Editorial

જ્યાં રજનીકાન્ત - કમલ હાસન નિષ્ફળ ગયા ત્યાં વિજય સફળ

By GS TEAM
6 May 20263 mins read
જ્યાં રજનીકાન્ત - કમલ હાસન નિષ્ફળ ગયા ત્યાં વિજય સફળ

- પ્રસંગપટ

- સમર્થકોનાં ટોળાંને મતદારોમાં રૂપાંતરિત કરવાની કળા

- 'વિજય આર્મી' તરીકે ઓળખાતી વિજયની ૮૫,૦૦૦ ફેન ક્લબ તેમની વહારે આવી હતી 

જેટલી ઉજવણી ભાજપે પશ્ચિમ બંગાળ જીતીને કરી છે, એટલી જ ઉજવણીના હકદાર તમિળનાડુ જીતનાર વિજય જોસેફ પણ છે. તેમનો નવો પક્ષ ટીવીકે (૦૦૦) ભલે નવોસવો હોય, પણ તેમણે ડીએમકેને તમ્મર લાવી દીધા છે. વિજયે બહુ મોટી અને આશ્ચર્યભરી જીત મેળવી છે. જે કામ રજનીકાંત અને કમલ હાસન જેવા મહારથીઓ નહોતા કરી શક્યા, તે વિજયે ચપટી વગાડતાં જ કરી બતાવ્યું છે. જે વર્ષમાં પક્ષ સ્થાપ્યો, તે જ વર્ષમાં જાયન્ટ કહી શકાય તેવા ડીએમકે પક્ષ સામે ચૂંટણી લડીને તેને પરાસ્ત કર્યો છે. વિજયની પ્રગતિને ત્રણ કલાકની સાઉથની ફિલ્મ સાથે સરખાવી શકાય, જેમાં કોમન મેન પ્રજાનો અવાજ ઉઠાવ્યા પછી હીરો સીધો જ મુખ્ય પ્રધાન બની જાય છે.

તમિળનાડુમાં લોકોને ફિલ્મી હીરો વધુ પસંદ આવે છે. એમ.જી. રામચંદ્રન અને જયલલિતા જેવાં કલાકારો ફિલ્મી પડદેથી મુખ્યપ્રધાનની ખુરશી પર બેસી ગયાં હતાં અને પાકા રાજકારણી બની ગયાં હતાં. ત્યારબાદ રાજકીય સત્તા મેળવવા લાખોના લાડીલા રજનીકાંત અને કમલ હાસન જેવાઓએ પ્રયાસ કર્યો હતો. સમર્થકોનાં ટોળાને મતદારોમાં રૂપાંતરિત કરવાની કળા વિજયે હસ્તગત કરી છે. વિજય કરતાં અનેકગણા ફોલોઅર્સ રજનીકાંત પાસે હોવા છતાં રાજકારણમાં ટોપ પર પહોંચવાનું સપનું તેઓ સિદ્ધ કરી શક્યા નહોતા.

વિજયની કેટલીય ફિલ્મોમાં સરકાર સામેનાં આંદોલનો, ગરીબો તરફી અવાજ અને ગુંડાઓના સફાયા જેવી વાતો જોવા મળે છે. 'જો સરકારી અધિકારીઓ અને રાજકારણીઓ સરકારી હોસ્પિટલોમાં સારવાર લેતા થાય, તો  કોર્પોરેટ હોસ્પિટલોની મનમાનીનો અંત આવી જાય' - એવા ડાયલોગ વિજયની ફિલ્મોમાં જોવા મળે છે. 

 વિજયે તમિળનાડુ વિધાનસભાના જંગમાં ઝંપલાવવાની જાહેરાત કરી, ત્યારે શરૂઆતમાં કોઈએ એમને ગંભીરતાથી લીધા નહોતા. સત્તાધારી ડીએમકે પક્ષે તેમની મશ્કરી કરી હતી. તેમની અંગત જિંદગી વિશેના નકારાત્મક અહેવાલો પણ વહેતા થયા હતા. તમિળનાડુના ઇતિહાસ પર નજર કરીએ તો લોકો તેમના ફિલ્મી અભિનેતાઓને રાજકીય નેતાના રૂપમાં જોવા ઈચ્છતા હોય છે. એમ.જી.આર. અને જયલલિતાને મળેલી સફળતા જોઈને સાઉથના અન્ય અભિનેતાઓ પણ રાજકીય સત્તા મેળવવા મેદાનમાં કૂદી પડયા હતા, પરંતુ મોટાભાગના નિષ્ફળ રહ્યા.

વિજયની જીત પાછળ ડીએમકેની હિન્દુવિરોધી નીતિ તો જવાબદાર છે જ, તે  ઉપરાંત વિજયે આપેલાં ચૂંટણી વચનોએ પણ જીત અપાવી છે. ૭૦ ફિલ્મો કરનાર વિજયનું એક વચન એવું છે કે, 'હું મારી ફિલ્મી કરીયર છોડીને પ્રજાની સેવા કરીશ.' મતદારોને થયું કે આ માણસ ખરેખર આપણા માટે કામ કરશે. 

એક તરફ ડીએમકેના નેતાઓના આડાતેડાં નિવેદનોએ પ્રજાનો રોષ વહોરી લીધો હતો, તો બીજી તરફ વિકલ્પ શોધતા મતદારોને વિજયમાં પોતાનો રાજકીય લીડર નજરે પડયો હતો. રજનીકાંતે રાજકારણમાં પ્રવેશવા એકાદ દાયકા સુધી પ્રયાસ કર્યો, પણ અંતે સફળ ન થયા. તેમની સિગારેટ ઉછાળવાની રીત કે સનગ્લાસની સ્ટાઈલ પ્રેક્ષકોને ખુશ કરતી હતી, પરંતુ મતદારોને આકર્ષી શકી નહોતી.

કમલ હાસને રજનીકાંત કરતાં એક ડગલું આગળ વધીને પોતાના પક્ષ 'મક્કલ નિધિ  મૈયમ' (એમએનએમ) દ્વારા ૨૦૧૯ની લોકસભા અને ૨૦૨૧ની વિધાનસભા ચૂંટણી લડી હતી. જોકે, બંનેમાં તેમને એક પણ બેઠક મળી નહોતી. પક્ષની પકડ શહેરી વિસ્તારોમાં થોડી જોવા મળી હતી, પરંતુ કમલ હાસને પડદા પાછળ ડીએમકે સાથે હાથ મિલાવીને રાજ્યસભાનું પદ મેળવી લીધું. આ પછી તેમણે પોતાના પક્ષની સક્રિયતા ઘટાડી દીધી. વિજયની રાજકારણમાં એન્ટ્રી રજનીકાંત જેવી ભવ્ય નહોતી, પરંતુ તેની શરૂઆત સીધી ચૂંટણી જીત સાથે થઈ છે.

પોતે ડીએમકે કે અન્નાડીએમકે સાથે કોઈ જોડાણ કરવાના નથી, એમ કહીને તેણે લોકોનો વિશ્વાસ જીતી લીધો. વિજયે જાહેરમાં કહ્યું હતું કે, 'મારી ફિલ્મોમાં જેમ મેં ભ્રષ્ટાચારીઓ સામે ઝુંબેશ ચલાવી છે, એમ જ હું રાજકારણમાં કરીશ.' 

યુવા અને શહેરી મતદારોને આવી ડાયલોગબાજી પસંદ આવી. રજનીકાંત અને કમલ હાસનની કમનસીબી એ હતી કે તેઓ તેમનાં ભાષણમાં પ્રસ્થાપિત પક્ષોની આકરી ટીકા નહોતા કરતા, જેના કારણે મતદારો તેમને ગંભીરતાથી નહોતા લેતા. જ્યારે વિજયે શરૂઆતથી જ ડીએમકે અને અન્નાડીએમકેને ટાર્ગેટ બનાવ્યા. વિજયની ૮૫,૦૦૦ ફેન ક્લબ, જે  'વિજય આર્મી' તરીકે ઓળખાય છે, તે તેમની સૌથી મોટી તાકાત બની છે.