જો કોઈ કહે કે 'કોઈને કહેતા નહીં', તો તે ઠગાઈનું સૌથી મોટું હથિયાર

- વૃદ્ધો, આર્થિક રીતે સંપન્ન નાગરિકોને નિશાન બનાવાય છે
- પ્રસંગપટ
- 77 વર્ષની એક નિવૃત્ત મહિલા ડોક્ટરે 'ડિજિટલ અરેસ્ટ'નો શિકાર બની અને રૃા.૧૩ કરોડથી વધુ ગુમાવ્યા
દિલ્હીની ૭૭ વર્ષની એક નિવૃત્ત મહિલા 'ડિજિટલ અરેસ્ટ'નો શિકાર બની અને રૃા. ૧૩ કરોડથી વધુ ગુમાવ્યા. આ કિસ્સામાં, છેતરપિંડી કરનારાઓએ વોટ્સએપ વિડિયો કોલ દ્વારા પોલીસ અધિકારી અને જજ બનીને મહિલાને છેતરી હતી. મહિલાને ડરાવી-ધમકાવીને આ ઠગાઈ આચરવામાં આવી હતી. સમગ્ર દેશમાં આ પ્રકારના કૌભાંડો વધી રહ્યા છે. સામાન્ય રીતે છેતરપિંડી કરનારાઓ મુખ્યત્વે વૃદ્ધો, આર્થિક રીતે સંપન્ન અને ઇન્ટરનેટ તેમજ કાયદાની ઓછી જાણકારી ધરાવતા નાગરિકોને નિશાન બનાવે છે.
અહીં જેમને શિકાર બનાવાયા હતા તે નિવૃત્ત ડોક્ટર છે. તે હોંશિયાર હોવા છતાં ફસાયા હતા. અહેવાલ મુજબ, નિવૃત્ત ડોક્ટર એવી આ મહિલાને વોટ્સએપ પર એક વિડિયો કોલ આવ્યો હતો. વિડીયો કોલ કરનારા લોકો પોલીસના યુનિફોર્મમાં હતા અને તેમણે મહિલા પર મની લોન્ડરિંગ કેસમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે મહિલાને ધરપકડની ધમકી આપી અને પોતાને અસલી પોલીસ સાબિત કરવા માટે નકલી પોલીસ સ્ટેશન જેવું સેટઅપ પણ બતાવ્યું, જેમાં રાષ્ટ્ર ધ્વજ અને સરકારી ચિન્હો હતા.
થોડા દિવસો પછી મહિલાને એક 'વર્ચ્યુઅલ કોર્ટ'માં રજૂ કરવામાં આવી, જ્યાં એક વ્યક્તિ જજ બનીને બેઠો હતો. તેણે મહિલાને કાનૂની કાર્યવાહીની ધમકી આપી અને કહ્યું કે જો તેઓ સહકાર નહીં આપે તો તેમને સજા થઈ શકે છે. ઠગોએ મહિલાને સતત વિડિયો કોલ પર રહેવા માટે મજબૂર કરી, જેથી તે અન્ય કોઈની સાથે વાત ન કરી શકે અને સંપૂર્ણ રીતે તેમના નિયંત્રણમાં રહે. ઠગોએ આ આખી પ્રક્રિયાને 'ડિજિટલ અરેસ્ટ' ગણાવી હતી. તેમણે કહ્યું કે મહિલાની સંપત્તિની તપાસ કરવાની છે અને તે માટે પૈસા અલગ-અલગ ખાતામાં ટ્રાન્સફર કરવા પડશે.
આશરે ૧૬ દિવસ સુધી મહિલા સતત તેમના સંપર્કમાં રહી અને તેણે અનેક બેંક ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કર્યા. આ દરમિયાન ઠગોએ એટલું દબાણ બનાવ્યું કે મહિલા પરિવારના કોઈ સભ્ય કે પોલીસનો સંપર્ક કરી શકી નહીં. આ કૌભાંડમાં મહિલાએ લગભગ રૃા. ૧૩ કરોડ (આશરે ૧.૬ મિલિયન ડોલર) ટ્રાન્સફર કરી દીધા. જ્યારે અચાનક ઠગોનો સંપર્ક બંધ થયો, ત્યારે મહિલાને શંકા ગઈ અને તેણે પોલીસનો સંપર્ક કર્યો. કેટલાક સંકેતોથી સમજી જાઓ કે તમારી સાથે ઠગાઈ થઈ રહી છે :
૧. અજાણ્યો વિડિયો કોલ : સૌથી મોટી જોખમની નિશાની અજાણ્યો વિડિયો કોલ છે. જો ઉરચાજછૅૅ કે અન્ય કોઈ એપ પર યુનિફોર્મ પહેરેલા અધિકારી કે જજનો કોલ આવે, તો તરત જ કાપી નાખો અને સ્વતંત્ર રીતે નંબર વેરિફાય કરો.
૨. પૈસાની તાત્કાલિક માંગ : જો ફોન પર તરત જ પૈસાની માંગ કરવામાં આવે, તો સમજી લેવું કે આ ૧૦૦% કૌભાંડ છે. કોઈ પણ અધિકારી નાગરિક પાસે ઓનલાઈન કે વ્યક્તિગત રીતે તાત્કાલિક નાણાં ચૂકવવા માટે દબાણ કરતું નથી.
૩. પરિવારથી દૂર રાખવા : ઠગોની સૌથી મોટી ઓળખ એ છે કે તેઓ તમને પરિવારથી દૂર રાખે છે. જો કોઈ કહે કે 'કોઈને કહેતા નહીં', તો તે ઠગાઈનું સૌથી મોટું હથિયાર છે. આવા સંજોગોમાં તરત જ તમારા પરિવારજનોને જાણ કરો.
૪. નકલી સેટઅપ : ઠગ કેસને અસલી બતાવવા માટે નકલી યુનિફોર્મ પહેરીને અને કોર્ટ રૂમ જેવું વાતાવરણ બનાવીને ડરાવે છે. મોબાઈલ સ્ક્રીન પર દેખાતા પોલીસ સ્ટેશન, ઝંડા કે કોર્ટ સરળતાથી બનાવી શકાય છે, આ બધું માત્ર દેખાવો છે.
૫. ગોપનીય વિગતો : કોઈપણ બેંકિંગ અધિકારી કે કર્મચારી તમારા મોબાઈલ પર આવતા OTP, CVV, ATM PIN કે નેટ બેંકિંગ પાસવર્ડ ક્યારેય માંગતા નથી. જો કોઈ આ વિગતો માંગે તો સમજી જવું કે મોટું જોખમ છે.
૬. ઉતાવળ અને ડર : સાયબર ફ્રોડ કરનાર વ્યક્તિ તમને ઉતાવળ કરવા અને ડરામણી ભાષામાં વાત કરવા મજબૂર કરશે. ઠગ તમને કોઈ કાનૂની કાર્યવાહી વગર કેસ પતાવવાના નામે જલ્દી પૈસા ટ્રાન્સફર કરાવશે. આવા સંકેતો સ્પષ્ટપણે દર્શાવે છે કે તમારી સાથે સાયબર ઠગાઈ થઈ રહી છે.








