Editorial

અધિક માસમાંશ્રદ્ધાળુઓનો ભક્તિભાવ વધ્યોઃ ગ્રામીણ આવકમાં વધારો

By GS TEAM
18 Jun 20263 mins read
અધિક માસમાંશ્રદ્ધાળુઓનો ભક્તિભાવ વધ્યોઃ ગ્રામીણ આવકમાં વધારો

- રામ મંદિરમાં પહેલીવાર મિયાઝાકી મેંગો અર્પણ કરાઇ 

- પ્રસંગપટ

- ધાર્મિક સ્થળના વેપારીઓ અધિક માસમાં થતી આવકને દિવાળીના તહેવારોમાં થતી આવક સાથે સરખાવે છે

અધિક મહિનો વિદાય લઈ ચૂક્યો છે. મોટાભાગનાં મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભીડ લગભગ અડધી થઈ ગઈ છે. અધિક મહિનામાં મંદિરોની આવક ત્રણ ગણી થઈ હોવાનું મનાય છે. જે પવિત્ર મંદિરો ગામડામાં ઊભાં છે તે ગામના લોકોની આવકમાં પણ બમણો વધારો થયો છે. ધામક સ્થળોને અધિક માસ ફળ્યો છે. બે દિવસ અગાઉ વિદાય લેનારા અધિક માસમાં ભલે શુભ કામોનો નિષેધ હતો, પરંતુ દર્શન-પૂજન તેમજ દાન-દક્ષિણા આપાવા જેવી ધાર્મિક ક્રિયાઓ લોકોએ મન ભરીને કરી.  અધિક માસના છેલ્લા દિવસે આવેલી સોમવતી અમાસના દિવસે મંદિરોમાં દાનનો વરસાદ વરસ્યો હતો એમ કહી શકાય.

દર ત્રણ વર્ષે અધિક માસ આવે છે. અધિક માસમાં કરવામાં આવતા પૂજન-દાન વગેરેનો મહિમા સતત વધી રહ્યો છે. અધિક સાસમાં કરેલું પૂજન અને દાન વિશેષ ફળ આપે છે તેવી શ્રદ્ધામાં જાણે કે ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ગુજરાતનાં મંદિરો, ખાસ કરીને ડાકોર, દ્વારકા, સોમનાથ, વડતાલ, અંબાજીનાં મંદિરોમાં લાખો દર્શનાર્થીઓ ઉમટયા હતા. અધિક માસમાં કાળઝાળ ગરમીનો અનુભવ થતો હોવા છતાં દર્શનાર્થીઓ પર તેની કોઈ અસર થઈ નહોતી.

મંદિરો ગામડાના અર્થતંત્રને વેગ આપતાં હોય છે અને અધિક માસના સમયમાં આ વેગ બમણો બનતો હોય છે. ગુજરાતનાં અનેક નાનાં-મોટાં શહેરોમાંથી ધામક પ્રવાસોનાં આયોજન થયાં હોય છે. ગામડાંના અર્થતંત્રને મંદિરો વેગવંતું રાખે છે. લોકો વધુ દાન કરવા માટે પ્રેરાય આશય ઉત્સવોના ગર્ભમાં છુપાયેલો હોય છે.

લોકો વિવિધ રીતે પોતાની શ્રદ્ધા અનુસાર ભગવાનને ચીજો અર્પણ કરતા હોય છે. અયોધ્યામાં એક કિસાન ભગવાનને સોનું કે ઝવેરાત ચઢાવવાના બદલે એક લાખ રૂપિયાની મિયાઝાકી પ્રકારની કેરી અર્પણ કરી હતી. મિયાઝાકી જાપાનની દુર્લભ કેરી છે. વિશ્વની આ સૌથી મોંઘી કેરી છે. વિશ્વમાં તે 'એગ ઓફ ધ સન' તરીકે ઓળખાય છે. અયોધ્યાના રામ મંદિરમાં પહેલીવાર મિયાઝાકી કેરી અર્પણ કરાઈ હોય તેવો આ પહેલો પ્રસંગ હતો. 

અયોધ્યાના સ્થાનિક કિસાને જાપાનથી મિયાઝાકીની કલમો લાવીને તેનું ઉત્પાદન કર્યું હતું. મિયાઝાકીના પાક માટે ભારતનું હવામાન અનુકૂળ નથી હોતું, પરંતુ કિસાને સખત મહેનત કરીને તેનાં વૃક્ષો ઉછેર્યાં હતાં. પાંચ વર્ષ બાદ તેના પર ફળ આવ્યાં હતાં. વૈશ્વિક બજારમાં મિયાઝાકી કેરીના એક કિલોનો ૨.૫થી ૩ લાખનો ભાવ ઉપજે છે. એક મિયાઝાકી કેરીની કિંમત એક લાખ રૂપિયા હોઈ શકે છે અને તેથી જ તેને વિશ્વની સૌથી મોંઘી કેરી હોવાનું વિશેષણ મળ્યું છે. તુલસીના પાંદડાની બેઠક બનાવીને તેના પર મિયાઝાકી કેરી મૂકીને તે ભગવાન રામને અર્પણ કરાઈ હતી. મિયાઝાકી રસપ્રચૂર હોવાની સાથે તેમાં પોષક તત્ત્વો પણ બહુ મોટી માત્રામાં હોય છે. આપણે ત્યાં પહેલો પાક ભગવાનને અર્પણ કરવાની આમેય પરંપરા છે.

અધિક મહિનો પૂરો થતાં કેટલાંક શુભ કામો પરના પ્રતિબંધો દૂર થયા છે. અધિક માસ દરમિયાન મંદિરો સાથે જોડાયેલા નાના-મોટા તમામ બિઝનેસને તેજીનો અનુભવ થયો છે. ટ્રાવેલ બિઝનેસ સાથે સંકળાયેલા લોકોને અધિક માસ નિમિત્તે વિવિધ ધામક પ્રવાસ કાર્યક્રમોના વધુ ઓર્ડર મળ્યા હતા.

કોઈ પણ ધામક સ્થળ લો. ઉદાહરણ તરીકે દ્વારકા કે ડાકોર. અહીંના સ્થાનિક લોકોને પાકગથી માંડીને ઠંડું પાણી પીવડાવવા સુધી કે ચાની રેંકડી સુધીના, કોઈ રોકાણ વિનાના બિઝનેસમાં સારી એવી કમાણી થઈ હતી. સામાન્ય રીતે તહેવારોના સમયમાં ધામક સ્થળોની આવક વધતી હોય છે, પરંતુ અધિક માસમાં સતત ત્રીસ દિવસ સુધી શ્રદ્ધાળુઓનો ઘસારો જોવા મળે છે, જેના પગલે આવક પણ વધતી રહે છે.

ખાનગી દુકાનદારો પોતાની આવક જાહેર નથી કરતા, પરંતુ ધામક સ્થળે આવતા લોકો વિવિધ ખરીદી કરતા હોય છે. પ્રસાદ ઘર લઈ જવાનો, પૂજન સામગ્રી, રસોઈમાં વપરાતાં વાસણો, કપડાં, ચા-નાસ્તો-ભોજન વગેરે જેવી બાબતોમાં ખર્ચ કરવામાં આવતો હોય છે.  ધાર્મિક પ્રવાસે જઈએ એટલે ટિકિટભાડા  અને ઉતારા ઉપરાંત બીજા ઘણા ખર્ચ થતા હોય છે, જેમાં હજારો રૂપિયા વપરાય છે.  કુટુંબ સાથે ગયેલા લોકો સામાન્યપણે હાથ છૂટો રાખે છે. કે જેથી યાત્રા સંતોષજનક સાબિત થાય. 

ધારો કે કોઈ પરિવાર જે-તે ધાર્મિક સ્થળે કુલ પાંચ હજાર રૂપિયાનો ખર્ચ કરે તો તે નાણું તે સ્થળના અર્થતંત્રને મજબૂત કરવાનું જ કામ કરે છે. ધામક સ્થળના વેપારીઓ અધિક માસમાં થતી આવકને ક્યારેક દિવાળીના તહેવારોમાં થતી આવક સાથે સરખાવે છે.