ઓઈલની સમસ્યા પછી હવે ખેંચાતો વરસાદ મોંઘવારી વધારતું પરિબળ

- વરસાદનો કોઇ વિકલ્પ સરકાર પાસે નથી
- પ્રસંગપટ
- અખાતી યુદ્ધના કારણે ઓઇલનો સપ્લાય ડામાડોળ થતાં અર્થતંત્ર લપસી પડવાની સ્થિતિમાં આવી ગયું હતું
ભારતના રાજકારણમાં ડબલ એન્જિનની સરકાર વિશે આપણે બહુ સાંભળ્યું છે. કેન્દ્ર અને રાજ્યમાં એક જ પક્ષની સરકાર હોય તો કેટલાક વિવાદો આપોઆપ ઠંડા પડી જાય છે. જેમ ડબલ એન્જિનની સરકાર ઉપયોગી છે, એમ ડબલ મારનો ડોઝ વિનાશક બની શકે છે અને તેનો બોજ પ્રજાએ સહન કરવો પડે છે. એક સમય હતો કે ભારતના લોકોને સોના-ચાંદીની કિંમતમાં રસ રહેતો હતો, પરંતુ છેલ્લાં કેટલાક વર્ષોથી લોકો ઓઇલના ભાવોમાં પણ રસ લઈ રહ્યા છે.
દેશના લોકો એટલું સમજતા થઈ ગયા છે કે ઓઇલના ભાવોની સાથે રોજિંદા વપરાશમાં આવતા પેટ્રોલ-ડીઝલ વગેરેના ભાવોની વધ-ઘટ થતી હોય છે. એક સમયે એમ લાગતું હતું કે ઓઇલના ભાવો મોંઘવારી વધારી રહ્યા છે, તેના કારણે ઓઇલ ખલનાયક તરીકે ચિતરાતું હતું, પરંતુ મોંઘવારી વધારતાં મુખ્ય પરિબળોમાં માત્ર ઓઇલ નથી, પરંતુ ખેંચાતો વરસાદ, અલ નીનોની અસર અને વૈશ્વિક ઉથલપાથલો પણ મહત્ત્વનાં બની રહે છે. શિક્ષણની માત્રા વધવાના કારણે લોકો મોંઘવારીનાં પરિબળોને ઓળખતા થયા છે અને મોંઘવારીના રાક્ષસને કઈ રીતે નાથી શકાય તેની ચર્ચા કરતા થયા છે.
અખાતી યુદ્ધના કારણે ઓઇલનો સપ્લાય ડામાડોળ થતાં ભારતનું અર્થતંત્ર પણ લપસી પડવાની સ્થિતિમાં આવી ગયું હતું અને ચાર વાર પેટ્રોલ-ડીઝલના ભાવોમાં વધારો જોવા મળ્યો હતો. શેરબજાર પણ ડામાડોળ જણાતું હતું, કેમ કે વૈશ્વિક અર્થતંત્રમાં પણ નરમાઈ જોવા મળતી હતી તેમજ વિદેશી રોકાણકારો શેરબજારમાંથી મોં ફેરવીને રોકાણ પાછું ખેંચવા લાગ્યા હતા. ઓઇલની પકડમાંથી માંડ મુક્ત થઈ રહેલું અર્થતંત્ર હવે મેઘરાજાની પકડમાં આવી ગયું છે. એવું લાગે છે કે ભારત પર મોંઘવારીનો માર વધારતી શક્તિઓ ટાંપીને બેઠી છે. અમેરિકા અને ઇરાન વચ્ચે સમાધાન થતાં હોર્મુઝની ખાડીમાં અટવાયેલો ઓઇલનો ડામાડોળ થયેલો સપ્લાય થોડો સ્થિર થયો હતો. ભારત રાહતનો દમ લે ત્યાં સુધીમાં તો વરસાદ ખેંચાઈ ગયો હોવાના અને અલ નીનોની ઇફેક્ટના અહેવાલો ફરતા થઈ ગયા હતા.
આ વર્ષે વરસાદ ઓછો છે અને સમયસર નથી, તેની કૃષિ ઉત્પાદનો પર ફટકો પડવાનો છે એવી આગાહીઓ સાચી પડી રહી હોય એમ લાગે છે. ખેંચાતો વરસાદ કૃષિ ઉત્પાદનો માટે મૃત્યુઘંટ સમાન છે. જૂનની શરૂઆતથી વરસાદી વાતાવરણ ઊભું થવાના બદલે ૪૪ ડિગ્રી ગરમીમાં ધરતી સુકાતી હતી. ૧૬ જૂને વરસાદની શરૂઆત થાય તેના બદલે આ લખાય છે ત્યાં સુધી એટલે કે ૨૨ જૂન સુધી વરસાદના કોઈ અહેવાલો જોવા મળતા નથી.
સરકાર કદાચ ઓઇલના ડામાડોળ સપ્લાયને પહોંચી શકે છે, પરંતુ વરસાદની સમસ્યાને પહોંચી વળે એમ નથી. ઓઇલના વિકલ્પ રૂપે સરકારે એનર્જીના અન્ય સોર્સ ઊભા કરવામાં રસ લીધો હતો, પરંતુ વરસાદનો કોઈ વિકલ્પ સરકાર પાસે નથી. બંધો ઊભા કરીને સરકારે પાણીનો પ્રશ્ન થોડો હળવો બનાવ્યો છે, પરંતુ વરસાદ આધારિત ખેતી અને પર્વતીય વિસ્તારોમાં થતી ખેતી પર આ વર્ષે મોટો ફટકો પડવા જઈ રહ્યો છે. સમયસર વરસાદ પડશે તેવી આશાએ વાવણી કરવા તૈયાર થયેલા ખેડૂતના ભાગે નિરાશા આવી છે.
વરસાદ મુંબઈ સુધી આવી ગયો છે માટે ત્રણ-ચાર દિવસમાં તે ગુજરાતની ધરતીને ભીની કરે એવો વર્તારો જોવા મળે છે. આ વર્ષે પ્રજા ગરમીથી ત્રાહિમામ પોકારી ગઈ છે. પૃથ્વી પરના દરેક જીવો સખત ગરમીના કારણે શોષાતા આવ્યા છે. દરેક આકાશ તરફ મીટ માંડીને બેઠા છે, પરંતુ તેમની વરસાદ માટેની આશા ઠગારી નીવડી છે. તુચક્ર બદલાઈ રહ્યું છે. વર્ષાતુના દિવસો અનિયમિત અને ઓછા થઈ રહ્યા છે. ગરમીની તુના દિવસો વધી રહ્યા છે. ગરમી એવી કાળઝાળ હોય છે કે ધરતી પરના જીવો ત્રાહિમામ્ પોકારી રહ્યા છે.
દર વર્ષે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. સરકાર વૃક્ષારોપણ મારફતે વરસાદની તુને સ્થિર કરવા મથે છે, પરંતુ ઔદ્યોગિક વિકાસના પગલે શહેરી વિસ્તારો પ્રસરી રહ્યા છે અને જંગલોનો નાશ થઈ રહ્યો છે. વૃક્ષારોપણની સાથે વૃક્ષછેદનનો કાર્યક્રમ પણ ચાલી રહ્યો છે તે કમનસીબી કહી શકાય. વરસાદી પાણી વેડફાઈને સમુદ્રમાં જતું રોકવાના વિવિધ પ્રયોગો સફળ થયા છે. વરસાદી પાણીને જમીનમાં ઉતારવાના પ્રયોગો મકાન પર સોલાર પેનલ ફિટ કરાય તેટલા સરળ હોવા જોઈએ. હાલમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવાની સિસ્ટમોને કાર્યરત બનાવવાની અને વરસાદની વધતી અનિશ્ચિતતા સામે જંગ શરૂ કરવાનો સમય આવી ગયો છે.








