યોગ વન-ડે ગેમ નથી: યોગસાધના સિદ્ધ કરવા ધીરજ અને સાતત્ય અનિવાર્ય છે

- રવિવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવાશે
- યોગી આદિત્યનાથ નિયમિતપણે યોગાભ્યાસ કરે છે. નરેન્દ્ર મોદી અનુલોમ-વિલોમને વિશેષ મહત્ત્વ આપે છે
- પ્રસંગપટ
આવતી કાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એ ૨૦૧૫થી દર વર્ષે ૨૧ જૂનના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. વર્ષ ૨૦૧૪માં સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં યોગ દિવસની વિધિવત જાહેરાત થયા પછી વર્ષ ૨૦૧૫થી આ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. યોગ એક શારીરિક, માનસિક અને આધ્યાત્મિક અભ્યાસ છે, જેની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી. યોગ એ વનડે ગેમ નથી. તેના લાભ લેવા તે લાંબો સમય નિયમિત કરવા પડે અને લાઇફ સ્ટાઇલનો એક મહત્વનો ભાગ બનાવવો જોઇએ. ભારતના રાજકારણમાં નિયમિત યોગ કરનારામાં યોગી આદિત્યનાથ મોખરે આવે છે. વડાપ્રધાન મોદી અનુલોમ વિલોમને મહત્વ આપે છે.
૧૧ ડિસેમ્બર, ૨૦૧૪ના રોજ ભારતના કાયમી પ્રતિનિધિ અશોક મુખરજીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પ્રસ્તાવના મુસદ્દાને રજૂ કર્યો હતો. આ મુસદ્દાના લખાણને ૧૭૭ સભ્ય રાષ્ટ્રોનો વ્યાપક ટેકો મળ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૭ સપ્ટેમ્બર, ૨૦૧૪ના રોજ સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં પોતાના ભાષણમાં યોગનું મહાત્મ્ય સમજાવીને કહ્યું હતું કે યોગ એ ભારતની પ્રાચીન પરંપરાની એક અમૂલ્ય ભેટ છે. તે મન અને શરીર, વિચાર અને ક્રિયા, સંયમ અને પરિપૂર્ણતા, મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચે સુમેળ સ્થાપે છે, એટલું જ નહીં સ્વાસ્થ્ય તથા સુખાકારી માટે સંપૂર્ણ અભિગમની એકતાને મૂતમંત કરે છે.
નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રના સંબોધનમાં ૨૧ જૂનની તારીખ સૂચવી હતી, કારણ કે તે ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ છે અને વિશ્વના ઘણા ભાગોમાં તેનું વિશેષ મહત્વ છે.
યોગ એ માત્ર અંગકસરત નથી, પરંતુ યોગ દ્વારા પોતાની જાત સાથે, વિશ્વ અને પ્રકૃતિ સાથે એકતાની ભાવના શોધવાની છે.
કથા કંઈક એવી છે કે, શિવ વર્ષોથી એકાગ્રપણે ધ્યાનમાં બેઠા હતા. ઘણા લોકો કુતૂહલથી તેમની આસપાસ ઉમટયા, પરંતુ શિવજીએ સહેજ પણ ધ્યાન ન આપ્યું એટલે તેઓ જતા રહ્યા. ફક્ત સાત વ્યક્તિઓ શિવજી પાસે રહી. તેઓ શિવ પાસેથી શીખવા માટે એટલા દ્રઢનિશ્ચયી હતા કે તેઓ ૮૪ વર્ષ સુધી સ્થિર રહ્યા. તે પછી, ઉનાળાના જ્યારે સૂર્ય ઉત્તરથી દક્ષિણ તરફ સ્થળાંતર કરી રહ્યો હતો ત્યારે શિવે આ સાત જીવોની નોંધ લીધી. શિવ હવે તેમને અવગણી શકે તેમ નહોતા. ત્યાર બાદ ૨૮ દિવસે શિવ આદિગુરુ (પ્રથમ ગુરુ) બન્યા અને પેલા સપ્તષઓમાં યોગ વિજ્ઞાનનો સંચાર કર્યો.
૨૧ જૂન ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ છે, પણ દક્ષિણ ગોળાર્ધમાં સૌથી ટૂંકો છે. ભારતીય કેલેન્ડરોમાં, ઉનાળાનો અયનકાળ દક્ષિણાયનમાં સંક્રમણને ચિહ્નિત કરે છે. ઉનાળાના અયનકાળ પછીની બીજી પૂણમાને ગુરુ પૂણમા તરીકે ઓળખવામાં આવે છે. હિન્દુ પૌરાણિક કથાઓમાં આદિ યોગી શિવે આ દિવસથી જ માનવજાતને યોગનું જ્ઞાન આપવાનું શરૂ કર્યું હોવાનું માનવામાં આવે છે.
ઓનલાઇન યોગ ક્લાસીસ ચલાવનારાઓનો રાફડો ફાટયો છે. શ્રી શ્રી રવિશંકરે વિકસાવેલી સુદર્શન ક્રિયા લોકપ્રિય સાબિત થઈ છે. સૂર્ય નમસ્કાર એ યોગિક ક્રિયાનું એક મહત્ત્વનું અંગ છે.
ઈશા ફાઉન્ડેશનના સ્થાપક, સદગુરૂ કહે છે કે, માનવીની આંતરિક સુખાકારી માટે વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો જોઈએ, અને યોગ તે માટે એક પ્રકારનો શિલાન્યાસ હોઈ શકે છે. યોગ સમગ્ર વિશ્વ માટે ઉપયોગી છે. યોગ એ સમગ્ર માનવતા માટે આ એક જબરદસ્ત પગલું છે.
શ્રી શ્રી રવિશંકરે મોદીના પ્રયાસોની પ્રશંસા કરી છે. તેઓ કહે છે કે, કોઈ પણ ફિલસૂફી, ધર્મ કે સંસ્કૃતિ માટે રાજ્યના આશ્રય વિના ટકી રહેવું ખૂબ જ મુશ્કેલ છે.
યોગ, અલબત્ત, આરંભે શૂરા થતા લોકો માટે કંટાળાજનક બની શકે છે. બાકી યોગ નિયમિતપણે કરવામાં આવે તો ડાયાબિટીસ જેવા રોગોને નાથી શકાય છે.








