Editorial

મસ્ક ઉવાચઃ આગામી વર્ષોમાં લોકો કરતાં રોબોટની સંખ્યા વધારે હશે

By GS TEAM
24 Jan 20263 mins read
મસ્ક ઉવાચઃ આગામી વર્ષોમાં લોકો કરતાં રોબોટની સંખ્યા વધારે હશે

- પરેડમાં  પીઠ પર રાઇફલ બાંધેલા રોબોટિક ડોગ

- પ્રસંગપટ

- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સ એક સાથે કદમ મિલાવી રહ્યા છે તેનું પરિણામ

આગામી વર્ષોમાં તમારી આસપાસ માણસોની સંખ્યા કરતાં રોબોટ વધારે ફરતાં હશે તો તમને કેવું લાગશે? કેટલીક વાતો સાયન્સ ફિક્શન જેવી લાગે છેે, પરંતુ જે રીતે ટેકનોલોજી આગળ વધી રહી છે તે રીતે જોતાં રોજીંદી કામગીરીમાં રોબોટનું પ્રભુત્વ વધશે  તેવી સંભાવના હકીકત બન્યા વગર રહેવાની નથી. તાજેતરમાં દાવોસ ખાતે મળેલી વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ટેસ્લા કાર ફેઇમ અબજોપતિ ઇલોન મસ્કે કહ્યું હતું કે આગામી વર્ષોમાં લોકો કરતાં રોબોટની સંખ્યા વધુ હશે!

ટેકનોલોજીની દુનિયામાં ઇલોન મસ્ક જે કંઈ કહે તેને બ્રહ્મવાકય સમજવામાં આવે છે, કેમ કે તેમની વાતો નક્કર સંશોધનો અને વિકસી રહેલી ટેકનોલોજી પર આધારિત હોય છે. આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ અને રોબોટિક્સ એક સાથે કદમ મિલાવી રહ્યાં છે. આ સાઝેદારી આર્થિક, લશ્કરી અને અન્ય ક્ષેત્રોમાં મોટી ઉથલપાથલ લાવી શકે છે. મસ્કની આગાહીમાં દમ એટલા માટે છે કે તેમની ટેસ્લા કારના કારખાનામાં રોબોટ આગામી બાર મહિનામાં જટિલ કહી શકાય તેવાં કામો પણ કરવા માંડશે. 

માણસનાં ઘણાં કામ રોબોટ કરી રહ્યા છે તે હકીકત છે, પરંતુ કેટલાક જટિલ કામ એવાં છે, જે માણસ દ્વારા જ થઈ શકતાં હતાં. હવે સમય બદલાઈ ગયો છે. હવે રોબોટ ખાસ્સા અટપટાં અને અઘરાં કહી શકાય એવાં કામો કરી શકે તે માટેે છૈંની મદદ લેવાઈ રહી છે. 

મસ્ક કહે છે કે આગામી વર્ષોમાં અમે માણસ જેવાં લક્ષણો ધરાવતા રોબોટ વેચવા મૂકવાનું આયોજન કરવાના છીએ. એક સમય એવો આવશે જ્યારે સ્માર્ટફોનની જેમ સૌ કોઈ પોતાની સાથે એક રોબોટ રાખવાનું વિચારવા લાગશે. મસ્કે આગાહી કરી છે કે આગામી વર્ષોમાં માણસ કરતાં રોબોટની સંખ્યા વધારે હશે. મસ્કની આ વાતને હકીકત બનવામાં ઝાઝી વાર લાગવાની નથી.

રોબોટનો ઉપયોગ કરવામાં એમેઝોન અગ્રેસર છે. ઓટોમોબાઇલ કંપનીઓનાં કેટલાંક સેકશનમાં માત્ર રોબોટ કામ કરતા હોય છે. તેમાં માણસો માત્ર ઓપરેટિંગ સિસ્ટમમાં ગોઠવાયેલા હોય છે. એમેઝોન આગામી દસ વર્ષમાં ૧૦ લાખ જેટલા રોબોટ કામે લગાડવા માટે રોકાણ કરી રહ્યું છે. વોલમાર્ટ અને યુપીએસ જેવી કંપનીઓ પણ રોબોટિક સિસ્ટમમાં ઇન્વેસ્ટ કરી શકે છે. 

એમેઝોને એક દાયકા અગાઉ તેમના વેરહાઉસમાં રોબોટનો ઉપયોગ શરૂ કર્યો હતો. તે વખતે રોબોટ માણસને રિપ્લેસ કરશે એવું લાગતું નહોતું. ક્રમશઃ રોબોટ જટિલ કામો પણ કરવા લાગ્યાં ને માણસોની નોકરી પર ખતરો વધવા લાગ્યો. લાગે છે કે એમેઝોનમાં રોબોટનું ધાડું માનવ કામદારોની નોકરી આંચકી લેશે. હાલ એમેઝોનના મોટા ભાગના ઓનલાઇન ઓર્ડર રોબોટિક આસિસ્ટન્ટની મદદથી સપ્લાય કરવામાં આવે છે. એક સમયે એમેઝોન નેટ જોબ ક્રિયેટરની યાદીમાં આવતું હતું, પણ રોબોટના વધુ પડતા ઉપયોગ બાદ તે નેટ જોબ ડિસ્ટ્રોયરની યાદીમાં આવી જશે.

રોબોટનો સૈાથી વધુ ઉપયોગ કરતા દેશમાં સાઉથ કોરિયા ટોપ પર આવે છે. ભારતમાં પણ ઓટો કંપનીઓ વન-ટુ-વન આદેશનું પાલન કરતા રોબોટ વાપરતા થઇ છે.

મસ્કની રોબોટની પ્રગતિ વિશેની વાત શક્ય એટલા માટે પણ લાગે છે કે ગઇકાલે રિપબ્લિક ડેની રિહર્સલ પરેડમાં પીઠ પર રાઇફલ બાંધેલા રોબોટિક ડોગને જોઇને લોકો અચંબામાં પડી ગયા હતા. આ યાંત્રિક લશ્કરી શ્વાનો કૂચકદમ કરી રહ્યા હતા. આ ચતુર્ભુજ રોબોટ અત્યાધુનિક ટેકનોલોજીની કમાલ છે. તેમના પર મૂવીંગ કેમેરા ફિટ કરેલા હોય છે. ચાર પગવાળા આ રોબોટિક ડોગ ભારતીય લશ્કરી જવાનો સાથે ૨૬મી જાન્યુઆરીએ કર્તવ્ય પથ પરની પરેડમાં માર્ચ કરતા જોઇ લોકો ટેકનોલોજીને પણ સેલ્યુટ કરતા થઇ જશે.

ભારતીય સૈન્યમાં ૧૦૦ જેટલા રોબોટિક ડોગ સામેલ કરાયા છે. ઓટોમેટિક શસ્ત્રોની યાદીમાં રોબોટ ડોગને મૂકાવામાં આવ્યા છે. રાઇફલ ધારણ કરેલા આ ડોગ માત્ર બોંબ શોધવાના જ કામમાં નહીં આવે, બલ્કે એ ખૂણેખાંચરે છૂપાયેલા દુશ્મનોને ફૂંકી મારવાની ક્ષમતા પણ ધરાવે છે. બોંબ સ્કોવ્ડમાં તો તેમનો ઉપયોગ થશે જ. છાશવારે સ્કૂલો ઇત્યાદિ ફૂંકી મારવાની ધમકી મળે છે ત્યારે છાનબીન કરવા માટે આ ડોગ સ્ક્વોડનો ઉપયોગ કરી શકાશે.

ચારપગવાળો આ રોબોટ ગમે તેવી ખડકાળ જમીન પર દોડી શકે છે. ત્રાસવાદીઓને રોબોટ ડોગનો સામનો કરતા નહીં આવડે અને તેમનો ખાત્મો બોલી જશે. રોબોટ ડોગના કારણે લશ્કરમાં કામ કરતા મહામૂલા જવાનોની જીંદગી બચી શકે છે.