Editorial

ઇઝરાયલ યુદ્ધ પાછળ રોજ 8570 કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે

By GS TEAM
24 Jun 20253 mins read
ઇઝરાયલ યુદ્ધ પાછળ રોજ 8570 કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે

- ઇઝરાયલની સ્પષ્ટ નીતિ: યુદ્ધ એ જ કલ્યાણ

- પ્રસંગપટ

- ગઇ 7 ઓક્ટોબરે હમાસે ઇઝરાયલ પર હુમલો કરીને 1200 લોકોની હત્યા કરી ત્યારથી યુદ્ધની શરૂઆત થઇ છે

ઇરાન સામે છાતી કાઢીને ઊભેલું ઇઝરાયલ જો યુદ્ધ લાંબુ ખેંચશે તો જંગી દેવા નીચે દટાઈ જશે. અમેરિકાએ પણ યુદ્ધમાં ઝૂકાવતા મામલો વધુ ગંભીર બની ગયો છે. ઇરાન ઝૂકવા તૈયાર નથી, તો ઇઝરાયલ પોતાની તાકાત વિશ્વને બતાવવા પ્રયાસ કરી રહ્યું છે. અમેરિકાએ ઇરાનનાં અણુમથકો પર હુમલો કરીને પોતાની લશ્કરી તાકાતનું પ્રદર્શન કર્યું છે. આખા વિશ્વે અમેરિકાનું ઓપરેશન મિડનાઇટ હેમર જોયું છે. અમેરિકાના હુમલાને રોકી શકવાની તાકાત ઇરાનમાં  નહોતી, અને અમેરિકા જેવો હુમલો કરવાની તાકાત ઇઝરાયલમાં નહોતી. પંદર દિવસની મહેતલ આપ્યા પછી ટ્રમ્પે બીજા જ દિવસે વિનાશક હુમલો કરીને  પોતાના અનિશ્ચિત નિર્ણય લેવાની તાસીરનો નવેસરથી પરચો આપ્યો છે. 

ઇઝરાયલ-ઇરાન વચ્ચે જામેલા યુદ્ધનો ખર્ચ આંખો ફાટી જાય એવો છે. માનવસંહારને તો જાણે ધ્યાન પર જ લેવાતું નથી. ઇઝરાયલ યુદ્ધ એ જ કલ્યાણ ઉક્તિમાં માને છે. એફ-૩૫ જેવા ફાઇટર જેટને બોંબ સાથે ઉડાડવાનો ખર્ચ  દર કલાકે ૧૦,૦૦૦ ડોલર થાય છે. એરો થ્રી સિસ્ટમ એક્ટિવેટ કરીને બે મિસાઇલને ઇન્ટરસેપ્ટ કરીને તોડી પાડવાનો ખર્ચ ૩ મિલિયન ડોલર જેટલો થાય છે. અહેવાલ અનુસાર, ઇરાને ઇઝરાયલ પર ૪૦૦ મિસાઇલો છોડી હતી, જેમાંની મોટા ભાગની તોડી પડાઇ હતી.

આમ તો, ઇઝરાયલ આધુનિક શસ્ત્રો વેચતો દેશ છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેણે પોતાના માટે જ શસ્ત્રો ભેગાં કરી રાખ્યાં હતાં અને વિવિધ દેશો પાસેથી તે ખરીદવાના પણ ચાલુ રાખ્યા હતા. ઇઝરાયલે યુદ્ધની પૂર્વતૈયારી રૂપે અમેેરિકા પાસેથી અત્યંત આધુનિક કહી શકાય એવાં એફ-૩૫ વિમાનો મેળવ્યાં ત્યારેે કેટલાક દેશોએ વિરોધ કરીને કહ્યું હતું કે ઇઝરાયલ હમાસ અને ગાઝા પટ્ટી પર હુમલો કરવા માટે તેનો ઉપયોગ કરશે.

ઇઝરાયલે યુદ્ધ પહેલાં બહુ મોટો શસ્ત્ર સરંજામ એકત્રિત કરી લીધો હતો. ગાઝા પટ્ટી બાદ તેણે સીધું જ ઇરાનને ટાર્ગેટ કરવાનું શરૂ કરી દીધું હતું. ઇઝરાયલને અપાતાં શસ્ત્રો પર બ્રેક મારવી જોઇએ કેમ કે તેના પોતાના દેશના નાગરિકોના રક્ષણ માટે તેની પાસે પૂરતાં શસ્ત્રો છે એવી રજૂઆતો અમેરિકાને કરાઇ હતી, પરંતુ ેલાગે છે કે ઇઝરાયલે આગોતરા પ્લાનિંગ હેઠળ શસ્ત્રો એકઠા કરવાનું શરૂ કરી દીધું હતું. 

ઇઝરાયલને આધુનિક શત્રોથી સજ્જ બનાવનાર અમેરિકા જ છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રીસર્ચના જણાવ્યા અનુસાર, ૨૦૧૯થી ૨૦૨૩ દરમ્યાન ઇઝરાયલે જે બહુ ઉપયોગી શસ્ત્રોની આયાત કરી તેમાંથી ૬૯ ટકા જેટલાં  એકલા અમેરિકા પાસેથી મેળવ્યાં હતાં. અમેરિકાએ  ઇઝરાયલને ૧૦ વર્ષના કરાર હેઠળ  પરંપરાગત હથિયારો માટે વાર્ષિક ૩.૮ અબજ ડોલરની સહાય  કરી છે.

ગઈ ૭ ઓક્ટોબરે હમાસે ઇઝરાયલ પર હુમલો કરીને ૧૨૦૦ લોકોની હત્યા કરી અને ૨૫૧ લોકોને બંદી બનાવ્યા ત્યારથી યુદ્ધની શરૂઆત થઇ હતી. ગાઝા પર થયેલા હુમલામાં કુલ ૪૦,૦૦૦ લોકો માર્યા ગયા છે.

ઇઝરાયલે કહ્યું હતું કે અમે માનવસંહાર ન થાય તેનો ખ્યાલ રાખીએ છીએ, પણ હમાસ નાગરિકોનો ઢાલ બનાવીને ઉપયોગ કરતા હોવાથી નિર્દોષ લોકો મોતને ભેટે છે. યુદ્ધમાં આવી સામસામી આક્ષેપબાજી ચાલ્યા કરતી હોય છે. કોણ કેટલું સાચું ને કોણ કેટલું જુઠ્ઠું તે તો યુદ્ધના અંતે કુલ નુક્સાનની ગણત્રી થશે તે પછી જ ખ્યાલ આવશે. 

ઇરાન સાથે યુદ્ધ કરવામાં ઇઝરાયલ દરરોજ અંદાજે એક બિલિયન ડૉલર (૮૫૭૦ કરોડ રૂપિયા) ખર્ચે છે. માત્ર મિસાઇલ હુમલો અટકાવવા પાછળ જ રોજ ૨૦૦ મિલિયન ડોલર ખર્ચાય છે. યુદ્ધના સમયમાં આર્થિક તંત્ર ડામાડોળ રહે છે. ઇરાન પણ યુદ્ધ પાછળ રોજ ૪ મિલિયન ડોલરનો ખર્ચ કરે છે. યુદ્ધ લાંબું ચાલશે તો ઇરાન અને ઇઝરાયલ બંનેનું દેવું વધી ગયું હશે અને આર્થિક સ્થિતિ ડામાડોળ બની ચૂકી હશે. કોઇ પણ દેશને યુદ્ધ પોસાતું નથી તે જાણવા છતાં હાલ પાંચ દેશો યુુદ્ધે ચઢ્યા છે: રશિયા-યુક્રેન અને ઇઝરાયલ-ઇરાન-અમેરિકા. ભારતે પાકિસ્તાનને થોડો ચમત્કાર બતાવીને ઓપરેશન સિંદૂરને સંકલી લીધું ને આ રીતે દેશના અર્થતંત્રને કોઇ આંચ આવવા દીધી નથી તે પ્રશંસનીય કહી શકાય.