Editorial

વકફ (સુધારિત) ધારાની કેટલીક જોગવાઈઓને અપાયેલા સ્ટે સરકાર માટે લપડાક સમાન

By GS TEAM
21 Sep 20255 mins read
વકફ (સુધારિત) ધારાની કેટલીક  જોગવાઈઓને  અપાયેલા સ્ટે  સરકાર માટે લપડાક સમાન

- સર્વ ધર્મ સમભાવની દેશની ઓળખને જાળવી રાખવા અને તેનું રક્ષણ થવું જરૂરી

- વિશ્વ ભારતને દેશના કાયદા, સરકારી પગલાં અને લોકોની સામાજિક  વર્તણૂંકની નજરથી નિહાળશે


- ઓપિનિયન - પી.ચિદમ્બરમ્

સંસદ દ્વારા પસાર કરાયેલા કોઈ કાયદાની એક જોગવાઈ પણ જ્યારે સુપ્રીમ કોર્ટ અથવા હાઈ કોર્ટ દ્વારા રદબાતલ કરી નાખવામાં આવે છે ત્યારે તેને સંબંધિત સરકાર અને સાંસદોના ચ્હેરા પર એક લપડાક તરીકે ગણવામાં આવે છે. સંસદમાં લવાતા ખરડાની જોગવાઈઓ બંધારણની જોગવાઈઓના ભંગ સમાન છે તેવી દલીલ કરીને તેનો વિરોધ કરવામાં આવ્યા બાદ પણ સરકાર સંસદમાં તે ખરડાને પસાર કરાવી નાખે છે અને પછી તે જ ખરડો રદ થઈ જાય છે ત્યારે તેને સરકારની મોટી નાલેશી માનવામાં આવે છે. આપણે એક અતિ ખરાબ સ્થિતિ વિચારીએઃ સંસદમાં આવતા કોઈ ખરડાનો જ્યારે વિરોધ થાય છે અને તેને સંયુકત સંસદીય સમિતિ સમક્ષ પાઠવી દેવામાં આવે છે અને,સંસદીય સમિતિના કેટલાક સભ્યો  સદર ખરડો મંજુર કરવા  સંસદ સક્ષમ નથી એવી તથા અન્ય દલીલો કરી સદર ખરડા સામે વિરોધ કર્યા પછી પણ સરકાર તેમના દરેક વાંધાઓને બાજૂ પર મૂકી સદર ખરડાને પસાર કરી નાખે છે અને ત્યાર બાદ કોઈ કોર્ટ દ્વારા  સદર ખરડાની જોગવાઈઓ રદ કરી નાખે છે અથવા તો રદ કરે છે ત્યારે તે સંબંધિત સરકાર માટે મોટુ અપમાન બની જાય છે.


બંધારણથી ઉપર કંઈ નથી

ઉપર જણાવેલી વાત વકફ (સુધારા) કાયદા, ૨૦૨૫ને લગતી છે. ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૫ના સુપ્રીમ કોર્ટે સદર કાયદાની કેટલીક મહત્વની જોગવાઈઓ પર સ્ટે આપ્યો છે. આમ છતાં સરકાર પોતાનો બચાવ કરી રહી છે અને  મુસ્લિમ પરસનલ લોના આંતરિક ભાગમાં સુધારા કરવાના પોતાના પ્રયાસોને સુપ્રીમ કોર્ટેે બહાલી આપી છે એમ જણાવી પોતાની પ્રશંસા કરી રહી છે. 

સંસદમાં મે ઉઠાવેલા કેટલાક પ્રશ્નોના સરકાર તરફથી કોઈ ઉત્તર અપાયા નહોતા. ખરડાની જોગવાઈઓનો માત્ર બચાવ કરાયો હતો. જો કે સુપ્રીમ કોર્ટે અમારા પ્રશ્નોના વચગાળાના જવાબ આપ્યા છે.

૧. સદર ધારા હેઠળ, એક વ્યક્તિ જે વકફની રચના કરે તેણે, ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી ઈસ્લામનું પાલન કર્યું છે તે દર્શાવવાનું રહેશે. અમે સવાલ કર્યો હતો કે, એક વ્યક્તિ ઈસ્લામનું પાલન કરે છે તે તેણે કઈ રીતે દર્શાવવાનું રહેશે?  એક વ્યક્તિએ ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી ઈસ્લામનું પાલન કર્યું છે કે નહીં તે નિશ્ચિત કરવા માટેની યંત્રણા પૂરી પાડવા રાજ્ય સરકારો દ્વારા જ્યાંસુધી નિયમો ઘડવામાં ન આવે ત્યાંસુધી કલમ ૩ના કલોઝ (આર)ના એક ભાગને સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે. 

૨. વકફને સમર્પિત કરાયેલી પ્રોપર્ટી જો સરકારની પ્રોપર્ટી હોવાનો દાવો કરવામાં આવે તો  તે દાવા પર સરકારી અધિકારીએ નિર્ણય આપવાનો રહેશે અને તે જ્યાંસુધી નિર્ણય ન આપે ત્યાંસુધી સદર પ્રોપર્ટી વકફની માલિકીની નહીં ગણાય અને   જો સદર પ્રોપર્ટી સરકારની છે તેવો તે ચુકાદો આપે તો તેણે આ અંગે રેવેન્યુ રેકોર્ડસમાં સુધારો કરવાનો રહેશે. અમે સવાલ કર્યો હતો કે આમાં શું સરકાર પોતે જ પોતાની માટે જજ નહીં બની જાય? કલમ ૩સીના સબ-સેકશન (૨), સબ-સેકશન (૩) અને સબ સેકશન (૪)ની જોગવાઈને સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે. 

૩. એક વખત રેવેન્યુ રેકોર્ડસમાં સુધારો કરી દેવાયા પછી, વકફ સદર પ્રોપર્ટી પરના પોતાના ટાઈટલને ગુમાવી દેશે. અમે સવાલ કર્યો હતો કે આ કૃત્ય વહીવટી પગલાં મારફત વકફની પ્રોપર્ટી હસ્તગત કરી લેવાઈ છે એવું કહી નહી શકાય? આ બાબતે સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો છે કે, જ્યાંસુધી  જ્યુડીશિઅલ એપેલેટ ટ્રીબ્યુનલ અને સંબંધિત હાઈકોર્ટ દ્વારા આ મુદ્દા પર અંતિમ નિર્ણય ન આવે ત્યાંસુધી મજકૂર રેકોર્ડસમાં સુધારા નહીં કરી શકાય અને વકફ સદર પ્રોપર્ટીનો નિકાલ નહીં કરે અને થર્ડ પાર્ટી હક ઊભા નહીં થઈ શકે.

૪.  સ્ટેટ  બોર્ડ ઓફ વકફસ અને  સેન્ટ્રલ વકફ કાઉન્સિલમાં  નોન-મુસ્લિમની નિમણૂંક કરી શકાશે અને કયારેક ચીફ એક્ઝિકયૂટિવ  ઓફિસર  તરીકે પણ, એવી સદર સુધારિત ખરડામાં કરાયેલી જોગવાઈ મારી દ્રષ્ટિએ એક અટકચાળો છે. અમે  સવાલ કર્યો હતો કે અન્ય ધર્મોનું સંચાલન કરતી સંસ્થાઓને લગતા કાનૂનોમાં આવા પ્રકારની જોગવાઈઓને ઉમેરવામાં આવશે કે કેમ? હિન્દુ ધર્મ અને ચેરિટેબલ સંસ્થાઓ પર મુસ્લિમ અથવા ખ્રિસ્તીની નિમણૂંક કરાશે કે કેમ? જો કે સુપ્રીમ કોર્ટે આ જોગવાઈ પર સંપૂર્ણ સ્ટે નથી આપ્યો પરંતુ  સેન્ટ્રલ વકફ કાઉન્સિલના ૨૨ સભ્યોમાં ૪ થી વધુ નોન-મુસ્લિમ નહીં રાખવા અને સ્ટેટ બોર્ડ ઓફ વકફસના ૧૧ સભ્યોેમાં ત્રણથી વધુ નોન-મુસ્લિમ નહીં રાખવા જણાવ્યું છે. એટલું જ નહીં ચીફ એક્ઝિકયૂટિવ ઓફિસર તરીકે બને ત્યાંસુધી મુલ્સિમની જ નિમણૂંક થાય તે માટે દરેક પ્રયાસો કરવા સૂચના આપી છે. 

જખમોની સારવાર

વકફ (સુધારિત) ધારા, ૨૦૨૫ને સંપૂર્ણ રીતે અથવા તેની મુખ્ય જોગવાઈઓ પર વચગાળાનો સ્ટે આપવા કરાયેલી અરજી પર સુપ્રીમ કોર્ટે ત્રણ દિવસ સુધી દલીલો સાંભળી હતી. સ્ટે માટેની એક અરજી પર ત્રણ દિવસ સુધી સુનાવણી હાથ ધરવાનું સુપ્રીમ કોર્ટ માટે આ અસામાન્ય હતું. આ કેસ જ્યારે અંતિમ સુનાવણી માટે હાથ ધરવામાં આવશે ત્યારે વધુ રજૂઆતો સાંભળવામાં આવશે. તે દરમિયાન, આ સરકારના લક્ષણોને ધ્યાનમાં રાખતા, તે તેના જખમોની સારવાર કરશે અને  હિન્દુત્વ એજન્ડાને આગળ ધપાવવા માઈનોરિટીસ પર વધુ હુમલાનો કારસો રચશે. 

સર્વ ધર્મ સમભાવની દેશની ઓળખને જાળવી રાખવા અને તેનું રક્ષણ કરવા માગતી હોય તેવી દરેક વ્યક્તિએ સદર વકફ (સુધારિત) ધારાની સામે અવાજ ઉઠાવવો જોઈએ. 

ભારતની લોકસંખ્યા

૨૦૨૫ના શ્રેષ્ઠ અંદાજમાં  દેશની કુલ  લોકસંખ્યામાં મુસ્લિમ સમુદાયના લોકોની સંખ્યા ૨૦.૨૦ કરોડ અને ખ્રિસ્તી સમુદાયના લોકોની  સંખ્યા ૩.૨૦ કરોડ મૂકવામાં આવી છે. જ્યારે હિન્દુવાદ એક સૌથી જુનો ધર્મ છે પરંતુ વિશ્વમાં ખ્રિસ્તી તથા ઈસ્લામ ધર્મને અનુસરનારાઓની સંખ્યા સૌથી વધુ છે. આપણે ધર્મનિરપેક્ષ તથા સહનશીલ છીએ તેવું માનીએ છીએ, પરંતુ વિશ્વ ભારતને દેશના કાયદા, સરકારી પગલાં અને લોકોની સામાજિક  વર્તણૂંકની નજરથી નિહાળશે. વકફ (સુધારિત) ધારા, ૨૦૨૫થી વિશ્વની નજરમાં ભારતનું નામ ખરડાયું છે.