Editorial

રાજીનામાની વણજારઃ મમતાના હાથમાંથી પક્ષની બાજી સરકી રહી છે

By GS TEAM
28 May 20263 mins read
રાજીનામાની વણજારઃ મમતાના હાથમાંથી પક્ષની બાજી સરકી રહી છે

- પ્રસંગપટ

- તૃણમૂલ કોંગ્રેસના 100 કાઉન્સેલરો-હોદ્દેદારો પક્ષ છોડી રહ્યા છે 

- મમતાની નજીકના ગણાતા કોલકત્તાના ફીરહદ હકીમે મેયર પદું છોડવાની ઓફર કરી છે

પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો બાદની કેટલીક ઘટનાઓ ભારતના રાજકારણમાં  સામાન્ય છે. તેમાં સત્તાધારી પક્ષમાં જોડાવું, સત્તાધારી પક્ષનના કાર્યકરોની વિરોધ પક્ષના લોકો સાથે મારામારી, વિપક્ષના નેતાઓની સામે સૂત્રોચ્ચારો, સત્તાધારી પક્ષ સાથે પડદા પાછળના સેટીંગ વગેરેનો સમાવેશ થાય છે. જોકે પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામોએ તમિળનાડુના ડીએમકે,અન્નાડીએમકેની ઉંઘ હારમ કરી નાખી છે. અન્નાડીએમકેની કમનસીબી એે છે કે તેના વિધાનસભ્યો તૂટીને અભિનેતા વિજયના પક્ષમાં જઇ રહ્યા છે.

જોકે સૌથી ખરાબ સ્થિતિ તો પ.બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની થઇ છે. તૃણમૂલ કોંગ્રેસના ૧૦૦ કાઉન્સેલરો-હોદ્દેદારો પક્ષ છોડી રહ્યા છે. રોજરોજના રાજીનામાં જોઇને મમતા બેનરજી દૂબળા પડી ગયાં છે. તેમની પકડમાં રહેલો પક્ષ હવે સરકી રહ્યો છે. કોલકત્તા મ્યુનિસિપલ કર્પોરેશનમાં મમતાએ બોલાવેલી કાઉન્સેલરોની બેઠકમાં અડધો અડધ કાઉન્સીલરો ગેરહાજર રહ્યા હતા. કોણ ગેરહાજર રહ્યા હતા તેની મમતાએ લેખિતમાં નોંધ લીધી હતી. મમતા અને અભિષેક તેમના પક્ષનું ડૂબતું વહાણ બચાાવવા પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ એક સાંધે અને તેર તૂટે એવી સ્થિતિ જોવા મળે છે. કાઉન્સીલરો તેમના ભ્રષ્ટાચારથી ડરી રહ્યા છે તે સમજી શકાય છે પરંતુ તૃણમૂલ કોંગ્રેસના સાંસદો પણ રાજીનામાં આપવા વિચારી રહ્યા હોવાના અહેવાલો ફરતા થયા છે.

તૃણમૂલ કોંગ્રેસની સૌથી મોટી વિકેટ કાકોલી ધોષના નામે પડી હતી.  ભાતપુર મ્યુનિસિપાલીટીના ૩૫ માંથી ૩૦ કાઉન્સીલરો ખાસ કરીને ચેરપર્સન રેબા રહાએ રાજીનામું આપતા ત્યાં વહિવટદાર નિમાયા છે. એવીજ રીતે હલીસહાર મ્યુનિસિપાલીટીના ૨૩માંથી ૧૬ કાઉન્સીલરોેએ રાજીનામાં આપી દીધા છે. કંચરાપરા મ્યુનિસિપાલીટીના ૧૪ કાઉન્સીલરોએ  રાજીનામાં આપી દીધા છે. ગારૂલીયા મ્યુનિસિપાલીટીમાંથી ૧૮, નોર્થ બરાકપોરમાંથી ૧૫ અને  કોન્ટાઇમાંથી ૧૪ કાઉન્સીલરાએે રાજીનામા આપ્યા છે.

ભાજપના કેટલાક સભ્યો કાઉન્સીલરોને તેમના ભ્રષ્ટાચારની ફાઇલ બતાવી રહ્યા છે. લોકોને દાદાગીરીના ફોન કરનારા હવે છૂ થઇ ગયા છે. કાકોલી ઘોષ આજકાલના નારાજ નથી પરંતુ પક્ષની સંસદીય પાંખમાં ચીફ વ્હીપની પોસ્ટ પર તેમની જગ્યાએ કલ્યાણ બેનરજીને મુક્યા ત્યારથી તે નારાજ ચાલતા હતા. હવે જ્યારે મમતા હાર્યા છે ત્યારે તે બંડ પોકારે તે સ્વભાવિક છે. તૃણમૂલ છોડી રહેલા લોકોમાં પાયાના કાર્યકરો ઉપરાંત સિનીયરો પણ બળવો કરતા દેખાય છે. જે મમતા બેનરજીની સામે કોઇ આંખ ઉંચી  કરી શકતું નહોતું તેમની વિરૂધ્ધમાં હવે લોકસભાના સાંસદ કાકોલી ધોષ જેવા જાહેરમાં બળાપો કાઢી રહ્યા છે.

તૃણમૂલ કોંગ્રેસના નેતૃત્વવાળી કોર્પોરેશનોમાં ઘમાસાણ સર્જાયું છે. ૧૦૦ જેટલા કાઉન્સીલરોેએ રાજીનામા આપી દેતા કેટલીક કોર્પોરેશનોમાં તૃણમૂલ કોંગ્રેસ લધુમતીમાં મુકાઇ ગઇ છે. કોલક્ત્તા મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર અને મમતાની નજીકના ગણાતા ફીરહદ હકીમે મેયર પદું છોડવાની ઓફર કરી છે. મમતા બેનરજીએ પક્ષના લોકાને રાજીનામું નહીં આપવા અપીલ કરી છે પરંતુ રોજ રાજીનામાં પડી રહ્યા છે. મમતાનો પક્ષ પહેલીવાર વફાદારોના રાજીનામાંના વમળમાં આવી ગયો છે. પ.બંગાળમાં ભાજપ સરકારે એવી જાહેરાત કરી છે કે અમે જુના હિસાબો ફંફોસીશું અને ગુનેગારો સામે પગલાં લઇશું.

 ભાજપ સરકારે કડકાઇ બતાવતા કેટલીક કોર્પોરેશનોમાંતો કાઉન્સીલરો જતાંજ બંધ થઇ ગયા છે. તેથી ત્યાં વહિવટદારો નિમવા પડયા છે. રાજ્ય સરકારે ભ્રષ્ટાચારના કેસોમાં ઢગલાબંધ ધરપકડો કર્યા બાદ રાજ્યની વહિવટી પાંખમાં ફફડાટ ઉભો થયો છે. ગયા અઠવાડીયે દાદાગીરી અને ખંડણી ઉધરાવવાના જેમની પર આરોપ છે તેવા તૃમણૂલના ત્રણ કાઉન્સીલરોની ધરપકડ કરાઇ હતી. દાદાગીરી વાળા વિસ્તારોમાં સ્થાનિક પોલીસ માઇક લઇને જાહેરાત કરે છે કે કોઇના પર પણ અત્યાચાર થયો હોય તો તે લોકોના નામ આપો. અમે તેમની સજા કરીશું.  પ.બંગાળની નવી સરકારના રાજમાં તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોમાં ફફડાટ જોવા મળે છે. મમતાના ખાસ ગણાતા અને ગુંડાગીરીમાં ચેમ્પીયન એવા જહાંગીર ખાને ચૂંટણીમાંથી ખસી જઇને સરંડર કરતા અન્ય ગુંડાઓમાં ફફડાટ જોવા મળે છે.