત્રુનો સામનો કરવા માટે સૈન્ય શક્તિ, બૌદ્ધિક ક્ષમતા, ટેકનોલોજી અને ન્યાયસંગત તૈયારીની આવશ્યકતા છે.

- જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી (સેના પ્રમુખ)


ભારતીય સમાજ હંમેશાં પ્રકૃતિપૂજક રહ્યો છે. આપણી સંસ્કૃતિમાં વૃક્ષો, છોડ, નદી, તળાવ તથા જીવજંતુઓને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. પર્યાવરણ સંકટ સામે ભવિષ્યનો માર્ગ ભારતના માધ્યમથી જ નીકળશે.

- ઓમ બિરલા (લોકસભાના સ્પીકર)


ઓલિમ્પિક્સનું આયોજન કરવા માટે આપણે માત્ર વિશ્વકક્ષાનાં સ્ટેડિયમ, રહેવાની વ્યવસ્થા, પરિવહન અને સારાં મેદાન જ બનાવવા નહીં પડે, પરંતુ ભારે ખર્ચ પણ કરવો પડશે. એક અંદાજ પ્રમાણે ચોસઠ હજાર કરોડનો ખર્ચ થઈ શકે. શું કોઈ વિકાસશીલ દેશને આટલો ખર્ચ પરવડી શકે?

- સુશીલ દોશી (કોમેન્ટેટર)


લક્ષ્મણજીએ ભગવાનને પૂછ્યું, 'શત્રુ સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ?' ભગવાને કહ્યું, 'આપણા શત્રુ જ આપણને સદૈવ સજાગ રહેવા માટે વિવશ કરે છે તેથી શત્રુ તિરસ્કારને નહીં, પરંતુ નમસ્કારને પાત્ર હોય છે.'

- આશુતોષ રાણા (અભિનેતા)