Editorial

કર્ણાટકમાં કકળાટ: સિધ્ધારમૈયા ખુરશી છોડવા માટે તૈયાર નથી

By GS TEAM
25 Nov 20253 mins read
કર્ણાટકમાં કકળાટ: સિધ્ધારમૈયા ખુરશી છોડવા માટે તૈયાર નથી

- કોંગ્રેસ મોવડીઓ માટે સૂડી વચ્ચે સોપારી જેવી સ્થિતિ

- પ્રસંગપટ

- ખેંચતાણ આંતરિક સ્તરે થઈ રહી છે,પરંતુ સહેજે કાચું કપાય તો વિપક્ષને લાભ થાય એમ છે

- કલહ: (ડાબેથી) ડી.કે. શિવકુમાર, મલ્લિકાર્જુન ખડગે અને સિધ્ધારમૈયા  

કોંગ્રેસ માટે કર્ણાટકનો કકળાટ માથાના દુખાવા સમાન બનતો જાય છે. મુખ્યપ્રધાન સિધ્ધારમૈયા મુખ્યપ્રધાન પદેથી ખસવા તૈયાર નથી અને તેમના ડેપ્યુટી મુખ્યપ્રધાન ડી.કે. શિવકુમાર આ ખુરશીં તેમની પાસેથી આંચકી લેવા તલપાપડ બન્યા છે. આ બંનેની લડાઇમાં ભાજપ પોતાને વધુ ેહિસ્સો મળે તેની રાહમાં બેઠો છે. કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે ચોક્કસ જવાબ આપી શકતા નથી, કેમ કે કોંગ્રેસના કર્તાધર્તા સમાન ગાંધી પરિવારે હજુ કોઇ નિર્ણય લીધો નથી.   

કર્ણાટકમાં મુખ્યપ્રધાન ખસેડવાની ચડભડ છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહી છે. હવે જ્યારે બિહારની ચૂંટણીમાં કોંગ્રેસ કંઇ ખાસ ઉકાળી શકી નથી ત્યારે તે કર્ણાટકમાં બહુ ઉછળકૂદ કરવા તૈયાર નથી એમ લાગી રહ્યું છે.

એક તરફ સમાચાર માધ્યમો કર્ણાટકમાં સંભવિત ફેરફાર અંગે વિશેષ ન્યુઝ સ્ટોરી બનાવે છે , જ્યારે બીજી તરફ કોંગ્રેસના મોવડીમંડળે અહેવાલોને પાયા વિનાના ગણાવ્યા છે. પડદા પાછળની હકીકત એ છે કે કોંગી મોવડીમંડળ બિહારની હારને પચાવી શકી નથી. તે  ડિપ્રેશનમાં છે એમ કહી શકાય. કર્ણાટકમાં નેતાગીરી બદલવાનો નિર્ણય લંબાવીને કોંગ્રેસ ભૂલ કરી રહી છે. કાં તો તે સ્પષ્ટ કહે કે અમે કોઇ બદલાવ કરવા માગતા નથી, અથવા તો આ બદલાવની કોઇ ચોક્કસ તારીખ કહે.

વર્તમાન મુખ્યપ્રધાન સિધ્ધારમૈયા અને નાયબ મુખ્યપ્રધાન ડી.કે. શિવકુમાર બંને કોંગ્રેસના વફાદારો છે. સત્તાની ખેંચતાણ  આંતરિક સ્તરે થઈ રહે છે. તેમા અન્ય કોઇ વિપક્ષની દરમિયાનગીરી નથી, પરંતુ થોડું પણ કાચું કપાય તો વિપક્ષને લાભ થાય એમ છે. વિવાદ એટલા માટે છે કે કર્ણાટકમાં કોંગ્રેસના શાસનને અઢી વર્ષ થવા આવ્યાં. કોંગી મોવડીમંડળે કર્ણાટકમાં નેતાગીરીને અઢી વર્ષ પછી બદલવાનું વણલિખીત પ્રોમીસ મે-૨૦૨૩માં વિધાનસભાના પરિણામો આવ્યાં ત્યારે આપ્યું હતું. તે વખતે મુખ્યપ્રધાન તરીકે સિધ્ધારમૈયા અને શિવકુમાર બન્ને મેદાનમાં હતા. બંનેને વારાફરતી અઢી વર્ષ અપાશે એમ કહીને સિધ્ધારમૌયાને સુકાન સોંપાયું હતું.

 હવે અઢી  વર્ષ પૂરાં થવા આવ્યાં છે, પરંતુ સિધ્ધારમૈયા ખુરશી છોડવા તૈયાર નથી અને શિવકુમાર પણ પ્રોમીસ પ્રમાણે મુખ્યપ્રધાનની ખરશી પર બેસવા માગે છે. 

સિધ્ધારમૈયા કહે છેકે હું પાંચ વર્ષ પૂરાં કરીશ, ખુરશી છોડવાની વાતો પાયા વિનાની છે.  બંને ખાસ મિત્રો છે, પરંતુ સત્તા સામે કોઈ મિત્રતા કામે નથી આવતી. મોવડીમંડળે આપેલા વચન પ્રમાણે કામ કરવાનું છે, પરંતુ સિધ્ધારમૈયા ખુરશી છોડવા તૈયાર નથી. તેઓ કહે છે કે મંત્રીમંડળમાં ફેરફારની વાત ગપગોળા સમાન છે, આગામી બજેટ પણ હુંજ બહાર પાડવાનો છું. 

મુખ્યપ્રધાન બદલાય તો હું પણ મેદાનમાં છું એમ કહીને કર્ણાટકના ગૃહપ્રધાન જી. પરમેશ્વરમ પણ વિવાદમાં તૂટી પડયા છે. તેઓ કહે છે કે પક્ષને દલિત ચહેરો મુખ્યપ્રધાન પદે જોઇતો હોય તો મારા જેવો યોેગ્ય ઇમેદવાર કોઇ નથી. 

કર્ણાટક વિધાનસભાના૧૪૦ વિધાનસભ્યો મારી સાથે છે એમ જ્યારે શિવકુમારે કહ્યું ત્યારે કર્ર્ણાટક કોંગ્રસમાં રહેલી જૂથબંધી કોંગી મોવડી મંડળની સામે પડકાર સમાન બની હતી. જોકે તરતજ શિવકુમારે કહ્યું હતું કે હું જૂથબંધીમાં માનતો નથી, મેં તો મારા સમર્થકોની વાત કરી હતી. મુખ્યપ્રધાન સિધ્ધારમૈયાની છાવણીએ કહ્યું હતું કે શિવકુમાર રાજકીય બ્લેકમેલ કરી રહ્યા છે.

આ કોલ્ડ વોરના કારણે સરકાર પાસે નવું કામ કરવાનો સમય નથી કે લોકોની સમસ્યાનો ઉકેલ લાવવાનો પણ સમય નથી. બેંગલુરૂ જેવા મહત્ત્વના આઇટી સિટીમાં ઇન્ફ્રાસ્ટ્રકચરના ધાંધીયા જોવા મળે છે, જેના કારણે કોર્પોરેટ સર્કલમાં  રાજ્ય સરકારની બદનામી થઇ છે. કેટલાક કિસ્સામાં બેંગલુરૂના  નામાંકિત કોર્પોરેટ વડાઓ રાજ્ય સરકારની સામે આવી ગયા હતા. બીજી તરફ પાડોશી રાજ્ય આંધ્રપ્રદેશ આધુનિક ઔદ્યોેગિક સવલતો ઊભી કરીને વિદેશી રોકાણકારોને આકર્ષી રહ્યું છે.

રાજ્યના કોંગી કાર્યકરોની વિમાસણ પણ વધી છે. સિધ્ધારમૈયા અને શિવકુમારના કાર્યકરો બે જૂથમાં વહેંચાઇ ગયા છે. મુખ્યપ્રધાન બદલાશે તો મંત્રીમંડળ પણ બદલાશે. તેથી જ શિવકુમાર ફરતે કાર્યકરોનો જમેલો જોવા મળે છે. કહેછેકે શિવકુમાર આવશે તો વર્તમાન મુખ્યપ્રધાનનું મંત્રી મંડળ ઘરભેગું કરી દેશે અને નવી ટીમ બનાવશે. કર્ણાટકના મુદ્દે કોંગ્રેસના મોવડી મંડળની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી છે.