Editorial

58,881 લોકોએ ઘર છોડયા, 174 રાહત શિબિરો ઊભી કરવી પડી

By GS TEAM
24 Apr 20263 mins read
58,881 લોકોએ ઘર છોડયા, 174 રાહત શિબિરો ઊભી કરવી પડી

- કરોડો ખર્ચાયા છતાં મણિપુરની અશાંતિ ઠેરની ઠેર 

- પ્રસંગપટ

- વિદેશના એજન્ટો તોફાનીઓને શસ્ત્રો અને પૈસા પૂરા પાડીને ભારતને ડામાડોળ કરવાનો પ્રયાસ કરે છે

પાંચ દિવસના શટડાઉનના કારણે મણિપુરની અશાંતિ તરફ દેશનું ધ્યાન ખેંચાયું છે. ગઇ ૭ એપ્રિલે બિશનપુર જીલ્લામાં થયેલા વિસ્ફોટમાં એક પાંચ વર્ષના છોકરા અને  પાંચ માસની બાળકીનું મોત થતાં માંડ શાંત પડેલી સ્થિતિ ફરી પાછી સ્ફોટક બની ગઇ છે. કરોડો રૂપિયા શાંતિ પાછળ ખર્ચાયા હોવા છતાં સળગતું મણિપુર ઠેરનું ઠેર છે.  લખખૂટ નાણું રાહત પેટે વાપર્યા પછી પણ મણિપુરમાં શાંતિ લાવી શકાઇ નથી. જે બે જૂથો લડી રહ્યા છે તેમની વચ્ચે વંશીય તિરાડ અને વિશ્વાસનો અભાવ છે.

સમાધાન માટે રાજકીય ઇચ્છાશક્તિના અભાવે મણિપુરમાં હિંસા હવે સામાન્ય બની ગઇ છે. એક આરટીઆઇ અનુસાર મણિપુરમાંથી ૨૩ માર્ચ ૨૦૨૬ સુધીમાં ૫૮,૮૮૧ લોકો ઘર છેાડીને અન્ય સલામત સ્થળે ગયા હતા. કેટલાક ડરના માર્યા ઘર છોડી ગયા હતા, તો કેટલાક પોતાના કુટુંબની સલામતી માટે આગોતરી સલામતીના ભાગરૂપે સ્થળાંતર કરી ગયા હતા. કુલ ૭,૮૯૪ ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યાં છે અને ૨,૬૪૬ ઘરોને આંશિક નુકસાન થયું છે. 

૧૦ માર્ચ સુધીમાં રાજ્યમાં કુલ ૧૭૪ રાહત શિબિરો કાર્યરત હતી. મણિપુર પોલીસ હાઉસિંગ કોર્પોરેશન દ્વારા ૩,૦૦૦ પ્રી-ફેબ્રિકેટેડ ઘરોનું નિર્માણ કરવામાં આવ્યું છે.

રાહત શિબિરોના સંચાલન માટે ગૃહ મંત્રાલય દ્વારા ૨૧૭.૪ કરોડ જાહેર કરવામાં આવ્યા છે.

પુનર્વસન પેકેજ હેઠળ ૫૨૩ કરોડ મંજૂર કરાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં ૧૨૪.૫૦ કરોડ ફાળવવામાં આવ્યા છે.

જે બે જૂથો લડી રહ્યા છે તે મૈતેઈ સમુદાય (મુખ્યત્વે ખીણ વિસ્તારમાં) અને કુકી આદિવાસી સમુદાય (મુખ્યત્વે પહાડી વિસ્તારોમાં) વચ્ચે ઐતિહાસિક વિભાજન છે, જે ઓળખ અને વિસ્થાપનના ભયને કારણે વધુ વકર્યું છે. અનામત  વિવાદના પગલે બંને જૂથો વચ્ચેના મતભેદોની તીરાડ વધુ મોટી થઇ હતી. 

૨૦૨૩માં કોર્ટના એક નિર્દેશ બાદ હિંસક અથડામણો ફાટી નીકળી હતી, જેમાં મૈતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતિ (જી્)નો દરજ્જો આપવાની શક્યતા હતી. કુકી સમુદાયને ડર હતો કે આનાથી બહુમતી સમુદાય તેમની જમીન અને નોકરીઓ છીનવી લેશે. પહાડી અને ખીણ વિસ્તારોમાં જમીનના ઉપયોગ અને નિયંત્રણ અંગેના જૂના મુદ્દા આ સંઘર્ષમાં વધુ તીવ્ર બન્યા છે.

સ્થાનિક સશસ્ત્ર જૂથોની હાજરી, ભય અને વેરની ભાવનાને કારણે  હિંસાને કાબૂમાં લેવી મુશ્કેલ બની ગઈ છે. સરહદી વિસ્તારોમાં બે જૂથો લડતા હોય ત્યારે વિદેશી એજન્ટો તેમને શો અને પૈસા વગેરે પૂરા પાડીને દેશની આંતરિક શાંતિને ડામાડોળ કરવાનો  પ્રયાસ કરતા હોય છે.

મણિપુર વંશીય આધારે ઊંડાણપૂર્વક વહેંચાયેલું છે, જેના કારણે બંને જૂથો વચ્ચે સંપર્ક અને સમાધાન અશક્ય જેવું બની ગયું છે.

રાજ્ય અને કેન્દ્ર સરકારોના પ્રયાસો અસરકારક નથી નીવડયા અને બંને પક્ષે તટસ્થતા જાળવવામાં સરકારની નિષ્ફળતા અંગે ટીકાઓ થઈ છે, જેના કારણે લોકોનો સ્થાનિક કાયદા અમલીકરણ એજન્સીઓ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. 

મણિપુરમાં મે-૨૦૨૩થી ચાલી રહેલી હિંસા હવે નાગા સહિતના કેટલાક વિસ્તારોમાં ફેલાઇ છે, જે સરકાર માટે ચિંતાનો વિષય બની ગઇ છે. યુનાઇટેડ નાગા કાઉન્સિલે સોનાપતિ જીલ્લામાં જ્યારે ૭૨ કલાક બંધનું એલાન આપ્યું ત્યારે સલામતી દળો સાથે ઘર્ષણની ઘટનાઓ નોંધાઇ હતી.

ઇમ્ફાલ શહેરના દક્ષિણના વિસ્તારોમાં ડ્રોન અને રોક્ટ હુમલાની ઘટનાએા એવો સંકેત આપે છેકે બળવાખોરો વધુ તાકાત ધરાવતા થયા છે. બળવાખોરો પાસે જ્યારે ડ્રોન અને રોકેટ જેવા હુમલો કરવાનાં સાધનો આવે ત્યારે તેને ઓપરેટ કરવાની તાલીમ પણ અપાઇ હશે એમ મનાય છે.

મણિપુરમાં શાતિ લાવવાના પ્રયાસો અધકચરાં સાબિત થયા છે. બળવાખોરો પાસે ડ્રોન અને રોકેટ જેેવા શસ્ત્રો પહેંાચે તે બતાવે છે કે પડદા પાછળ દેશવિરોધી તત્ત્વો મણિપુરની અશાંતિનો લાભ લેવાનો પ્લાન કરીને બળવાખોરો સાથે હાથ મિલાવી રહી છે.મણિપુરની શાંતિને અવારનવાર ડહોળવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારના પ્રયાસો અંધારામાં ગોળીબાર સમાન પૂરવાર થયા છે.