Editorial

ઉત્તરા ખંડમાં 'વાદળ ફાટવા'ની ઘટનાઓનો સિલસિલો ચિંતાજનક બન્યો

By GS TEAM
26 Aug 20253 mins read
ઉત્તરા ખંડમાં 'વાદળ ફાટવા'ની ઘટનાઓનો સિલસિલો ચિંતાજનક બન્યો

- પ્રકૃતિ સાથે ચેડાં કરવાનાં દુષ્પરિણામ દેખાઈ રહ્યાં છે

- પ્રસંગપટ

- સૌથી મોટી વાદળ ફાટવાની ઘટના દક્ષિણ ભારતમાં 1908માં બની હતી, જેમાં 15,000 લોકોનાં મોત થયાં હતાં

પહેલાં ઉત્તરાખંડનું ધરાલી અને પછી થરાલી જિલ્લાનું ચમોલી ગામ કુદરતી પ્રકોપની ઝપટમાં આવી ગયું છે. આ જગ્યાઓ પર વાદળો ફાટયાં હતાં એવું કહેવાયું. ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારોમાં આવેલાં આ ગામો સાફ થઇ ગયાં છે. ખુશહાલ જીંદગી જીવતા આ ગામો પર અચાનક વાદળ ફાટવાની આપત્તિ ત્રાટકી અને ગણત્રીની મિનિટોમાં હજારો લોકો ઘરબાર વિનાના થઇ ગયા. ઘરોની તમામ ચીજો કાં તો તણાઇ ગઇ અથવા કાદવ નીચે દબાઇ ગઈ.

પર્વતીય વિસ્તારોમાં વાદળ ફાટવાની વધતી જતી ઘટના બહુ  ચિંતાજનક છે. વાદળ ફાટયાં બાદ જે રીતે વરસાદી પાણીનું ઘોડાપુર નીચાણવાળા વિસ્તારોમાં વિનાશ વેરતું જાય છે તે ભયાવહ હોય છે. ગંગોત્રી નજીકનું  ટચકડું ગામ ધરાલી ગામ મેદાન બની ગયું છે. એક તરફ તરફ વરસાદ, બીજી બાજુ પાણીનો જબરદસ્ત પ્રવાહ અને આ બધું પર્વતીય ઢાળવાળા વિસ્તારમાં બન્યું. પાણીનો વેગ બેકાબુ બનવો સ્વાભાવિક હતો.

ઉત્તરાખંડના વિસ્તારો આ વર્ષે પૂર, વાદળ ફાટવા, ભેખડ ઘસી પડવી જેવી કુદરતી હોનારતોનું શિકાર બન્યું છે. દરેક ચોમાસામાં ઉત્તરકાશી કુદરતનું ટાર્ગેટ બની રહે છે. ઉત્તર કાશીમાં માર્ગો બનાવવા માટે પર્વતીય વિસ્તારોમાં કરેલી તોડફોડ કાં તો ભૂસ્તરશાસ્ત્રીઓની સલાહ લીધા વગર થઈ છે અથવા તો એમની સલાહને અવગણવામાં આવી છે. પાંચમી ઓગસ્ટે ગંગોત્રી નજીક આવેલા ધરાલી ગામે વાદળ ફાટયાં એવા સમાચાર આવ્યા ને તે પછી પણ આ સિલસિલો ચાલતો રહ્યો. આ વિનાશિકાઓએ ભૂસ્તરવિજ્ઞાાનીઓને હચમચવી નાખ્યા છે. 

જે ગામ પર વાદળ ફાટે છે તને ફરી પાછું ઊભું થતાં મહિનાઓ લાગે છે. ઉપરાછાપરી વાદળ ફાટે ત્યારે સ્પષ્ટપણે લાગે છે કે  કુદરતની વ્યવસ્થા સાથે છેડછાડ થઇ  છે.

વાદળ ફાટવાની ઘટના આમ જોવા જાઓ તો સામાન્ય નથી. પર્વતીય વિસ્તારોમાં આ ઘટનાઓ આ વર્ષે વધુ જોવા મળી છે. હવામાન ખાતાના મતે ૨૦થી ૩૦ કિલોમીટર વિસ્તારમાં કલાકનો ૧૦૦ મીલીમીટર વરસાદ પડે તો તેને વાદળ ફાટયાં કહેવાય. જોકે લાંબા અભ્યાસ પછી તે વ્યાખ્યામાં ફેરફાર કરાયો હતો અને તે પ્રમાણે, એક કિલોમીટરના વિસ્તારમાં એક કલાકમાં ૧૦૦થી ૨૫૦ મીલીમીટર (૩.૯૩થી ૧૦ ઇંચ)વરસાદ પડે તો ત્યાં વાદળ ફાટયાં છે તેમ કહી શકાય.  

અમદાવાદ જેવા શહેરમાં ૪ ઇંચ વરસાદ પડે તો પણ ચારેબાજુ જળ બંબાકાર થઇ જાય છે, જ્યારે અહીં તો એક ચોરસ કિલોમીટરમાં ૧૦ ઇંચ વરસાદની વાત છે. લોકોએ ટીવી પર કે મોબાઇલ પર ક્લિપ્સમાં ધરાલીના મકાનોને ખેંચી જતો પાણીનો ફ્લો જોયો ત્યારે તેઓ હબકી ગયા હતા. આ તારાજીનો શિકાર બનનારાઓની શી સ્થિતિ થઈ હશે તે કલ્પી શકાય તેવું છે. ગઇકાલે ઉત્તરાખંડના વધુ એક ગામ પર વાદળ ફાટયું હતું.

આ પ્રકારની ઘટનાઓમાં ઘર, સામાન બધું જ નષ્ટ થઈ જાય પછી લોકો માટે ક્યાં રહેવું તે મોટી સમસ્યા બની જાય છે. સેવાભાવી સંસ્થાઓ સવલતો લઇને આવે ને ગામલોકોની હાલત પૂર્વવત્ બને તે સ્થિતિ આવતાં મહિનાઓ લાગી જાય છે. રાહત કામો કરનારા  શરૂઆતમાં તે ફૂડ પેકેટ, રહેવાના ટેન્ટ, પાણી વગેરે પૂરાં પાડે છે. નવું ઘર હવે કેવી રીતે ઊભું થઈ શકશે તે વિચારે ગામલોકોને માનસિક તાણનો પાર રહેતો નથી. 

સૌથી મોટી વાદળ ફાટવાની ધટના ૨૮ સપ્ટેમ્બર,૧૯૦૮માં નાોંધાયેલી છે. જેમાં મુસ્લી નદીના પાણીની સપાટી ૩.૪ મીટર વધી જતાં ૧૫,૦૦૦ લોકો મોતને ભેટયા હતા. 

આ તો 'વાદળ ફાટયાં', આ તો કુદરતી પ્રકોપ છે, એમાં આપણે શું કરી શકીએ એમ કહીને હાથ ખંખેરી નાખવાથી કશું વળવાનું નથી. માણસજાતે જે રીતે પ્રકૃતિ સાથે, પર્વતો અને નદીઓ સાથે અવિચારીપણે ક્રૂરતા આચરી છે તેનું આ દુષ્પરિણામ છે.