ચૂંટણી પંચ શંકાના ઘેરામાં : બિહારમાં મતદાર યાદીમાં સુધારા મુદ્દે નિષ્ઠા સામે સવાલ

- શંકાસ્પદ સુધારા અભિયાનને કારણે સ્વતંત્રતાની વિરાસત ઝંખવાઈ
- ભૂતકાળમાં ચીફ ઈલેક્શન કમિશનર ટી.એન.શેષનને કારણે પંચની સ્વતંત્રતા, પ્રમાણિકતા અને નિષ્પક્ષતા વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ હતા

- ઓપિનિયન - પી.ચિદમ્બરમ્
૧૯૯૧ અને ૧૯૯૬ વચ્ચે લોકપ્રિય મત લેવામાં આવે તો ચૂંટણી પંચને બંધારણીય કોર્ટ કરતા પણ ચોક્કસ દેશની સૌથી ઉત્કૃષ્ટ અને અસરકારક સંસ્થા તરીકે મત મળ્યા હોત. એ સમયના ચીફ ઈલેક્શન કમિશનર ટી.એન.શેષનને કારણે પંચની સ્વતંત્રતા, પ્રમાણિકતા અને નિષ્પક્ષતા વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ હતા. શેષન પછી જે કમિશનરોએ મક્કમપણે આ ત્રણ ગુણોની રક્ષા કરી તેમાં એમ.એસ.ગિલ, જે.એમ.લીંગડોહ, ટી.એ.એસ.કૃષ્ણમૂર્તિ, નવીન ચાવલા અને એસ.વાય.કુરૈશી સામેલ હતા. અન્ય કમિશનરો આવતા જતા રહ્યા, ક્યારેક નમી પડયા તો ક્યારેક મક્કમ રહ્યા. જો કે છેલ્લા બાર વર્ષમાં નિયુક્ત થયેલા કમિશનરો બંધારણની દ્રષ્ટિએ વિનાશકારી રહ્યા છે.
સ્વતંત્રતા
ચૂંટણી પંચ સ્વતંત્ર સંસ્થા છે. પ્રારંભિક વર્ષોમાં ચૂંટણીનું આયોજન પડકારજનક નહોતું. લોકો પોતાના નેતાઓની મરજી મુજબ મત આપતા, કેટલાક વર્ગોને તો મત આપવાની મંજૂરી પણ નહોતી, પણ તેઓ ફરિયાદ કરવા માટે અતિશય ગરીબ અને અસહાય હતા તેમજ કોંગ્રેસ સામે કોઈ પડકાર નહોતો. ૧૯૬૭ પછી ચૂંટણીઓ પડકારજનક બની. ૧૯૬૫ અને ૨૦૧૪ વચ્ચેની સરકારો પંચની કામગીરીમાં હસ્તક્ષેપ નહોતી કરતી, અને મને સરકારના હસ્તક્ષેપની કોઈ ફરિયાદ થઈ હોવાનું પણ યાદ નથી. રાજ્ય વિધાનસભાની કેટલીક ચૂંટણીઓમાં ઘાલમેલની ફરિયાદ હતી પણ આ ફરિયાદો કેન્દ્રમાં શાસન કરતા કોઈ રાજકીય પક્ષ સામે નહિ પણ ચૂંટણી પંચની અસક્ષમતા સામે હતી.
૨૦૧૪માં લોકસભાની ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી હતી. ત્યાર પછી લોકસભા અથવા રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓમાં અસક્ષમતા, ઘાલમેલ અને છેતરપિંડીની વ્યાપક ટીકા થઈ. ૨૦૧૪ પછી ચૂંટણી પંચે અનેક પડકારોનો સામનો કરવો પડયો અને તેની પ્રતિષ્ઠા ગંભીર રીતે ઝાંખી પડી.
નવેમ્બર ૨૦૨૪માં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના સંદર્ભે, મતદાર યાદીઓ વિવાદનો વિષય બની. આરોપ એવા છે કે ૧) મતદાર યાદીમાં અસાધારણ રીતે નવા અને કદાચ ભૂતિયા નામો ઉમેેરવામાં આવ્યા અને ૨) મતદાન સમય પૂરો થયા પછી અસાધારણ રીતે મોટી સંખ્યામાં લોકોને મત આપવા દેવાયો. પંચે બંને આરોપો સામે પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો પણ ચૂકાદો આવી ચુક્યો છે.
પ્રમાણિકતા
બિહારમાં વધુ એક રસાકસીભરી ચૂંટણી યોજાઈ રહી છે અને આગામી વર્ષે વધુ યોજાશે. રાજ્યમાં ચૂંટણીને માંડ ચાર મહિના બાકી છે ત્યારે પંચે મતદાર યાદીનું સ્પેશિયલ ઈન્ટેન્સીવ રિવિઝન (એસઆઈઆર) શરૂ કર્યું છે. આ પગલુ અસાધારણ અને અણધાર્યું છે. સામાન્ય રીતે મતદાર યાદીમાં સુધારા વર્ષની પહેલી જાન્યુઆરીના રોજ કરવામાં આવે છે અને સમરી સુધારા ચૂંટણીની પૂર્વ સંધ્યાએ કરવામાં આવે છે. સમરી સુધારામાં નવા અને બાકી રહી ગયેલા મતદારોના નામ ઉમેરવામાં આવે છે જ્યારે મૃતક અથવા કાયમ માટે સ્થળાંતર કરી ગયેલા મતદારોના નામ કાઢી નાખવામાં આવે છે. મોટાભાગના વર્તમાન મતદારોના નામ અકબંધ અને અછૂતા રહે છે. ઉપરાંત ઉમેરા અને બાદબાકી રાજકીય પક્ષોની પૂરી જાણકારી અને હિસ્સેદારી દ્વારા કરવામાં આવે છે. ઉમેરાના પ્રત્યેક કિસ્સાની ચીવટપૂર્વક તપાસ કરવામાં આવે છે અને બાદબાકીના પ્રત્યેક કિસ્સાનો નિર્ણય પૂરી સુનાવણી પછી કરવામાં આવે છે.
એસઆઈઆર અલગ છે. તેમાં અસરકારક રીતે વર્તમાન મતદાર યાદીમાંથી બાદબાકી કરવામાં આવી છે. એસઆઈઆર ૨૦૦૩ની મતદાર યાદી પર આધારીત હોવાના દાવા છતાં, તે અસરકારક રીતે શૂન્ય આધારે શરૂ કરાઈ અને પ્રત્યેક મતદાર સંઘ માટે નવી યાદી બનાવવામાં આવી. ઉપરાંત જવાબદારી મતદાર પર નાખવામાં આવી. વર્તમાન યાદીમાં તેનું નામ હોવા છતાં અને ૨૦૨૦ બિહાર વિધાનસભાની ચૂંટણી અથવા ૨૦૨૪ લોકસભાની ચૂંટણીમાં મતદાનનો અધિકાર હોવા છતાં (મોટાભાગના કિસ્સામાં તેણે મતદાન કરેલું), તેણે પોતાની નાગરિકતા સાબિત કરતા દસ્તાવેજો સાથે નામ ઉમેરવા માટે અરજી કરવી પડશે. અને આ તમામ ૨૫ જૂન અને ૨૬ જુલાઈ વચ્ચે કરવાની અપેક્ષા રખાઈ છે.
નિષ્પક્ષતા
આ સમગ્ર કવાયતનો હેતુ યાદીમાં નામ ઉમેરવામાં સહાય કરવાનો નથી પણ નામ ઉમેરવા અને મત આપવાના પથમાં પાર ન કરી શકાય તેવા અવરોધો સર્જવાનો છે.
પંચે નાગરિકતાના પુરાવા તરીકે ૧૧ દસ્તાવેજો નિર્ધારીત કર્યા છે જેમાંથી ચારમાં જન્મ સ્થળની માહિતી નથી હોતી અને બે દસ્તાવેજ બિહારમાં કોઈપણ વ્યક્તિને અપાયા નથી. એટલે નાગરિકતા સાબિત કરવા અસરકારક રીતે માત્ર પાંચ દસ્તાવેજ (મહેસૂલ અધિકારીઓ દ્વારા અપાતા જ્ઞાાતિ પ્રમાણપત્ર સહિત) બાકી રહે છે. પાસપોર્ટ, જન્મ પ્રમાણપત્ર અથવા સરકારી કર્મચારીનું આઈડી બિહારની માત્ર ૨.૪ થી પાંચ ટકા વસતી પાસે હોય છે. જે દસ્તાવેજોની ગેરહાજરી ખૂંચે છે તેમાં ૧) આધાર, ૨) ચૂંટણી પંચે આપેલું એપિક અથવા મતદાન ઓળખ કાર્ડ અને ૩) રાશન કાર્ડ. સુપ્રીમ કોર્ટે આ ત્રણ દસ્તાવેજો એસઆઈઆરના હેતુ માટે કેમ સામેલ ન કરી શકાય તેવું પૂછ્યું ત્યારે પંચ પાસે કોઈ જવાબ નહોતો. કટાક્ષ એ વાતનો છે કે કે રહેણાંક અને જ્ઞાાતિ પ્રમાણપત્રો મહેસૂલ અધિકારીઓ દ્વારા આધાર કાર્ડના આધારે આપવામાં આવે છે, જ્યારે રહેણાંક અથવા જ્ઞાાતિ પ્રમાણપત્રો એસઆઈઆર માટે માન્ય છે પણ આધાર ગેરમાન્ય છે.
એસઆઈઆરનો એકમાત્ર તર્કસંગત હિસ્સો છે મૃતક વ્યક્તિઓ અને બે વાર દાખલ થયેલા નામો હટાવવા. પંચનું અનુમાન છે કે ૧૭.૫ લાખ મતદારોએ સ્થળાંતર કર્યું છે પણ તેનો અર્થ એવો નથી થતો કે તેઓ બિહારમાં નથી રહેતા અથવા મતદાન કરવા બિહાર પાછા નહિ આવે. બિહારના ચૂંટણી અધિકારીએ રાજ્ય બહાર ગયેલા મતદારો માટે ૧૫ જુલાઈએ ફોર્મ અપલોડ કર્યું અને સમગ્ર કવાયત ૨૬ જુલાઈ સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા રાખે છે.
આ સમગ્ર પ્રકરણનો અનિવાર્ય નિષ્કર્ષ યોગ્ય નાગરિકોને નોંધણી અને મતદાન કરવા સક્ષમ બનાવવા માટે નથી. તે લાખો ગરીબ, હાંસિયામાં ધકેલાઈ ગયેલા અથવા સ્થળાંતરિત નાગરિકોને મતાધિકારથી વંચિત રાખવાનું એક ભયાવહ ષડયંત્ર છે. ૨૮ જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પર બધુ નિર્ભર છે.








