ખેડૂતોના જીવનધોરણ સુધારવા માટે બિન-કૃષિ રોજગાર નિર્માણ એક માર્ગ

2023-24ના ગાળામાં દરેક મુખ્ય પાકની ઉપજમાં પ્રતિ હેકટર દ્વીઅંકી વધારો

- ઓપિનિયન - પી.ચિદમ્બરમ્
૧૯ જૂન, ૨૦૨૫ના નાણાં મંત્રાલયે પોતાના વિભાગની સલાહકાર સમિતિની બેઠક બોલાવી હતી. જૂન, ૨૦૨૪માં ૧૮મી લોકસભાની રચના બાદ આ કદાચ પ્રથમ જ બેઠક રહી હોવાનું મને લાગે છે. બન્ને ગૃહના સાંસદોમાંથી દરેક પક્ષો દ્વારા નોમિનેટ કરાયેલા સાંસદો આ સમિતિના સભ્યો છે. સરકાર ઈચ્છા રાખતી હોય તો આ એક ઉપયોગી યંત્રણા છે. આ બેઠકનું પ્રમુખપદ નાણાં પ્રધાન સંભાળે છે.
૧૯ જૂનના મળી ગયેલી બેઠક ઔપચારિક, હકીકતમાં વધુ પડતી ઔપચારિક અને સખત હતી. મુખ્ય આર્થિક સલાહકારે ૧૯ સ્લાઈડ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન (પીપીટી) કર્યું હતું. સભ્યો પાસે પ્રશ્નો તથા સૂચનો માગ્યા હતા. નાણાં સચિવે ટૂંકમાં માહિતી આપી હતી. પ્રશ્નો સામે કોઈ જવાબ અથવા ચોખવટો અપાઈ નહોતી. નાણાં પ્રધાને સમાપન ટિપ્પણી કરી હતી. કોઈપણ મુદ્દા પર ચર્ચા થઈ નહોતી.
પીપીટીની ૧૯મી સ્લાઈડમાં મુખ્ય આર્થિક સલાહકારે ચાર મુદ્દાઓ પર સભ્યો પાસેથી સૂચનો ઈચ્છયા હતા.
આ ચાર મુદ્દાઓ એટલે
- કૃષિ ઉત્પાદનમાં વધુ વધારો કેવી રીતે કરી શકાય,
- ફરજપાલન ખાસ કરીને ઉદ્યોગો પર ફરજપાલનના બોજા ઘટાડવા ડીરેગ્યુલેશન માટેના એજન્ડા,
-એઆઈ તથા ટેકને કારણે આવનારી ખલેલોને ધ્યાનમાં રાખી સ્કીલિંગ કાર્યક્રમોના સ્વીકાર, અને
-અર્થતંત્રની સુગઠીતતાને કેવી રીતે ઝડપી બનાવવી.
હું ઉપરછલ્લા સૂચનો કરવા માગતો નહતો. મેં આ ચાર મુદ્દાઓ પર મંથન કર્યું અને અહીં મારા સૂચનો જણાવું છુંઃ
કૃષિ ઉત્પાદનમાં વધુ વધારો કેવી રીતે કરવો
એક સ્લાઈડસમાં એમએસપી, પીએમ-કિસાન, પીએમ-ફસલ બીમા, કેસીસી, ઈ-નામ તથા ફૂડ પાર્કસનો ઉલ્લેખ કરાયો હતો. આ યોજનાઓ કાર્યક્ષમતા વધારવા અને તેમ કરીને ઉત્પાદન વૃદ્ધિ માટેની છે. ખેડૂતોના સશક્તિકરણ પરની અન્ય એક સ્લાઈડમાં મુખ્ય પાકો માટે પ્રતિ એકર ઉપજમાં વધારા અંગેના ડેટા જણાવાયા હતા. ૨૦૧૩-૧૪ થી ૨૦૨૩-૨૪ના ગાળામાં દરેક મુખ્ય પાકની ઉપજમાં પ્રતિ હેકટર દ્વીઅંકી વધારો થયો છે. હકીકતમાં ૧૯૬૫ની હરિયાળી ક્રાંતિના સમયથી જ આપણે યોગ્ય માર્ગે છીએ અને નહીં કે માત્ર ૨૦૧૩-૧૪થી. જો કે ઉત્પાદકતાન ું માપ વૈશ્વિક ધોરણ સાથે સરખાવવું રહ્યું. જે લેખ સાથેના કોઠામાં દર્શાવાયું છે.
ઉત્પાદકતાનું અન્ય પણ ગણિત છે- ખેડૂત/ખેત મજૂર દીઠ ઉત્પાદન. ભારતની વસતિના ૫૮ ટકા (ચીનમાં ૨૨ ટકાની સામે) લોકો કૃષિ તથા કૃષિ સંલગ્ન પ્રવૃત્તિઓ પર આધાર રાખે છે. માટે પ્રતિ ખેડૂત ઉત્પાદન સ્તર ભારતમાં ઘણું જ નીચું છે. સરેરાશ ખેડૂત માત્ર ગરીબ જ નહીં પરંતુ દેવા બોજ હેઠળ પણ છે. ખેડૂત દીઠ ઉત્પાદકતા વધારવાનો એક માર્ગ બિન-કૃષિ રોજગાર નિર્માણ કરવાનો છે અને લાખો ખેડૂતોને કૃષિમાંથી બિન-કૃષિ રોજગાર તરફ વાળી લેવા જોઈએ. પરંતુ શહેરી વિસ્તારમાં વ્યાપક બેરોજગારી અને ઉત્પાદન ક્ષેત્રની નબળી સ્થિતિને કારણે આ પ્રક્રિયા શરૂ થવા સાથે જ બંધ પડી ગયા જેવી છે. હકીકતમાં તાજેતરમાં એવા પણ ડેટા પ્રસિદ્ધ થયા હતા કે, શ્રમિકો ફરી પાછા કૃષિ ક્ષેત્ર તરફ વળી રહ્યા છે.
સૂચનઃ ઉત્પાદન ક્ષેત્રના વૃદ્ધિ દર અને વિસ્તરણમાં ઝડપ લાવવી જોઈએ.
ફરજપાલન ખાસ કરીને ઉદ્યોગો પર ફરજપાલનના બોજા ઘટાડવા ડીરેગ્યુલેશન માટેના એજન્ડા
૨૦૧૪-૧૫ બાદ મોદી સરકારે વધુ નિયંત્રણો ફરી ઊભા કર્યા છે. આરબીઆઈ, સેબી, કંપની બાબતોના મંત્રાલય, વાણિજ્ય મંત્રાલય, આવક વેરા વિભાગ, યુજીસી તથા અન્ય મંત્રાલયો અને સરકારી વિભાગોમાં અસંખ્ય નિયમો અને નિયમનો ઘડી કઢાયા છે. અંકૂશની જુની પદ્ધતિ નિયમનના સ્વરૂપમાં પાછી આવી છે. વિવાદ તથા તકરારો મારફત સરકારી યંત્રણાઓ સત્તાનો ઉપયોગ કરી રહી છે. ભારતમાં વેપાર કરવાનો અર્થ પડકારભર્યા નિયમનો અને આદેશો તથા અદાલતોમાં ન્યાય માગવા જવું. જીએસટી કાયદાએ વેપારમાં બોજ વધાર્યો છે. જીએસટીના ઊંચા અને અનેક દરોએ સ્થિતિ ખરાબ કરી છે. જીએસટી હેઠળના નિયમો, નિયમનો, નોટિફિકેશન્સ, ફોર્મ્સ તથા ફરજપાલનો જટિલ છે. આવક વેરા, કસ્ટમ્સ, ડીજીએફટી તથા જીએસટી વિભાગ દ્વારા કાયદાના જે રીતે અર્થઘટન કરવામાં અને લાગુ કરવામાં આવે છે તેનાથી વેપારીઓ પરેશાન છે. સીબીઆઈ, ઈડી, ડીઆરઆઈ, જીએસટી એન્ફોર્સમેન્ટ તથા એસએફઆઈઓ દરેક વેપારીઓને શંકાની નજરે જુએ છે. વેપાર અને ઉદ્યોગને દેશના અર્થત્રના મુખ્ય ચાલક બળ જાળવવા હશે તો તેઓ જે વાતાવરણમાં કામ કરી રહ્યા છે ત્યાંગૂંગળામણો દૂર કરવાની રહેશે.
સૂચનઃ દરેક સ્થળે આનંદસૂચક હોળી પ્રગટાવો, બાળવા માટે પૂરતો કચરો મળી રહેશે.
એઆઈ તથા ટેકને કારણે આવનારી ખલેલોને ધ્યાનમાં રાખી સ્કીલિંગ કાર્યક્રમોના સ્વીકાર
એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટસ વાંચી જુઓ. શાળાના બાળકોમાં વાંચન, લેખન તથા ગણિતમાં સ્કીલ્સનું સ્તર ભયાનક છે જે ટેકનોલોજિકલી સશકત સમાજની દલીલને નકારે છે. યુજીસી, એનટીએ તથા એનએએસીની ત્રિપુટીએ યુનિવર્સિટીઓની પ્રતિભા- સ્વાયતતાને લૂંટી લીધી છે. આને કારણે સારી શિક્ષકો, વિદ્વાનો અને સંશોધનકારો વિદેશ ચાલી ગયા છે. કેન્દ્ર તથા રાજ્ય સરકારોએ યુનિવર્સિટીઓના હાથપગ બાંધી દીધા છે અને તેમને ભંડોળથી વંચિત રખાઈ રહી છે. યુનિવર્સિટીઓમાં શિક્ષકોના હજારો હોદ્દા ખાલી છે. ૩૧ ઓકટોબર, ૨૦૨૪ના સંસદમાં એક પ્રશ્નના ઉત્તરમાં કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં ૫૧૮૨ શિક્ષક હોદ્દા ખાલી હોવાનું જણાવાયું હતું. આ પેચીદા મુદ્દાઓના ઉકેલ લાવવાનું નાણાં મંત્રાલયના ગજા બહાર રહેવાનો મને ડર છે.
સૂચનઃ મુખ્ય આર્થિક સલાહકાર કરવાના રહેતા કામની યાદીમાંથી આ મુદ્દાને બાકાત કરે તેવી શકયતા.
અર્થતંત્રની સુગઠીતતાને કેવી રીતે ઝડપી બનાવવી.
મુખ્ય આર્થિક સલાહકારના મત પ્રમાણે અર્થતંત્રની સુગઠીતતા એટલે શું? અસંગઠીત અર્થતંત્રમાં ચાલતી પ્રવૃત્તિઓને શું તેઓ સુગઠીત કરવા માગી રહ્યા છે. સૂચનઃ સ્પષ્ટતાના અભાવે હું કોઈ સૂચન કરવા માગતો નથી. કૃપા કરી કરાયેલા સૂચનોનો યા તો સ્વીકાર અથવા અસ્વીકાર કરો, પરંતુ તેને અવગણો નહીં.
|
પાક |
ભારત (પ્રતિ હેક્ટર કી.ગા.) |
વૈશ્વિક સરેરાશ |
વિશ્વમાં શ્રેષ્ઠ |
સરેરાશ/શ્રેષ્ઠ |
|
ઘઉં |
૩૫૫૯/૫૦૪૫ |
૩૫૪૮ |
યુરોપ/ઈજિપ્ત |
૬૫૦૦-૭૭૦૦ |
|
ચોખા |
૨૮૮૨/૪૫૧૬ |
૪૭૦૦ |
ચીન |
૬૫૦૦ |
|
મકાઈ |
૩૩૫૧/૬૨૩૯ |
૫૮૨૪ |
અમેરિકા |
૧૦૫૩૨ |
|
શેરડી |
૮૪૯૦૬/૧૦૫૦૦૦ |
૭૫૦૦૦ |
બ્રાઝિલ |
૭૫૦૦૦ |
|
કપાસ |
૪૪૩/૬૦૨ |
૧૦૪૦ |
ચીન |
૨૨૫૨ |








