Editorial

ઘોંઘાટીયા મ્યુઝિક કોન્સર્ટનો નવો વિકલ્પ: ભજન ક્લબિંગ

By GS TEAM
2 Jan 20263 mins read
ઘોંઘાટીયા મ્યુઝિક કોન્સર્ટનો નવો વિકલ્પ: ભજન ક્લબિંગ

- 2026નો ટ્રેન્ડ:  યુવાનો ભક્તિ તરફ વળ્યા

- પ્રસંગપટ

- પાવાગઢમાં લાખો લોકો દર્શને પહોંચ્યા હતા તો દ્વારકામાં, સોમનાથ-ડોકારમાં પગ મૂકવાની જગ્યા નહોતી

૨૦૨૬માં બે નવા ટ્રેન્ડ જોવા મળશે. ૨૦૨૫માં તેના પાયા નખાયા હતા. એક ટ્રેન્ડ ભજન ક્લબિંગનો છે તો બીજો ટ્રેન્ડ જેન ઝેડ તરીકે ઓળખાતો યુવા વર્ગ ક્લબોના બદલે મંદિરોની દિશામાં વધુ  જઇ રહ્યો છે. ક્રિસમસના દિવસોમાં તેમજ વર્ષના છેલ્લા દિવસે  દેશના મોટો મંદિરોમાં ત્રણ કિલોમીટર લાંબી દર્શન માટેની લાઇનોમાં જુવાનીયા વધુ જોવા મળતા હતા. ગુજરાતની વાત કરીયેતો પાવાગઢમાં લાખો લોકો દર્શને પહોંચ્યા હતા તો દ્વારકામાં, સોમનાથમાં અને ડોકારમાં પગ મુકવાની જગ્યા પણ નહોતી.

ભજન ક્લબીંગેતો યુવાનોના દિલ જીતી લીધા છે. ભજન ક્લબિંગ એટલે આધુનિક સ્ટાઇલ અને સંગીતનો સંગમ. ભજન ક્લબિંગ એ ભારતના શહેરોમાં વ્યાપક પ્રમાણમાં ફેલાયેવો નવો ટ્રેન્ડ છે. શ્રીશ્રી રવિશંકરના અનુયાયીઓેએ આ સિસ્ટમ અપનાવીને યુવાધનને ભજનની ધૂન તરફ વાળ્યા હતા. ભક્તિ ગીતોને ઇલેકટ્રોનિક બીટ્સ સાથે અને ટેકનોલોજી  મિશ્રીત કરીને ભજનો એવી રીતે તૈયાર કરાયા છે કે તેને પોપ સીંગરની સ્ટાઇલમાં રજૂ કરાય છે અને યુવાનો ઝૂમી ઉઠે છે.

સિક્કાની બીજી બાજુ જેવો આ નવો ટ્રેન્ડ  છે. એક તરફ ક્લબ કલ્ચર ઉભું થઇ રહ્યું છે તો તેને પડકારતું ભજન ક્લબિંગનો ટ્રેન્ડ શરૂ થયો છે. ક્લબ કલ્ચરમાં જોવા મળતું ન્યૂસંસ ભજન ક્લબિંગમાં લગ્ગીરેય જોવા નથી મળતું. ભજન ક્લબિંગ અને રોક મ્યુઝિક વગેરે વચ્ચે બહુ મોટો ફર્ક હોય છે. રોક કોન્સર્ટમાં લોકો તગડા પૈસા ચૂકવીને ટીકીટ લે છે, ભાન ભૂલીને નાચતા હોય છે, ઠઠ્ઠા મશ્કરી ચાલતી હોય છે  અને હાજર રહેનારા માનસિક રીતે ત્રસ્ત બનીને બહાર આવતા હોય છે. કેમકે  કૂદાકૂદ અને કાન ફાડી નાખે તેવા મ્યુઝિક તેમને રોજીંદા જીવનથી ડાયવર્ટ જરૂર કરે છે પણ માનસિક શાંતિ નથી આપતા.

 જ્યારે ભજન ક્લબિંગમાં હાજર રહેનારા  દરેક માનસિક શાંતિનો અનુભવ કરતા હોય છે.  જેમણેે ભજન ક્લબિંગ સાંભળ્યા છે તે જાણે છેકે ભક્તિ અને આધુનિક સંગીતનો સમન્વય એટલો અસરકારક હોય છેકે હાજર સૌ હરિ ઓમના રટણ પર પણ નાચવા લાગે છે. ઇસ્કોનના મંદિરમાં હરે કૃષ્ણની ધૂન પર નાચતા વિદેશી ભક્તોને જોઇને ભારતનું યુવા ધન પણ નાચવા લાગે છે.

કોઇ પાર્ટીમાં બોલીવૂડના રીમીક્સ ગાયનોના આધારે  સ્ટેજ પરની ડાન્સર ઠૂમકા લગાવતી હોય અને ઓડીયન્સ ચીચીયારીઓ પાડતી હોય તે ટ્રેન્ડમાં વધારો થતો હતો કેમકે લોકો લગ્નોની પાર્ટીમાં મનોરંજન માટે આવી ડાન્સ પાર્ટીઓ રાખવા ટેવાયેલા હતા. હાઇ ફાઇ લગ્નોમાં આવી પાર્ટીઓ સામાન્ય બની ગઇ હતી પરંતુ ભજન ક્લબિંગના ટ્રેન્ડે આવી પાર્ટીઓને પડકારી છે.

યુવા વર્ગને પાર્ટી ગમે છે પરંતુ તે ઘોંઘાટ અને સેન્સલેસ સાબિત થઇ રહી હતી. તેમની પાસે ધ્યાન ડાયવર્ટ કરવાનો કે માનસિક પ્રફૂલીતતા માટેનો કોઇ વિકલ્પ નહોતા. હવે ભજન ક્લબિંગે તેમના માટે નવો વિકલ્પ ઉભો કરી આપ્યો છે જે સૌએ વધાવી લીધો હોય એમ લાગી રહ્યું છે. હરે કૃષ્ણા, ગોવિંદા-ગોવિંદા કે દિગંબરા-દિગંબરાની ધૂન પર ભારતનો યુવા વર્ગ કલાક સુધીની ધૂનમાં ભાગ લે ત્યારે દરેક આ નવો ટ્રેન્ડ આવકારે તે સ્વભાવિક બની જાય છે. મુંબઇ, હૈદ્રાબાદ, કોલક્ત્તા જેવા મેટ્રોસિટીમાં ભજન ક્લબિંગના કાર્યક્રમો જોવા મળે છે. 

આપણે ત્યાં કેટલાક ભજનીકોના ભજનો રોજ રાત્રે વિવિધ સોસાયટીઓમાં યોજાતા હોય છે. જ્યાં ૨૦૦-૫૦૦ની સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવતા હોય છે. ત્યાં કેટલાક ભજનો એટલા કર્ણપ્રિય હોય છે કે સાંભળનારા ઉભા થઇને નાચવા લાગે છે અને ભક્તિમાં લીન થઇ જાય છે. લોકો વિવિધ કારણોસર પોતાના ઘર પાસે ભજનો રાખે છે. જેમકે કુટુંબના વડિલની મૃત્યુ તિથિ હોય, શ્રધ્ધાંજલિ સભા હોય કે અન્ય પ્રસંગ હોય. અગિયારસ અને પૂનમ જેવા પવિત્ર દિવસોમાં તો ક્ટલાક સ્થળો પર કાયમી સ્તરે ભજનો હોય છે.  

તાજેતરમાં નવો ટ્રેન્ડ એવો ઉભો થયો છે કે યુવાનો મેરેજ અગાઉ યોજાતા ગરબા કે ડાન્સ જેવા કાર્યક્રમના બદલે લોકો ભજન સંધ્યા કરાવતા થયા છે. ભજન સંધ્યાનું આધુનિકીકરણ એટલે ભજન ક્લબિંગ. ધર્મની નજીક લઇ જતા નવા ટ્રેન્ડ આવકાર્ય છે.  તાજેતરમાં પ.બંગાળમાં હજારો લોકોએ ભેગા થઇને એક સાથે સામુહિક ગીતા પાઠ કર્યા હતા. સ્પર્ધાના યુગમાં દરેક ધ્યાન ડાયવર્ટ કરવાના પ્રયાસ કરીને માનસિક શાંતિ મેળવવાના પ્રયાસ કરે છે. યુવાધન માટે ભજન ક્લબિંગ નવતર વિકલ્પ છે.