Editorial

દિલ્હીની પ્રદૂષિત હવા : ઘેર ઘેર બિમારી, સ્થિતિ વણસી રહી છે

By GS TEAM
16 Dec 20253 mins read
દિલ્હીની પ્રદૂષિત હવા : ઘેર ઘેર બિમારી, સ્થિતિ વણસી રહી છે

- પ્રસંગપટ

- દિલ્હીના 27 ટકા લોકો એર પ્યોરીફાયર વાપર છે

- કૃત્રિમ વરસાદનો પ્રયોગ નિષ્ફળ ગયા બાદ દિલ્હીની સરકાર હતાશ બની હોય એમ લાગે છે

દિલ્હીની પ્રદૂષિત હવા હવે ચર્ચાનું કેન્દ્ર બની છે. દિલ્હી-એનસીઆરનું પ્રદૂષણ ગયા શનિવારથી જોખમી બની ગયું છે. ગ્રેડેડ એક્શન રિસ્પોન્સ પ્લાન તરીકે ઓળખાતા હવાના પ્રદૂષણ લેવલને નાથવા ચોથા સ્તરનો પ્લાન અમલી બનાવાયો છે. હવાના પ્રદૂષણની સમસ્યા ઠંડીની સિઝનમાં વધુ ગંભીર બની રહી છે. દિલ્હીનો એર ક્વોલીટી ઇન્ડેક્સ (AQI) ચિંતા ઉપજાવી રહ્યો છે.  ગયા શનિવારે ઇન્ડિયા ગેટ અને કર્તવ્યપથ પર એક કેવોલીટી ઇન્ડેકસ ૪૦૭ પર પહોંચી ગયો હતો જ્યારે આનંદ વિહાર ખાતે ધૂમ્મસના કારણે  એર ક્વોલિટી ઇન્ડેક્સ ૪૮૮ને વટાવી ગયો હતો.

દિલ્હીના લોકો પણ હવાના પ્રદૂષણની સમસ્યા કેટલી ગંભીર છે તે સમજવા લાગ્યા છે. સમૃદ્ધ લોકો બહાર નીકળવાનું ટાળે છે જ્યારે મધ્યમ વર્ગ કામ પૂરતું જ બહાર જાય છે. શ્રમજીવી વર્ગ પાસે મહેનત કર્યા સિવાયનો કોઈ વિકલ્પ નથી હોતો તેવા લોકો પણ કામની સાઈટ પર મોડાં પહોંચે છે. દિલ્હીના પ્રદૂષણમાં થોડી પણ બેદરકારી બતાવનારની તબિયત બગડે છે. દિલ્હીમાં દરેક ઘરમાં એક વ્યક્તિ હવામાંના પ્રદૂષણથી બિમાર છે.

કોવિડ વખતે શરૂ કરાયેલા વર્કફ્રોમ હોમની સિસ્ટમ ફરી દિલ્હીમાં શરૂ થઈ ગઈ છે. સ્કૂલોએ ઓનલાઈન લેશનની સિસ્ટમ વિકસાવી છે. લોકો જરેલા છે પરંતુ હવામાંના પ્રદૂષણને અટકાવવામાં કોઈ સીધો ફાળો આપતા નથી. જેમકે ફટાકડાના પ્રદૂષણને અટકાવવા સરકારે પ્રતિબંધ મુક્યો હતો પરંતુ ફટાકડા ફોડાય તેમજ લગ્ન થઈ શકે એવી માન્યતાની પીડાતા લોકોએ દિલ્હીના આરોગ્યનું વિચાર્યા વિના દારૂખાનું ફોડયું હતું. બીજા દિવસે સવારે આખો વિસ્તાર ઝેરી હવાથી ઘેરાઈ ગયો હતો.

લગ્ન કરનારા અને ફટાકડા ફોડનારા રાતે જતા રહેલા પણ ઠંડીના કારણે હવાના શુદ્ધિકરણમાં બે દિવસ થયા હતા. સરકારે લોકોને વાહનો નહીં ચલાવવા જેવી સૂચનાઓ આપી છે પરંતુ કોઈ ગાંઠતું નથી. શોપિંગ મોલમાં સખત ભીડ હોય છે. હવાના શુદ્ધિકરણ માટે ફૂવારા ચાલુ રખાય છે પણ તેની કોઈ ખાસ અસર દેખાતી નથી.

આ એક એવો વિચિત્ર વિષય છે કે તેમાં રાજકીય ખેંચાખેંચીનો કોઈ અર્થ નથી કેમકે હવાનું પ્રદૂષણ કોઈને પણ છોડતું નથી. નજીકના રાજ્યમાં બળાતા ઘાસના પૂળા જોખમી બની ચૂક્યા છે.

દિલ્હીના દરેક ઘરમાં એક બિમાર છે. પ્રદૂષિત હવાના ભોગ બન્યા છે. કૃત્રિમ વરસાદનો પ્રયોગ નિષ્ફળ ગયા બાદ દિલ્હીની સરકાર હતાશ બની હોય એમ લાગે છે. દિલ્હીના નાના મોટા ઉદ્યોગ એકમોમાંથી નીકળતા ધૂમાડા બંધ કરી દેવાયા છે. લોકોને વાહનો ઓછા વાપરવાની સલાહ અપાઈ છે પરંતુ લોકોના ટોળેટોળાં જોવા મળે છે. ટ્રાફિક સિગ્નલો પર જોવા મળતી ભીડ એવું દર્શાવે છે કે કોઈ ઘેર બેસી રહેવા તૈયાર નથી. થોડા ઘણા પ્રદૂષણનો સામનો કરવા દરેક તૈયાર રહે છે.

દરેક ફેસ માસ્કનો ઉપયોગ કરે છે. બહુ ધૂમાડા વાળી જગ્યા પર નથી જતા. સ્કૂલો લગભગ બંધ જેવી હોય છે. પરીક્ષા જેવા કારણોસર વિદ્યાર્થીઓને બોલાવાય છે, રિવિઝન માટે પણ બોલાવાય છે. જોકે હવે દરેક સમજી ગયા છે કે દિલ્હીની હવા માનવજીવનને મુશ્કેલી ભર્યું બનાવી રહ્યાં છે.

દિલ્હીની સ્થિતિ એવી હોય છે કે સવારે હવાનું એક પાતળું લેયર છવાઈ જાય છે. સવારે મોર્નિંગ વોક પર જનારાની સંખ્યા અડધી થઈ ગઈ છે. એક તરફ શિયાળાની ઠંડી વધી છે તે બીજી તરફ ધૂમ્મસના કારણે લોકો સવારે ૧૦ વાગ્યા પછી બહાર નીકળે છે. દિલ્હીના ૨૭ ટકા લોકો એર પ્યોરીફાયર વાપર છે.

અહીં ઉલ્લેખનીય છે કે હવા પ્રદૂષણ મુક્ત ત્યારે કહેવાયકે જ્યારે તેની કોવોલિટીનો ઇન્ડેક્સ ૪૧ થી ૧૦૦ની વચ્ચે હોય. બહુ ટ્રાફિક કે વાવાઝોડા જેવું હોય તો ૧૦૧થી ૨૦૦ વચ્ચે જોવા મળે છે. ૨૦૧થી ૩૦૦ વચ્ચને ઇન્ડેકસ જોખમી કહેવાય છે ૩૦૧થી ૪૦૦નો ઇન્ડેક્સ વધુ  જોખમીની યાદીમાં આવે છે. ૪૦૧ થી ૫૦૦નો ઇન્ડેક્સ ચેતતા રહેવાનું સૂચવે છે. આપણે ગયા શનિવારના દિલ્હી-એનસીઆરના ઇન્ડેક્સની વાત કરીયે છીયે જે ૪૦૭ અને ૪૮૮ની વચ્ચે મપાયો હતો.